*રંગ દે બસંતી…* *ગાંધી- ધ અનટોલ્ડ સ્ટોરી…!* *જે ભારત માં રાષ્ટ્રપિતા નું સંબોધન મળ્યું, એજ ભારત માં સરેઆમ નિષ્ફળ ગયા હતા મોહનદાસ…!* ( *ભાગ -૧૩*) રમેશ ગોસ્વામી “સારથિ”

નવેમ્બર ,૧૮૮૭ માં મેટ્રિક પાસ કર્યા બાદ જાન્યુઆરી ૧૮૮૮ માં ભાવનગર ની શામળાદાસ કૉલેજ માં એડમીશન લીધું. અહીં સુધી ના જીવન માં રાષ્ટ્રપ્રેમ જેવું ક્યાંય વર્તાયું નથી. શાળા જીવન થી રાષ્ટ્રપ્રેમ માં રંગાઈને જવાની ફના કરી નાખનારા ક્રાંતિકારીઓનાં અગણિત દાખલાઓ મળે છે. નાનપણ થી જ આઝાદી માટે લડવા ની તૈયારી કરવા વાળાઓ નું લીસ્ટ ઘણું લાંબુ છે. પણ મોહનદાસ ના કિસ્સા માં આવું કંઈ હતું નહીં. પિતાજી રાજ ના દીવાન હતા. એથી ગરીબી, અભાવો, એવું કંઈ જોયું નહોતું. ગુજરાતી વાણિયાઓ માં આમ પણ ધનલક્ષ્મી ની ખુબ કૃપા વરસતી રહી છે. ગાંધી આમ તો કરિયાણા નાં વેપારી, પણ આ પરિવારે રાજ ની નોકરી કરી. કબા ગાંધી મુત્સદ્દી માણસ હતા, જે વાણિયાઓ ની મૂળભૂત ખાસિયત છે. મીઠા બોલા, વ્યવહારુ, ધર્મ પારાયણ…
મોહનદાસ સૌ થી વધુ ભણ્યા હતા એથી પારિવારિક દોસ્ત માવજી દેસાઈ એ સલાહ આપી કે ઇંગ્લેન્ડ જઈ ને બેરિસ્ટર ની પદવી મેળવી આવે એટલે દીવાન પદું સહેલાઇ થી મળી જાય. આથી ૧૯૮૮ માં ઇંગ્લેન્ડ ભણવા ગયા. ઉદ્દેશ્ય એકમાત્ર નોકરી મેળવવા નો હતો. એ જમાના માં વિદેશ ભણવા જવું બહુ મોટી વાત કહેવાતી.( આજે પણ કહેવાય છે.). પણ અમુક રૂઢિચુસ્ત શાકાહારી પારિવારો માં વિદેશ માં ભોજન ને લઈ ને અવઢવ હોવા થી ઘણાં લોકો વિદેશ જવા નું ટાળતા. મોહનદાસ નો પણ સામાજિક વિરોધ થયો હતો. નાત બહાર ની તલવાર પણ લટકતી હતી. આ બધા વચ્ચે ઇંગ્લેન્ડ ગયા.નાનપણ નાં કિસ્સાઓ આમ તો ઘણાં છે, મિત્રો સાથે ધૂમ્રપાન કર્યું, ઇત્યાદિ… પણ લગ્ન બાદ નો એક કિસ્સો ધ્યાન ખેંચે છે. કસ્તુરબા પ્રત્યે ગાંધી ખુબ આશક્ત હતા. પિતાજી મરણ પથારીએ હતા ત્યારે પિતા ની સેવા ચાકરી કરવા ને બદલે પત્ની પાસે ચાલ્યા ગયા. કરમચંદ ગાંધી નું અવસાન થયું. આ બાબતે ગાંધીજી પોતાને દોષી માને છે. સ્ત્રી નો મોહ ત્યાગી શક્યા નહોતા. પહેલું બાળક જન્મના થોડા સમય માં જ મૃત્યુ પામ્યું હતું. જેને ઈશ્વર નો દંડ માની લીધો હતો. આત્મકથા માં લખ્યું છે:
” હું બહુ શરમ અનુભવતો હતો અને ખુદ ને અભાગિયો માનતો હતો. હું મારા પિતા નાં ઓરડા તરફ દોડ્યો હતો. જ્યારે મેં તેમને જોયા ત્યારે વિચાર્યું કે મારા પર વાસના સવાર ન થઈ હોત તો મારા પિતાજી એ મારા ખોળા માં જ અંતિમ શ્વાસ લીધા હોત.”
વિદેશ ભણવા ગયા ત્યારે વેસ્ટર્ન ડાન્સ શીખવો, જેવી બાબતો વચ્ચે અનેક નોંધ મળે છે. અભ્યાસ કર્યા બાદ ભારત માં વકીલાત ચાલી નહોતી. પહેલો જ કેસ હારી ગયા. એક અંગ્રેજ અધિકારી ના ઘર માં થી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના થી અપમાનિત થયા હતા. પણ અંગ્રેજો ને દેશ માં થી બહાર કાઢવા નું ક્યાંય નોંધ્યું નથી. હાજી કાસમ તારી વીજળી…વાળા હાજી કાસમ પરિવાર ના વકીલ બની ને દક્ષિણ આફ્રિકા જવા નું થયું. આ પરિવાર નો મોટો કારોબાર હતો એટલે કેસ ચાલતા રહેતા. એના માટે ગાંધી ને પસંદ કરવા માં આવતાં તેમણે આ આમંત્રણ સહર્ષ સ્વીકારી લીધું. કેમકે આમ પણ ભારત માં ગજ વાગ્યો નહોતો. કોર્ટ માં ટાંટિયા થરથર ધ્રુજતા…એથી ૧૮૯૩ માં સાઉથ આફ્રિકા ગયા. એક ઘટના, જેને ખૂબ પ્રાધ્યાન અપાય છે. ફસ્ટ ક્લાસ ડબ્બા માં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક અંગ્રેજે સામાન સાથે બહાર ફેંકી દીધા. ત્યારે ગાંધી એ નક્કી કર્યું કે અંગ્રેજો ને ભગાડવા…
જસ્ટ વન મિનિટ.
આ બનાવ બન્યો ત્યારે ગાંધી ૨૩-૨૪ વર્ષ ના હતા. ભારત માં એક અંગ્રેજે ઘર માં થી તગેડી મૂક્યા ત્યારે આટલો ગુસ્સો આવવો જોઈતો હતો. કેમકે ભારત દેશ એમનો હતો. સાઉથ આફ્રિકા નહીં. એક અંગ્રેજે વિદેશ માં અપમાન કર્યું એમાં ઊકળી ગયા.? એજ અંગ્રેજો એ ભારત માં કાળો કેર વર્તાવ્યો હતો. એ નહોતું દેખાયું? આ બનાવ પહેલાં ક્યાંય ગાંધી એ નોંધ્યું નથી કે અંગ્રેજો થી ભારત ને આઝાદ કરાવવો છે. નહીં તો નાની ઉંમર નાં અગણિત ક્રાંતિકારીઓ થઈ ગયા. જેમને સ્પષ્ટ હતું કે ભારત ની આઝાદી માટે લડવું. પણ મોહનદાસ ૨૩-૨૪ વર્ષ ના થયા છતાં અંગ્રેજો ની ક્રૂરતા સામે નજર સુદ્ધાં નહોતી ગઈ? અને નજર ગઈ તો પણ વિદેશ ની ધરતી પર, એ પણ પોતાના અપમાન પર ધ્યાન ગયું? અંગ્રેજો નો ભારત માં જુલ્મ ચરમ સીમાએ હતો. અનેકો ને ફાંસી એ ચડાવાયા, કૈંક ને ગોળી એ વીંધ્યા… આવા ગુલામ ભારત માં શહેર શહેર અભ્યાસ માટે આવતા – જતા રહ્યા, પણ અંગ્રેજો નો આતંક દેખાયો જ નહીં? અને દેખાય છે તો છેક વિદેશ ની ધરતી પર…?
Ok. ગાંધીજીએ મનોમન નકકી કર્યું કે અંગ્રેજો ને ભગાડવા. આઝાદી ની લડત લડવી. દેશ ને આઝાદ કરાવવો. પણ ક્યા દેશ ને અંગ્રેજો થી આઝાદ કરવો, સાઉથ આફ્રિકા ને? ટ્રેન વાળી ઘટના બાદ વર્ષો સુધી વિદેશ માં વકીલાત નો ધંધો કરતા રહ્યા હતા. જો એટલો જ ગુસ્સો આવ્યો હતો, જો એટલો જ દેશ પ્રેમ જાગ્યો હતો તો વિદેશ ની ધરતી પર કામ ધંધો કરવા ની શી જરૂર હતી? ભારત માં આવી ને અંગ્રેજો સામે ઝઝૂમવું હતું. એ સમયે અન્ય અનેક ક્રાંતિકારીઓ એટલા માટે વિદેશ જતા, કેમકે ધરપકડ થી બચી શકાય અને પોતાની ચળવળ ચાલુ રાખી શકાય. શ્યામજી કૃષ્ણ વર્મા જેવા અગણિત ક્રાંતિકારીઓ એ આ રસ્તો જ અપનાવ્યો હતો.પણ ગાંધી ના કિસ્સા માં એવી ધરપકડ ની કોઈ ભીતિ નહોતી.
આઝાદ તો ભારત દેશ ને કરવા નો હતો ને…? તો બે દાયકાઓ સુધી સાઉથ આફ્રિકા શું કર્યું? અફકોર્સ વકીલાત નો ધંધો કર્યો. આઝાદી ના ઇતિહાસ માં ગાંધી ને ટ્રેન માં થી ફેંકી દેવા ની નાનકડી ઘટના ને એટલી હાઇપ આપવા માં આવી છે કે જાણે આઝાદી નો પાયો આ ઘટના માં નખાયો હોય. ના. એવું બિલકુલ નહોતું. જો હોત તો ગાંધી આ ઘટના બાદ ભારત દોડતા આવ્યા હોત. જે દેશ માં કત્લેઆમ મચી હતી, એ ૨૩-૨૪ વર્ષ નાં યુવાન ને દેખાય નહીં? દેખાય તો કોઈ નોંધ નહીં લેવાની.(?) નોંધ લેવાની વિદેશ ની ધરતી પર કોઈ ટ્રેન માં થી સામાન સાથે બહાર ફેંકી દે ત્યારે. એ બાદ પણ દેશ આવવા નું ક્યાં સૂઝ્યું હતું. ભારત માં તો વકીલાત નો ધંધો ચાલે એમ હતો નહીં, તો સાઉથ આફ્રિકા માં જમાવ્યો. અહીં કોઈ પણ ભોગે કામ કાજ જમાવવું જરૂરી હતું. અન્ય એક દેશ બદલવા કરતાં અહીં જ મહેનત કરો. જ્યારે ભારત માં અંગ્રેજો નું ક્રૂર શાસન જામ્યું હતું, ત્યારે ગાંઘી સાઉથ આફ્રિકા માં રંગ ભેદ ની નીતિઓ સામે લડતા હતા. રાશન કાર્ડ ને એવા એવા કાયદાઓ સામે કેસ ચાલતા. દક્ષિણ આફ્રિકા માં ભારતીયો પર લાદવા માં આવેલા ત્રણ પાઉન્ડ નાં ટેકસ નાં વિરોધ માં આંદોલન કર્યું.આ જ સમયે ભારત માં પણ અનેક ગણો ટેકસ વસૂલાતો હતો. ઘર માં આગ લાગી હતી અને હજારો કિમી દૂર આગ ઓલવવા જેવું હતું. મજૂરો, ખાણીયાઓ, ખેત મજુરો એવા લોકો ને સંગિઠત કર્યા હતા અને એમના આગેવાન ગાંધી બન્યા. અંતિમ સવિનય અવજ્ઞા નાં નામ સાથે ૨૨૨૧ લોકો સાથે નાતાલ થી ટ્રાન્સવાલ સુધી વિરોધ પદયાત્રા યોજી હતી, જેમાં ધરપકડ થતાં ૯ મહિના નો કારાવાસ થયો હતો. આવા આંદોલનો વધુ માં વધુ થવા લાગ્યાં હતાં. અંગ્રેજ સરકારે સાઉથ આફ્રિકા માં થી વેરો પાછો ખેંચ્યો હતો. દક્ષિણ આફ્રિકા માં બિન નિવાસી ભારતીયો પર ,સાથે થતા ભેદભાવ અને વર્તન નાં વિરોધ માં ઇન્ડિયન કોંગ્રેસ ની સ્થાપના કરી. નાતાલ પ્રાંત માં આંદોલનો કર્યા. આ બધા કાર્યો દરમિયાન વકીલાત કાર્ય ચાલતું હતું. આ જ કામ હતું વકીલાત નું. વકીલો મોટા ભાગે સધિયારો બંધાવે એવા સ્વભાવ ના હોય છે, જે પ્રોફેશન માટે જરૂરી પણ હોય છે. આ ગુણ ગાંધી માં ઘણો મોડો આવ્યો. લોકો નાં દુઃખ, દર્દ માટે દિવસ રાત દોડધામ કરવી, કેસો લડવા આ નિત્ય ક્રમ ગોઠવાઈ ગયો. કેમ કે એક સમયે કોઈ પ્રવૃત્તિ જ નહોતી, અને મળી તો પાછી પાની ન કરી. કેસ પણ મોટા ભાગના એવા જ આવતા. ફિસ બાબતે બાંધછોડ કરતા. આ દરમિયાન જ સ્વ – શુદ્ધિકરણ, અહિંસા ઇત્યાદિ અહીં થી શરૂ થયું. અહિંસા એટલા માટે પણ જરૂરી બની જતી હતી કે સુકલકડી ગાંધી માં હિંસા કરવા ની કે ખમવા ની ત્રેવડ નહોતી. આશ્રમો સ્થાપવા, ગરીબો ની સેવા કરવી ઇત્યાદિ કાર્યો ચાલ્યાં. અહીં સુધી હિંદુ – મુસ્લિમ ની વાત નથી આવતી. શબ્દ પ્રયોગ પણ નથી આવતો. આ સમજણ અથવા દ્રષ્ટિ મોટી ઉંમરે કેળવાઈ. સાઉથ આફ્રિકા માં સેવાકીય પ્રવૃતિઓ ખુબ કરી. એ જમાના માં, વિદેશ ની ધરતી પર ભારતીયો માટે લડવા વાળા ગાંધી માનવતા, દયા, કરુણા, અહિંસા… ઇત્યાદિ ઇત્યાદિ ભાવનાઓ સાથે ભાવનાત્મક રીતે લોકો સાથે જોડાઈ ગયા હતા. ગરીબો ના નિશુલ્ક કેસો લડતા અથવા નજીવી ફી લેતા. શરૂ શરૂ માં પૈસા નું આકર્ષણ હતું, જે અમુક સમય બાદ ખતમ થઇ ગયું હતું. આશ્રમ ની સ્થાપના કરી ત્યાં સુધી ઘણું મેળવી લીધું હતું. ધન કરતાંય માન ,સન્માન, ઇજત શોહરત… એક વિશાળ સમૂહ નાં સામાજિક ગુરુ સ્થાપિત થઈ ગયા હતા ગાંધીજી. એક ખુબ ગમતી બાબત એ હતી કે સામાજિક ભેદભાવ, ધાર્મિક અંતરો વગર કામ કર્યું. આ મહાનતા ની નિશાની હતી જ. પૈસા પાછળ આંધળી દોટ મુકતા નહીં. જોઈતું મળી જતું. વિદેશ ની ધરતી પર ભારતીયો નાં હકક માટે બે દાયકા કરતાંય વધુ સમય સુધી લડતા રહ્યા. આ લડતા રહ્યા શબ્દ પ્રયોગ માં કેસો પણ આવી જાય. પણ સાઉથ આફ્રિકા કરતાંય વધુ વિકરાળ સ્થિતિ ભારત માં હતી. અંગ્રેજો કંપની સરકાર ના નામે ઉઘાડી લુંટ મચાવી રહ્યા હતા. આ બાબત પર ઘણું મોડું ધ્યાન ગયું. અથવા ધ્યાન માં લીધું.
જે કામ સાઉથ આફ્રિકા માં કર્યું, એની શરૂઆત ભારત માં થી કરી હોત તો વધુ પ્રાસંગિક લાગત. ભારત ને ગાંધી ની ત્યારે વધુ જરૂર હતી. અંગ્રેજો નાં કાનૂન ભારતીયો માટે અસહ્ય બની ગયાં હતાં. કરવેરા હોય તો અભિવ્યક્તિ ની આઝાદી ની વાત, અનેક કાનૂની પ્રક્રિયા ખુબ જટિલ અને પ્રજા ને રંજાડનારી હતી. રાજાઓ માં આપસી મતભેદ અને ફુટ પડી હતી. ગરીબ ભોળી પ્રજા દોરી સંચાર માટે ફાંફાં મારતી હતી. કાનૂની રીતે પહોંચાય એમ હતું નહીં. આથી ઘણાં જુવાનિયા ઉગ્ર અને હિંસક બની જતા. આઝાદી ની વાત માત્ર કરવી ગુન્હો બની જતો. નિરક્ષરતા, ગરીબી, કુરિવાજો, જેવાં કેટલાંય પાસાં હતાં જેનાં પર કામ કરવું જરૂરી હતું. તદુપરાંત ગરીબો, લાચારો ને અંગ્રેજો દ્વારા કનડગત થતી.
સાઉથ આફ્રિકા કરતાંય વધુ જરૂરત ભારત માં હતી…
ગાંધી તો ભારત નાં વતની હતા અને ભારત માં પણ એ જ અંગ્રેજી હુકુમત હતી.સાઉથ આફ્રિકા માં વિવિધ નીતિઓ સામે લડવા કરતાં ભારત માં ક્રૂર કાનૂનો સામે જંગ લડવા નું તો દૂર, ખુબ મોટી ઉંમર સુધી યાદ પણ નહોતું આવ્યું. આ કેવી દેશ ભક્તિ હતી? આખા ભારત માં કંપની સરકાર જુલ્મો સિતમ વરસાવી રહી હતી અને ગાંધી ને બોધ પાઠ નહોતો મળતો. તે મળ્યો છેક ૨૪ વર્ષ ની ઉંમરે અને એ પણ વિદેશ માં…!
અચાનક દેશ – વિદેશ ના અખબારો ગાંધી ની વાહવાહી કરવા લાગ્યા. વેઇટ, એવું તો નવી નવાઈ નું શું કર્યું હતું કે બધા જ અખબારો એક સાથે ગાંધી ગાંધી કરવા લાગ્યા? યાદ રહે, આ એ જ અખબારો હતાં, જે છાપતા-
ચરમપંથીઓ પર ગોળી બાર,
કાનુન તોડનાર પર કોરડા નો માર વીંઝાયો, આટલા ને ફાંસી,… આવા આવા ન્યુઝ ફ્રન્ટ પેજ પર છાપનારા અખબારો માટે ગાંધી કેમ નવી નવાઈ ના હતા? ગાંધી પહેલાં પણ અનેક લોકો આઝાદી ની લડાઈ શામ, દામ,દંડ, ભેદ થી લડતા આવ્યા હતા. સવિનય, નમ્રતા, ને એવા બધા શબ્દો પણ સાવ નવા નહોતા. એ પહેલાં પણ ભાઈ ભલાઈ વાળાં આંદોલનો થયાં જ હતાં. રેલીઓ નીકળી જ હતી. કાનુન ભંગ પણ થયા હતા અને સજાઓ પણ થઈ હતી. પણ અચાનક ચારે બાજુથી ગાંધી ગાંધી થવા લાગ્યું…!!!
અખબારો માં ગાંધી વિશે સારું સારું લખાવા લાગ્યું. ભારતીય અખબારો ( જેના પર પાબંદી હતી કે કંપની સરકાર વિરુદ્ધ કંઈ ન લખવું), માં, જે અમુક અપવાદ ને બાદ કરતાં મોટા ભાગના છુપાં વર્તમાન પત્રો નીકળતાં. એ છાપનાર પર કડક કાર્યવાહી કરવામાં આવતી.( વીર સાવરકર નો સૌ થી મોટો ગુન્હો આ જ હતો.- પત્રો બહાર પાડી ને લોકો ને ભડકાવવા નો…!) પણ મોહનદાસ નો ચોમેર થી જય જય કાર થવા લાગ્યો.
અને ૨૨ વર્ષ સાઉથ આફ્રિકા માં વિતાવ્યા બાદ ૧૯૧૫ માં ગાંધીજી મહાત્મા તરીકે પધારે છે. મોટા જહાજ માં થી ઉતરે છે ત્યારે મોટું ટોળું સ્વાગત માટે હાજર હોય છે. ધામધૂમ થી સ્વાગત કરવા માં આવ્યું. અને ભારત નો એક વાણિયો વિદેશ ની ધરતી પર થી મહાત્મા બની ને પાછો ફરે છે.!
પચાસ ની આસપાસ ઉંમર પહોંચી ગઈ હતી ત્યારે ભારત માં આગમન થયું. ઉંમર એક ઠહેરાવ આપે છે, નવી દ્રષ્ટિ પણ આપે છે. ગાંધી નવી દ્રષ્ટિ લઈ ને ભારત માં આવે છે. આવ્યા બાદ પણ અચાનક આઝાદી નહોતી મળી. દાયકાઓ થી ભારેલો અગ્નિ પ્રજ્વલિત થઇ રહ્યો હતો. અંગ્રેજો થાક્યા અને ડર્યા હતા. તદુપરાંત લૂંટવા જેવું ખાસ કંઈ બાકી નહોતું રહ્યું. ઉચાળા ભરવા જ હતા, પણ અહિંસક આંદોલન થી, પ્રેમ આગળ ઝુકી ને અંગ્રેજો ભારત છોડી ગયા એવો એક મેસેજ આખા વિશ્વ માં આપવો હતો. જે આપ્યો. આજે પણ એક મોટો વર્ગ સમજે છે કે ગાંધી ની અહિંસક લાઠી અને રેંટિયો થી આઝાદી મળી.

*અવતરણ*

બાવીસ વર્ષ સુધી દક્ષિણ આફ્રિકા માં સેવા કરી, વકીલાત કરી, આશ્રમો સ્થાપ્યાં… ત્યાં સુધી ભારત માટે પણ આઝાદી ની લડાઈ લડી શકાય એવો ખ્યાલ ન આવ્યો?? જો હા, તો બાવીસ વર્ષ દક્ષિણ આફ્રિકા માં કેમ વિતાવ્યાં ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *