અનોખા, પ્રેમાળ, સંવેદનશીલ ગણપત “દાદા”: ભારતની કોઈ યુનિવર્સિટી પાસે આવું દાદા કલ્ચર નહીં હોય હોં… આલેખનઃ રમેશ તન્ના.


22મી નવેમ્બર, 2023, બુધવારે ગણપત યુનિવર્સિટી (GUNI)માં તેના સ્થાપક શ્રી ગણપતભાઈ પટેલને મળવાની સુંદર તક મળી. મારા માટે યાદગાર દિવસ બની રહ્યો. તેમણે જાતે જ ફરીને મને ગણપત યુનિવર્સિટીના ઘણા વિભાગો બતાવ્યા. એ દરમિયાન તેમની સાથે કેળવણીને લગતી ઘણી વાતો થઈ.

મને તેમની સાથે ફરતાં-ફરતાં અને તેમના શિક્ષણ-વિદ્યા-કેળવણી વિશેના વિચારો જાણતાં-જાણતાં એવું લાગ્યું કે હું ગણપતદાદા સાથે ફરી રહ્યો છું કે મનુદાદા એટલે કે મનુભાઈ પંચોળી ‘દર્શક’ સાથે ફરી રહ્યો છું ? ગણપતિ યુનિવર્સિટીમાં મને આધુનિક લોકભારતી સણોસરાનાં દર્શન થયાં. દરેક વિદ્યાર્થી સારો માણસ બનવો જ જોઈએ, દરેકને રસોઈ બનાવતાં, સફાઈ કરતાં, કાર બગડે તો કાર રિપેર કરતાં આવડતી જ જોઈએ. જાણે કે નઈ તાલીમનું નવું રૂપ ગણપતદાદા રજૂ કરતા હતા.

ગણપતભાઈ પટેલ અમેરિકામાં સફળ ઉદ્યોગપતિ, તેજસ્વી એન્જિનયર. સાચુકલા વતનપ્રેમી. ભામાશા કહેવાનું મન થાય તેવા દાનવીર. ગણપત યુનિવર્સિટીનું ખાતમહૂર્ત થયું ત્યારથી જ આ તેજસ્વી અને ઓજસ્વી વિદ્યાસંસ્થાના હું સંપર્કમાં રહ્યો છું અને સતત તેના વિશે લખવાની મને તક મળી છે.

ગણપત યુનિવર્સિટી ગુજરાતની જે કેટલીક પ્રતિષ્ઠિત, નામાંકિત અને પહેલી હરોળની યુનિવર્સિટીઓ છે તેમ તે પૈકીની એક છે. ગણપતભાઈ મૂળ ગુજરાતના ઊંઝા પાસેના એક નાનકડા ગામના. અમેરિકા ભણવા ગયા, એન્જિનિયર થયા, ખૂબ તેજસ્વી અને કુશાગ્ર. ગણેલા તો હતા અને પછી ભણેલા થયા. લોકો ભણેલા-ગણેલા હોય, ગણપતભાઈ ગણેલા—ભણેલા.

થોડો સમય નોકરી કરી પછી પોતાનો બિઝનેસ કર્યો. ભેજું એવું કે ના પૂછો વાત. ધંધાના પ્રારંભે જીવનસાથી મંજુલાબહેન પટેલે મદદ કરી. ધંધો બરાબર જમાવ્યો. ત્રણ દીકરીઓના પિતા બન્યા. કમાયા પછી પહેલું કામ સમાજને પાછું આપવાનું કર્યું. શિક્ષણનો મહિમા સમજે. વિદ્યા ધન કરતાં પણ મોટું ધન છે તે બરાબર જાણે. તેઓ સમજે છે કે ગુજરાત કે ભારતને જો સાચા અર્થમાં પ્રગતિશીલ થવું હશે તેનો આધાર સંવેદનશીલ શિક્ષણ જ હોય.

આ દાદા મોટા ગજાના કેળવણીકાર છે. વિદ્યાને, વિદ્યાના તત્ત્વને, વિદ્યાના પરિબળને, તેની પાછળની ભાવના અને વિભાવનાને અત્યંત સૂક્ષ્મ રીતે સમજે છે. તેમની સાથે બેસો તો પ્રતીતિ થાય કે તમે કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરના કેળવણીકાર પાસે બેઠા છો. શિક્ષણના આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી વાકેફ, આપણા ત્યાં તેનું કેટલું મહત્ત્વ અને આપણે તેના સાપેક્ષે કઈ રીતે વિદ્યાતંત્ર ગોઠવવું જોઈએ તેમાં કાબેલ.

ગણપત યુનિવર્સિટીને પહેલાં તો પૈસા આપીને છૂટી જતા. શ્રદ્ધા કે સરસ રીતે તંત્ર ગોઠવાશે. 125 કરોડથી વધુ દાન સમયાંતરે, પ્રેમ-ઉમળકા-આનંદ અને સમજણથી આપ્યું.

નવી સ્થિતિમાં પાંચેક વર્ષથી આપદ્ ધર્મ તરીકે યુનિવર્સિટીનું નેતૃત્ત્વ સંભાળ્યું. હવે પૈસા આપીને છૂટવાને બદલા બંધાઈ ગયા છે. યશોદાએ કાનુડાને હીરની દોરીથી બાંધ્યો હતો, સરસ્વતી માતાએ પોતાના ગણપત નામના આ પુત્રને જવાબદારી નામની દોરથી બાંધ્યો છે.

ગણપતભાઈએ કાર્યભાર સંભાળ્યા પછી એક નવી ગણપત યુનિવર્સિટીની ગુજરાતને ભેટ કરી છે. અનેક વિશ્વસ્તરના વિભાગો અને અભ્યાસક્રમો. જરૂરી તમામ સવલતો અને સાધનો. ક્યાંય ઓટ નહીં અને ક્યાંય ખોટ નહીં. હાર્ડ વેર અને સોફ્ટવેર બન્નેમાં બધુ શ્રેષ્ઠ જ તેમને જોઈએ.

દરેક યુનિવર્સિટીમાં ચાન્સેલર હોય, રજીસ્ટાર હોય પણ આ એક ગુજરાતની એવી યુનિવર્સિટી છે, જેમાં દાદા છે. અહીં પ્રેમથી ભરેલું અને સંવેદનાથી છલકાતું અનન્ય કહી શકાય તેવું અનુપમ “દાદા-કલ્ચર” છે. આખી યુનિવર્સિટીમાં તેમની સાથે ફરીએ એટલે ડગલેને પગલે વિદ્યાર્થીઓ મળે. બધા વિદ્યાર્થીઓ દાદાને ખૂબ પ્રેમથી બોલાવે. વંદન કરે. કેટલાક તો દોડીને ચરણસ્પર્શ કરે. આ રળિયામણાં અને મંગલમય દ્રશ્યો જોઈને આપણી આંખો ધન્ય બને. એવું પણ લાગે કે જાણે કોઈ પ્રાચીન ગુરુકુળમાં આપણે ફરી રહ્યા છીએ. ગણપતભાઈએ થ્રી-ડી પ્રિન્ટિંગ વિભાગ, મરીન વિભાગ, ફોરેસ્ટ વિભાગ સહિત જે જુદા જુદા વિભાગો બતાવ્યા તે જોઈ-સમજીને થયું કે આપણે શ્રેષ્ઠ યુનિવર્સિટી સર્જી શક્યા છીએ.

ગણપતભાઈને કશું જ નબળું-ઢીલું ચલાવતા જ નથી. આખી યુનિવર્સિટીમાં મેં ક્યાંય કાગળનો એક નાનકડો ટુકડો ન જોયો. બધું જ શિસ્તબદ્ધ અને સુઆયોજિત. ખાસ તો સહજ રીતે થયેલું. તેમણે પોતાના હાથમાં- ખરેખર તો હૃદયમાં- ગણપત યુનિવર્સિટી દોર લીધો એ પછી ગણપત યુનિવર્સિટીની કાયાપલટ નહીં તેમણે કાયાકલ્પ કર્યો છે.

અમેરિકામાં ભણેલા-રહેલા. વિશ્વસ્તરનું આખું કલ્ચર સમજેલા અને જીવેલા. એ બધું તેમણે અનુભવેલું એટલે એમને બધી જ ખબર પડે. મૂળ ગામડિયા અને દેશી માણસ એટલે સૂઝ અને કોઠાસૂઝ તો પારાવાર.
વિનોબા ભાવે એવું કહેતા કે થીંક ગ્લોબલી, એક્ટ લોકલી. ગણપતભાઇમાં આ વસ્તુ મેં જોઈ કે તેઓ વૈશ્વિક રીતે વિચારે છે અને અહીં લોકલ-સ્થાનિક સ્તરે અમલમાં પણ મૂકે છે. સરળતા અને સહજતા સાથેનું આવું સંયોજન તમને ગુજરાત-ભારતમાં તો શું વિશ્વમાં પણ જોવા નહીં મળે !

ગુજરાતનો આ એક એવો પનોતો વિદ્યા-પુત્ર છે જેણે તન-મનધન અને જીવન બધું જ વિદ્યા અને વતનને સમર્પિત કરી દીધું છે. 79 વર્ષની ઉંમરે પણ થાક્યા વિના દોડે છે. પાક્યા છે પણ થાક્યા નથી. સવારે 9:00 વાગે પોતાની ચેમ્બરમાં હાજર થઈ જાય. ખુરશીનો સહેજે મોહ નથી, તેથી પ્રેસિડેન્ટની તેમને ફાળવાયેલી ખુરશીમાં એક પણ વખત બેઠા જ નથી. આધ્યાત્મિક-અલગારી અને સૂફી મિજાજ.

તમારી સાથે એક એક બાબતની ઉમળકાથી વાત કરે. બધું જ સઘન રીતે વિચારે. ડેપ્થમાં-ઊંડાણમાં જ વિચારે. સર્વગ્રાહી આયોજન કરે. બધાંને જોડે. જે કરવાનું હોય તે કરે જ. સમયસર કરે. ક્યાંય કશું કાચું ના રહેવું જોઈએ. મોડા નહીં પડવાનું ને મોળા પણ નહીં પડવાનું. વિચાર-વિહાર-આચાર સતત ચાલે. સતત પ્રવાસો પણ કરે. અમેરિકા ઉપરાંત દિલ્હી- બેંગ્લોર-મુંબઈ .. થાક્યા વગર પ્રવાસ કરે. વિદ્યાર્થી ગુણી(GUNI)જન બનવો જ જોઈએ. પોતાની યુનિવર્સિટીને વધુને વધુ ચેતનવંતીથી બનાવવા માટે પ્રયત્ન કરે.
મને એવું લાગે છે કે આ એક એવા દાદા છે જે પ્રેમાળ છે. સંવેદનશીલ છે. પ્રેમમૂર્તિ અને કરુણામૂર્તિ છે.
આ દાદાની આંખોમાં શીતળ અમી છે અને હૃદયમાં વિદ્યાર્થીઓ માટે અખૂટ પ્રેમ છે.

મારી મુલાકાત પછી તેમને મળવા ગામડેથી લોકો આવ્યા હતા. દિગ્ગજ કોર્પોરેટના સીઈઓ પણ મળવા આવે. મંત્રીઓ સાથે પણ તેમને મળવાનું થાય તો ભારતના શ્રેષ્ઠ કહી શકાય તેવા પ્રૉફેશનલ્સ જોડે પણ બેસીને એના સ્તરની વાતો કરી શકે. મહેસાણા જિલ્લાના કોઈ ગામડામાંથી આવેલા ખેડૂત સાથે પણ એટલી જ તન્મયતાથી તેના સ્તરે જઈને વાત કરતા હોય. બધાંની સાથે એકસરખી સંવાદિતાથી વર્તી શકે.

આપણી સંસ્કૃતિમાં દાદા—ંસંસ્કૃતિ જૂની છે. ગુજરાતને રવિશંકર દાદા મળ્યા અને આ ગણપત દાદા પણ મળ્યા. એક લોકજીવનના અને એક વિદ્યાજીવનના.

ગણપત યુનિવર્સિટીને તેમણે શ્રેષ્ઠ બનાવી છે અને હજી સફર ચાલુ છે. વિઝનનો પાર નથી, કદાચ આગામી 100 વર્ષ સુધી અમલમાં મૂકી શકાય તેટલાં આયોજન તેમની આંખોમાં-હૃદયમાં છે. જે ધારે છે તે કરીને જ રહે છે અને જે કરવાનું હોય તે બધું જ પાછું ધારી પર લે છે. કરવું પડે તે કરવાનું જ. પ્રેમથી ભરેલા છે. આ દાદા માને છે કે વિદ્યા માત્ર કારકિર્દી માટે નથી, પૈસા કમાવા માટે નથી, તેઓ કહે છે કે ગણપત યુનિવર્સિટીનો વિદ્યાર્થી સૌપ્રથમ તો સારો માણસ બનવો જ જોઈએ. તેથી જ તેઓ સંવેદના અને કરુણાને ખૂબ મહત્ત્વ આપે છે, તેમણે જે અભિગમ કે ધ્યાનમંત્રો નક્કી કર્યા છે એ બધામાં સંવેદના અને કરુણાને પહેલું સ્થાન આપ્યું છે. દરેક વિદ્યાર્થી કે વ્યક્તિના હૃદયમાં સંવેદના અને કરુણા તો હોવાં જ જોઈએ. એના વગર નહીં ચાલે.
કેટલા કેળવણીકારો અને કેટલી યુનિવર્સિટીઓ આવું વિચારે?

આપણે “ભાર વગરના ભણતર”ની તો ખૂબ વાતો કરી પણ “સંવેદના સાથેના શિક્ષણ”ની વાતો કરવાનું બિલકુલ ચૂકી ગયા.

આ ગણપતભાઈ પટેલ એટલે વધારે પ્રસ્તુત બને છે કારણ કે શિક્ષણ આગ નથી લાગી, દાવાનળ ફાટી નીકળ્યો છે. દરેક રાજકારણી-ધાર્મિક સંસ્થાના વડાઓ- બિલ્ડર- ધનપતિને પોતપોતાની કૉલેજ કે યુનિવર્સિટી કરવાના મનસુબા છે. કોઈ વ્યક્તિ દીકરીના નામે યુનિવર્સિટી કરે અને પછી પોતાની જ યુનિવર્સિટીની જ યુવતિનું જાતીય શોષણ કરવા જેલમાં જાય (વળી એ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી હોય)
આવી (અ)સંવેદનશીલ સ્થિતિમાં એક સંવેદનશીલ દાદા ગુજરાતમાં આવીને બેઠા છે તે ગુજરાતનું સદ્ નસીબ છે.

અમેરિકાથી આવેલા પ્રેમાળ દાદા જાણે કે પોકારી પોકારીને આપણને કહે છે કે સંવેદના, પ્રેમ અને કરુણા સાથેનું શિક્ષણ જો આપીશું તો સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીશું.

આજે સવારે ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ અને જાણીતા કેળવણીકાર મનસુખ સલ્લા સાથે આ દાદાની ખૂબ ઉમળકાથી વાતો કરી.

અમે ગુજરાતના આદર્શ અને પ્રતિબદ્ધ શિક્ષકોનું એક સંમેલન બોલાવવાનું બે-ત્રણ વર્ષથી વિચારી રહ્યા છીએ ત્યારે ગઈકાલે દાદાએ સામેથી (બીજી વખત) કહ્યું કે આ તમામ શિક્ષકોને તમે અહીં મારા ત્યાં લઈ આવો. આપણે એમની સાથે ચર્ચા કરીશું.

હું આ દાદાને, ગણપતભાઈ પટેલને વંદન કરું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે તેમને નિરામય રાખે અને શતાયૂ બનાવે. જેથી તેઓ લાંબો સમય ગુજરાતના વિદ્યાવિશ્વને સમૃદ્ધ કરતા રહે.

છેલ્લે એક ખાસ વાતઃ મને લાગે છે કે ગણપતભાઈની પ્રતિભા, સજજ્તા, સંવેદના અને અનુભવ માત્ર ગણપત યુનિવર્સિટી પૂરતાં સીમિત ના રહેવાં જોઈએ. આખા ગુજરાતે તેનો મહત્તમ લાભ લેવો જોઈએ.

(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *