સાતમા દિવસના પ્રારંભે ત્રિકમ સાહેબનું એક પદ: મનવો મારો વૈરાગી ત્યાંથી મારી ભે ભ્રમણા ભાગી જે ‘દી મારો મનવો ભયો વૈરાગી
ઇંગલા પિંગલા સુષમણા સાધી,માંય ઝળહળ જ્યોતું જાગી;
ત્રિવેણી ઉપર તાર મેળવ્યા ત્યાં તો અનહદ નોબત વાગી,
ત્રિકમ સાહેબ ખીમના ચરણે ઘટમાં જોયું મેં જાગી મનવો મારો વૈરાગી મારી ભે ભ્રમણા ભાગી.
બાપુએ કહ્યું કે વૈરાગની આપણે ત્યાં ઘણી વ્યાખ્યાઓ થઈ છે.કોને ક્યારે વૈરાગ આવે કંઈ નક્કી નહીં.ગોપીચંદનો એ સજળ પ્રસંગ કહ્યો.સિદ્ધિ પ્રસિધ્ધિ અને ઉપસ્થિતિ બતાવવા માટે મૂળ ભુલાઈ જાય છે.શ્રીમદ રૂપ ગોસ્વામી મહારાજ ભક્તિ રસામૃતસિંધુ નામના ગ્રંથમાં યોગની વ્યાખ્યા કરે છે.ભક્તિયોગ, પ્રેમયોગ.પણ ભક્તિયોગ કરતા ય પ્રેમયોગ વધારે ગમે છે કારણ કે ક્યારેક ભક્તિમાં ઘેલછા આવે છે. આસપાસ માથામાં વિવિધ પ્રકારના પરાણે તિલક,ટપકાં ચાંદલાઓ કરાવતા લોકોને જોઈને બાપુએ કહ્યું કે કથામાં આ ટીલાં ટપકાં અને આરતી ફેરવતા લોકોને વિનંતી અને વિનય કે એમાંથી જેટલા પણ પૈસા મળે છે એ મારી પાસેથી લઈ જજો પણ મારી કથાને ચીલાચાલુ ન બનાવતા. પ્રેમયોગની સિદ્ધિ કઈ?કોઈ એક વ્યક્તિને પણ પ્રેમ કર્યો છે તો એની સિદ્ધિ શું?ભાઈ-ભાઈ,પિતા-પુત્ર,ગુરુ-શિષ્ય,આશ્રિત-આશ્રય અનેક પ્રકાર જોડીઓ છે. ભગવાન કૃષ્ણને જોવાની ઉત્કંઠા જાગે એ જ સિદ્ધિ છે.એ દેખાય ન દેખાય એ પછીની વાત છે. દર્શનની ઉત્કંઠા જ પ્રેમયોગની સિદ્ધિ છે. દર્શનથી કદાચ શંકા પણ જાગે.આપણે શંકા કરીએ ત્યારે બુદ્ધપુરુષને ખૂબ જ સહન કરવું પડે છે.એક સદગુરુમાં પરમપુરુષ, વિશ્વપુરુષ, યુગપુરુષ,સાધુપુરુષ અને બુદ્ધપુરુષ-તમામ રહેલા છે.આપણો ગુરુ આપણા મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે. વ્યક્તિમાં તો ક્યારેક શંકા પણ જાગશે. એ કૃપા કરીને આપણી સામે આવે ત્યારે સિદ્ધિ,તૃપ્તિ અને તૃષ્ટિ થાય છે.બાપુએ કહ્યું મારું મૂળ સૂત્ર છે મૂળને પકડી રાખજો. તમારા આંબામાં કલમ પણ ન થવા દેતા! ઉપનિષદની વાત કરતા બાપુએ કહ્યું ઋષિ અંગિરા એનો એક પ્રધાન શિષ્ય ઉદયન હતો. તેને ગુરુ દ્વારા વિદ્યા,શ્રેય,તેજ મળ્યા પછી મૂળ પરંપરાને ભૂલી વધારે ચમકવા લાગ્યો. સદગુરુ અંદરથી રડે અને સમજી ગયા કે થોડોક ભટકી ગયો છે.એક દિવસ સગડી પ્રગટાવી ઠંડીની ઋતુમાં ધૂણો ધખાવી અને બધા બેઠા હતા એ વખતે ગુરુએ શિષ્યોને કહ્યું કે આમાંથી એક તેજસ્વી અંગારો મને આપો. એક શિષ્યએ ચીપિયાથી ધુણામાંથી તેજસ્વી અંગારો બહાર બાજુમાં મૂક્યો. થોડા સમયમાં અંગારો મુરજાયો,ધુંધવાઇને કોલસો થઈ ગયો. અંગિરાએ કહ્યું કે મેં આવું શા માટે કર્યું સમજાયું? અને ઉદયને અંગિરાના પગ પકડી લીધા. ગુરુના ધુણામાં પડ્યા રહો.હીરો થવાનો હતો એ કોલસો થઈ ગયો. ગુરુના ધુણામાંથી નીકળી જઈશું તો ઓલાઈ જઈશું. ત્રીજી વાત એ કરી કે કૃષ્ણ સાથે એકાંતવાસ ઝંખે છે. સાધકના મનમાંથી ભય અને ભ્રમ જતો રહે એનું નામ વૈરાગ.જ્યારે આશ્રિત શંકા કરે છે ત્યારે સદગુરુને આવું થાય છે,આશ્રિતને પણ થતું હશે: અંગમાં તાપ અને દાહ થાય છે.ખોરાક ઓછો થવા માંડે,ઉત્સાહ ન ઘટે પણ ઉર્જા ઘટે, દેહ કૃષ થાય, ઊંઘ ન આવે,અવલંબન શૂન્યતા લાગુ પડે,જડતા દેખાય,શરીરમાં વ્યાધિ લાગુ પડે,ઉન્માદ થાય. મૃતી: એટલે મૃત્યુ નહીં પણ એ પછીનું જીવન મરેલા જેવું લાગે.વિયોગની ભ્રમયુક્ત પ્રીતની આ દસ દશાઓ ઉત્પન્ન થાય છે.
નામકરણ સંસ્કારથી લઇ, વિદ્યાપ્રાપ્તિ, ધનુષ્યભંગ, સિતારામવિવાહ અને કન્યાવિદાય બાદ વિશ્વામિત્રની અયોધ્યાથી વિદાયનાં કરુણ સંવાદી પ્રસંગોના ગાન સાથે બાલકાંડનું સમાપન થયું.
અમૃતબિંદુઓ:
ગમે એટલો વૈરાગ આવી જાય તોય મૂળ ક્યારેય ભૂલવું નહીં.
ભજન સાધન નથી સાધ્ય છે.
ક્યારેક ભક્તિમાં પણ વ્યવસાય દેખાય છે.
પોતાને સત્યમાં પ્રતિષ્ઠિત કરે એને કંઈ પણ કર્યા વગર ફળ પ્રાપ્ત થાય છે.
વ્યક્તિની નહીં એના વિચારોની નજીક રહેવું જોઈએ.
સાધકના મનમાંથી ભય અને ભ્રમ જતા રહે એનું નામ વૈરાગ.
સત્યની ઉપાસનાથી ભય ભાગે છે,ભરોસો થવાથી ભ્રમ ભાગે છે.