ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનો આજરોજ ૬૮મો સ્થાપનાદિન યોજવામાં આવ્યો હતો. ૨૦મી જૂન ૧૯૫૬માં હરિલાલ અચરતદાસ ધ્વારા મળેલ દાનથી અમદાવાદમાં બીજી કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી હતી. જયારે ગુજરાત રાજ્યની સ્થાપના પણ નહોતી થઈ ત્યારે સમાજમાં વહેપાર તથા ધંધા રોજગાર સંદર્ભે કોમર્સ કોલેજની ડીમાન્ડ હતી. માત્ર ૬૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ કોલેજમાં માત્ર એક જ વિદ્યાર્થીની હતી. આ વિદ્યાર્થીઓમાં ૧૨ થી ૧૫ વિદ્યાર્થીઓ સાયકલ લઈને કોલેજ આવતા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે નિષ્ઠાવાન પ્રાધ્યાપકો, સંન્નિષ્ટ આચાર્યો, શિસ્તબધ્ધ વિદ્યાર્થીઓ તથા જીએલએસ મેનેજમેન્ટના સહયોગથી આજે કોલેજે ઘણા શિખરો સર કર્યા છે. સમગ્ર ગુજરાતમાં ચોથી સાયકલમાં નેકનું એક્રેડીટેશન મેળવ્યુ હોય તેવી પ્રથમ કોમર્સ કોલેજ છે. જે સમગ્ર ગુજરાતના શૈક્ષણીક જગતમાં ગૌરવ સમાન છે. એચ.એ.કોલેજ છેલ્લા ૧૦ વર્ષથી રાષ્ટ્રીય મેગેઝીનોના સર્વેમાં શ્રેષ્ઠ કોમર્સ કોલેજ તરીકે સ્થાન મેળવે છે. કોલેજનું પરિણામ ૯૫% થી પણ વધુ આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અવેરનેસના પ્રોગ્રામ્સ યોજાય છે. આજે એચ.એ.કોલેજમાંથી શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સમાજના અગ્રણી ઉધોગપતિઓ, વકીલો,ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ, તથા સરકારી અધિકારીઓ તરીકે બિરાજમાન છે. એચ.એ.કોલેજના ૬૮મા સ્થાપનાદિન નિમિત્તે પૂર્વ વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ તથા પૂર્વ અધ્યાપકોએ કોલેજને શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ધ્વારા કેક કાપી સેલીબ્રેશન કર્યું હતુ. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ.