શાં માટે ભારતીય મહિલા રાજકારણ તેમજ બ્યુરોક્રસીથી દૂર રહેવું પસંદ કરે છે?. – હિમાદ્રી આચાર્ય દવે.

*ભારતીય સંસદના કુલ સભ્યપદના માત્ર 14.44% મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. જ્યારે વિધાનસભામાં ફક્ત 9% મહિલા છે! વહીવટી સેવામાં મહિલાનો હિસ્સો ફક્ત 13%નો છે*

*હિમાદ્રી આચાર્ય દવે*

વેદકાલીન ભારતમાં મહિલાનું સ્થાન ઉન્નત રહ્યું હોવાના સાક્ષ્ય મળે છે. ત્યારબાદ, ઉત્તર વેદકાલીન યુગમાં પરિસ્થિતિ કથળતી ચાલી. અને 11મી સદીથી લઈને 19મી સદી સુધી તો ભારતમાં મહિલાઓની સ્થિતિ અતિ દયનીય રહી.

ખાસ કરીને 18મી સદીમાં સ્ત્રી પરના અત્યાચારો ચરમ પર રહ્યા આ સદીમાં સ્ત્રી અનેક સાંકળો વચ્ચે જીવતી હતી. ઘરમાં પતિ અને સાસરપક્ષના લોકોને પૂછીને શ્વાસ લેવો પડતો. કુટુંબો પિતૃસત્તાક હોવાના કારણે મિલકત પર ફક્ત પુરુષોનો અધિકાર રહેતો. સ્ત્રીઓ કોઈપણ પ્રકારની મિલકત હક્કથી વંચિત હતી. દેશભરમાં બાળલગ્ન પ્રચલિત હતા, નાની છોકરીઓના લગ્ન કરી આધેડ પુરુષ સાથે પણ કરી નાખવામાં આવતાં! પુરુષને એક કરતા વધુ લગ્નની છૂટ હોવાથી મહિલાઓએ બહુપત્નીત્વનું વલણ સ્વીકારવું પડતું. સ્ત્રીઓને શિક્ષણના અધિકારથી સંપૂર્ણપણે વંચિત રાખવામાં આવતી. તે સમયે દેશમાં, ખાસ કરીને પૂર્વીય સમાજમાં સતી પ્રથા પ્રચલિત હતી. સતીપ્રથા બંધ થઈ અથવા જે સમાજમાં આ પ્રથા નહોતી ત્યાં પણ વિધવા સ્ત્રીઓનું જીવન બદતર હતું. તેને ફરજીયાત વાળ ઉતરાવી નાંખવાના રહેતાં. તેના શૃંગાર છીનવી લેવામાં આવતા. ફક્ત સફેદ કપડાં જ પહેરવાના. વિધવાને સાસરપક્ષની સંપતિમાંથી તેમજ ઘરમાંથી કાઢી મુકવામાં આવતી. પરિણામે વિધવા સ્ત્રી આર્થિક રીતે પણ પાયમાલ થઈ જતી. વિધવાનું કોઈ સ્થાન નહોતું. તેની સાથે સમાજ ખૂબ ખરાબ વર્તન કરતો. તેને અપશુકન ગણવામાં આવતી. વિધવાએ ઘરની બહાર નીકળવું નહીં, હસવું નહીં, જોરથી બોલવાનું નહીં, ખુશી મળે એવી એક પ્રવૃતિ કરવાની નહીં! વિધવાના પુનર્વિવાહની તો વાત જ નહોતી. વળી, બાળકીના જન્મ સાથે જ દૂધ પીતી કરવાની કુપ્રથા અસ્તિત્વમાં હતી(અને આધુનિક સમયમાં દીકરીની ભૃણહત્યા!) રાજા રામમોહનરાય અને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે લડતો આપીને આવી કુપ્રથાઓ બંધ કરાવી. 19મી સદી દરમ્યાન સ્ત્રીઓની સામાજિક સ્થિતિમાં સુધાર આવવાનું ધીમી ગતિએ શરુ થયું.

વર્તમાન સમયમાં પણ વિશ્વના મોટાભાગના દેશ સહિત ભારતમાં મહિલાની સ્થિતી ચર્ચા અને ચિંતાનો વિષય છે. તાજેતરના વર્ષોમાં થયેલી પ્રગતિ છતાં, ભારતમાં મહિલાઓ હજુ પણ ઘણા પડકારોનો સામનો કરે છે.

ભલે આજે આપણે એમ કહીને પોતાની પીઠ થપથપાવીએ કે આઝાદીના 75 વર્ષમાં આપણી મહિલાઓ ચંદ્ર પર પહોંચવાના મિશન ઓપરેટ કરી રહી છે, ફાઈટર પ્લેન ઉડાવી રહી છે, ઓલિમ્પિકમાં મેડલ જીતી રહી છે, મોટી મોટી કંપનીઓ ચલાવી રહી છે કે રાષ્ટ્રપતિ બનીને દેશને સંભાળી રહી છે. પરંતુ વાસ્તવમાં તો આ સંખ્યા મહિલાઓની વસ્તીનો માત્ર એક અંશ છે. આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓનો એક મોટો વર્ગ સામાજિક બંધનોને સંપૂર્ણપણે તોડી શક્યો નથી; તેમનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી અથવા તો આપણો પિતૃસત્તાક સમાજ તેમને જન્મથી જ એવા ઘાટમાં ઘડવાનું શરૂ કરે છે કે જેથી તેમને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પુરુષોનો સહારો લેવો પડે. બીજું, જ્યારે પણ કોઈ સ્ત્રી પોતાને પુરવાર કરવા માંગે છે ત્યારે તેને અનેક રીતિ-રિવાજો, પરંપરાઓ અને પૌરાણિક કથાઓની દુહાઈ આપીને બેસાડી દેવામાં આવે છે.

લૈંગિક સમાનતાના સંદર્ભમાં ભારતના રેન્કિંગમાં થોડો સુધારો થયો હોવા છતાં ભારત હજુ પણ દુનિયાભરના દેશો કરતાં ઘણો પાછળ છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ રિપોર્ટ 2023 કહે છે કે લૈંગિક સમાનતાના સંદર્ભમાં વિશ્વના 146 દેશોમાં ભારતનું રેન્કિંગ 127મું છે. અલબત્ત, ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ભારતના રેન્કિંગમાં આઠ પોઈન્ટનો સુધારો થયો છે. 2022ના રિપોર્ટમાં ભારતનું રેન્કિંગ 146 દેશોમાંથી 135 હતું.

તેથી જ વિકાસની રાહે અગ્રેસર ભારતમાં શૈક્ષણિક, સામાજિક, રાજકીય, ધાર્મિક અને આર્થિક સ્તરે મહિલાઓ ક્યાં છે તે જાણવું જરુરી છે.

દેશમાં અભ્યાસની નવી નવી તકો ખુલ્લી રહી છે, તે અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહ્યું છે. આર્થિક તેમજ શૈક્ષણિક વિકાસની સમાંતરે દેશના અર્થતંત્ર, રાજકારણ, શિક્ષણ, ન્યાયસંબંધી તેમજ સિવિલ સર્વિસીસમાં મહિલાઓની ભાગીદારી હજુ ઘણી નિરાશાજનક છે. દેશના સૌથી મોટા, મહત્વપૂર્ણ અને મુખ્ય ક્ષેત્રોમાં હજુ પણ મહિલાઓની અછત જોવા મળે છે

*તમને જણાવી દઈએ કે, ભારતીય સંસદના કુલ સભ્યપદના માત્ર 14.44% મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. જ્યારે વિધાનસભામાં ,ફક્ત 9% મહિલા છે! આવક, દેશની કુલ વસ્તીના 48 ટકા મહિલાઓ છે, જેમાંથી માત્ર એક તૃતીયાંશ જ રોજગારમાં વ્યસ્ત છે. તેથી ભારતના જીડીપીમાં મહિલાઓનું યોગદાન માત્ર 18 ટકા છે! અને વહીવટી સેવામાં મહિલાનો હિસ્સો ફક્ત 13%નો છે*

*શાં માટે ભારતીય મહિલા રાજકારણ તેમજ બ્યુરોક્રસીથી અંતર જાળવે છે?*

ઉપરોક્ત મુદ્દાને સમજવા આપણે પહેલા, ‘પુરુષ અને નેતૃત્વ’ને સમજવું પડશે. પ્રાચીનકાળની વાત કરીએ તો, એ સમયે રાજકાજ સંભાળનાર રાજાની સરખામણીએ રાજકાજ સંભાળતી રાણીનું પ્રમાણ બહુ ઓછું હતું. આધિપત્ય અને નેતૃત્વના ગુણો પુરુષની પ્રકૃતિમાં છે એમ કહેવુ કદાચ અપ્રસ્તુત લાગે પણ આ વાતમાં તથ્ય છે. સંસ્કૃતિના પ્રારંભિક તબક્કે જ્યારે અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ પડકારજનક કામ હતું એ કાળમાં, સ્ત્રીની સરખામણીએ વધુ સક્ષમ શરીરરચના ધરાવતા હોવાને કારણે પુરુષના હિસ્સે શિકાર કરવાના, કુટુંબના સભ્યોનું ભરણપોષણ કરવાના અઘરા કામ આવ્યાં અને સ્ત્રીઓને હિસ્સે ઘરકામ તેમજ બાળઉછેર. અઘરા કામ પાર પાડી શકતો હોવાથી પુરુષના સામર્થ્યને વધુ શ્રેય મળતો થયો, તે સર્વેસર્વા સાબિત થયો, તેના આધિપત્યનો સ્વીકાર થયો જે ગુરુતાગ્રંથીમાં પરિણમીને અંતે નેતૃત્વનું વલણ કેળવાયું હશે અને પેઢી દર પેઢી જનમાનસમાં એ વિચાર દ્રઢ થતો ગયો કે નેતૃત્વનુ કામ તો પુરુષ જ કરી શકે, સ્ત્રી નહીં!

વધુમાં કહીએ તો, કોઈપણ સમાજમાં સ્ત્રીઓની પરિસ્થિતિ તેમજ તેના કાર્યક્ષેત્રની પસંદગીમાં જે -તે સામાજિક પરિવેશ મહત્વનો ભાગ ભજવે છે. ભારત એક પિતૃસત્તાક સમાજ છે. આપણાં સમાજમાં જ્યાં જ્યાં સત્તા ભોગવવાની કે નિર્ણયોની જવાબદારી હોય એવા ક્ષેત્રમાં પુરુષનું પ્રભુત્વ રહ્યું છે. કુટુંબ- પરિવારમાં પણ આજ સુધી મહત્વના નિર્ણય લેવાનું કામ મોટાભાગે પુરુષના અધિકારક્ષેત્રમાં આવે છે. નવાઈની વાત એ છે કે, કદાચ તેના પોતાના આત્મ સન્માનને ઠેસ પહોંચતી હોય તો પણ, આપણે ત્યાં પુરુષની ગુરુતાગ્રંથી પોષવામાં સ્ત્રીઓ બહુ મોટી ભૂમિકા ભજવતી હોય છે. (એની પાછળના કારણો અથવા આમ કરવું યોગ્ય છે કે અયોગ્ય એની ચર્ચા વળી અલગ વિષય છે)આજની આધુનિક નારી પણ, નાની વાતોએ, ‘પતિને પૂછીને નક્કી કરું’ એમ બોલતી જોવા મળશે. આ બધા કારણે સ્વાભાવિક પણે જ એક માઈન્ડસેટ છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ વિચારી શકે. સ્ત્રીઓને પુરુષો કરતાં નિમ્ન બુદ્ધિમતા ધરાવતી અથવા તો નિર્ણય કરવાની બાબતે દ્વિતીય સ્થાને ગણવામાં આવે છે. આ માનસિકતા સમાજમાં ઊંડે ઊંડે ઘર કરી ગયેલી છે. અને મહિલાઓની આગેવાની તેમજ રાજકારણમાં ભાગ લેવાની ક્ષમતા અંગેના લોકોના વિચારોને અસર કરે છે. વળી, સામાજિક પરિવેશની વાત કરીએ તો, ભારતમાં મહિલાઓ પાસે, પરંપરાગત રીતે માન્ય હોય તેવા ધોરણોને અનુસરીને રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે. આધુનિકતાની હવા વચ્ચે પણ આપણાં સામાજિક ધોરણો એવું સૂચવે છે કે સ્ત્રીઓએ પત્ની અને માતા તરીકેની તેમની ભૂમિકાઓને પ્રાથમિકતા આપવી જોઈએ.

એક મનોવૈજ્ઞાનિક કારણ, આપણે ત્યાં દીકરાને મોક્ષ અપાવનાર ગણવામાં આવે છે. વળી, દીકરો મા બાપનું ઘડપણ સાચવે, વંશ આગળ ધપાવે અને દીકરી એટલે ફક્ત જવાબદારી જ બસ. એટલે દીકરાના નિરંકુશ વર્તનને ક્યારેય વધુ ગંભીરતાથી નહોતું લેવાયુ કે ન તો દીકરીની ઈચ્છા કે સ્વતંત્રતા વિશે ગણ્યાગાંઠ્યા સુધારવાદીઓ સિવાય કોઇએ ક્યારેય વધુ ચિંતા સેવી. હવે આવા માઈન્ડસેટ સાથે દીકરા -દીકરીનો ઉછેર થયો હોય એટલે સ્વાભાવિક છે કે અમર્યાદ સત્તા ભોગવતા પુરુષને કોઈ સ્ત્રી આધિપત્ય જમાવી શકે એ બાબત અણગમો ઉપજે છે અને સ્ત્રી પણ પોતાના ફિક્સ ચોકઠામાંથી બહાર આવવાનું વિચારી ન શકે. અલબત્ત, મા-બાપનું દીકરા પ્રત્યેનું આવું વલણ આગળ જતાં તે દીકરા સાથે જોડાયેલ મહિલા કે પછી સમાજ માટે કેટલાય પ્રોબ્લેમ ઉભા કરે એવું બની શકે.

*ઉપરોક્ત મુદ્દાના કારણોમાં વધુ એ કહી શકાય કે…*

●રાજકારણમાં સક્રિય મહિલાઓ ઘણીવાર હિંસા અને ઉત્પીડન (શારીરિક, શાબ્દિક અને ઓનલાઈન બંને)નો ભોગ બન્યા પછી મહિલાઓ રાજકારણમાં પ્રવેશવા અથવા વિવિધ મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા બાબતે નિરાશા આવી જાય છે. આમ, રાજકારણમાં સલામત અને સમાવિષ્ટ તકોનો અભાવ મહિલાઓની ભાગીદારીમાં મોટો અવરોધ છે. બીજું, રાજનીતિ અને બ્યુરોક્રસી બન્નેમાં વિવાદો સર્જાઈ શકે, સ્થાપિત હિતો સાથે કામ લેવું પડે એવા ફિલ્ડ છે. ઘણીવાર ઘરના સભ્યોનું વલણ એવું હોય છે કે આવા ફિલ્ડમાં ઘરની સ્ત્રી ન જવી જોઈએ, તેથી સ્ત્રીઓને રાજકારણમાં કારકિર્દી બનાવવાથી નિરાશ કરવામાં આવે છે

●રાજકીય પક્ષોમાં મર્યાદિત પ્રતિનિધિત્વ:
મહિલાઓને રાજકીય પક્ષોમાં ઘણી વખત ઓછું પ્રતિનિધિત્વ આપવામાં આવે છે તો ઘણીવાર મહિલા મહોરું માત્ર હોય છે, વાસ્તવમાં સત્તા ઘરના કે પક્ષના પુરુષ નેતાઓ દ્વારા ચલાવાતી હોય છે. (આવા કિસ્સાઓમાં મહિલા પોતાની પ્રભાવી છાપ છોડી નથી શકતી અને સરવાળે, તે રાજકરણમાં બીનકાર્યક્ષમ લેખાય છે) જેના કારણે તેમના પક્ષમાં તબક્કાવાર આગળ વધવું અને ચૂંટણી માટે પક્ષનું નામાંકન મેળવવું મુશ્કેલ બને છે.
પ્રતિનિધિત્વનો આ અભાવ રાજકીય પક્ષોમાં હાજર લિંગ પૂર્વગ્રહનું પરિણામ ગણી શકાય અને એવી ધારણા બંધાય કે સ્ત્રીઓ પુરૂષો જેટલી ચૂંટણી જીતવા સક્ષમ નથી.

●રાજકારણમાં મહિલાઓને ઘણી વાર ઓછું વેતન, સંસાધનો સુધીની પહોંચનો અભાવ અને મર્યાદિત નેટવર્કિંગ જેવી અસમાન તકોનો સામનો કરવો પડે છે. આ અસમાનતાને કારણે મહિલાઓ માટે પુરૂષ ઉમેદવારો સાથે સ્પર્ધા કરવી અને રાજકારણમાં સફળ થવું પડકારરૂપ બની શકે છે.

●વળી, રાજનીતિમાં કામના કલાકોની ગણતરી રહેતી નથી. એક સ્ત્રી માટે, જ્યાં સુધી કુટુંબનો સહકાર ન હોય તો, કૌટુંબિક જવાબદારીઓના વહન સાથે રાજકારણમાં સક્રિય રહેવું બહુ અઘરું બની જાય છે. જ્યારે પુરુષ આ મામલે તદ્દન મુક્ત હોવાથી અગેઇન, આ મુદ્દે પણ કોઈપણ પક્ષ માટે પુરુષ પ્રથમ પસંદગી હોય છે સિવાય કે વોટબેંકની રાજનીતિ મહિલા ઉમેદવારને રાખવાથી સિદ્ધ થતી હોય તો વાત અલગ છે.

●વધુમાં, રાજનીતિની માળખાગત વ્યવસ્થા પણ મહિલા માટે બાધારૂપ બને છે. ઘરથી દૂરના પ્રદેશમાં પદભાર સંભાળવાનો, ઉપર કહ્યું તેમ પિતૃસતાક સમાજમાં પુરુષોની જરૂરિયાતોને જ જ્યાં પ્રાથમિકતા અપાતી હોય ત્યાં એવી માનસિકતા સાથેના સમાજ-પરિવારમાં રહીને રાજનીતિ તેમજ સિવિલ સર્વિસ જેવા ચેલેન્જિગ ફિલ્ડમાં ટકી રહેવું મહિલા માટે મુશ્કેલજનક થઈ જાય છે. વળી એક સામાન્ય માન્યતા એવી છે કે સમાજ કલ્યાણ, સંસ્કૃતિ, મહિલા અને બાળ વિકાસ જેવા ‘સોફ્ટ’ મંત્રાલયો માટે જ મહિલાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. એ સિવાયના મંત્રાલયો મહિલાને હિસ્સે આજ સુધી બહુ ઓછા આવતાં હતાં!

● ગત લોકસભા ચૂંટણીમાં માત્ર 11 ટકા મહિલાઓ જ સાંસદ બની શકી હતી. મતલબ કે દર 90 લાખ મહિલાઓએ એક મહિલા સાંસદ હતી. અનામતની માંગ એટલા માટે પણ વધુ મહત્વની કે પક્ષો અપેક્ષા મુજબ મહિલાઓને ટિકિટ આપી રહ્યા નથી. પાર્ટીઓ એવી મહિલાઓને જ ટિકિટ આપી રહી છે જે અતિ પ્રખ્યાત છે અથવા જેમની પાસે કોઈ રાજકીય વારસો છે.મોટાભાગની પાર્ટીઓ પાયાના સ્તરે કામ કરી રહેલી તેમના મહિલા કાર્યકરોની અવગણના કરી રહી છે. મહિલાઓને ટિકિટ મળે તો પણ તેમનો રસ્તો સરળ નથી. કારણ, સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સ્તરે પુરુષોનું વર્ચસ્વ છે. મહિલાઓ જીતીને રાજકીય સત્તા મેળવે તો પણ રાજકારણમાં તેમની નોંધપાત્ર ભાગીદારી સુનિશ્ચિત થશે જ એવું ન કહી શકીએ.
અલબત્ત, મહિલાઓને 33 ટકા અનામત આપતું નારી શક્તિ
વંદન બિલ ગયા વર્ષે સંસદમાં પસાર થઈ ગયું છે. પણ તેને લાગુ કરવામાં હજુ સમય લાગવાનો છે .ભારતીય ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, 2001ના બંધારણીય સુધારા મુજબ 2026 પછી જ લોકસભાના સભ્યોની સંખ્યા વધારી શકાશે. બિલમાં નક્કી થયું છે કે અનામત આધારિત ફેરફારો વસ્તી ગણતરી પછી જ લાગુ કરાશે અને વસ્તી ગણતરીના ડેટાના આધારે તમામ મતવિસ્તારોનું ફરી સીમાંકન કરાશે. વિષમતા તો એ છે કે આ બિલ સૌ પ્રથમ 1996માં દેવેગૌડા સરકારના સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે પછી વાજપેયી સરકાર અને મનમોહન સરકારે પણ આ બિલ રજૂ કર્યું હતું, પરંતુ તે ક્યારેય સંસદમાં પાસ થઈ શક્યું ન હતું! અને પ્રગતિવાદી લેખાતાં આપણાં દેશમાં, 27 વર્ષની લાંબી રાહના અંતે છેક 2023માં આ બિલ પાસ થયું છે!
આમ, આરક્ષણને કારણે ગૃહોમાં મહિલાની ભાગીદારી વધશે તો પણ મહિલાઓએ રાજકારણમાં સત્તાના સમીકરણો બદલવા માટે હજુ લાંબો રસ્તો ખેડવાનો છે.