સ્વચ્છતાનો પ્રેરક સંદેશો લઈને નર્મદા જિલ્લામાં પહોંચી વિશ્વશાંતિ વિશ્વપદયાત્રી” ની ટીમ
વિશ્વપદયાત્રીઓનું રાજપીપલા ખાતે ઉષ્માભેર સ્વાગત
બાળકોમાં પર્યાવરણ હિતેષી અભિગમ કેળવવા શિક્ષકોને પ્રોત્સાહિત કરતી વિશ્વપદયાત્રીઓની ટીમ
(દીપક જગતાપ )
રાજપીપલા, તા 22
સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, માર્ગ સલામતી, બેટી બચાઓ-બેટી પઢાઓનો સંદેશ, સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ તેમજ વિશ્વ શાંતિનો સંદેશો ફેલાવતી વિશ્વશાંતિ વિશ્વપદયાત્રીઓની ટીમ ભારતના વિવિધ રાજ્યોમાં પરિભ્રમણ કર્યા બાદ નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં પહોંચી હતી.
આ પ્રસંગે પદયાત્રીઓએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જ્યાં લોકકલ્યાણ અને જાગૃતિના શુભ આશય સાથે વિશ્વના ૧૧ દેશોમાં ૪.૪૮ લાખ કિ.મી. ની વિશ્વપદયાત્રા પુરી કરીને નર્મદા જિલ્લામાં આવી પહોંચનાર ટીમનું નિવાસી અધિક કલેક્ટર સી. કે. ઉંધાડે ઉષ્માભેર સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
નર્મદા જિલ્લામાં પધારનાર ટીમે નવદુર્ગા હાઈસ્કુલ, એમ.આર. વિદ્યાલય અને એસ.આર.મહિડા કન્યા વિનય મંદીર રાજપીપલા ખાતે હાજરી આપીને પર્યાવરણહિતેષી ઝુંબેશમાં ભાગીદારી નોંધાવવા શિક્ષકો-બાળકોને જાગૃત કર્યા હતા. તેમજ એ.આર.ટી.ઓ. ની ટીમ સાથે મળીને વાહનચાલકોને ટ્રાફિક નિયમન અંગે જાગૃતતા કેળવવામાં આવી હતી.
નોંધનીય છે કે, વિશ્વશાંતિ વિશ્વપદયાત્રા વર્ષ ૧૯૮૦ માં ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીથી અવધ બિહારી લાલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં જોડાયેલા જીતેન્દ્ર પ્રતાપ સિંહ અને તેમની ટીમે સરકારની યોજનાઓ, પર્યાવરણ સંરક્ષણ, પ્રદુષણ નિયંત્રણ, વન સંરક્ષણ, વન્ય જીવ સંરક્ષણ, સ્વચ્છ ભારત મિશન, બેટી બચાઓ-બેટી પઢાઓ તેમજ રોડ સેફ્ટી અંગે જાગૃતતા ફેલાવવાના અવિરત પ્રયાસો કર્યા છે. અત્યાર સુધી વિશ્વપદયાત્રીઓએ વૃક્ષારોપણને વિશેષ પ્રાધાન્ય આપીને ૧૪.૫૦ કરોડ વૃક્ષારોપણ કર્યું છે, જે ખરેખર પ્રશંસાપાત્ર છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા