જગતમાં વહેતી નદીઓ પરમાત્માના પ્રવાહી મંદિરો છે. જેનામાં વિત્તની શઠતા આવે છે તેનું કદી કલ્યાણ થતું નથી. રામકથામાં શિવવિવાહ અને રામજન્મની કથાનું ગાન થયું

 

ત્રિકમ સાહેબ મંદિર નખત્રાણા-કચ્છથી પ્રવાહિત રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ જણાવ્યું કે ભગવાન શિવ પાસે કેટ કેટલી અક્ષય તૃતીયાઓ છે.શિવ ત્રિલોચન છે.શિવ પાસે ત્રિશૂળ છે.શિવ પાસે ત્રણ માતૃશક્તિ:એક-સદા સર્વદા સાથે રહેતી અર્ધાંગિની પાર્વતી,બે-નિરંતર શરીર સાથે જોડાઈ રહેલી વિભૂતિ અને ત્રણ-જેનું અવતરણ આજે ગંગા સપ્તમીના દિવસે વૈકુંઠમાંથી થયું છે-એ ગંગા. ભગવાન શિવને ત્રિજટા છે.ગંગાના અવતરણ વખતે શિવજીની ત્રણ જટા ખુલે છે એક જટામાંથી ગંગા અવકાશમાં ગમન કરે છે,બીજી જટામાંથી પાતાળમાં જાય છે અને ત્રીજી જટામાંથી આવેલી ગંગા પૃથ્વીને પાવન કરે છે.બાપુએ કહ્યું જગતમાં વહેતી નદીઓ પરમાત્માના પ્રવાહી મંદિરો છે.જેનામાં વિત્તની શઠતા આવે છે તેનું કદી કલ્યાણ થતું નથી એવું શિવપુરાણનું સૂત્ર છે.

સુણતલ કાન ન માનીએ,

નજરું જોયા સાચ;

તૂટે પછી જૂટે નહીં,

મન મોતી ને કાચ.

સતીને ત્રણ જગ્યાએ રામ વિશે સંદેહ થયો છે. કોઈની મૈત્રી પર શંકા ન કરવી.બુદ્ધપુરુષના ચરણમાં સમર્પિત આશ્રિત પર શંકા ન કરવી.કોઈના ઇષ્ટદેવ પર શંકા ન કરવી.બાપુએ કહ્યું કે સંધ્યા વખતે આટલું ન કરવું એવી શાસ્ત્રની આજ્ઞા છે: સંધ્યા વખતે ભોજન ન કરવું,સંધ્યા ટાણે સુવું નહીં તેમજ વૈદિક બ્રાહ્મણે વૈદિક પાઠ પણ ન કરવો,સંધ્યા વખતે સંસાર વિહાર ન કરવો. સંધ્યા વખતે માત્ર પોતાના બુદ્ધપુરુષની યાદમાં રોવું. કૃષ્ણને કાંત તરીકે સ્વીકાર્યો પછી આપણી પાસે એકાંત શબ્દ આવ્યો છે. રામચરિત માનસમાં પાંચ પુરુષો દેખાય છે:પરમપુરુષ,વિશ્વપુરુષ,યુગપુરુષ,બુદ્ધપુરુષ,સાધુપુરુષ.

વિશ્વપુરુષ વિશ્વનાથ મહાદેવ છે.વિનોબાજી કહેતા હવે વિશ્વ માનુષની જગતને જરૂર છે.મહર્ષિ અરવિંદ કહેતા અતિમાનસ સ્વરૂપની જરૂર છે. યુગપુરુષ હનુમાનજી છે.

ચારોં જુગ પરતાપ તુમ્હારા;

હે પરસિદ્ધ જગત ઉજિયારા.

બુદ્ધપુરુષ રામચરિત માનસમાં કાગભુષંડી છે અને સાધુપુરુષ રામચરિત માનસમાં ભરત છે.

એ પછી કથા પ્રવાહમાં ભગવાન શિવના વિવાહનો પ્રસંગ સંવાદી રૂપે કહી રામજન્મના અનેક હેતુઓ, રામ જન્મના કારણોની સંવાદી ચર્ચા કરી રામના પ્રાગટ્ય ઉપર સમગ્ર વિશ્વને રામજન્મની વધાઈ સાથે આજની કથા ને વિરામ અપાયો.

 

અમૃતબિંદુઓ:

જગતમાં વહેતી નદીઓ પરમાત્માના પ્રવાહી મંદિરો છે.

જેનામાં વિત્તની શઠતા આવે છે તેનું કદી કલ્યાણ થતું નથી.

પરમપુરૂષરામ અને કૃષ્ણ છે જેનો આશ્રય કરવો.

બધા ધર્મના મોટા પુરુષોએ ભય બતાવ્યો છે એકમાત્ર કૃષ્ણએ અભયનું સર્જન કર્યું છે.

આ જગતનું ઉત્તમમાં ઉત્તમ સર્જન પુષ્પ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *