૪0 થી ૪૫ પછી ની ઉમર નો સમયગાળો સ્ત્રી માટે ઘણો પરિવર્તનશીલ બની રહે છે.
આ એક એવો પડાવ છે જ્યાં સ્ત્રી બેકલી હોવા છતાં એકલી પડી જાય છે.
આ ઉંમરે પુરુષ નો સૂરજ મધ્યાન્હે તપતો હોય છે.
તે પોતાના બીઝનેસ કે જોબ માં એકદમ સેટ થઇ ગયો હોય છે.
સફળતા નો નશો તે ધીમે ધીમે માણી રહ્યો હોય છે.
પણ સ્ત્રી…….
એક અવઢવ માં હોય છે.
કે હું શું કરું?
પતિ ની વ્યસ્તતા એ તેને એક સૌથી મોટી વણમાંગી ભેટ આપી હોય છે…’સમય’…!!
એક એવો શૂન્યાવકાશ નો ટૂકડો કે જે ભરવા માટે તે હવાતીયા મારતી રહે છે.
બાળકો પણ યુવાન થયા છે… ભણવા બહાર ચાલ્યા ગયા છે.
અને રહી ગઇ છે એ ……
એવા લીલાછમ હર્યાભર્યા વૃક્ષ નાં માળા જેવી કે જેમાં પક્ષીઓ નો કલરવ ભૂતકાળ બની ગયો છે..
હાં…
પક્ષી આવે છે માત્ર રાતવાસો કરવા, અને સવાર પડતા જ ઉડી જાય છે.
સ્ત્રી એકલી એકલી અકળાતી રહે છે.
એની સુંદરતા ઓસરી રહી છે એની સાબિતી અરીસો આપતો રહે છે.
એક સમય હતો કે જ્યારે વસ્ત્રો તંગ થતાં ત્યારે તે શરમાતી…મલકાતી !!
વસ્ત્રો તો આજે પણ તંગ થઇ રહ્યા છે પણ હવે તે ઓઝપાઇ જાય છે…
ઝંખવાઇ જાય છે.
મેનોપોઝ નાં કારણે તે સતત મનોશારિરીક તકલિફો માં થી પસાર થઇ રહી હોય છે.
મૂડ માં ગજબનાક ફેરફારો અનુભવી રહી હોય છે.
સ્ત્રી ની આ ગૂંગળામણ , અકળામણ નું કોઇ ચોક્કસ સરનામુ નથી હોતુ.
પણ તેની આ પીડા.. હતાશા… વલવલાટ્.. વસવસો..
બધું ભેગુ થઇ ને એક પ્રસવ પીડા બની જાય છે..
અને..સ્ત્રી સર્જન તરફ વળે છે.
એ જુદા જુદા માધ્યમો થી પ્રગટ થતી રહે છે.
કોઇ વાર્તા લખે..
તો કોઇ કવિતા.
કોઇ સંગીત શીખે તો…
કોઇ ન્રુત્ય.
કોઇ પત્રકાર બને તો કોઇ બ્યુટીશીયન.
કોઇ કૂકીંગ શિખવે તો કોઇ યોગા.
અભિવ્યક્તી અલગ અલગ…
પણ ડોકાય તો સ્ત્રી જ.
આ સર્જન સ્ત્રી ને એક આત્મવિશ્વાસ, એક જુસ્સો આપે છે.
હું પણ કાંઇક કરી શકું છું એવી ખુમારી આપે છે.
પણ…
જ્યારે મોટી ઉંમરે સ્ત્રી સર્જન તરફ વળે છે….
ત્યારે પુરુષો વિચારે છે….
આને પાંખો આવી છે !!!
અરે…ભલા માણસ…પાંખો તો એને જન્મ થી જ મળી છે.
પણ એ સ્વેચ્છાએ એને સંકેલી ને બેઠી હતી.
એણે ગૃહસ્થી ને કદી પિંજરુ ગણ્યુ જ નથી….
માળો જ માન્યો છે.
પોતાની પાંખો ની હૂંફ થી એણે પરિવાર ને સેવ્યો છે.
ક્યારેય ઉડવાની તમન્ના નથી કરી.
પણ…પણ…આ મુકામ પર…
જ્યારે પક્ષીઓ જ ઉડી ગયા છે તો હવે એ પણ જરી પાંખો ફફડાવે તો ખોટું શું છે ?
એને આકાશ નથી જોઇતું…
એને ઉડી ને ચાલ્યા પણ નથી જવું.
એને તો બસ….થોડી અમસ્તી મોકળાશ જોઇએ છે.
એ તમારા જ આપેલા ‘સમય’ નાં ટૂકડા ને મનગમતી પ્રવ્રુતિ થી ભરવા માટે એક ટૂકડો ‘અવકાશ’ માંગે છે
તો ….શું એ વધારે કાંઇ માંગે છે ???
એને થોડુ ખિલવું છે…
ખુલવું છે…..
થોડુ વહેવુ છે…
થોડુ કહેવુ છે…
થોડુ મ્હોરી ને
થોડુ મહેંકવુ છે.
તો શું એ ખોટું છે???..