સંસ્કૃતિ,સંસ્કાર,કેળવણી :ખ્યાતિ હિતેન સુવાગીયા.

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ

ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય છે. આ ભૂમિ પર અનેક સંતો, ભક્તો, જ્ઞાનીઓ થઈ ગયા. તેઓ હંમેશા પથદર્શક બની, પ્રકાશ કેડી ચીંધતા રહ્યા છે. છતાં જ્યારે આપણી સમક્ષ યૌવનધન આવે છે ત્યારે મૂંઝવણ થાય છે. આપણે ક્યાંક માર્ગ ભૂલ્યાં તો નથી? જેના પર ભારતના ભાવિનો આધાર છે, જેના પર આશાની મીટ મંડાઈ છે. ભારતના ભવ્ય વારસાને વિશ્વ આંગણે ઝળહળતો બનાવવાની ભાવનાથી જ્યારે આપણે યૌવનધનને જોઈએ છીએ ત્યારે ત્યાં દેખાય છે, પુરુષાર્થની સંગીનતા તો ક્યારેક એમાં ઝબકી જાય છે, શિથિલતાથી વિરૂપતા. એ વખતે પ્રશ્ન ઊઠે છે કે જે ભારતની આશા છે, તનામાં વળી આ અજંપો કેમ જોવા મળે છે.

યુવાનોના આ અજંપા માટે યુવાનો જવાબદાર છે જ, પણ જો કોઈ વધુ જવાબદાર હોય તો તે સમાજ અને પાલકો છે. યુવાનોના માનસને સમજવા માટે તેઓએ મહદ્ અંશે પ્રયાસ કર્યો નથી. સમાજમાં જે વિકૃતિ વણાટે લેતી હોય છે તેની છાંટ ક્યાંક તો આવવાની જ ને? આ છાંટ ઉપસતી અટકાવવા શું કરવું જોઈએ? શું કરીએ તો આ યૌવનધન ચિરંજીવી બની રહે. એનું ખમીર ઝળકી ઊઠે, પુરુષાર્થની કેડી પર એ ટટ્ટાર અને ઉન્નત મસ્તકે ડગ માંડતું આગળ ધપતું રહે અને તેની પાછળ બીજા ને દોરતું રહે. આપણા મહાન રાષ્ટ્રીય પુરુષોના જીવન કવન માનસપટ પર ઉપસી આવે છે. જેમણે માનવ – માનવ પ્રત્યેનો પ્રેમ – આદર વધે, સ્વધર્મનું આચરણ જીવન વ્યવહારમાં વ્યકત થાય, સંકુચિતતામાંથી બહાર આવી બીજાના હિત માટે, સમાજ અને દેશના વિકાસ માટે થાય તેવી ભાવના દ્ઢપણે કેળવાય, તો તે કાર્ય બોજારૂપ ન બનતાં આનંદદાયક બની રહે એવું કરી બતાવ્યું. આ બધી બાબતો આજે સાંસ્કૃતિક ઉન્નતિ વિના શક્ય ખરી? આજે માનવીની મૂળભૂત જરૂરિયાત સાંસ્કૃતિક ઉત્થાનની છે.

આ માટે માનવીના મનને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, દેશના ભાવિ ચિત્રને નજર સમક્ષ રાખીને વળાંક આપવો જોઈએ. આ કેળવણી નાનપણથી અપાય તો જ અસરકારક અને પરિણામ જનક બને. આપણે તેનામાં એવા સંસ્કારોનું સિંચન કરીએ કે જેથી તેના મનમાં ક્રમશઃ વિશ્વાસ પેદા થાય, પુરુષાર્થ કરવા અને મુસીબતોનો સામનો કરવા તત્પર બને, દેશની શાન વધે, તેમનું માન વધે, તેમની તેજસ્વીતા દીપી ઊઠે એ રીતે ઘડતર થાય અને પેઢી દર પેઢી આ વૈચારિક ક્રાંતિ ચાલુ રહે તેવું વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય. આમ પ્રેમ-સંસ્કાર માતા-પિતા પાસેથી મળે છે. જેવા વર્તન વિચાર ઘરમાં હશે તેવું બાળકના માનસનું જીવન ઘડતર થવાનું. નિશાળમાં તો ભણતર થાય પણ ઘડતર ઘરમાં થાય છે અને ચરિત્ર સમાજમાં થાય છે. પાલકો એમના અનુભવ ભંડારમાંથી સ્વધર્મ પ્રતિ દ્ઢ માનસ બનાવે તેવા નવરંગ મોતી વીણી પોતાના બાળકોને આપી એમનું માનસ સંસ્કાર -સમૃદ્ધ બનાવે તો ઘર ઘરનો અનુભવ આપણા નવયુવકો માટે સુયોગ્ય પથદર્શક બની રહેશે. તેમનો દ્રષ્ટિકોણ વિશાળ બનશે. તેઓ વ્યક્તિથી આગળ વધી કુટુંબ, સમાજ, ગામ, રાજય અને દેશ માટેની ઉદાત્ત ભાવના કેળવતા બનશે. અને એમાંથી જ વિશ્વ કુટુંબની ભાવના વ્યાપક બનશે. પાલકો અને સમાજ દ્વારા આ ઉચ્ચ અને ઉદાત્ત સંસ્કાર -ચિંસનથી યૌવનધનમાં જીવન અને જગતમાં ધારે તે કરી શકવાની પ્રબળ ઈચ્છા શક્તિ જ સમાજ અને દેશને ઉન્નત શિખરે સ્થિર કરશે. આ દર્શન અને અનુભવ યુવાનોમાં રાષ્ટ્રીય નેતૃત્વ જગાવશે. દેશની અને સમાજની કાયાપલટ કરી શકશે. આ રાષ્ટ્રીય સંસ્કાર તેમનામાં સુદ્રઢ બની રહેશે. ખ્યાતિ હિતેન સુવાગીયા.-ફોટો – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares