યોગ્ય સમય યોગ્ય પુરસ્કાર

———————–
યોગ્ય સમય યોગ્ય પુરસ્કાર
શિલ્પકાર હિંમત પંચાલને ગૌરવ પુરસ્કાર
– અશોક ખાંટ,

મોટે ભાગે લોખંડના ખેત ઓજારો કે વિવિધ પ્રકારનું ઘર/ઓફિસ વપરાશનું ફર્નિચર અથવા ઓદ્યોગિક મશીનોના ઉત્પાદનો કરતી વ્યક્તિઓને આપણે ‘ લુહાર ‘ કે ‘ પંચાલ ‘ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારના કાર્યોમાં લુહારીકામમાં નિપુણ અનેક વ્યક્તિઓના પરિવારોએ પરંપરાગત રીતે આ વ્યવસાય અપનાવેલ હોય છે. તેમની કલાત્મક સૂઝ તેઓના હાથે સર્જન પામેલા કાર્યોમાં ઉડીને આંખે વળગે એવી અદભુત હોય છે. આ સમાજમાં જન્મજાત મળેલા આવા વિશિષ્ટ કલાત્મક ગુણો પ્રાપ્ત થયેલા હોવાથી કેટલાક એવા વ્યક્તિઓ પણ કલાજગતમાં સક્રિય થાય છે જેઓ એક પ્રતિષ્ઠિત કલાકાર તરીકે પોતાનું નામ ઉજાગર કરે છે. ખાસ ચરોતર પ્રદેશમાં ‘ પંચાલ ‘ કે ‘ લુહાર ‘ અટક ધરાવતા પરિવારો અને તેમનો સમાજ કલાકારી ક્ષેત્રે આગવી વિશેષતા ધરાવે છે. શું તમને ખબર છે આ ‘ પંચાલ ‘ શબ્દનો અર્થ શું છે? જે વ્યક્તિમા આ પાંચ ગુણો જેવા કે ખુશખુશાલ મન, સર્જનાત્મક ઉત્સાહ, હમેશા સક્રિય, કાર્યમાં સચેત, અને સ્વભાવગત કલાગુણ જેનામાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય એવું વ્યક્તિત્વ તે પંચાલ ! ગુજરાતના કલા જગતમાં આવા અનેક ‘ પંચાલ ‘ કલાકારોએ લલિતકલા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપેલું છે. વળી અનેક મહિલા કલાકારો પણ કલાક્ષેત્રે અગ્રેસર રહેલ છે.

આજે આપણે વાત કરીશું વલ્લભ વિદ્યાનગરમાં ઘણાં વર્ષોથી શિલ્પકલા ક્ષેત્રે મૂક કલાસાધના કરી રહેલા સતત કાર્યરત એવા શિલ્પકાર શ્રી હિંમત પંચાલ ની! તાજેતરમાં જ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીએ જેમના શિલ્પક્ષેત્રના વિશિષ્ટ કાર્યોની નોંધ લઈ તેમને વર્ષ ૨૦૧૭ – ૧૮ માટેનો શિલ્પકલા વિભાગનો ‘ ગૌરવ પુરસ્કાર ‘ આપવાની જાહેરાત કરી છે. સ્વભાવે શાંત, શરમાળ તેમજ પ્રસિદ્ધિ પાછળ ખોટી દોડ ક્યારેય લગાવી ન હોય તેમજ નિજી સર્જનકાર્યમાં ક્ષણે ક્ષણે વ્યસ્ત રહેલા, ઉમરના છ દાયકા પૂર્ણ કરેલ પડાવે પહોંચેલ એવા આ શિલ્પકાર શ્રી હિંમત પંચાલને પોતે ઊંચા કલાકાર હોવાનું કોઈ જ આડમ્બર નથી. સાવ સીધાસાદા સરળ અને સર્જન કાર્યને વરેલા એવા આ કલાકારનો જન્મ ગુજરાતના ભાલપ્રદેશ કાંઠાના ગોલાણા ગામે વર્ષ ૧૯૬૨મા થયો. પિતા કાનજીભાઈ ખેતી કરે સાથે સાથે ધમણ વાળી ભઠ્ઠીમાં લોખંડ તપાવી દાતરડું, રાપ, કોષ જેવા ખેતઓજારો બનાવી લુહારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે. ગોલાણાની જ સરકારી શાળામાં ગુજરાતી માઘ્યમમાં ૧ થી ૭ ધોરણના અભ્યાસ દરમ્યાન તેઓ પોતાની લુહારની કોડ પર બેસી પિતા જે ખેતઓજારો બનાવતા એ ઉત્કંઠા પૂર્વક નિહાળ્યા કરતા. સતત નિરીક્ષણથી આ લુહારી કામના ગુણોનો વિકાસ બાળ હિમંતના વ્યક્તિત્વમાં કલાકાર બનવા આકાર લઈ રહ્યો હતો. તેમના બીજા ભાઈઓ પણ મિસ્ત્રી કામ અપનાવી ભાઈકાકાએ વસાવેલ વલ્લભ વિધાનગરમાં સ્થાયી થયેલા હોવાથી તેઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી વિધાનગરની પ્રખ્યાત એમ. યુ. ટેકનિકલ હાઇસ્કુલમાં વધુ અભ્યાસ કરવા આવ્યા. ધોરણ ૮ થી ૧૦ (એસ. એસ સી.) સુધીના અભ્યાસ દરમ્યાન સ્કૂલની સામે જ આવેલ ચિત્રકલાના ઉચ્ચ અભ્યાસની કોલેજ કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ માં અભ્યાસ કરતા કળાના વિદ્યાર્થીઓના કામ જોવા તેઓ અવાર નવાર ત્યાં જતા અને કોલેજમાં યોજાતા ચિત્ર પ્રદર્શનો તેમજ કલાપ્રવૃતિથી તેમની અંદરનો કલાજીવ પણ સળવળ્યો અને એક કલાકાર બનવાની મહેચ્છા ભીતરથી ઉભરી આવી. આમ તેઓએ ૧૯૮૧માં કળાના ઉચ્ચ અભ્યાસ માટે શિલ્પ વિભાગમાં ડિપ્લોમા કોર્ષ કરવા કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટમાં પ્રવેશ મેળવ્યો. અને ૧૯૮૫ માં તે પૂર્ણ કર્યો.

કોલેજના પાંચ વર્ષના શિલ્પના અભ્યાસકાળ દરમ્યાન પોતાના સહ અધ્યાયીઓ સાથે મળી શિલ્પકલાનું ઉત્તમ જ્ઞાન મેળવ્યું. શિલ્પકાર રજની પટેલ અને પેઇન્ટિંગ વિભાગના વડા કલાકાર શ્રી રણવીર ચૌહાણ તેમજ શરદ ચૌહાણ દ્વારા કલાક્ષેત્રે વિશેષ હૂંફ અને જ્ઞાન પ્રાપ્ત થયા. તેમની સાથેના બીજા સહઅધ્યાયી મિત્રો જેઓ કોઈએ મિસ્ત્રી કામ અપનાવ્યું તો કોઈ ખેડૂત, શિક્ષક, સાઈનબોર્ડ આર્ટિસ્ટ કે મીડિયા લાઈનમાં પ્રવૃત્ત બન્યા. વલ્લભ વિદ્યાનગરમાં શિલ્પકાર કાંતિભાઈ પટેલ દ્વારા સર્જાયેલ સરદાર પટેલ કે ભાઈકાકા જેવા મહાનુભાવોના વિશાળ શિલ્પોની કળાથી પ્રભાવિત થઈ હિંમતભાઈએ કાંતિભાઇ ને જ પોતાના પ્રેરણામૂર્તિ બનાવી શિલ્પકાર બનવાની દિશા તરફની પગદંડી પસંદ કરી. કોલેજના અભ્યાસકાળ દરમ્યાન કેટલાક ગ્રુપ પ્રદર્શનોમાં ભાગ લીધો અને પુરસ્કારો પણ પ્રાપ્ત થયા. કળાનો અભ્યાસ પૂર્ણ થતા વિદ્યાનગરમાં જ એક નાનકડી જગ્યાએ સ્થાયી થઈ તેઓ ફ્રીલાન્સ કલાકાર તરીકે સ્વતંત્ર કામ કરવા લાગ્યા. વલ્લભ વિદ્યાનગર જેવા નાના નગરમાં માત્ર કલાકાર બની જીવી જવું દુષ્કર છે. કલાકારે વ્યવસાયિક કાર્યો તરફ પણ ધ્યાન દેવું પડતું હોય છે. જો કે જેમના આંગળાઓમાં અને દિમાગમાં કલાની તાકાત હોય, તેમને કલાચાહકો ગમે ત્યાંથી શોધી લેતા હોય છે. હિંમતના શિલ્પકાર્યો જોઈ સ્થાનિક આર્કિટેક્ટ કમલ પટેલે તેમજ બેંક ઓફ બરોડાએ તેમને પ્રોત્સાહિત કર્યા. હિંમતના સર્જનકામના શિલ્પ પ્રદર્શનો પણ વિવિધ સ્થળોએ યોજ્યા. આમ કલાકાર તરીકેની સફર શરૂ થતા સંઘર્ષમય જીવન સાથે તેઓના પ્રદર્શનો ગુજરાતની સીમા વટાવી રાજ્ય બહાર પણ ચવ્હાણ આર્ટ ગેલેરી મુંબઈ સુધી પહોંચ્યા. રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ શ્રી પંચાલને અનેક માન સન્માન પણ પ્રાપ્ત થયા. આમ તેમની કલાયાત્રા આગળ વધતી રહી.

હિંમતભાઈના શિલ્પોમાં ખાસ કરીને પોર્ટ્રેટ વધુ જોવા મળે છે. સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, અમૂલના ડો.કુરિયન, તેમજ ત્રિભુવનદાસ પટેલ જેવા અનેક મહાનુભાવોના બસ્ટ તેમજ પૂર્ણ કદના શિલ્પોનું તેઓએ સર્જન કરેલ છે. ચરોતર પ્રદેશના કરમસદ, તારાપુર, ભાટીએલ, અકલાચા, બોરિયા, મોરજ, વાસદ, ભાદરણ, રાસનોલ, શીહોલ બાલાસિનોર જેવા અનેક ગામના ચાર રસ્તા પર કે અન્ય વિવિધ સંસ્થાઓમાં હિંમતભાઈ એ સર્જેલા કેટલાક મહાનુભાવોના શિલ્પના બસ્ટ જોઈ લોકો અચરજ અનુભવે છે. હાલ તેઓ ગામડી પ્રેસના ફાધરના બસ્ટ શિલ્પમાં વ્યસ્ત છે. આ સિવાય એકેડમીક શિલ્પકામમાં લાકડું, ધાતુ, ફાઈબર જેવા માઘ્યમમાં તેઓએ મોડર્ન અને વાસ્તવિક શૈલી અપનાવી અનેક કલાસર્જનો કર્યા છે જેમાં વિઠ્ઠલ ઉદ્યોગનગરની ઓદ્યોગિક એલિકોન કંપનીમાં પણ તેમના શિલ્પો સંગ્રહિત છે. તેમના વાસ્તવિક કે અમૂર્ત શિલ્પ સર્જનની કાર્ય પધ્ધતિ પણ ઉત્કંઠા જગાવે એવી છે. એક વિશિષ્ટ પ્રકારની માટીની લૂગદી (કલે) દ્વારા નાની આકૃતિ તૈયાર કરી તેનું પ્રમાણ માપ લઇ લોખંડના સળિયા દ્વારા મોટું આરમેચર કરી આ કલે વડે જ ઉપર શિલ્પ આકાર તૈયાર કરવામાં આવે છે. બાદમાં પ્લાસ્ટર ઓફ પેરિસના સાઇઝ પ્રમાણે બે થી ત્રણ અલગ અલગ મોલ્ડ લેવાય છે. આ મોલ્ડ ના અંદરના ભાગે ગ્રીસ અથવા ઓઇલનું કોટિગ મારી રેઝીન, હાર્ડનર અને કેટાલિસ્ટ નું મિશ્રણ પ્રવાહી લગાવી ઠંડુ પડ્યા બાદ છૂટું કરવાથી હોલો ફાઈબર શિલ્પ તૈયાર થાય છે. ખુબ ચીવટ માંગી લે એવી પ્રક્રિયા મેટલ કાસ્ટીંગની છે. તાંબુ, પીત્તળ, જસત, એલ્યુમિનિયમ કે પંચ ધાતુમાં જ્યારે શિલ્પ ઢાળવાનું હોય ત્યારે સાવધાની સાથે ધીરજની પણ જરૂર હોય છે. મીણ લગાવવાની પ્રક્રિયા અને ધાતુ ઓગાળી મોલ્ડની અંદર તેનો ગરમ રસ રેડવાની જટીલ પ્રક્રિયા દરમ્યાન મોલ્ડ ફાટી ન જાય એ ખાસ કાળજી રાખવી પડે છે. લાકડું કે પત્થર પર જ્યારે શિલ્પનું સર્જન કરવાનું હોય ત્યારે વધુ પડતું કારવિંગ ન થાય એ પણ ખાસ જોવાનું રહે છે. આમ કલાની સાથે પ્રાયોગિક પાસા તરફ પણ શિલ્પકારે નિપુણ બનવું પડે છે. કલા જગતમાં પોતાના ક્ષેત્રે કઈક પ્રાપ્ત કરવા કલાકારે સતત કાર્યશીલ રહેવું પડતું હોય છે. પ્રાયોગિક અનુભવો સાથે કલાકારના જ્ઞાનમાં દિવસે દિવસે વધારો થતો હોય છે. છ દાયકા વટાવી ચૂકેલા આ અનુભવી કલાકાર હિંમત પંચાલનું યોગ્ય સમયે યોગ્ય ગૌરવ પુરસ્કાર આપી સરકારે ઉચિત સન્માન કર્યું તે આનંદની વાત છે.

પરંતુ સિક્કાની બીજી બાજુ નજર કરીએ તો એવા ઘણા સાચા અને સિનિયર કલાકારો છે કે જેઓ આ સન્માનથી વંચિત રહ્યા છે. અથવા તો આ સન્માનની રાહ જોતા જોતા મૃત્યુ પણ પામ્યા છે. લલિતકલા અકાદમીના ગૌરવ પુરસ્કાર માટે કલાકારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારે સ્વમાની કલાકારો ઘણીવાર આવી અરજી કરવાની પ્રક્રિયાથી દૂર રહે છે. અકાદમીને આવી અરજીઓ નથી મળતી ત્યારે કેટલીકવાર ગૌરવ પુરસ્કારની યોગ્યતા ન હોય તેવા નાની ઉમરના કલાકારો અથવા આ ક્ષેત્રમાં અલ્પ પ્રદાન હોય તેવા લોકો પણ આ પુરસ્કારની રેસ જીતી જાય છે. આવા સમયે અકાદમીની પારદર્શિતા કે નીતિના ધોરણો ટીકાપાત્ર બને છે. અનુભવી કે જાણકાર સિનિયર કલાકારો પણ પોતાનું મો સીવી લેતા હોવાથી આવા કલાકારોને અકાદમી ગૌરવ પુરસ્કાર આપી નવાજે છે, ત્યારે આ ગૌરવ પુરસ્કારના નામ પ્રમાણેની ગરિમા કે ગૌરવ ચોક્કસ ઝાંખું પડે છે. પુરસ્કાર પસંદગી સમિતિમાં સરકારી અધિકારીઓ સાથે ગુજરાતના કલાક્ષેત્રના સંપૂર્ણ જાણકાર અને નિષ્પક્ષ અનુભવી કલાકારોની સંખ્યા પણ વધુ હોવી જરૂરી હોય છે. કલા એ આજીવન સાધના છે. આ વાત અનુભવી કલાકાર સારી રીતે સમજતા હોય છે. દરેક સાચો કલાકાર જીવનભર આ ક્ષેત્રે સમર્પિત થઈ પોતાનું જીવન કલા માટે અર્પણ કરી દેતો હોય છે. આ યોગદાન કંઈ નાનુસુનું તો નથી જ! ગુજરાતના આ ગૌરવ પુરસ્કારની ગરિમા શાળામાં થતી લાઈનબદ્ધ દફતર વિતરણ જેવી ન બની રહે, એ જોવાનું કામ અકાદમી અને સરકાર બન્ને નું તો છે જ સાથે પોતાને સાચા નિષ્પક્ષ કલાકાર સમજતા અનુભવી સિનિયર કલાકારોનું પણ એટલું જ છે.
– અશોક ખાંટ, ચિત્રકાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *