ગુજરાતના વરિષ્ઠ વિચારક અને જાણીતા સાહિત્યકાર એવમ કટાર લેખક શ્રી ગુણવંત શાહ ની તબિયત થોડા સમયથી નાદુરસ્ત રહેતી હતી. તેઓ હોસ્પિટલ થી સ્વસ્થ થઈ પરત ફર્યા બાદ બાપુને યાદ કરતા હતા. આજે પૂજ્ય બાપુએ વડોદરા એમના નિવાસ્થાને એમની શુભેચ્છા મુલાકાત લઇ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. મોરબી શ્રી ગુણવંતભાઈ ઝડપથી એમનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી લે તેવી શ્રી હનુમાનજી ના ચરણોમાં પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી હતી અને કહ્યું હતું કે આ વિચાર યજ્ઞના આચાર્ય હજુ લાંબો સમય ગુજરાતને પોતાના વિચારો આપતા રહે એવી હું ભાવના વ્યક્ત કરું છું.
એ જ પ્રમાણે ગુજરાતના જાણીતા આખ્યાન કાર પૂજ્ય ધાર્મિકલાલ પંડ્યા ની પણ શુભેચ્છા મુલાકાત આજે પૂજ્ય બાપુએ લીધી હતી. 92 વર્ષની જૈફ વયે એમની સ્વસ્થતાને બાપુએ બિરદાવી હતી. આ તકે પૂજ્ય મોરારીબાપુએ કહ્યું હતું કે મુરબ્બી શ્રી ધાર્મિકલાલ પંડયાને પદ્મશ્રી નો ખિતાબ અર્પણ કરવો જોઈએ. આવું કરવાથી સમગ્ર માણભટ્ટ પરંપરાનું તેમજ આખ્યાન પરંપરાનું પણ સન્માન થયું ગણાશે. આમ પૂજ્ય મોરારીબાપુએ આજે ગુજરાતના એક પ્રખર બૌદ્ધિક અને પરમ હાર્દિક વ્યક્તિત્વો ની મુલાકાત લીધી હતી.