વર્ષ 2023માં ખોજ સિઝન-1ની સફળતા બાદ 23 જૂન, 2024, રવિવારના રોજ ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ખોજની આ બીજી સિઝન કંઈક વધારે જ ધમાકેદાર રહી. ખોજ બાય પુનિતજી હેલ્પિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં 51 વિભૂતિઓને સમાજમાં તેમના અદ્વિતિય પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવી.
પ્રસિદ્ધ ટેરો કાર્ડ રીડર પુનિતજી લુલાએ એક ઉમદા વિચાર સાથે ખોજની શરૂઆત કરી હતી.. જેનો મૂળ હેતુ સમાજમાંથી એવાં લોકોને શોધીને સન્માનવાનો કે જેમના નામ કરતાં પણ, તેમનું કામ વધારે બોલે છે. દરિયામાંથી જેમ મોતી શોધવું મુશ્કેલ હોય છે તેમ, ખોજ દ્વારા એવાં ‘મોતી’ શોધવામાં આવ્યા કે જે ખરાં અર્થમાં સન્માનના હકદાર છે. આ સન્માનિતોમાં સામેલ થયા છેવાડાના માનવી માટે જિંદગી સમર્પિત કરનારા અનેક સમાજસેવીઓ, યુવાઓ માટે પ્રેરણારૂપ કલાકારો અને રમતવીરો, નવીન રીતે બાળકોનું ઘડતર કરતાં શિક્ષકો તેમજ રેમેડીઝના સહારે અનેકોની મુંઝવણોનું નિરાકરણ લાવતા નિષ્ણાતો.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ રૂપે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા, સરખેજ આશ્રમના મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ, પ્રસિદ્ધ લેખક-સંશોધક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ તેમજ પ્રસિદ્ધ અભિનેતા પ્રેમ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના હસ્તે એવોર્ડ એનાયત કરીને એવોર્ડ લેનારાઓનો જુસ્સો પણ વધાર્યો હતો. જે.કે. મોટર્સના એમડી જીયા પરમાર, પોલીસ સમન્વયના પ્રમુખ રજનીશ પરમાર, વિઝન ઈનકોર્પના પ્રમુખ વિઝન રાવલે પણ એવોર્ડ લેનારાઓને સન્માનિત કર્યા હતા.
પ્રસિદ્ધ લેખક રામ મોરીને, ગાયક મયૂર ચૌહાણને તેમજ ક્રિકેટર નમન પટેલને તેમના ક્ષેત્રમાં અદ્વિતિય યોગદાન બદલ યુથ આઈકોનના એવોર્ડ એનાયત કરાયા હતા. તો સામાજિક પ્રવૃત્તિઓ માટે ઋષિત મસરાણી, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે ડૉ.ભાવેશ પંડ્યા, સ્કોટ કીવન તરીકે જાણીતા ફિટનેસ વુમન ઇન્દ્રજીત કૌર, રાની થાળ માટે સીમા ચૌધરી, સફળ વ્યવસાયી તરીકે પ્રકાશ મોદી અને ડૉ બંસરી મહાદેવીયાને ખોજના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
પૂ. ઋષિભારતી બાપુ તેમજ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે આ કાર્યક્રમને ખૂબ જ પ્રેરણાત્મક ગણાવ્યો હતો. સાથે જ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે ખોજની સિઝન-3 આનાથી પણ વધારે ભવ્ય થશે. The Visualizer દ્વારા આખી ઇવેન્ટને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.
ખોજ કાર્યક્રમ દરમિયાન ‘વોઈઝ ઑફ સનાતન’નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વોઈઝ ઑફ સનાતન એ એક એવું માધ્યમ છે કે જ્યાં સનાનતના દરેક રંગ એક જ મંચ પર જોવા મળશે. ઉપસ્થિત અતિથિઓએ વોઈઝ ઑફ સનાતનની સફળતા માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.