પ્રાંત અધિકારીનો માનવતાવાદી અભિગમ સાથે સેવા કાર્યનું ઉત્તમ ઉદાહરણ

રાજપીપળાના પ્રાંત અધિકારીનો માનવતાવાદી અભિગમ સાથે સેવા કાર્યનું ઉત્તમ ઉદાહરણ

ગરૂડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામ ડૂંડાખાલ પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન સાથે શૈક્ષણિક કિટની ભેટ આપી

રાજપીપળા:14

રાજપીપળાના પ્રાંત અધિકારી નો માનવતાવાદી અભિગમ અને સંવેદનાશીલ વહીવટનું સુંદર ઉદાહરણ આજે પ્રત્યક્ષ જોવા મળ્યું, જ્યારે મદદનીશ કલેકટરે વ્યક્તિગત સંવેદનશીલતા અને તાત્કાલિક નિર્ણયક્ષમતાએ ગરૂડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામ ડુંડાખાલ ફળિયું પ્રાથમિક શાળાના નિર્દોષ નાનકડા વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદની લકીરો ફેલાવી દીધી હતી.

પ્રાંત અધિકારી સુશ્રી પરશનજીત કૌર અગાઉ તા.16/10/2025ના રોજ ડુંડાખાલ ગામની દફતર તપાસણી દરમિયાન શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. તે સમયે શાળાના શિક્ષકે મદદનીશ કલેક્ટરને રૂબરૂ રજુઆત કરી હતી કે, શાળામાં આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે સ્કૂલ યુનિફોર્મ, દફતર, ચોપડાઓ, પેન્સિલ તથા અભ્યાસની સાધન સામગ્રીનો અભાવ છે. ગરીબી અને પરિવારોની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે નાનકડા બાળકોને મૂળભૂત શૈક્ષણિક સાધનો પણ ઉપલબ્ધ ન હોવાની ભાવુક પરિસ્થિતિ સામે આવી હતી.

તપાસણી સમયે ગ્રામજનો દ્વારા પણ મહત્વની રજુઆતો પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવી હતી, જેમાં નદી પાર કરતી વખતે બાળકોને થતા જોખમ અંગે નાળુ, સંરક્ષણ દિવાલ અને સુરક્ષા સંબંધિત કામોની આવશ્યકતા દર્શાવવામાં આવી હતી. માનવજાતિને અધિક પ્રાથમિકતા આપતાં મદદનીશ કલેક્ટરશ્રીએ આ વિષયની ગંભીરતા સમજી, એટીએવીટી યોજના અંતર્ગત તાત્કાલિક ગ્રાન્ટ ફાળવી કામગીરીનો આરંભ કરાવ્યો હતો, જેથી ગામના લોકો માટે સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થઈ શકે.

બાળકોનું શિક્ષણ, સલામતી અને તેમના સર્વાંગી વિકાસ માટે વહીવટી મશીનરી હંમેશા પ્રતિબદ્ધ છે. ગામના દરેક બાળક સુધી શિક્ષણની પહોંચ સુનિશ્ચિત કરવું એ વહીવટી તંત્રની પ્રથમ ફરજ છે. આજે, તે જ સંવેદનશીલતા આગળ વધારતાં, મદદનીશ કલેક્ટરશ્રી તથા પ્રાંત કચેરીના સ્ટાફ દ્વારા ડુંડાખાલ પ્રાથમિક શાળાના બાળકોને તેમના માંગ્યા મુજબની તમામ જરૂરી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. જેમાં સ્કૂલ યુનિફોર્મ, દફતર, ચોપડા, પેન્સિલ-પેન, અન્ય મૂળભૂત અભ્યાસ સાધનોનો સમાવેશ થતો હતો.

આ કિટ મેળવી રહેલા બાળકોના ચહેરા પર છવાયેલી ખુશીની લાલીમા સમગ્ર કાર્યક્રમમાં માનવતાનો સાચો ભાવ પ્રગટ કરતી હતી. બાળકો માટે તિથિ ભોજન પણ રાખવામાં આવ્યું હતું, જેમાં સૌએ આનંદમય વાતાવરણમાં સાથે મળીને ભોજન લીધું હતું.

આ સમગ્ર કાર્યક્રમ નાંદોદ પ્રાંત કચેરીના માનવસેવા, જવાબદારી અને સંવેદનાનો જીવંત દાખલો પુરો પાડે છે. ગામના વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રના આ ઉત્તમ પ્રયત્નોને વધાવી લેવાયા હતા અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા