પંક્તિનું કન્યાદાન. – ભાવિની નાયક.

આજે તો કનુભાઈ અને સુમનબેનની સવાર પાંચ વાગ્યામાં પડી ગઈ હતી. એમનો એકનો એક દીકરો નીરજ પોતાનો અભ્યાસ પૂરો કરીને થોડા દિવસો માટે ઘરે આવવાનો હતો. નીરજ માટે તેની ભાવતી વસ્તુઓ બનાવવામાં સુમનબેન રસોડામાં વ્યસ્ત હતા. નવ વાગ્યામાં તો તે બધું પતાવીને હિંચકે બેસી ગયાં હતાં. જાળીનો અવાજ આવ્યો ત્યાં તો સુમનબેન ઉભા થઈને જોવા આવ્યા.પણ એમની ધારણા ખોટી પડી.એ નીરજ નહીં પણ પંક્તિ હતી.વાડીનું શાક આપવા આવી હતી. પંક્તિ બાજુના મહોલ્લામાં રહેતા કનુભાઈના ભાઈબંધ વિઠ્ઠલ ભાઈની દીકરી. સુમનબેનને કઈ પણ કામ હોય એ પંક્તિને કહે.પંક્તિ પણ દિવસમાં બે ચાર આંટા મારી જાતી. આજે જાણે પંક્તિ ઉતાવળમાં હોય એમ તરત જ નીકળી ગઈ. થોડી વારે અચાનક સુમનબેનની આંખ કોઈએ બંધ કરી. પંક્તિ આજે મજાક ના કર.સુમનબેનથી બોલાઈ જવાયું જોયું તો નીરજ હતો. સુમનબેન તો આભા જ બની ગયાં. નીરજ તેના માતા પિતાને પગે લાગ્યો.સુમનબેન તો એમણે વળગી જ પડ્યાં.નીરજ ફ્રેશ થયો એટલી વારમાં સુમનબેને તેના માટે ચા બનાવી. નિરાંતે બધા ચા નાસ્તો કરવા બેઠા.નાસ્તો કરતા કરતા નીરજે પંક્તિ વિશે પૂછ્યું. બન્ને નાનપણના મિત્ર. કનુભાઈ બોલ્યા હવે તુ અહીંયા જ છે નિરાંતે મળજે એને.નીરજ ગામમાં આંટો મારવા નીકળ્યો. તળાવ, ગામનું પાદર, એની શાળા બધું જોઈને જયારે એ ઘરે આવ્યો ત્યારે સુમનબેને તેને હેતથી જમાડ્યો. જમીને પરવારીને બધા સુઈ ગયાં. ચાર વાગે દરવાજાનો અવાજ આવ્યો. જોયું તો પંક્તિ હતી. દૂધ આપવા આવી હતી. નીરજે તેને એક જ નજરમાં ઓળખી કાઢી. નીરજ તેને બોલાવવા જાય એ પહેલા તો એ જતી રહી. શરમાળ પ્રકૃતિ ધરાવતી પંક્તિ ગૌરવર્ણી દેખાવે સીધીસાદી હતી. સુમનબેન એના વખાણ કરતા થાકતા નતા. અને એ પણ સુમનબેનનો પડ્યો બોલ ઝીલતી હતી. બીજે દિવસે સવારે કનુભાઈ નીરજ ને લઈને વિઠ્ઠલ ભાઈના ઘરે ગયા. પંક્તિ ચા નાસ્તો આપીને તરત જતી જ રહી. નીરજ તેની સાથે વાત કરવા માંગતો હતો પણ પંક્તિ તો એને જોઈને દૂર જ ભાગતી હતી. વિઠ્ઠલ ભાઈ એ એને બોલાવી કે નીરજ ને ગામ દેખાડવા લઇ જા. નીરજે ગામ જોવાને બહાને એની સાથે વાત થશે એમ માનીને હા જ પાડી. બન્ને બહાર નીકળ્યા. નીરજે પહેલી વાર પંક્તિને નામથી બોલાવી. પંક્તિ નામ સાંભળતાની સાથે જ નીચું જોઇ ગઈ. બન્ને રાધા કૃષ્ણ મંદિરે ગયાં. ત્યાં નીરજે પંક્તિને કહ્યું અહીં આપણે હીંચકા ખાતા હતાં તને યાદ છે?મને તો એ પણ યાદ છે કે તમે હિંચકા પરથી પડ્યા હતા ને માસીનો જીવ ઊંચો થઇ ગયો હતો.નીરજે પહેલી વાર પંક્તિનો અવાજ સાંભળ્યો. એના અવાજમાં એક અલગ જ રણકાર હતો. નીરજે તેના અભ્યાસ વિશે પૂછ્યું તો પંક્તિએ કહ્યું તેણે બારમાં ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. નીરજે તેના અભ્યાસ વિશે કહ્યું કે તેણે મુંબઈમાં સી.એ કરેલું છે. થોડી વાર બન્ને ત્યાં જ વાતો કરતા રહ્યાં. નિરજની આંખો પંક્તિ પરથી હટતી જ નતી. પંક્તિ બોલી હવે જઈશું?નીરજ તરત જ બોલ્યો મને આખું ગામ બતાવ. મારે ઘરે કામ છે એમ કહીને પંક્તિ ત્યાંથી ઉભી થઇ ગઈ. નછૂટકે નીરજને ઉભું થવું પડ્યું. બન્ને ઘરે આવ્યા ને કનુભાઈ નીરજને લઈને પોતાના ઘરે ગયા. ઘરે જઈને જોયું તો સુમનબેન તાવમાં તપતાં હતાં. એમણે નીરજને કહ્યું પંક્તિને બોલાવ. પંક્તિએ આવીને પહેલું કામ સુમનબેનને રાબ પીવડાવીને દવા આપવાનું કર્યુ. એમને માથું દબાવી આપ્યું. એ સુઈ ગયા પછી એમણે કનુભાઈ અને નીરજ માટે રસોઇ બનાવી. નીરજને તેના હાથની રસોઇ ખૂબ ભાવી. પંક્તિ પ્લેટફોર્મ સાફ કરતી હતી. ત્યાં નીરજ તેને મળવા આવ્યો. હજી તે કઈ કહે એ પહેલા જ પંક્તિ નીકળી ગઇ. સાંજે ચા પંક્તિ પોતાના ઘરેથી જ બનાવીને લાવી. સુમનબેન ઉઠ્યા એટલે તેમને ચા બિસ્કિટ આપી અને દવા આપી પંક્તિ ફરી એના ઘરે ગઇ. તેની પોતાના માતાપિતા પ્રત્યે આટલી લાગણી જોઈને નીરજને પંક્તિ માટે ખૂબ માન થયું.નીરજ હવે રોજ સવારે વિઠ્ઠલભાઈના ઘરે જતો ને પંક્તિ સાથે વાત કરવાના બહાના શોધવા લાગ્યો.આખરે પંદર દિવસ પછી નીરજે તેના માતાપિતાને કહ્યું કે તેને પંક્તિ ગમે છે. આ સાંભળીને સુમનબેન ખૂબ ખુશ થયા.સાંજે બન્ને જણે વિઠ્ઠલ ભાઈના ઘરે જઈને પંક્તિનો હાથ માંગ્યો.વિઠ્ઠલભાઇ પણ આ સાંભળી રાજીના રેડ થઇ ગયા.પંક્તિ રસોડામાં ઉભી ઉભી શરમાઇ રહી હતી ત્યાંજ નીરજ આવ્યો ને પંક્તિને કહ્યું મારી પંક્તિ બનીશ ને ??પંક્તિએ પોતાની આંખો નીચે ઢાળી દીઘી ને નીરજને પોતાનો જવાબ મળી ગયો.નીરજને એક મોટી કંપનીમાંથી જોબનો ઑફરલેટર આવી ગયો હતો.એ હવે માત્ર પંદર દિવસનો જ મહેમાન હતો.સુમનબેને નક્કી કર્યુ કે આ અઠવાડિયામાં બન્નેના લગ્ન થઇ જાય ને બન્ને સાથે મુંબઈ જાય.વિઠ્ઠલભાઇએ એમના નિર્ણયને માન આપ્યું ને બન્નેના લગ્ન એક જ અઠવાડિયામાં પત્યાં.એક અઠવાડિયું પંક્તિ પોતાના સાસુ સસરા સાથે રહીને પોતાના નીરજ સાથે મુંબઈ ગઇ.મુંબઈની દુનિયા જોઈને પંક્તિ ખૂબ નવાઈ પામી.રોજ સવારે તે નીરજ માટે ચા નાસ્તો ને ટિફિન બનાવતી.બન્ને સાથે નાસ્તો કરીને નીરજ ઓફિસ જતો. પંક્તિ આખો દિવસ ઘરનું કામ કરતી,પુસ્તકો વાંચતી ને થોડું ટીવી જોતી.વચ્ચે વચ્ચે નિરજના ત્રણ ચાર ફોન આવતા. રાતે નીરજ આવે એટલે બન્ને જણ જમીને આંટો મારવા જતા.બન્નેને એકબીજા માટે ખૂબ જ માન અને પ્રેમ હતો. બન્ને બે ત્રણ મહિને એકાદ વાર ગામ પણ જતા.આમ એક વર્ષ પૂરું થયું.નીરજે પોતાની એનિવર્સરી ખૂબ ધામધૂમથી ઉજવી.પંક્તિને આવો કોઈ શોખ નતો પણ નિરજની ખુશીને તેણે માન આપ્યું. બન્ને નો સંસાર ખૂબ સારી રીતે ચાલતો હતો.થોડા સમય બાદ નિરજનુ પ્રમોશન થયું.વિશાખા તેની આસિસ્ટન્ટ તરીકે જોડાઈ.નીરજ અને વિશાખા વચ્ચે મિત્રતા થઇ ને ધીરેધીરે એ પ્રેમમાં પરિણામી.હવે પંક્તિ આખો દિવસ નીરજના ફોનની રાહ જોતી પણ એનો ફોન આવતો નહીં ને જયારે એ ફોન કરતી ત્યારે એ બીઝી છું એમ કહીને મુકી દેતો.રાતે પંક્તિ તેની રાહ જોઇ ડાઇનિંગ ટેબલ પર ભૂખી જ સુઇ જતી ને એ આવીને ભૂખ નથી એમ કહીને રૂમમાં ચાલ્યો જતો.પંક્તિને ખૂબ દુઃખ થતું.હવે નીરજ રવિવારે પણ ઓફિસ જઉં છું એમ કહીને નીકળી જતો.અને મોડી રાતે આવતો.એક દિવસ સવારે જયારે પંક્તિએ નીરજના શર્ટ પર લિપસ્ટિક ના નિશાન જોયા ત્યારે તેણે નીરજને પૂછ્યું કે આ શું છે?નીરજે કહ્યું જો પંક્તિ મને વિશાખા બહુ ગમે છે.એ પણ મને પ્રેમ કરે છે.અમને બન્નેને એકબીજાનો સાથ ગમે છે.તો મારુ શું ?પંક્તિએ રડમસ અવાજે પૂછ્યું.તેણે કહ્યું તું અહીંયા જ રહીશ.એમ કહીને એ જતો રહ્યો.પંક્તિએ સામાન પેક કર્યો ને ગામ જવા નીકળી ગઇ.”તમને જો કોઈ માટે પ્રેમ જ ન હોય તો હું આ ઘરમાં રહીને શું કરું ?હું જઇ રહી છું મારા ઘરે.”ઘર છોડતી વખતે એક કાગળમાં આટલું લખતી ગઇ.બસમાંથી ઉતરી એ સીધી સુમનબેનના ઘરે ગઇ ને તેમને બધી હકિકત જણાવીને કહ્યું કે હવે તે નીરજ સાથે નહીં રહી શકે.સાંભળી સુમનબેન ખૂબ દુઃખી થયા.બીજે જ દિવસે નીરજ આવ્યો.પંક્તિને મળવા તેના ઘરે ગયો પણ વિઠ્ઠલ ભાઈના આગ્રહ છતાં પંક્તિએ દરવાજો ખોલ્યો જ નહીં.તે પોતાના ઘરે આવ્યો કનુભાઈ ને સુમનબેન તેને ખૂબ બોલ્યા.કનુભાઇએ કહ્યું કે પંક્તિને હું તારી સાથે નહીં રહેવા દઉં.તારાથી સારો ચારિત્રવાન છોકરો હું એના માટે શોધીને એનું કન્યાદાન કરીશ.આ સાંભળી નીરજ ત્યાંથી નીકળી ગયો.કનુભાઈ પંક્તિ માટે છોકરો શોધવા લાગ્યા.એમને બહુ મહેનત ન કરવી પડી.એક સાંજે પલાશ કનુભાઈનું ઘર શોધતો આવ્યો. પલાશ ગામની શાળાનો આચાર્ય હતો.એને પંક્તિ ખુબજ ગમતી હતી પણ એ કહેવા જાય એ પહેલા જ પંક્તિ નીરજની બની ગઇ હતી.પણ તે હજી પંક્તિને ચાહતો હતો ને તેનો જીવનસાથી બનવા તૈયાર હતો.બીજે દિવસે કનુભાઇએ વિઠ્ઠલ ભાઇ ને પંક્તિને પોતાના ઘરે બોલાવી પલાશની વાત કરી.પંક્તિ પહેલા તો બિલકુલ રાજી નતી પણ ત્રણેય જણની સમજાવટથી તે માની ગઇ.પલાશ અને પંક્તિની બે ત્રણ મુલાકાત થઇ.પંક્તિએ પણ પલાશને બધી હકીકત જણાવી.પલાશ તો પણ તેને ખુશીથી સ્વીકારવા તૈયાર હતો.આખરે લગ્નનો દિવસ નક્કી થયો પલાશની શાળામાંજ ધામધૂમથી લગ્ન યોજાયાને કનુભાઈ અને સુમનબેને પંક્તિનું કન્યાદાન કર્યુ ને પોતાનું ઘર પંક્તિને નામે કર્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *