ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા આજરોજ ૧ લી મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના દિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારત દેશ આઝાદ થયા પછી ગુજરાતી બોલતા લોકોનું અલગ રાજ્ય હોવુ જોઈએ તેવી માંગણી સાથે આંદોલનની શરૂઆત થઇ હતી. ૮ મી ઓગસ્ટ ૧૯૫૬ થી શરૂ થયેલી આ ચળવળના મુખ્ય નેતા ઇન્દુલાલ યાજ્ઞીક તથા દિનકર મહેતા, બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજા વિગેરે લોકોએ સક્રીય ભૂમિકા ભજવી હતી. ગુજરાતની અસ્મિતા તથા પોતાની ઓળખ ઉભી કરવા માટે લગભગ ચાર વર્ષ સુધી રાજકીય આંદોલન ચાલ્યુ હતુ. આ આંદોલનને ચલાવવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી અનેક લોકોએ આ ચળવળમાં પોતાનો જીવ આપ્યો હતો. ખુબજ મોટી સંખ્યામાં લોકોએ આ મહાગુજરાત ચળવળમાં ભાગ લીધો હતો. છેવટે ભારત સરકાર દ્વારા આપણી માંગણીને મંજુર રાખીને ૧ લી મે ૧૯૬૦ ના રોજે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી. ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતી આ ઘટના બાદ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા બન્યા હતા ગુજરાત રાજ્યની ખમીર પ્રજા આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઉજવે છે..