*લંડનમાં કુમકુમ મંદિર દ્વારા “હાઉસ ઓફ કોમન્સ” ખાતે ભવ્ય અન્નકૂટોત્સવ ઉજવાયો.*
*લંડનના “હાઉસ ઓફ કોમન્સ”મા અન્નકૂટોત્સવની ઉજવણી થાય, તે ભારત દેશનું ગૌરવ કહેવાય.- સાધુ પ્રેમવત્સલદાસજી*
તા. ૨૩-૧૦-૨૦૨૪ને બુધવારના રોજ “હિંદુ ફોરમ ઓફ બ્રિટન” દ્વારા “હાઉસ ઓફ કોમન્સ” ખાતે દિવાળી અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર આ વર્ષે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ “કુમકુમ” યુ.કે.ને અન્નકૂટ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. મંદિરના સભ્યોએ ખાસ ડિઝાઈન કરેલા મંચ ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરીને ભવ્ય અન્નકૂટની ગોઠવણી કરી હતી. આ ઉત્સવ બપોરે ૨-૦૦ થી ૫-૦૦ સુધી યોજવામાં આવ્યો હતો.
*આ પ્રસંગની માહિતી આપતાં કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, આ અન્નકૂટોત્સવનો લાભ લેવા માટે લંડનના અનેક સાંસદો, સ્થાનિક પરિષદના નગર સેવકો, વિવિધ મંદિરોના ટ્રસ્ટીઓ, વિવિધ સામાજીક સંસ્થાના રપ૧થી વધુ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં બોબ બ્લેકમેન (એમ.પી. ફોર હેરો), લોર્ડ નવનીત ધોળકીયા (ઓ.બી.ઈ.) અને નવેન્દુ મિશ્રા (એમ.પી. ફોર સ્ટોકપોર્ટ) દ્વારા ખૂબ જ સાથ – સહકાર સાંપડ્યો હતો.
આ કાર્યક્રમ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ “કુમકુમ” યુ.કે અને મિન્સ્ટર નર્સિંગ કેર હોમ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ૩૦૦થી પણ વરિષ્ઠ મહાનુભાવોને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.
*આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, લંડનના “હાઉસ ઓફ કોમન્સ”મા અન્નકૂટોત્સવની ઉજવણી થાય, તે ભારત દેશનું ગૌરવ કહેવાય. આજે સારાય વિશ્વમાં આપણા ભારતીય ઉત્સવો હવે ઉજવાય છે,તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે, અને આવા ઉત્સવો ઉજવાશે તો આપણા ભારતીય સંસ્કારો બાળકો અને યુવાનોમાં સચવાઈ રહેશે.