*રંગ દે બસંતી…* *રસ્તાઓ: જ્યાં જુઓ ત્યાં ગાંધી,ગાંધી અને ગાંધી….!!* *ક્યાં ગયા નેતાજી, લાલા, સાવરકર,આઝાદ,ભગત… ? ગાંધીના રસ્તાઓ માં ખોવાઈ ગયા..!!* ( *ભાગ -૮* ) રમેશ ગોસ્વામી “સારથિ”

આઝાદી મેળવ્યા બાદ ભારત નાં સ્થાપિત મૂલ્યો ની પરવા કરવા માં નહોતી આવી. એક મોટા જન સમૂહ ની આસ્થા, કલ્ચર ની ઉપેક્ષા કરવા માં આવી હતી.જે આજ સુધી ચાલુ છે.દેશ ને કઈ તરફ લઈ જવો એ કોઈ વિઝન થી વધુ ગંધાતા સેક્યુલરિઝમ ની આસપાસ બધું વણાઈ ગયું હતું. આઝાદી ગાંધી એ અપાવી…. આ વાત ની આસપાસ ઇમારતો ચણી નાખવા માં આવી હતી.આઝાદી બાદ સ્વાતંત્ર સેનાનીઓ પ્રત્યે એ હદે દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું કે મોટા ભાગના વીરો ગરીબી માં સબડી ને અંતે મોત ને ભેટ્યા. બટકેશ્વર દત્ત આજીવન કારાવાસની સજા ભોગવી ને બહાર આવ્યા. બાદ માં ૧૯૪૭ માં અંજલિ નામની સ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં. જેલ માં થી છૂટયા બાદ ફરી ગાંધીજી ની અંગ્રેજો ભારત છોડો ચળવળ માં જોડાયા. જેમાં ધરપકડ થઈ અને ચાર વર્ષ જેલ ની સજા થઈ. અરે..! અંગ્રેજો ભારત છોડો આંદોલન તો ગાંધી નું હતું ને, તો એમની ધરપકડ નહીં, પણ એમનાં દેશ ભક્ત અનુયાયીઓ ની ધરપકડ કરવામાં આવી અને ચાર – ચાર વર્ષ જેલ માં ગોંધી રાખવામાં આવે..! પણ ગાંધી ને પ્રતિક રૂપે જેલ હવાલે કરવામાં આવે. આમરણાંત ઉપવાસ આદરે તો લીંબુ પાણી પીવડાવવા અંગ્રેજો દોડ્યા આવે. વાહ ભાઈ, ક્યા બાત હૈ..!
બટુકેશ્વર દત્ત ને ક્ષય થઈ ગયો હતો, એ જમાના માં આ જીવલેણ બીમારી હતી. શરીર ઘણું કથળી ગયું હતું. ઉંમર પણ થઈ ગઈ હતી.જવાની રાષ્ટ્ર નાં નામે કરી દીધી હતું.ઢળતી ઉંમરે આજીવિકા નું કોઈ સાધન નહોતું. પેટ નો ખાડો પૂરવા દત્ત પરિવહન માં કામ કરતા. એક પુત્રી અને પત્ની સાથે જીવન વ્યતીત કરતા બટુકેશ્વર દત્ત પાછલી ઉંમરે ખુબ જ કષ્ટદાયક જીવન વિતાવતા. માન અકરામ ની તો મા મૂઈ, નિર્વાહ પેટે થોડાક દોકડા આપવા નું પણ સરકાર ને સૂઝ્યું નહોતું. સરકાર ના ખજાના માં થી હજાર બે,હજાર ઓછા થઈ જાય તો દેશ ભાંગી નહોતો પડવા નો. ગાંધી એ પાકિસ્તાન ને કરોડો રૂપિયા મળે એ માટે લવલેશ લીધી હતી, પણ સ્વાતંત્ર સેનાનીઓ ને થોડા નાણાં મળે એ માટે એમણે કોઈ માંગ કરી હોવા નું ક્યાંય નોંધ માં નથી. નેતાઓ ખાસ કરીને એ નેતા, જેમને રાષ્ટ્રપિતા, બાપુ, મહાત્મા જેવા વિશેષણો થી નવાજવા માં આવ્યા હતા એમને આવતી કાલ ની દ્રષ્ટિ હોવી જોઈતી હતી. આઝાદ ભારત માં કેવું વાતાવરણ ખડું કરવું આટલું સ્પષ્ટ ગણિત હોવું જોઈતું હતું. આઝાદી ના લડવૈયાઓ કે એમનાં પરિવાર જનો ને રાજનીતિ માં ક્યાંય સ્થાન નહોતું મળ્યું. રાજનીતિ તો દૂર ની વાત રહી, કારમી ભુખ મરી માં કેટલાય ના જીવ ગયા. જેલ માં કમસેકમ બે ટાઇમ ભોજન ( કેદીઓ માટે નાં જમણ માં અંગ્રેજો મુઠ્ઠો ભરી ને કાંકરા નાખતા. સાપ, ગરોળી, વિચ્છુ , ઉંદર…. વિર સાવરકરજી નોંધે છે કે થાળી માં સાપ નાં કટકા જોઈ ને ભુખ મરી જતી. ઉલ્ટી થતી.) ભલે આવું, પણ જમવા નું તો મળતું ! જ્યારે આઝાદ ભારત માં વીરો માટે બે ટાઇમ ભોજન નાં ફાંફાં થઈ ગયાં હતાં. જીવન નિર્વાહ ચલાવવા નાના મોટા કામ ધંધા કરતા. આવા જ એક વીર બટુકેશ્વર દત્ત નું ક્ષય થી શરીર જીર્ણશિર્ણ થઈ ગયું હતું.
દિલ્હી ની એઇમ્સ હોસ્પિટલ માં લાંબી માંદગી બાદ ૨૦ જુલાઈ,૧૯૬૫ માં મૃત્યુ થયું. પરિવાર નાં આગ્રહ નાં કારણે, અને મરતાં પહેલાં દત્તે કહ્યું હશે એટલે, અંતિમ વિધિ પંજાબ ના ફિરોઝપુર નજીક આવેલા હુસૈનીવાલા નદી કાંઠે કરવા માં આવી, જ્યાં ભગત, સુખદેવ,રાજગુરુ ની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જીવન નાં અંતિમ દિવસો માં દોસ્તારો ને ખુબ યાદ કરતા. જે દેશ માટે જાન હથેળી પર રાખી ને અંગ્રેજો સામે ઝઝૂમ્યા એ જ દેશ માં બે ટાંણા નાં રોટલા નાં ફાંફાં થઈ ગયા હતા. શું સરકાર ની કોઈ જવાબદારી નહોતી? થોડા વર્ષ નોકરી કર્યા બાદ પણ પેન્શન મળતું હોય છે, જ્યારે આ લોકો તો દેશ ના અસલી હીરો હતા. પણ સરકાર ગાંધી ની સમાધિ પર જલતી જ્યોત માં ઘી તો નથી ખૂટ્યું ને, એનું ધ્યાન રાખવા માં વ્યસ્ત હતી. જીવતી જિંદગીઓ ની રોશની અંધારા માં બુઝાઈ ગઈ, પણ બુઝાઈ ગયેલાઓ પર રોશની ઝળહળ થતી હતી….!
વીરો સાથે કિન્નાખોરી કેમ રાખવા માં આવી હતી? સવાલ તો ઉઠવા ના હતા. આ બધા વીરો ની મહાનતા અને ગાંભીર્ય જુવો- ભૂખે મરી ગયા. પણ ક્યારેય, કોઈ એ પણ ભારત અથવા સરકાર વિરૂદ્ધ એક પણ શબ્દ ન બોલ્યા. ગુમનામી માં સબડી ને અંતિમ શ્વાસ લીધા. કોઈ આંદોલન નહીં, કોઈ ઉહાપોહ નહીં. આજકાલ તો છાશવારે આંદોલન થતાં હોય છે. પેન્શન બાબતે, રોજગાર બાબતે, પગાર વધારવા મુદ્દે, કે અન્ય કોઇ પણ મુદ્દે.. અવાર નવાર આંદોલનો થતાં રહે છે. પણ જેમણે અંગ્રેજો ભારત છોડો આંદોલન કર્યું હોય, એ લોકો પેન્શન આપવા બાબતે આંદોલન કરે તો કેવા વરવા લાગત ? જસ્ટ થિંક, બટુકેશ્વર દત્ત, ગોપાલ ગોડસે, અથવા અન્યો એ મંડળ – ટોળકી બનાવી ને અમારું પેન્શન ભરો… એવા નારા લગાવ્યા હોત તો? તો આઝાદી ના સ્વાતંત્ર સેનાનીઓ નાં નામ નો મહિમા જ ખતમ થઈ ગયો હોત. એક લોબી આવું જ કંઈક ઈચ્છતી હતી. ક્દાચ આથી જ બેરુખી દાખવવા માં આવી હતી. રાજાઓ ને, જેમણે આઝાદી ના નામે, સ્વતંત્ર ભારતના નામે પોતાનાં રાજપાટ સોંપી દીધાં.. એમની સાથે પણ ઓરમાયું વર્તન કરવા માં આવ્યું. સતા માં ભાગીદારી તો સૌ થી વધુ રાજવી પરિવાર ની હોવી જોઈતી હતી. રાજ કેમ ચલાવવું એનો એમને લાંબો ખાનદાની અનુભવ હતો. અને કદાચ જે તે રજવાડાં માં જો રાજાઓ નાં પરિવાર ને ટિકિટ આપવા માં આવે તો નિસંદેહ જીતી જાય. આઝાદી બાદ ચુંટણી નું માળખું તૈયાર કરવામાં આવ્યું ત્યારે સૌ થી વરવું કામ થયું ક્ષત્રિયો ને સતા થી દુર રાખવા નું. અમુક અપવાદો ને બાદ કરતાં કોઈ રાજવી પરિવાર ને ટિકિટ ફાળવવા માં આવી નહોતી. જે તે રજવાડાં માં રાજ પરિવાર થી સૌ મોટું નામ અને સૌ થી વધુ લાયક અન્ય કોઈ કેવી રીતે હોઈ શકે? આ અજાણતાં બન્યું હોય એવું લાગતું નથી. ક્દાચ જાણી જોઈ ને આ નિર્ણય લેવાયો હતો. જે ખાનદાને આ ધરતી માટે પેઢી દર પેઢી લીલાં માથાં દીધાં એમને દૂર રાખવા માં આવ્યા. પૃથ્વીરાજ ચૌહાણ,મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ…આવા કેટલાય પરિવારો ને સતા થી દુર રાખવા માં આવ્યા. સાલિયાણું બાંધી આપ્યું હતું. જે એટલું ઓછું અને મજાક કક્ષા નું હતું કે એના થી વધુ તો રાજાઓનાં પરિવાર નાં કૂતરાંઓ નાં બિસ્કીટ નો ખર્ચો હતો.! સાલિયાણું પણ અંતે એક ઝાટકે બંધ કરવા માં આવ્યું. રાજાઓ,ક્ષત્રિયો ક્યા મોઢે આંદોલન કરે? પોતાનાં કાંડા કાપી આપ્યાં હતાં. ક્યાં માંગવા જાય, જેમણે જીવન ભર, પેઢી દર પેઢી સતત આપ્યું હતું, એ લોકો રોડ પર ઉતરી ને આંદોલન કરતાં પણ ભુંડા લાગે. નજીવી રકમ બાંધી હતી, એ બંધ કરવા માં આવી ત્યારે ઝાઝો કોઈ વિરોધ થયો નહોતો. રાજાઓ નાં સાલિયાણાં નક્કી કરવામાં આવ્યાં ત્યારે કોઈ ને વિશ્વાસ માં નહોતા લેવા માં આવ્યા. આવી કોઈ નાનકડી રકમ થી રાજાઓ નાં ઘર ચાલે એવું પણ નહોતું. બંધ કરવા માં આવ્યાં ત્યારે પણ કોઈ ને વિશ્વાસ માં લીધા નહોતા.
ક્ષત્રિયોએ, અપેક્ષા મુજબ જ ગાંભીર્ય જાળવી રાખ્યું. જેમણે શાસન કર્યું હોય એ પરિવાર કે એ સમાજ નાનકડી રકમ માટે કેમ રોડ પર ઉતરે? ગુજરાત માં ક્ષત્રિયો ને બાપુ કહી ને સંબોધન કરવા માં આવે છે. બાપુઓ રોડ પર માંગ કરતાં સારા લાગે નહીં. ક્દાચ આ વાત જાણી ને જ સાલિયાણું બંધ કરવા માં આવ્યું હતું. આ વાત ને એ રીતે સરખાવી જુવો, કે કોઈ પેન્શન યોજના, કે આરક્ષણ ખતમ કરવા માં આવે તો શું થાય? જે તે લાભદાયી વર્ગ -સમૂહ રોડ પર ચક્કાજામ કરી નાખે. પણ ક્ષત્રિયો એ આવાં કોઈ આંદોલનો ન કરી ને ક્ષત્રિયપણું જાળવી રાખ્યું હતું. અલબત, માંગ ન જ કરવી એવું નથી. લોકતંત્ર માં સૌ ને અધિકાર છે. જે રાજાઓ તસુભર જમીન માટે યુદ્ધ ખેલી જતા, એમણે પોતાનું રજવાડું દેશ ને નામ કરી નાખ્યું હતું. રાજાઓ પાસે કોણ જાય? એક યક્ષ પ્રશ્ન ઉઠ્યો ત્યારે સૌ ની નજર સરદાર વલ્લભભાઈ પટેલ પર ઠરી હતી. આ એક માત્ર વ્યક્તિ હતા, જે રાજાઓ ને સમજાવી શકે એમ હતા. અન્ય કોઈ થી ક્ષત્રિયો માને એમ નહોતા. ગાંધી થી પણ નહીં અને નહેરુ થી પણ નહીં.
એક ઇંચ જમીન પર કોઈ બુરી નજરથી જુવે તો જીવ સટોસટ નાં ધિંગાણા ખેલાઇ જતાં. આ તો આખું રજવાડું આપી દેવા ની વાત હતી. કૃષ્ણકુમાર સિંહજી જેવા રાજવીઓ સહર્ષ માની ગયા હતા. જૂનાગઢ, હૈદરાબાદ ના મુસ્લિમ શાસકો નો ઈરાદો પાકિસ્તાન માં જવા નો હતો. પટેલ સાહેબ જેવા લોકો એ સામ,દામ,દંડ,ભેદ થી સમજાવી દીધા. અન્યથા, જૂનાગઢ અને હૈદરાબાદ પાકિસ્તાન નો હિસ્સો હોત તો કેવી કેવી લાચારીઓ ઉત્પન્ન થાત? પણ આ બંને મુસ્લિમ શાસકો ને યેનકેન પ્રકારે સરદાર વલ્લભભાઈ પટેલે મનાવી – સમજાવી લીધા હતા. આ કામ માત્ર સરદાર જ કરી શકે તેમ હતા. પણ સરદાર પ્રત્યે પણ કિન્નાખોરી રાખવા માં આવેલ.
અનિલ વર્મા નામના લેખકે સૌ પ્રથમ બટુકેશ્વર દત્ત પર પુસ્તક લખ્યું હતું.- બટુકેશ્વર દત્ત- ભગત સિંહ કે સહયોગી. દત્ત નાં જન્મ ની શતાબ્દી પર પુસ્તક પ્રગટ કરવા માં આવ્યું હતું. ભારત સરકાર ની પ્રકાશન સેવા રાષ્ટ્રીય બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ ઔર એક ઉપહાસ. જીવતે જીવ આજીવિકા નાં વાંધા હતા, ત્યારે સરકારે કોઈ મદદ ન કરી, અરે માન્યતા પણ નહોતી આપવા માં આવી. આ ક્રૂરતા અંગ્રેજો દ્વારા કરવા માં આવી હોત તો દુશ્મનો છે,એમ સમજી ને પણ મન મનાવી લેવાય. પણ આઝાદી બાદ સતા રૂઢ લોકો તો પોતાનાં હતાં ને! અંગ્રેજો,
એ તો શોધી શોધી ને ફાંસીએ ચડાવતા હતા.નામ તો પોકારતા હતા, ફલાણા ભાઈ હાજર થાઓ…..પણ સરકાર નામ પણ નહોતી પોકારતી..ભુલી ગઈ હતી સાવ.જાણી જોઈ ને.જો યાદ રાખવા માં આવે તો આઝાદી ની લડાઈ માં ક્રેડિટ આપવી પડે.! પણ મૃત્યુ નાં વર્ષો બાદ સરકાર એ વ્યક્તિ ના જીવન પર પુસ્તક પ્રગટ કરે છે..!
નવી દિલ્હી ની બીકે દત્ત કોલોની, એમ થોડા વિસ્તારો નાં નામ સ્થાનિકો દ્વારા અપાયાં છે. ગાંધી માર્ગો, નહેરુ ઉદ્યાનો, રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી નાં નામ પર જ અડધા ભારત નાં રસ્તાઓ, બાગો, સરકારી બાંધકામો, નાં નામો છે. પણ ( ભૂલચૂક ) થી ક્યાંક ભગતસિંહ માર્ગ કે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઉદ્યાન નજરે પડે છે.બે ચાર સ્વાતંત્ર વીરો ને બાદ કરતાં, લગભગ તમામ ને ભુલાવી દેવા માં આવ્યાં છે. હર બીજો રોડ ગાંધી નાં નામ પર છે. કેટલાંય શહેરો ગાંધી નાં નામ પર છે. અરે આક્રાંતાઓ – મુગલો નાં નામે કંઈ કેટલુંય છે, પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ માર્ગ શોધ્યો જડતો નથી. કેટલાંય નામો ગુમનામી નાં અંધારા માં ખોવાઈ ગયાં છે. આઝાદી પહેલા ના ભારત ને તો જાણે ભારત માનવા માં જ નથી આવ્યું. આ બાબતે તુચ્છ નેતાઓ વારંવાર થુંક ઉડાડે છે. પહેલાં નાં પ્રધાનમંત્રી શ્રી વિદેશ ની ધરતી પર ઓફિસ્યલી બોલી ચુક્યા છે કે અંગ્રેજો આવ્યા બાદ ભારત નો વિકાસ થયો, ભણતર શીખવ્યું… વ્હોટ? આવું એક પ્રધાન મંત્રી કેવી રીતે બોલી શકે?! ઘણાં તો કહે છે કે મુગલ કાળ માં ભારત નો GDP ગ્રોથ ઘણો વધારે હતો.એક આખી ગેંગ, જે આજે પણ ભારતત્વ ની વિરૂદ્ધ છે. રાજકિય મતભેદ હોઇ શકે, પણ વાત ભારત ની એકતા, અખંડતા ની આવે ત્યારે સૌ એ સાથે મળી જવું જોઈએ. વિદેશી આક્રાંતાઓ ની લીટી લાંબી કરવા એક મુહિમ ચલાવાઈ રહી હતી અને આજે પણ ચાલુ છે. પણ ક્યાં ગયા શિવ,કૃષ્ણ, રામ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, પૃથ્વીરાજ ચૌહાણ, પોરસ, ચંદ્રગુપ્ત મૌર્ય, વિક્રમ… આઝાદી બાદ થવું જોઈતું હતું એવું કે રોડ, બાગ, હોસ્પિટલો, સરકારી સ્ટ્રકચરો, સંસ્થાનો નાં નામો માં ભારતત્વ ઝળકવું જોઈતું હતું. ભગવાન રામ, કૃષ્ણ, શિવ, મહાકાળી અને હજારો મંદિરો પર તો કેસ ચાલ્યા હતા.( હજી ચાલુ છે.) આ હતું સેક્યુલરિઝમ ? જે રાજા વિક્રમ નાં નામે ભારત સહિત વિશ્વ ભર માં વિક્રમ સવંત ચાલે છે, એ રાજા નું નામ ક્યાંય નથી મળતું. ન પાઠ્ય પુસ્તકો માં, ન રસ્તાઓ માં, ન કોઈ બાગ, કોઈ બિલ્ડિંગ…! મહારાણા પ્રતાપ માર્ગ ક્યાંય નથી મળતો. આવાં તમામ ઐતિહાસિક પાત્રો ગુમ કરી નાખવા માં આવ્યાં. ઋષિ મુનિઓ, તપસ્વીઓ, સંતો, સાધુઓ, આચાર્યો… બધા જ ધીમે ધીમે ગુમ થતા રહ્યા. આજ ની દિલ્હી (હસ્તિનાપુર, ઈન્દ્રપ્રસ્થ) ની ભાગોળે કૌરવ – પાંડવ નાં મહેલો નાં અવશેષો નષ્ટ થઈ રહ્યાં છે. કોઈને ફુરસદ નથી જોવા ની. આ અને આવા અનેક સ્થળો ને રાષ્ટ્રીય સ્મારક, સ્થળ, ધરોહર શા માટે ઘોષિત કરવામાં ન આવે? ભારત ને આઝાદી ની આસપાસ શા માટે વણી લેવામાં આવે છે? પાછળ નો ભવ્ય ઇતિહાસ કેમ ભૂલી શકાય? ઋષિઓ નાં નામ પર રોડ હોઈ શકે એ કેમ ભૂલાયું? અન્યો પ્રત્યે દ્વેષ નહીં, પણ ભારતત્વ ની ઓળખ સમાં નામો કેન્દ્ર સ્થાને હોવાં જોઈએ. ઈલાહાબાદ નું પ્રયાગરાજ થયું તો વામપંથીઓએ કાગારોળ મચાવી મૂકી હતી. અયોધ્યા ફૈઝાબાદ થઈ ગયું હતું. કર્ણાવતી આજે અમદાવાદ થઈ ગયું છે. ગૌધરા ગોધરા બની ગયું છે. કેટલાં નામો લખવાં?
ભગવાનનો માટે લડવું – ઝઘડવું પડ્યું છે. આ આઝાદી મળી છે? અને આઝાદી મળી છે ખરી? અપ્રત્યક્ષ રૂપ થી હજી અંગ્રેજીયત નું રાજ ચાલુ છે. ભાષા, પહેરવેશ, શિક્ષણ, ખાનપાન.. ભારતીયતા ખતમ થઈ રહી છે. મેકોલ એ સાચું જ કહ્યું હતું.- આઝાદી પચાવી નહીં શકો, દોડી ને ગુલામી તરફ જશો…!!
પાઠ્ય પુસ્તકો માં મુગલો નું આખું ખાનદાન ભણાવાય છે, વ્હાય? અકબર નો સલીમ હોય કે ઔરંગઝેબ નો જન્મ ક્યા વર્ષ માં થયો હતો એના થી શું જ્ઞાન મળશે? ભારતીય શિક્ષણ પદ્ધતિ માં ઘરમૂળ થી ફેરફાર કરવા ની જરૂર છે. ભારતીયતા માં આરોગ્ય,ખગોળ શાસ્ત્ર, કિશાની,જ્યોતિષ શાસ્ત્ર એમ અનેક બાબત નાં ગ્રંથો છે, જે જીવન માં આગળ જતાં કામ લાગે. પણ, માની લ્યો તમે ૧૨ ભણેલા છો, તો યાદ છે તમે ક્યા ક્યા પાઠ ભણ્યા? ના. યાદ નહીં હોય. પણ જો આર્યુવેદ, ખગોળ, કે એવું કંઇક ભણવા માં આવ્યું હોત તો જરૂર યાદ રહી જાત.
આઝાદી બાદ બધું જ બદલાવા લાગ્યું એમાં સૌ થી વધુ ઝડપ થી બદલાયું તો એ છે ઓળખ. ભારત ને ઇન્ડિયા સાબિત કરવા માં, તાજમહેલ દેખાડવા માં ગર્વ અનુભવતા પીએમ,નેતાઓ ઇન્ડિયા ઇઝ કાઉ એન્ડ ઇન્ડિયા ઇઝ પુવર કન્ટ્રી કહેતાં ગર્વ અનુભવતા હતા. મનમોહન સિંહ તો બાકાયદા અંગ્રેજો સામે બોલ્યા છે કે સારું કર્યું તમે અમારા દેશ માં આવ્યા, અમને ઘણું શીખવ્યું..!
એગ્રી. ઘણું શીખવ્યું, પોતાનું બધું ભૂલી જાઓ, અમારું અપનાવો એ શીખવ્યું.!નવું શીખવા ની ના નથી. સતત નવું શીખવું જ જોઈએ. પણ ઓલ્ડ ઈઝ ગોલ્ડ.

*અવતરણ*

ગાંધી પ્રત્યે કોઈ રાગ દ્વેષ નહીં, પણ અન્યો ની ઉપેક્ષા શા માટે? પેન્શન તો દૂર ની વાત રહી,સરકાર દ્વારા સ્વાતંત્ર સેનાનીઓ ને સર્ટિફિકેટ આપવામાં, સ્વાતંત્ર સેનાની નો દરજ્જો આપવામાં ખુબ કંજુસાઈ વર્તી. ઘણાં ગરીબી માં સબડી ને મૃત્યુ પામ્યા. કેમ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *