તારી આંખનો અફીણી” ગીત તો કદાચ સર્વાનુમતે સર્વોચ્ચ સ્થાન પામે. આજે શ્રી વેણીભાઈ પુરોહિતનાં જન્મદિવસે એમને સાદર વંદન..!!  – વૈભવી જોશી

મારી ગુજરાતી સુગમ સંગીતની સફરનો આરંભ ત્યારથી થયેલો જયારે મેં પહેલ વહેલી વાર કોઈ ગુજરાતી ગીત સાંભળેલું અને એ હતું કવિવર શ્રી તુષાર શુક્લ રચિત અને શ્રી શ્યામલ-સૌમિલનાં મોહક કંઠે ગવાયેલ ગીત “દરિયાનાં મોજાં કંઈ રેતી ને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહિ પ્રેમ….”.સમજણ આવ્યાં પછી સહુથી પહેલી વાર આ ગીત સાંભળેલું અને એ પછી જાણે નશો ચઢ્યો ગુજરાતી સુગમ સંગીતનો અને બસ એ પછી હું સાંભળતી ગઈ. એ હતી મારી ગુજરાતી સુગમ સંગીતનાં સફરની શરૂઆત. એ હતો લાઈફનો પહેલો તબક્કો જેણે મને ગુજરાતી સુગમ સંગીતનાં પ્રેમમાં પાડી.એ પછી એક બીજો મહત્વનો તબક્કો આવ્યો જયારે હું ગીત ગાવા તરફ આકર્ષાઈ. જયારે મેં શ્રી દિલીપભાઈ ધોળકિયા અને શ્રી મનહર ઉધાસનાં કંઠે અગણિત વાર ગવાયેલું આ અમર ગીત “તારી આંખનો અફીણી” સાંભળેલું જે શ્રી વેણીભાઈ પુરોહિતની કલમથી રચાયેલું અને શ્રી અજિત મર્ચન્ટ દ્વારાં સ્વરાંકિત થયેલું. ત્યારે તો ખૂબ નાની હતી પણ આ ગીત પહેલી વાર સાંભળતાં જ આ ગીતનાં બોલ હૈયે વસી ગયેલાં અને આ ગીતનાં લીધે જ હું ગાવા તરફ આકર્ષાઈ.મેં મારી લાઈફમાં પહેલી વાર કોઈ ગુજરાતી ગીત ગાયું હોય તો એ “તારી આંખનો અફીણી” હતું. એ પછી તો શાળા-કોલેજોનાં દિવસો દરમ્યાન ઘણી વાર ગાતી, સ્પર્ધાઓમાં ભાગ લેતી ને ઇનામો પણ જીતી લાવતી. જોકે ઘણીવાર ભણવાની તેજસ્વીતાં તમારાં શોખમાં આડખીલીરૂપ બનતી હોય છે એટલે ગાયિકી છેલ્લાં ઘણાં વર્ષોથી છૂટી ગઈ પણ આજે શ્રી વેણીભાઈ પુરોહિતનાં જન્મદિવસ પર એમનાં આ અજરામર ગીતનું સમરણ થઇ આવ્યું.આજે પણ આ ગીત વગર કોઈ પણ મહેફિલ કે ગુજરાતી ગીતોનો જલસો ઝાંખો જ લાગે. આજે સિત્તેર વર્ષ બાદ પણ આ ગીતની એટલી જ ડિમાન્ડ છે. આજે પણ વન્સ મોર, સીટીઓ અને ચિચિયારીઓ આ ગીત પર આવે જ આવે. લગભગ બે-એક દાયકા પહેલાં ક્યાંક કશેક કોઈ ફંક્શનમાં બધા મિત્રો ભેગાં થતાં ત્યારે આ ગીત હંમેશા male કંઠે ગવાતું આવ્યું હોવાથી female કંઠમાં સાંભળવાનો ખાસ આગ્રહ રાખતાં અને એક વાર તો મારી પાસે આ ગીત ચોક્કસ ગવડાવતાં.આમ તો જેટલાં પણ સ્વરકારો કે ગાયકો દ્વારાં આ ગીત ગવાયું હશે એમણે આ ગીતની અમુક જ પંક્તિઓ સ્વરબધ્ધ કરીને ગાઈ હશે પણ આજે જો કોઈને જાણ ન હોય તો આ ગીત આખું મુકું છું.તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલોઆજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો…
તારી આંખનો અફીણી….પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…
તારી આંખનો અફીણી….ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…
તારી આંખનો અફીણી….તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…
તારી આંખનો અફીણી….રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…
તારી આંખનો અફીણી….ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો…
તારી આંખનો અફીણી….- વેણીભાઈ પુરોહિતએમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં થયેલું. વ્યવસાયાર્થે મુંબઈમાં બે ઘડી મોજમાં જોડાયા. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં પ્રભાત દૈનિક, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્યમાં પ્રુફફરીડિંગ કરેલું. ૧૯૪૨ની લડતમાં દસ માસ જેલવાસ પણ ભોગવેલો. ૧૯૪૪ થી ૧૯૪૯ સુધી પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કામ કર્યું. ૧૯૪૯થી જીવનનાં અંત સુધી મુંબઈમાં જન્મભૂમિ દૈનિકમાં કાર્યરત રહ્યા.એમણે સિંજારવ (૧૯૫૫), ગુલઝારે શાયરી (૧૯૬૨), દીપ્તિ (૧૯૬૬) અને આચમન (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. માત્રા મેળ દેશીઓ, સંસ્કૃતવૃત્તો ને અછાંદસમાં પણ એમણે રચનાઓ કરી છે.એમની કવિતાનું ઉત્તમાંગ ગીતો અને ભજનો છે. બાળવયે વતનમાં મળેલા સંગીતનાં સંસ્કારો એમનાં ગીતોમાં શબ્દસંગીતથી સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયાં છે. નાનકડી નારનો મેળો, ઝરમર, અમારાં મનમાં, પરોઢિયાની પદમણી વગેરે નોંધપાત્ર ગીતો છે. ભજનોમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લયઢાળોની સહજ હથોટી અને ભક્તિ તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે.નયણાં, અમલકટોરી, હેલી, વિસામો, સુખડ અને બાવળ વગેરે ઉત્તમ ભજનો છે. મસ્તી, માધુર્ય, ચિત્રાત્મકતા, પ્રવાહિતા અને મોકળાશ એ એમની અભિવ્યક્તિની લાક્ષણિકતાઓ છે. પ્રણય, પ્રભુ, દેશભક્તિ, પ્રકૃતિ અને તત્કાલીન ઘટનાઓનું નિરૂપણ એમણે રંગદર્શી દ્રષ્ટિથી કર્યું છે.એમની કેટલીક ગઝલો સ્મરણીય છે; અખા ભગતનાં ઉપનામથી એમણે જન્મભૂમિમાં “ગોફણ ગીતા” નામે કટાક્ષ-કટાર ચલાવી હતી, તેમાં તત્કાલીનતા વધુ અને કવિતા ઓછી છે. કાવ્યપ્રયાગ (૧૯૭૮)માં પ્રાચીન-અદ્યતન કાવ્યોનો અરૂઢ ભાષામાં ભાવલક્ષી આસ્વાદ કરાવેલો છે. એમણે અત્તરનાં દીવા (૧૯૫૨), વાંસનું વન, સેતુ નામના વાર્તાસંગ્રહો પણ આપ્યાં છે.ગુજરાતી ચલચિત્ર “કંકુ”નાં બધા ગીતો એમના લખેલા છે. આ ઉપરાંત “ડાકુરાણી ગંગા”, “ગુણ સુંદરીનો ઘરસંસાર”, “બહુરૂપી”, “ગજરા મારુ”, “ધરતીના છોરું”, “ઘરસંસાર” વગેરે ચલચિત્રમાં પણ એમણે ગીતો લખ્યાં હતાં.@highlight: એમણે લખેલું “તારી આંખનો અફીણી” ગીત તો કદાચ સર્વાનુમતે સર્વોચ્ચ સ્થાન પામે. આજે શ્રી વેણીભાઈ પુરોહિતનાં જન્મદિવસે એમને સાદર વંદન..!!- વૈભવી જોશી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *