‘અગ્નિવીર પર પુનર્વિચાર કરવાની જરૂર અને UCC પર..’ સરકાર બન્યા પહેલા JDUનું મોટું નિવેદન.

‘અગ્નિવીર પર પુનર્વિચાર કરવાની જરૂર અને UCC પર..’ સરકાર બન્યા પહેલા JDUનું મોટું નિવેદન.

UCC પર નીતિશ કુમારે કાયદા પંચના અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, અમે તેની વિરુદ્ધ નથી પરંતુ તેના પર વ્યાપક ચર્ચાની જરૂર: પાર્ટી પ્રવક્તા
નવી દિલ્હી, 6 જૂન: NDAના સહયોગી અને નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)ના પ્રવક્તાએ આજે ગુરુવારે મોટું નિવેદન આપ્યું છે. JDUના પ્રવક્તા કે.સી.ત્યાગીએ નિવેદન આપતાં કહ્યું હતું કે, “અગ્નિવીર યોજના વિશે ફરીથી વિચાર કરવાની જરૂર છે. અમે વન નેશન વન ઇલેક્શન પર સાથે છીએ, પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર અમારું વલણ આજે પણ એ જ છે. પહેલા પણ અમે કહ્યું હતું કે, આ મામલે તમામ હિતધારકોને સાથે લેવાની અને તેમના મંતવ્યો સમજવાની જરૂર છે. યુસીસી પર, નીતિશ કુમારે કાયદા પંચના અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, અમે તેની વિરુદ્ધ નથી પરંતુ તેના પર વ્યાપક ચર્ચાની જરૂર છે.”
અગ્નિવીર યોજના વિશે ફરીથી વિચાર કરવાની જરૂર: JDU પ્રવક્તા
અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતા કે.સી. ત્યાગીએ કહ્યું હતું કે, ‘અગ્નિવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો અને તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી હતી. આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે. અગ્નિવીર યોજના પર નવી રીતે વિચારવાની જરૂર છે. જે સુરક્ષાકર્મી હતા સેનામાં તૈનાત હતા અને જ્યારે અગ્નિવીર યોજના આવી ત્યારે એક મોટા વર્ગમાં અસંતોષ જોવા મળ્યો. હું માનું છું કે, તેમના(સેના) પરિવારના સભ્યોએ પણ ચૂંટણીમાં વિરોધ કર્યો, તેથી આજે તેના પર નવી રીતે ચર્ચા કરવાની જરૂર છે.”
બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ
વન નેશન, વન ઈલેક્શનનું સમર્થન કરતી વખતે કે.સી. ત્યાગીએ કહ્યું કે, જ્યાં સુધી એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો સવાલ છે, અમે તેના સમર્થનમાં છીએ. અમે એનડીએના મજબૂત ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છીએ. અમે અટલબિહારીની એનડીએ સરકારમાં ઘણા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારીઓ સંભાળી છે. અમે ઘણા સમયથી માંગ કરી રહ્યા છીએ કે, જો બિહારમાંથી હિજરત રોકવી હોય તો તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. તે વડાપ્રધાનનો વિશેષાધિકાર છે કે તેઓ કોને કયું મંત્રાલય આપે. અમારી તેમાં કોઈ માંગ નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *