*સંત સાહિત્ય પર્વ પ્રસંગે…..*
*કવિરાજ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવન ઉપર કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સદાસજીનું વ્યાખાન યોજાયું હતું .*
*શ્રી મુક્તાનંદ સ્વામીએ ૩૨થી વધુ શાસ્ત્રો અને ૮૦૦૦થી વધુ કીર્તનોની રચના કરી છે.*
*મુક્તાનંદ સ્વામીએ નૃત્યગાનની સાથે પગથી હાથીની અદ્ભૂત કૃતિની રચના કરી દીધી હતી.- સાધુ પ્રેમવત્સલદાસજી*

તા. ૧-૧- ૨૦૨૬ ને ગુરુવારના રોજ ઓમ કોમ્યુનિકેશન દ્વારા સંત સાહિત્ય પર્વની ઉજવણીના પ્રથમ દિને સ્વામિનારાયણ સંપ્રદાયના કવિરાજ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવન કવન ઉપર શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આત્મા હોલ- આશ્રમ રોડ ખાતે વ્યાખાન આપ્યું હતું. જેનો અનેક સાહિત્યકારો અને ધર્મપ્રેમી પ્રજાએ લાભ લીધો હતો. આ કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી મનીષભાઈ પાઠકે મહત્તમ યોગદાન અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમત્સલદાસજીએ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી અંગે જણાવ્યું હતું કે, સ્વામિનારાણય સંપ્રદાયનું સાહિત્ય ક્ષેત્રે મહત્તમ પ્રદાન રહ્યું છે. કવિશ્વર ન્હાનાલાલે માટે જ લખ્યું છે કે, શ્રી સ્વામિનારાયણ સદ્ધર્મ પ્રણાલિકાઓએ, એમના બ્રહ્મચર્યે, એમના સંત કવિવરોએ સંપ્રદાયને ઘડ્યો છે અને પ્રવર્તાવ્યો છે. બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, ભૂમાનંદ, દેવાનંદ, યોગાનંદ, મંજુકેશાનંદ સ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય અષ્ટ કવિઓ હતા.
સદ્. શ્રી મુક્તાનંદ સ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત અને કવિ હતા. જેમનું જીવન વૈરાગ્ય અને ભક્તિ, સેવા અને દાસભાવ માટે સૌના માટે પ્રેરણાદાયી રહ્યું છે.
શ્રી મુકતાનંદ સ્વામી વિદ્વવાન હતા અને સાથે સાથે કવિ પણ હતા.તેમણે ૩૨ જેટલા શાસ્ત્રોનું સર્જન કર્યું છે. જેમાં સંસ્કૃત
ભાષામાં ૫, હિન્દી ભાષામાં ૧૭, ગુજરાતી ભાષામાં ૮ અને વ્રજ ભાષામાં ૨ છે. આ ઉપરાંત તેમણે ૮૦૦૦ થી વધુ કીર્તનોની રચના કરી છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી કે, તમો જીવો ત્યાં સુધી ગ્રંથોની રચના કરજો. તેથી તેઓ જીવ્યા ત્યાં સુધી તેમણે ગ્રંથોની રચના કરી
છે.
શ્રી મુક્તાનંદ સ્વામી ગાયન, વાદન અને નૃત્ય કલામાં પ્રવિણ હતા. એકવખત ગઢપુરમાં ગ્વાલિયરના ગવૈયા આવ્યા હતા. ત્યારે શ્રી મુક્તાનંદ સ્વામીએ કીર્તનનું ગાન અને નૃત્ય કરતાં કરતાં પગથી હાથીની અદ્ભૂત કૃતિની રચના કરી દીધી હતી. તે જોઈને તે ગવૈયા દિગ્મૂઢ બની ગયા હતા.
સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ અને વાણી એકદમ મૃદુ હતી. તેઓ ગમે તેવા પત્થર જેવા જીવને પણ પીગળાવી
શકવાની સામર્થી ધરાવતા હતા. તેઓ ઉંમરે શ્રી સ્વામિનારાયણ ભગવાન કરતાં પણ મોટા હોવા છતાં સૌ સંતો હરિભક્તોને જેમ માતા સહુને પ્રેમથી સાયવે તેમ તે સહુને સાચવતા હતા. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમને સહુ “મા” કહીને બોલવતા હતા. તેમને “મા”નું બિરુદ આપવામાં આવ્યું છે.
સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ સંતસાહિત્ય પર્વનું આયોજન ઓમ કોમ્યુનિકેશન દ્વારા આ સતત બીજા વર્ષે કરવામાં આવી રહ્યું છે. જેની અંદર મનીષભાઈ પાઠકનું મહત્તમ યોગદાન રહેલું છે. જેમના દ્વારા સાહિત્યનું સંવર્ધન અને પ્રવર્તનના કાર્યો કરવામાં આવે છે. જે ખરેખર પ્રશંસીનીય છે.