એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની તડામાર તૈયારીઓ શરૂ થઈ
દેશમાં NCC કેડેટ્સ થી લઈને દેશની આર્મી ,નેવી,એરફોર્સ NSG કમાન્ડો BSF અને તમામ રાજ્યોની પોલીસ દળો સુરક્ષા દળો ભાગ લેશે.
રાજપીપલા, તા 27

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની તડામાર તૈયારીઓ શરૂ થઈ
ગઈ છે.નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે.
આ વખતે ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમ(Heralding Team)ના 100 જેટલા સદસ્યો કરવાના છે.
એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા 9 બેન્ડ કન્ટીજન્સ પણ જોડાવાના છે. ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે.આ ઉપરાંત, ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્યકિરણ અન્વયે ફ્લાય પાસ્ટ તથા CRPF અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાયફલ ડ્રીલ ,NSG દ્વારા હેલ માર્ચ, આસામ પોલીસ દ્વારા મોટરસાયકલ ડેરડેવિલ શો તેમજ BSFના ઇન્ડિયન બ્રીડનો ડોગ શો, CISF અને ITBPની મહિલા કર્મીઓ દ્વારા ટ્રેડિશનલ માર્શલ આર્ટ, SSB દ્વારા બેન્ડ ડિસ્પ્લે અને NCC કેડેટસ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.
વધુને વધુ લોકો આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર આ વર્ષે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને 11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
તસવીર:દીપક જગતાપ, રાજપીપળા