*પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-દાહોદ*
૦૦૦
*દાહોદ જેવા છેવાડાના અને આદિવાસી બાહુલ્ય જિલ્લા ગણાતા જિલ્લામાં સરકારશ્રીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આશીર્વાદ રૂપ પુરવાર થઇ*
૦૦૦
*આયુષ્ય માન કાર્ડ ન હોત તો મેં મારા પિતાને ક્યારનાય ગુમાવી દીધા હોત.-
લાભાર્થીપુત્ર મુર્તુઝા બુટવાલા*
૦૦૦
(સફળ ગાથા-આરોગ્ય વિભાગ)
આપણે અહીં વાત કરવાની છે સરકારશ્રીના આરોગ્ય વિભાગ હેઠળ ચાલતી આયુષ્યમાન કાર્ડ યોજના અંગે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮ માં સામાન્ય લોકોને આર્થિક સ્થિતિ વશ આરોગ્ય સારવાર બાબતે મજબુર થવું ન પડે એ માટે સરકારે લોકોની આર્થિક અને આરોગ્ય અંગેની ચિંતા કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી. સામાન્ય લોકોને આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે મોટી અને ગંભીર બિમારી સમયે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે એ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્માન કાર્ડ એ ગરીબો માટે આશિર્વાદરૂપ બન્યું છે.
દાહોદ જિલ્લામાં પણ સરકારશ્રીએ બનાવેલ આરોગ્ય સુવિધાઓ જરૂરિયાત મંદ લોકોના ઘરે – ઘરે પહોંચી રહી છે. જે થકી ગરીબ-વંચિત પરિવારોને આરોગ્ય કવચ મળ્યું છે. આ યોજના હેઠળ આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો, રૂપિયા ૧૦ લાખ સુધીની મફત આરોગ્ય સારવાર સરકારશ્રીના આરોગ્ય વિભાગ થકી આપવામાં આવી રહી છે. જે એક સેવાથી કમ નથી, એમ કહીએ તો કઈ અતિશયોક્તિ નથી..!
આયુષ્યમાન કાર્ડ ન હોત તો આજે મેં મારા પિતાને ક્યારનાય ગુમાવી દીધા હોત. હા, આ વાક્ય છે દાહોદ જિલ્લામાં દાહોદ શહેરમાં આવેલ નુરબાગમાં રહેતા મુર્તુઝા બુટવાલાનું. એમની સાથે મુલાકાત કરતાં એમણે એમના આયુષ્યમાન કાર્ડ હેઠળના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે, મારા પિતાને છેલ્લા ૫ વર્ષથી કેન્સર હતું. અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી. સારવાર માટે લાખોનો ખર્ચ થાય એમ હતો.
હા, અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ લઇ ગયા. પરંતુ, ઘણો ચાર્જ થયો હતો. અમે ત્યારે ખુબ જ નિરાશ થઇ ગયા હતા. તે વખતે અમને અન્ય વ્યક્તિ પાસેથી સરકારશ્રીના આયુષ્યમાન કાર્ડ અંગેની માહિતી મળી. આયુષ્યમાન કાર્ડ મળતાં અમને આર્થિક રીતે ઘણી જ રાહત થઇ. તે પછી અમે વડોદરા ખાતેની હોસ્પિટલમાં મારા પિતાની સારવાર કરાવી. જે-તે સમયે અગર આયુષ્યમાન કાર્ડ ન હોત તો મારા પિતાને અમે ગુમાવી દીધા હોત.
હું દાહોદ અનાજ માર્કેટમાં કામ કરું છું. અમારી આર્થિક સ્થિતિ પિતાની સારવાર કરી શકાય એમ નહોતી. મારા પિતાની ઉમર ૭૮ વર્ષ છે. તેઓ આજે અમારી વચ્ચે છે જ, જેનું કારણ આયુષ્યમાન કાર્ડ છે. આયુષ્માન કાર્ડથી મારા પિતાને જે મફતમાં સારવાર મળી તે બદલ સરકારશ્રીનો ખુબ-ખુબ આભાર માનું છું.
હોસ્પિટલમાં અમારી પાસેથી કોઇપણ પ્રકારનો ચાર્જ નથી લેવામાં આવ્યો. સેવા અને સારવાર પણ સરસ રીતે કરવામાં આવી હતી. ડોક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફે પણ મારા પિતાની પૂરતી સાર-સંભાળ લીધી છે. એમ કહેતાં સરકારશ્રીની આ યોજના થકી અમારા જેવા આર્થિક સંકડામણવાળા લોકોને મફતમાં સારવાર મળી રહે છે તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦