આકાર કલાકાર શ્રેણી લિયોનાર્દો દ વિન્ચીની રસપ્રદ વાતો આ કલાકારના જન્મદિન નિમીતે વિશ્વકલા દિવસ તરીકે ઉજવાય છે. – લેખન /શબ્દો: અશોક ખાંટ,

આકાર કલાકાર શ્રેણી
લિયોનાર્દો દ વિન્ચીની રસપ્રદ વાતો
નજીકમાં આવી રહેલ ૧૫ એપ્રિલ તારીખ આ કલાકારના જન્મદિન નિમીતે વિશ્વકલા દિવસ તરીકે ઉજવાય છે.
– લેખન /શબ્દો: અશોક ખાંટ,

પુરુષ-સ્ત્રીનાં ગેરકાયદેસર મનાતા દેહસંબંધ દ્વારા પેદા થતાં સંતાનને સમાજ માન્યતા કે કાયદેસરતા આપતો નથી. આવા સંતાનો ‘અનૌરસ’ ગણાય છે. પરિણીત કે અપરિણીત પુરુષ કે સ્ત્રી લગ્ન પહેલાં, લગ્ન બાદ કે લગ્ન સિવાય અન્ય સ્ત્રી કે પુરુષ સાથે દેહસંબંધ ધરાવે, તો તેમાંથી જન્મતાં સંતાનો ‘અનૌરસ’ ગણાય છે. આવી રીતે ઇટાલીના એન્ચિયાનો ખાતે ૧૫ એપ્રિલ, ૧૪૫૨ના રોજ એક આબરૂદાર જમીનદાર પિયરો દા વિન્સી અને ખેડૂતની કુંવારી ગ્રામીણકન્યા કેટરિનાના પ્રેમસંબંધ દ્વારા લિયોનાર્દો દ વિન્સીનો ‘અનૌરસ’ પુત્ર રૂપે જન્મ થયેલો. બહુમુખી પ્રતિભા ધરાવનાર આ લિયોનાર્દો માત્ર ચિત્રકાર જ નહી, તે શિલ્પકાર, વાસ્તુકાર, સંગીતકાર, વૈજ્ઞાનિક, ગણિતશાસ્ત્રી, ઇજનેર, નવસર્જક, શરીરરચનાવિદ્, ભૂસ્તરશાસ્ત્રી, માનચિત્રકાર, વનસ્પતિશાસ્ત્રી તેમજ લેખક પણ હતો. તેણે વિજ્ઞાનના અનેક જુદાજુદા ક્ષેત્રે દુનિયામાં પ્રગતિના દ્વાર ખોલેલા.

૧૫ વર્ષની ઉંમરે લિયોનાર્દો ફ્લોરેન્સના કલાકાર એન્ડ્રીયા ડેલ વેરોચિઓનો શિષ્ય બને છે. અહીં મુખ્યત્વે ચિત્રકામ અને શિલ્પકામ શીખે છે. ૧૪૭૨માં લિયોનાર્ડોને ફ્લોરેન્સના ચિત્રકારોના મહાજન સંગઠનમાં પણ સ્વીકાર કરવામાં આવે છે. જ્યારે તે વેરોકિયોનો શિષ્ય હતો ત્યારે જાહેર સ્થળે ત્રણ યુવાનો સાથે સજાતીય સંભોગ કરવા બદલ લિયોનાર્દોની ધરપકડ થયેલી. વેરોચિઓના ‘ધ બાપ્તિસ્મા ઓફ ક્રાઇસ્ટ’ ચિત્રસર્જન માટે લિયોનાર્દોએ આસિસ્ટન્ટ તરીકે સહયોગ કર્યો હતો. ઈસુના ઝભ્ભાને પકડી રાખેલા યુવા દેવદૂતનું ચિત્રકામ લિયોનાર્ડોએ બાખૂબીથી ચિત્રિત કરેલ. ચિત્ર એટલું ઉત્તમ અને અદ્ભુત હતું કે તેના માસ્ટર વેરોચિઓ કરતા પણ તે શ્રેષ્ઠ હતું! ગુરુ કરતા ચેલો સવાયો આ ઉક્તિ અહીં સાર્થક થતા વેરોચિઓએ કથિત રીતે પોતાનું બ્રશ આજીવન નીચે મૂકી દીધું, અને ફરી ક્યારેય ચિત્રકામ જ ન કર્યું.

૧૫૦૩માં ફ્લોરેન્સના પેલઝો વેચિયોમાં ભીંતચિત્ર દોરવાનું કામ લિયોનાર્દોને સોંપવામાં આવેલ. ફ્લોરેન્ટાઇન્સના લશ્કરી વિજયનું એક ભવ્ય ઐતિહાસિક દ્રશ્ય બનાવાનું હતું. જો કે, આ કાર્ય લિયોનાર્દોએ ક્યારેય પૂર્ણ થયું નહી. તે અન્યથી જુદો પડતો, સાવ તરંગી અને અતિ ચંચળ હતો. વાતવાતમાં કંટાળી જતો. હાથ પર લીધેલાં કામ અધૂરાં પડતાં મૂકવાની એને આદત પડી હતી. તે ઉત્સાહથી આરંભ તો કરતો પણ ક્યારેય નિર્ધારિત સમયે પૂર્ણ કરતો નહી. સમગ્ર જીવન દરમ્યાન તેને માત્ર ૨૦ ચિત્રો જ સંપૂર્ણ રીતે પૂરા કરેલ. આમ છતાં થયેલા આ ચિત્રો વિશ્વના માસ્ટરપીસ તરીકે ગણાય છે. જોવાની દૃષ્ટિને લિયોનાર્દો શરીરની ઇન્દ્રિયોમાં સર્વોચ્ચ માનતા. માનવશરીરના રચનાત્મક અભ્યાસો કરવા તેને ખૂબ ગમતા. આ ભાગો એક સાથે કેવી રીતે કાર્ય કરે છે? તેના પર ગહન વિચારણા કરતા. મગજ, હૃદય અને ફેફસાંમાં તેને ઊંડો રસ હતો. શરીરના અભ્યાસ માટે મડદાઓના ચીરફાડ કરતી વખતે તેને આનંદની ચરમસીમા પ્રાપ્ત થતી. પોતાનું માનસ વૈજ્ઞાનિક વલણ ધરાવતું હોવાથી એ સ્નાયુ અને અસ્થિ વચ્ચેના વિશિષ્ટ મિકૅનિકલ તેમજ એનોટોમી સંબંધોનો પણ અભ્યાસ કરી શક્યો. ફ્લૉરેન્સના સાન્તા મારિયા નુઓવા હૉસ્પિટલ અને મિલાનમાં તેણે જીવનમાં કુલ બત્રીસ મડદાં ચીરેલાં.

લિયોનાર્દોનો રસ માનવશરીરરચના સુધી મર્યાદિત ન હતો. આકાશમાં ઉડવાનો પ્રથમ વૈજ્ઞાનિક અભ્યાસ તેણે હાથ પર ધર્યો. ઉડતા પક્ષીઓની ઉડાનો તેમજ હવાની ગતિનો અભ્યાસ કરી પંખીઓ તથા કીટકોનાં શરીરનાં ડિસેક્શન કરી પાંખોની રચનાઓ તપાસી. બધી જ પાંખોમાંથી ચામાચીડિયાની પાંખોની ડિઝાઇન તેને સૌથી વધુ પસંદ પડી. હલેસા જેવા આકારની પાંખોને ત્રાંસી જાળીદાર બ્લેડ જોડવાથી હવાનો અવરોધ ખાળી શકાશે એવી તેને આશા હતી. આમ આ કલ્પનાએ એણે ઉડી શકે તેવા યંત્રોની ડિઝાઇન કરી.. પાઇલટની સ્નાયુશક્તિથી ગુરુત્વાકર્ષણ બળને અવરોધતી ઊડતી રકાબીની ડિઝાઇન બનાવી. પાઇલટ પગ વડે પૅડલ મારી હલેસાં જેવી પાંખો હલાવે અને સાથે હાથ વડે વજન ઊંચકવાનું સિલિન્ડર ધરાવતું યંત્ર ફેરવે એવી રચના કરી. આમ લિયોનાર્દોએ પૅરાશૂટ, હેલિકૉપ્ટર જેવું એરિયલ સ્ક્રૂ અને રિટ્રૅક્ટેબલ લૅન્ડિંગ ગિયર એ ત્રણેયને સમાવતા યંત્રની ડિઝાઇન કરી. પણ કમનસીબી એ હતી કે એના સમયગાળામાં હળવું વજન ધરાવતું એન્જિન તથા હલકા વજનનું ઇંધણ શોધાયું નહોતું. આથી માનવીની સ્નાયુશક્તિના ચાલકબળથી ઊડતા આ યંત્રનો પ્રયોગ લિયોનાર્દો કરી શક્યો નહિ. માનવીના શરીરનું વજન ઉપાડવા માનવીના સ્નાયુઓ નબળા છે તે હકીકત લિયોનાર્દોના ધ્યાન બહાર રહી અને ત્યાં જ તેણે થાપ ખાધી. આમ છતાં એનો આ પ્રયોગ આજના હેલિકોપ્ટરનો જેવો લાગે છે.

વિન્સીને ઓપ્ટિક્સમાં ઊંડો રસ હતો. માનવ આંખ વિશ્વને કઈ રીતે જુએ છે? તે વિશે તેઓ સતત મંથન કરતા. સામાન્ય રીતે ત્યારે એવું માનવામાં આવતું કે મનુષ્યની આંખ ‘દૃષ્ટિ કિરણો’ છોડે છે, જે વસ્તુઓ પરથી ઉછળીને આંખમાં પરત ફરે છે, આમ વ્યક્તિ જોઈ શકે છે. વિન્સીને આ વાત ગળે ઊતરતી નહી. આ ખોટું છે. આવા કિરણને આંખમાંથી બહાર નીકળવામાં, ઉછળવામાં અને પછી આંખમાં પાછા ફરવામાં સમય લાગે! લિયોનાર્દોએ સૂર્યનું ઉદાહરણ આપી કહ્યું કે; સૂર્ય ખૂબ દૂર છે, વ્યક્તિએ જોવા માટે ‘દૃષ્ટિ કિરણો’ મોકલવાની જરૂર પડે ત્યારે તેમને પાછા ફરતા મહિનાઓ લાગે! આમ ‘દૃષ્ટિ કિરણો’ પ્રત્યેનો તેમનો વાંધો આખરે સાચો સાબિત થયો. લિયોનાર્દો સમજી ગયેલો કે આંખના રેટિના ઉપર દૃશ્યનું પ્રતિબિંબ ઊંધું પડે છે. ચિત્રકલામાં સચોટ પરિપ્રેક્ષ્ય (પરસ્પેક્ટિવ) મેળવવા તેને લેન્સ અને અરીસા દ્વારા પ્રયોગો કર્યા. અંધારી ઓરડીનો સહારો લઈ ‘કૅમેરા ઓબ્સ્કયુરા’ જેવા ચાક્ષુષ ઉપકરણ પણ શોધ્યા. જે સમય પરિવર્તને વિશ્વમાં ફોટોગ્રાફી તરીકે અસ્તિત્વમાં આવ્યા.

ચિત્રસર્જન પ્રક્રિયામાં “સ્ફૂમાટો” એક અનોખી પ્રાયોગિક ટેકનિક છે, જે રંગોમાં કરવામાં આવતી સુંદર સોફ્ટ શેડિંગ પ્રક્રિયાનો એક પ્રકાર છે. આ પ્રક્રિયા બે રંગોના ટોન વચ્ચે નરમ સોફ્ટ સુંવાળું સંક્રમણ ઉત્પન્ન કરે છે. રંગોનું ઝાંખું હળવું મિશ્રણ પણ થાય છે. સ્ફૂમાટો ટેકનીકનો પ્રયોગ ગ્રેકો રોમન યુગ પછી પહેલી વાર લિયોનાર્દોએ કર્યો. સ્ફુમાટો ઇટાલિયન શબ્દ સ્ફુમારે પરથી આવ્યો છે, જેનો અર્થ બાષ્પીભવન કે ઝાંખું થવું એવો થાય! રંગોની મિશ્રણ પ્રક્રિયા ધુમ્મસ કે ધુમાડા જેવી આભા ઊભી કરી ટોનમાં સુંવાળપ લાવે છે. બ્રશસ્ટ્રોકની કઠોર હાર્ડ ધારો દૂર થાય છે. રંગોની કિનારીઓને કાળજીપૂર્વક મિશ્રણ કરી સોફ્ટ અસર ઉભી કરી શકાય છે. સ્ફુમાટોનો ઉપયોગ કરીને લિયોનાર્દોએ ચીતરેલા પ્રખ્યાત ચિત્રો ‘મોનાલિસા’, ‘વર્જિન ઓફ ધ રોક્સ’, અને ‘લા બેલે ફેરોનિઅર’ ખાસ ધ્યાન ખેંચે છે. ૧૪૮૫ની આસપાસ લિયોનાર્દોએ નોંધપોથીઓ લખવી શરૂ કરી. જેમાં શરીરરચના, ખગોળશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, નકશાશાસ્ત્ર, ચિત્રકામ અને પેલેઓન્ટોલોજી સહિત વિવિધ વિષયો પર સ્કેચ, ચિત્રો અને નોંધો લખી. ડાબોડી લિયોનાર્દોએ આ નોંધપોથીઓ ડાબે હાથે જમણી દિશાથી ડાબી દિશા તરફ લખી છે, તેથી અરીસામાં જોઈ આપણે વાંચી શકીએ. અરીસામાં જોઈને લખવાનું કારણ જાણી શકાયું નથી, તેનો ઇરાદો નોટબુક ગુપ્ત રાખવાનો પણ નહોતો. આવી નોંધપોથીના બચેલાં આશરે ૩૫૦૦ પાનાં ૧૯ ભાગોમાં વહેંચાયેલાં છે. ૩૧ જેટલી નોંધપોથીઓ સચવાયેલી છે. તેમાંની એક નોંધમાં એક વાક્ય ખાસ છે કે ‘પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે.’

લગભગ ૭૦ જેટલા લેખકોએ લિયોનાર્દો દા વિન્સીનું જીવનચરિત્ર લખ્યું છે. દિમિત્રી સેર્ગેયેવિચ મેરેઝકોવ્સ્કી નામના લેખકે લિયોનાર્દો માટે કાલ્પનિક શબ્દો લખ્યા હતા. ‘માણસ જાનવરોનો રાજા છે, તેની ક્રૂરતા તેમના કરતા પણ વધારે છે. આપણે બીજાના મૃત્યુથી જીવીએ છીએ. મેં નાનપણથી જ માંસનો ઉપયોગ નકાર્યો છે. એક એવો સમય આવશે જ્યારે માણસો પ્રાણીઓની હત્યાને એવી રીતે જોશે જેવી રીતે માણસની હત્યાને જોશે.’ વિન્સી શાકાહારી હોવાનું આ માત્ર અનુમાન હતું. સર્જ બ્રામલીએ લખ્યું હતું કે લિયોનાર્દોને પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા.’ વળી એલેસાન્ડ્રો વેઝોસીએ વિન્સીને શાકાહારી તરીકે પણ ઉલ્લેખ કરેલ. વાસારીના મતે પાંજરામાં બંધ પક્ષીઓ ખરીદવાની અને તેમને મુક્ત કરવાની લિયોનાર્દોને ટેવ હતી.

લિયોનાર્દોનું વ્યક્તિત્વ આકર્ષક હતું. એ શો-મૅન હતો. તે કોયડા, રમતો, શીઘ્રસ્ફુરિત ઉખાણાં, જોડકણાં ઉપજાવવાની તેને આદત હતી. મિત્રો સાથે એ પ્રેમાળ હતો. કુશળતાથી હાથચાલાકી અજમાવી શકતો, સારો ગાયક પણ હતો. એના ટુચકા સાંભળી લોકો ખડખડાટ હસી પડતા. રાજાઓ ઉમરાવો એની દોસ્તી ઝંખતા. ચાહકો ‘ધ ડિવાઇન લિયોનાર્દો’ કહેતા. મિલાનમાં સ્ફોર્ઝા માટે તેણે નગર-આયોજન કર્યું. બહુમાળી મકાનોની ઊંચાઈ જેટલી જ વચ્ચેની શેરીઓ પહોળી રાખી. દાદર બહાર દરેક મકાનમાં એણે ટૉઇલેટ અને ગટરની વ્યવસ્થા કરી. તેણે એક આદર્શ વેશ્યાલયની પણ કલ્પના કરી. નગરના રક્ષણ માટે ભયંકર શસ્ત્રો સર્જવાનું વિચાર્યું. વરાળથી ચાલતી તોપ, એક્સ્પ્લોસિવ શેલ્સ, ઝેરી ગૅસ, ટૅન્ક, ત્વરિત અગ્નિ ફેલાવતાં શસ્ત્રો, દુશ્મનો પર મોટા ખડકો ફેંકવા માટેનાં ૨૪ મીટર પહોળાઈ ધરાવતાં વિરાટ કેટેપુલ્ટ–ધનુષ્ય તથા તોપગોળા સામે નગરની સુરક્ષિત કિલ્લેબંધી. યુદ્ધનો રથ જ્યારે દોડે ત્યારે રથના ચક્રની ગતિથી આજુબાજુ અને આગળપાછળ જોડેલાં મોટાં ધારદાર દાતરડાં ફરવા પણ ફરવા માંડે, આવી ડિઝાઇન તેણે કરેલી પણ આ ડિઝાઇન તેને પોતાને જ પસંદ ના આવી, કારણ કે રથ નજીક આવતાં દુશ્મન કે મિત્ર વચ્ચેનો ભેદ પારખી શકાય નહી.

સ્ફોર્ઝાએ પોતાના પિતા ફ્રાન્ચેસ્કોનું બ્રૉન્ઝમા ધાતુશિલ્પ સર્જવાનું કામ લિયોનાર્દોને સોંપ્યું. ફ્રાન્ચેસ્કોને ઘોડા પર સવાર બેઠેલો કંડારવાનો હતો. મિલાનમાં આવેલા પોતાના કિલ્લાના ચોકમાં સ્ફોર્ઝા છવ્વીસ ફૂટ ઊંચા આ શિલ્પને ગોઠવવા માંગતો હતો. સ્ફોર્ઝાના તબેલાઓમાં અનેક દિવસો વિતાવી લિયોનાર્દોએ ઘોડાના અસંખ્ય સ્કેચિઝ કર્યા અને માટીમાંથી મોટું મૉડલ બનાવ્યું. મૉડલને બ્રૉન્ઝમાં ઢાળવા માટે મોલ્ડને જમીનમાં ઊંધો દાટી જમીનમાં આજુબાજુ ભઠ્ઠીઓ ગોઠવવામાં આવનાર હતી. ઓગણ્યાએંશી ટન પીગળેલું બ્રૉન્ઝ મોલ્ડમાં રેડવાનું હતું, પણ કાસ્ટિંગની આ પ્રક્રિયા શરૂ થાય તે અગાઉ સ્ફોર્ઝા ઉપર ફ્રાંસે લશ્કરી હુમલો કર્યો. યુદ્ધ ફાટી નીકળતાં સ્ફોર્ઝા શિલ્પ બનાવવા માટેનું બ્રૉન્ઝ તોપગોળા બનાવવા લઈ ગયો. યુદ્ધમાં ફ્રાન્સ જીત્યું અને સ્ફોર્ઝા હાર્યો. જો આ શિલ્પ સર્જાયું હોત તો એ જમાનામાં ધાતુમાંથી બનેલાં શિલ્પોમાં તે સૌથી વધુ ઊંચું હોત. સ્ફોર્ઝાનો કિલ્લો કબજે કરનાર ફ્રેન્ચ સૈનિકોએ લિયોનાર્દોએ બનાવેલા ઘોડેસવારના માટીના મૉડલ પર તીરંદાજીની પ્રૅક્ટિસ કરીને થોડા જ વખતમાં તેને તોડી નાંખ્યું.

લિયોનાર્દોની બે કૃતિઓ “મોનાલિસા” અને “ધ લાસ્ટ સપર” સૌથી પ્રસિદ્ધ છે. ૧૫૦૩ની આસપાસ મોનાલિસાનું ચિત્રકામ તેને શરૂ કરેલ. ૭૭ સેન્ટિમિટર લાંબા અને ૫૩ સેન્ટિમિટર પહોળા લાકડાના ફલક પર તૈલરંગો દ્વારા તે ચિત્રિત કરવામાં આવેલ છે. લિયોનાર્દોના સમકાલીન કલા-ઇતિહાસકાર જ્યૉર્જિયો વસારીના મત અનુસાર ફ્લૉરેન્સ નિવાસી ફ્રાન્ચેસ્કો દેલ જ્યૉકોન્ડોની ૨૧ વર્ષની પત્ની મોનાલીસા દેલ જ્યૉકોન્ડો આ ચિત્ર માટે મૉડલ બની હતી. ચિત્રમાં એક રહસ્ય છે કે મોનાલિસાના ભમર ખૂબ જ ઝાંખા છે, તેની કોઈ પાંપણ પણ નથી. એક માન્યતા એવી પણ છે કે તે સમયે ઇટાલિયન સ્ત્રીઓમાં સુંદર દેખાવા માટે ભ્રમરના વાળને ઉખાડી લેવાની ફૅશન હતી. મોનાલિસાના શરીર પર એક પણ આભૂષણ ચીતર્યા વિના પણ લિયોનાર્દોએ સ્ત્રીસૌંદર્યનું અદ્ભુત અવતરણ કરેલ છે. આ ચિત્ર વિશ્વનું સૌથી મૂલ્યવાન ચિત્ર છે. વળી વીમા મૂલ્યાંકન માટે તે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, તે ફ્રેન્ચ રિપબ્લિકની મિલકત છે. ૧૭૯૭થી પેરિસના લુવર મ્યુઝિયમમાં પ્રદર્શિત છે. ૧૯૧૧માં મોનાલિસા ચિત્રની ચોરી અને પરત આવવાની ઘટનાએ ખૂબ ચકચાર મચાવેલી. કેનિથ ક્લાર્કના મતાનુસાર લિયોનાર્દોએ મોનાલીસાની એક નગ્ન આવૃત્તિ પણ તૈયાર કરેલી. ૧૪૯૦ના દાયકાનું લિયોનાર્દોનું બીજું સૌથી પ્રખ્યાત ચિત્ર “ધ લાસ્ટ સપર” છે, જે ઇટાલીના મિલાનમાં સાન્ટા મારિયા ડેલે ગ્રેઝીની રિફેક્ટરીની દિવાલ પર ખૂબ જ વિશાળ સાઇઝ ૧૫ ફૂટ x ૨૮.૯ ફૂટનું ટેમ્પેરા ભીંતચિત્ર છે. લિયોનાર્દોએ તેને ૧૪૯૫માં શરૂ કરેલ અને ૧૪૯૮માં પૂરું કરેલ. ઈસુની ધરપકડ પહેલા તેમના શિષ્યો સાથે તેઓ રાત્રીભોજન કરે છે, ત્યારે તેમણે કહ્યું કે “તમારામાંથી જ કોઈ એક મને દગો કરશે”. આ નિવેદનથી સાથી મિત્રોમાં ખૂબ ગભરાટ ફેલાયો હતો, અને દરેકના ચહેરાના હાવભાવ વિશિષ્ટ રીતે અહીં ચિતરાયેલા છે.

માઇકલૅન્જેલો અને રફાયેલ! માત્ર આ બે જ કલાકાર લિયોનાર્દોના સમકાલીન હરીફ હતા. પોતાનાથી ત્રેવીસ વરસ નાનો માઇકલૅન્જેલો અને લિયોનાર્દો આજીવન એકમેકને પૂરા હૃદયથી ધિક્કારતા રહ્યા. માઇકલૅન્જેલો સાચો ઈશ્વરભીરુ હતો જ્યારે લિયોનાર્દોની પ્રકૃતિ સહેજ પણ ધાર્મિક હતી નહી. ફ્લૉરેન્સના વેકિયો મહેલમાં લિયોનાર્દોને યુદ્ધવિષય પર એક ભીંતચિત્ર બનાવવાનું કામ મળ્યું. ૧૫૦૫માં લિયોનાર્દોએ એ મહેલના મોટા ખંડમાં ભીંત ઉપર ૭ મીટર ઊંચું અને ૧૭ મીટર લાંબું ‘બૅટલ ઑવ્ ઍન્ઘિયેરી’ ચીતરવું ચાલુ કર્યું. આ સમયે આ મહેલના આ જ ખંડમાં સામેની દીવાલ પર પોતાનો જાની હરીફ માઇકલૅન્જેલો પણ યુદ્ધવિષયનું ચિત્ર ‘બૅટલ ઑવ્ કાસ્કિન’ ચીતરી રહ્યો હતો. લિયોનાર્દોના આ ચિત્રમાં ઢાલ, તલવાર અને ભાલાથી લડી રહેલા અને એકબીજાને મારવા તત્પર ઘોડેસવાર સૈનિકોનું દૃશ્ય ‘બૅટલ ઑવ્ ઍન્ઘિયેરી’મા વ્યક્ત છે. વિકરાળ સૈનિકો અને ઘોડાઓનાં મોં વીરત્વ, ક્રોધ અને જુસ્સાથી તરબતર છે. આ ભીંતચિત્રને લિયોનાર્દોએ અધૂરું જ રાખ્યું. સાઠ વરસ પછી કલા-ઇતિહાસકાર જ્યૉર્જિયો વસારીએ એની ઉપર બીજું ભીંતચિત્ર ચીતરી નાંખ્યું આથી લિયોનાર્દોએ ચીતરેલ ભીંતચિત્ર જોઈ શકાતું નથી, પણ ચિત્ર માટેનો લિયોનાર્દોએ ચીતરેલો ૨૦ મીટર લાંબો, ૮ મીટર પહોળો પ્રાથમિક સ્કૅચ વરસો સુધી સચવાયેલો. તેના પરથી ફ્લેમિશ ચિત્રકાર પીટર પૉલ રૂબેન્સે એક નકલ કરેલી.

જીવનના છેલ્લા તબક્કે નજીક આવી રહેલો પોતાનો અંત લિયોનાર્દો મહેસૂસ કરી શક્યો હતો. પોતે વિચારેલા મોટાભાગના પ્રૉજેક્ટ અને અધૂરાં રહેલાં ચિત્રો પૂરાં ન થયાનો એને ખૂબ રંજ હતો. પોતાની લાંબી જિંદગીમાં માત્ર વીસ જ ચિત્રો તેણે પૂરાં કર્યાં હોવા છતાં તે યુરોપના સમગ્ર ઇતિહાસનાં બધાં જ ચિત્રકારોમાંથી ટોચનાં પાંચ ચિત્રકારોમાં સ્થાન પામે છે. ૦૨ મે, ૧૫૧૯ના દિવસે ફ્રાન્સના ક્લોક્સમાં લિયોનાર્દોનું મૃત્યુ થાય છે. તેમને સેન્ટ-ફ્લોરેન્ટિનના ચર્ચમાં દફનાવવામાં આવે છે. બાદમાં ફ્રેન્ચ ક્રાંતિના અંતિમ સમયગાળા દરમિયાન આ ચર્ચ તોડી પાડવામાં આવે છે, આથી લિયોનાર્દોના અવશેષો ક્યાં છે તે ખાસ જાણી શકાયું નથી.

તાજેતરમાં લિયોનાર્દોનું ઈશુ ખ્રિસ્તનું જૂનું ચિત્ર ન્યૂયૉર્ક શહેરમાં લગભગ ૩૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. ૫૦૦ વર્ષ જૂનું ઈશુ ખ્રિસ્તનું આ ચિત્ર ‘સાલ્વડોર મુંડી’ (વિશ્વના સંરક્ષક) તરીકે ઓળખાય છે. આ ચિત્રની હરાજીએ વિશ્વની સૌથી મોંઘી વેચાયેલી કલાકૃતિ તરીકે રિકૉર્ડ બનાવ્યો છે. હરાજી દરમિયાન એક ખરીદનારે ટેલિફોન પર ૨૦ મિનિટ સુધી વાત કર્યા બાદ આ ચિત્રની અંતિમ બોલી ૪૦ કરોડ ડૉલર બોલાઈ હતી. ખરીદનારનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. હરાજીની ફી સાથે આ ચિત્રની કિંમત ૪૫ કરોડ ડૉલર થઈ ગઈ છે.
– માહિતી સ્ત્રોત : વિશ્વકોશ, વીકી પીડિયા, ઇન્ટરનેટ ગૂગલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *