ભજન,ભોજન,ભાજનભૂમિ-કચ્છથી ૯૧૬મી રામકથાનો વિરામ;૯૧૭મી કથા ૧૩મે થી ગાંધીનગરથી પ્રવાહિત થશે.

 

પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વયિત અવતાર છે.

‘ભજલે રામ,ગા લે રામ સુનલે રામ મારી પ્રસ્થાનત્રયિ મારી અક્ષયતૃતિયા છે’

 

કથાબીજ પંક્તિ:

તેહિ અવસર સુનિ સિવ ધનુ ભંગા;

આયઉ ભૃગુકુલ કમલ પતંગા.

ગૌરિ સરીર ભૂતિ ભલ ભાજા;

ભાલ બિસાલ ત્રિપુંડ બિરાજા.

(બાલકાંડ દોહો-૨૬૮)

 

શ્રીત્રિકમ સાહેબ મંદિર નખત્રાણામાં ચાલતી રામકથાના પૂર્ણાહુતિ દિવસે કચ્છની સમસ્ત સમાધિઓ,સાધના પદ્ધતિઓ તથા બધી જ ઊર્જાને પ્રણામ કરીને બાપુએ ત્રિકમ સાહેબના અવલોકન દર્શન અનુભવોના પદોનો સંવાદી સૂરમાં વાર્તાલાપ કર્યો.એમાં એક પદનું ગાન કરવામાં આવ્યું.બાપુએ કહ્યું કે ત્રિકમ સાહેબ સાથે ચમત્કારો,પરચાઓ પણ જોડાયેલા છે,પણ મહાપુરુષોની એ લીલાઓમાં ન જતા સમાજને ઉપયોગી ગદ્ય અને પદ્યમાં જે રજૂ કર્યું એવી વાતો આપણે કરી છે.મૂળ પુરુષની મૂળ વાણી વધારે આનંદદાયક હોય છે.ત્રિકમ સાહેબ જ્યારે મહાપુરુષો સાથે શિવરાત્રીમાં મેળામાં ગયા, રોકાયા,ત્યાંથી ગિરનારના દર્શન કરી મનમાં જે ભાવ ઉઠ્યા એ પદ રૂપે એમણે ઉતાર્યા છે.

તારો ભરોસો અમને ભારી રે

ગિરનારી દાતા,એવો ગરવો દાતા ગિરનારી

આણિકોર ગરવો ઓલિકોર જમિયલશા પીર

વચમાં ભવેશ ગિરનારી

લીલીને પીળી તારી ધજાયું ફરુંકે

ધોળી રે ધજાની બલિહારી

ત્રિકમ સાહેબ ખીમ કેરે ચરણે

વારિ વારિ જાઉં બલિહારિ.

ભરોસા વિશે મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે ભરોસો દ્રઢ હોવો જોઈએ,તુલસી કહે એમાં ડરને સ્થાન ન હોય.ડર અસત્યને કારણે અથવા શંકાને કારણે આવે છે. ભરોસામાં બે વસ્તુ હોય છે:એક-કંઈ પણ વિચાર્યા વગર કોઈના ચરણમાં સમર્પિત થઈ જવું.બીજું- પૂરેપૂરું જાણી લીધા પછી સમર્પિત થવું.બધું જ જાણવાની કોશિશમાં કોની પાસેથી જાણીએ એ પણ મહત્વનું છે. ભરોસો જ ભજન છે.

જાને બિનું ના હોઇ પરતિતિ;

બિનુ પરતિતિ હોઇહિ નહિ પ્રીતિ

જાણી લેવું ને ભરોસો મૂકવો એ જ્ઞાનમાર્ગ છે. ક્યારેક જાણવામાં જ જિંદગી પૂરી થઈ જાય છે. જેને હું જાણતો નથી એને ઈશ્વર કેમ કહું! જેને જાણી ગયો એને ઈશ્વર કેમ માનું! કારણ કે ઈશ્વર તો નેતિનો વિષય છે.તમારો વિશ્વાસ ટકી રહે આ માટે શું કરવું જોઈએ?અવલંબનો બતાવ્યા છે. જોકે હું તો કોઈ અવલંબન નહીં સીધો જ ભરોસો મુકું છું. છતાં પણ

પ્રેમ કેરી રીત વળગતી વેલને પૂછો;

મોરના આંસુડાની કિંમત એની ઢેલને પૂછો!

ઈશ્વરને ભોગવ્યા પછી જગત ખારું નથી લાગતું.ખારું લાગે તો આપણે ઈશ્વરના સર્જનમાં ભૂલો શોધીએ છીએ.જગત ખારો લાગે એ અમુક અવસ્થા સુધી ઠીક છે. ત્રિકમ સાહેબના પદમાં કહ્યું છે એમ જમિયલશા પીરની લીલી ધજા,દત્તપરંપરાની પીળી ધજા,પણ એવી ધજામાં ભરોસો જેનામાં એકેય રંગ નથી.

પરશુરામ ભગવાન ધનુષ્યયજ્ઞમાં આવે છે. અહીં તુલસીના પરશુરામનું દર્શન કરવા જેવું છે. પરશુરામ અવતાર છે,આવેશાવતાર છે.લોખંડનો રંગ લાલ નથી પણ અતિ તપાવીએ ત્યારે એ લાલ રંગ આવે છે ફરી પાછો પોતાના મૂળ રંગમાં આવે છે.આપણે ત્યાં ઘણા આવેશ અવતાર દેખાય છે.ગાડી ચલાવીને જતા હોઈએ,અકસ્માત થવાનો જ છે અને છેલ્લી ક્ષણે કોઈ બિલાડી આડે ઉતરે છે,બચી જઈએ. અથવા છેલ્લા ડચકે જીવ હોય,કોઈ મહાપુરુષના દર્શન થાય અને ફરી ચમક આવે બસ એ જ આવેશ છે.પરશુરામ એક સમન્વયિત અવતાર છે. ક્યાંક કોઈ વસ્તુ તૂટતી હોય.અવાજ આવે ત્યાં જવું જોઈએ.અખંડ છે એ તૂટવું અથવા તો કંઈક ખૂટયું એના માટે પણ તૂટવું શબ્દ છે. કોણે તોડયું એ પરાક્રમ છે આટલું આટલું ઘટ્યું છે ત્યાં કોમળતા કામ કરે છે.એટલે તુલસી કમલ અને પતંગ બે શબ્દોનો ઉપયોગ કરે છે.માતાનું તેજ,બાપનું બળ વ્યક્તિમાં આવે છે.ગૌરિ શરીર એ પાર્વતીની શક્તિ અથવા પરશુરામની માતાની શક્તિનું તેજ છે. વ્યાસ કહે છે એમ દસ કે ચોવીસ અવતાર છે. ભગવાન રામ મહાવિષ્ણુ,પરમવિષ્ણુ છે જેના અંશથી અનેક વિષ્ણુ પ્રગટ થાય છે એ રામ છે.વિષ્ણુનો અવતાર વૈષ્ણવ હોય,વૈષ્ણવ ત્રિપુંડ ન કરે,પરશુરામ ત્રિપુંડ કરે છે એ સમન્વય છે.પરશુરામ શિવના ઉપાસક છે છતાંય ખભા પર ધનુષ્ય રાખે એ વિષ્ણુનું છે.દાન આપવું એ શાસ્ત્ર છે.દાન એ કુહાડાનું પ્રતિક છે.આથી પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વયિત અવતાર છે. બધી ઊંચાઇ ભરોસાપાત્ર નથી હોતી.

રામરાજ્યના વર્ણનમાં લખ્યું છે કોઈ દરીદ્ર નથી.પૈસે ટકે તો દરિદ્ર નથી જ પણ દ્રષ્ટિની,વચનની,વાણીની દરીદ્રતા પણ નથી.કોઈ રોગ નથી,બધાના શરીર સુંદર છે,કોઈ અબુધ અભણ નથી,કોઈ પીડા નથી,આશ્રમ અને વર્ણ માત્ર વ્યવસ્થા માટે જ છે,કોઈ ગુનો નથી એટલે દંડ નથી.વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કોઈ ભેદ નથી આવા રામરાજ્યની સ્થાપના સાથે દરેક ઘાટ પર રામકથાની પૂર્ણાહુતિ સાથે બાપુએ પોતાની કથાની પૂર્ણાહુતિ કરતા જણાવ્યું કે નિમિત્તમાત્ર યજમાન વિનોદભાઈ ચાવડા એનો પરિવાર પ્રસન્ન રહે એવો રાજીપો વ્યક્ત કરી અને રામચરિતમાનસનો સાર ભજલે રામ,ગા લે રામ સુનલે રામ મારી પ્રસ્થાનત્રયિ મારી અક્ષયતૃતિયા છે.રામકથાનું ફળ કચ્છને કાયમ અક્ષય રાખે એ માટે કચ્છડાને અર્પણ થયું.

હવે પછીની ૯૧૭મી રામકથાનો ગાંધીનગર ખાતે ૧૩ મેથી પ્રારંભ થશે.જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ મારફત નિયમિત સમયે નિહાળી શકાશે.

 

અમૃતબિંદુઓ:

રૂપગોસ્વામી મહારાજે અવલંબન માટેના ૧૦ ઠેકાણા બતાવ્યા છે:

એક-ગુરુ પાદાશ્રય- ગુરુના પદ કે પાદુકાનો આશ્રય કરવો.

બે-કૃષ્ણ સાથે જોડાયેલી વસ્તુમાંથી શિક્ષા મેળવવી. ત્રણ-જેની પાસે ગયા એના માટે ગુપ્ત ભાવ રાખવો. ચાર-સમગ્ર સાધુપણું જેમાં હોય એની સેવા કરવી. ગુરુને પૂજવો એવા વચનો ઓછા આવ્યા છે,ગુરુને સેવવો જોઈએ.

પાંચ-સ્વધર્મ માટે પરમને જિજ્ઞાસા કરવી.

છ-માત્ર કૃષ્ણ પ્રેમ માટે બધા જ ભોગો છોડી દેવા. સાત-સમય મળે ત્યારે દ્વારિકા અથવા ગંગા કાંઠે નિવાસ કરવો.

આઠ-વ્યવહારમાં યથા યોગ્ય વર્તન કરવું.

નવ-એકાદશી કે જન્માષ્ટમી એ વ્રતો પાળવા.

દસ-ઉમરા અને પીપળાના વૃક્ષ નીચે બેસવું.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *