ગાંધીનગરથી પ્રવાહિત રામકથાના ચોથા દિવસે બાપુએ કહ્યું કે આપણે ચાર મુખ્ય બિંદુઓ ઉપર સંવાદ કરી રહ્યા છીએ:શિક્ષક,આચાર્ય,ગુરુ અને સદગુરુ.આ યાદી લાંબી પણ કરી શકીએ.એમાં કુલગુરુ,ધર્મગુરુ,જગતગુરુને પણ રાખી શકીએ. ઘણા માટે રામચરિત માનસ ઇષ્ટગ્રંથ છે.અહીં ચાર ઘાટ પર ચાર પરમ આચાર્યો કથા કરી રહ્યા છે. ગુરુકૃપા અને ગ્રંથ કૃપાથી કહું તુલસી રામચરિત માનસના શિક્ષક છે.એનો પ્રધાન વિષય માનસ છે. આપણે ત્યાં આવા કેટલાક શિક્ષકો થયા.શતાયું (સ્વ)નગીન બાપા કહેતા:બુદ્ધ પણ એક શિક્ષક છે. બુદ્ધ બુદ્ધત્વ પ્રાપ્ત કરી ચૂકેલા છે.નાગાર્જુન આચાર્ય છે.યાજ્ઞવલ્ક્ય મહારાજ એ રામચરિત માનસના આચાર્ય છે. ભગવાન શંકર કથા કહે છે એ ગુરુ છે. અને કાગભુશુંડી સદગુરુ છે. રામકથા સ્વયં એક પરમ વિદ્યાલય છે.જો તુલસી શિક્ષક છે તો એના શિક્ષક તરીકેના લક્ષણો-વધારે નહીં પણ ત્રણ લક્ષણો-વિશે વાત કરીશું.મારે,તમારે શિક્ષક સમાજે આ કલી પ્રભાવ હોવા છતાં જેટલી માત્રામાં આ લક્ષણો ઉતારી શકીએ.વર્ગખંડમાં શિક્ષણ આપતા હશું એ રામકથા જ બનશે.રામકથા એટલે માત્ર ધર્મકથા કે અવતાર કથા જ નહીં.જો આવા લક્ષણો હશે તો આપણો વર્ગ એક સર્ગ બનશે એ સર્ગ એટલે બાલકાંડ.શિક્ષક એ છે જે પોતાનું શિક્ષણ કાર્ય માત્ર પગાર મળવા માટે જ ન કરે,પગાર પૂરતો મળવો જ જોઈએ. પણ ત્રણ લક્ષણોમાં એક-શિક્ષણ કાર્ય સ્વાન્ત: સુખાય હોવું જોઈએ. સ્વાન્ત: સુખ માટે અનેક ગ્રંથોનું અવલોકન જરૂરી છે.ઉમાશંકર,મુનશી,ગુલાબદાસ બ્રોકર,ન્હાનાલાલ,દલપતરામ કે વર્તમાનમાં પણ એવા ઘણા શિક્ષકો છે જેને અવલોકવાં રહ્યા.બીજું- જ્યાંથી સત્ય મળે વિદ્યાર્થી બનીને ગ્રહણ કરવું. હેતુ વગર સરાહના કરવાની વૃત્તિ રાખવી. ત્રણ- પોતાને બોધ મળે એ માટે સમ્યક વાણી બોલવી. યાજ્ઞવલ્ક્ય ગંગા યમુનાના મિલન પર કથા ગાયન કરે છે. યાજ્ઞવલ્ક્ય મહારાજ બાહ્ય અને આંતર બંને રીતે ભરપૂર સમૃદ્ધ છે.નાલંદા જેવા મહાવિદ્યાલયોમાં કોઈ શિક્ષક ગેરહાજર હોય તો એનો વિષય લઈ શકે એવી નિપુણતા આચાર્ય ધરાવતા.આચાર્યને બધા વિષયનું જ્ઞાન હોવું જોઈએ રામચરિત માનસમાં આચાર્યના ઘરને ગુરુ ગૃહ કહ્યું છે.
નવી શિક્ષણનીતિ જે હોય તે, પણ બધી જ નીતિઓ અમુક લોકો જ નક્કી કરે?!એને બદલે કોઈ ઋષિ, મુનિ,કોઇ પતંજલિ,કોઇ તુલસી,અરે મોરારીબાપુને પણ પૂછવું જોઈએ.વરસોથી આ ક્ષેત્રમાં છીએ. આ ક્ષેત્રમાં અનેક વર્ષો વિતાવ્યા છે. બાપુએ કહ્યું કે આ મહાવિદ્યાલય,પરમવિદ્યાલયમાં આવવાથી કઈ-કઈ વિદ્યા આપણામાં આવશે? વિદ્યા એટલે? એની વ્યાખ્યા શું?આપણે શિક્ષા શબ્દ વાપરીએ છીએ. સા વિદ્યા યા વિમુક્તયે. શિક્ષા બંધનમાં નાખે, વિદ્યા મુક્તિ આપે. આપણે ત્યાં વેદવિદ્યા,અધ્યાત્મવિદ્યા, યોગવિદ્યા,લોકવિદ્યા,બ્રહ્મવિદ્ યા આવી છે.વેદની ઋચાઓ તો છે જ, પણ મારા માટે મારી જવાબદારીથી કહું કોઈ નૃત્ય, ગાયન, અભિનય, શિલ્પ,કલા,વ્યાખ્યાન,પ્રવચન કંઈપણ હોય,કોઈપણ કળા જે વખતે મારી રુચિમાં બેસી જાય એ મારા માટે ઋચા છે. વેદની ઋચા તો પરમ ઋચાઓ છે. સમિધ પાણીનો એક અર્થ ગુરુની પાસે યજ્ઞ માટે હાથમાં સમિધ-લાકડાંઓ લઈને જવું પણ મારો એક અર્થ છે મારા હાથ જ ગુરુના ચરણમાં સમિધ છે હવે એ કહે એનાથી વિશેષ કંઈ નહિ.આ પરમ વિદ્યાલયમાં વિદ્યા સાથે વિનય પ્રાપ્ત કરવાનો છે. જગતને ઉપયોગી વિદ્યા આપણામાં આવી તો વિનય આવવો જ જોઈએ. બાપુએ કહ્યું કે હું વર્ષોથી જોઉં છું કે જેની પાસે કંઈક ઓછું હતું એ વખતે નમતા હતા,પણ ભરપૂર થઈ ગયા, વધી પડ્યું પછી નમતા બંધ થઈ ગયા છે! કારણ કે વિનય ચાલ્યો ગયો છે. વિદ્યા,વિનય પછી નિપુણતા આવવી જોઈએ. ગુણ અને શીલ આવવું જોઈએ. સાથે- સાથે ખેલકૂદ,રમત ના ગુણો આવવા જોઈએ. રામ રાજકુમાર છે એની પાસે રાજવિદ્યા પણ આવી છે. કથા પ્રવાહમાં શિવ ચરિત્રની સંક્ષિપ્ત કથાનું ગાયન કરી અને રામ જન્મના હેતુઓ,રામ જન્મના કારણોની ચર્ચા કરી અને ભરવાડ સમાજના વિશિષ્ટ અને એક પ્રકારની બહુરંગી વેશભૂષાઓ સાથે આખો કથા મંડપ ખૂબ જ હર્ષ ઉત્સાહથી રામજન્મ અને અતિશય નાચગાનથી વધાવી અને સમગ્ર દુનિયાને રામજન્મની વધાઈના ગાન સાથે,અતિ આનંદની ઉજવણી સાથે આજની કથાની વિરામ અપાયો.
અમૃતબિંદુઓ:
કોઇપણ કલામાં મને જે ઋચિકર લાગે એ મારા માટે ઋચા છે.
શિવ સામાન્ય ગુરુ નથી ત્રિભુવન ગુરુ છે.
આચાર્ય આંતર-બાહ્ય બંને રીતે સમૃદ્ધ હોવો જોઈએ.
શિક્ષણનીતિ નક્કી કરનારા તપસ્વી હોવા જોઈએ.
શિક્ષણ-વિદ્યાની સાધના યજ્ઞ કુંડ પાસે બેસીને, રાત- રાત જાગીને કરી હોય,જેણે ધુમાડા ન કર્યા હોય ધૂપ કર્યા હોય એની સલાહ લેવી જોઈએ.
શિક્ષા ન્યાયાલયનો શબ્દ છે,વિદ્યા ઉત્તમ શબ્દ છે.
મારી પાસે કોઈ કોમન નથી બધા વિશિષ્ટ જ છે.