ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબાર યોજાવાનો છે, જેને લઈ અવનવા નિવેદનો સામે આવી રહ્યાં છે. તેમજ વર્તમાનમાં આ મુદ્દો ખૂબ જ રસપ્રદ તેમજ ચર્ચિત બન્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબારને લઈ ક્યાંક વિરોધના સૂર ઉઠ્યા છે, તો ક્યાંક સમર્થનના પોસ્ટર લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે વિવિધ સંતો મહંતોના નિવેદનો સામે આવી રહ્યાં છે. બાબાના વિરોધ પર સંતોના નિવેદનો સામે આવ્યા છે.
હરીજીવન સ્વામીનું નિવેદન.
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારને લઈને હાલ ગુજરાતમાં વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુળ તિર્થ ધામ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન શાસ્ત્રી હરીજીવન સ્વામીએ બાગેશ્વર બાબાનું સમર્થન કરતાં કહ્યું કે, તેમનામાં કોઇક દિવ્ય શક્તિ છે. હિન્દુ સમાજે તેમને સમર્થન આપવું જોઇએ ન કે વિવાદ કરવો જોઇએ. બાબા બાગેશ્વરને ગઢડા મંદિર અને સ્વામીનારાયણ સંપ્રદાયના વતી ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે પધારવાનુ નિમંત્રણ પાઠવ્યું છે વધુમાં તેમને કહ્યું હતું કે, બાબા બાગેશ્વર ધીરેન શાસ્ત્રી સનાતન ધર્મનો પ્રચાર કરે છે.
બાબા બાગેશ્વરને રાજકોટમાંથી મળ્યો પડકાર.
બુધવારે રાજકોટના સહકારી અગ્રણીએ બાબા બાગેશ્વરને ચેલેન્જ આપી હતી. ફેસબુક પર પોસ્ટ મુકીને પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર્યા હતા. તેમજ પુરુષોત્તમ પીપળીયાએ ફેસબુક પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે, જો તેઓ જણાવશે તો હું 5 લાખનું ઈનામ આપીશ’ સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાની ફેસબુક પોસ્ટ રાજકોટમાં ભારે ચર્ચામાં છે.
આમંત્રણ આવશે તો જરૂર જઈશું- ઋષિ ભારતી બાપુ.
ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના યોજાનાર દિવ્ય દરબારને લઈ ઋષિ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે સત્ય હોય તો પ્રમાણ જરૂર મળશે હું વ્યક્તિગત ધીરેન્દ્ર શાસ્ત્રીને નથી ઓળખતો તેમજ સનાતન ધર્મને લઈ હું તેમને આવકારું છું. ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, અન્ય ધર્મના નામે પણ ધતિંગ થતા હોય છે તેમનો વિરોધ કેમ નથી થતો? અમને આમંત્રણ આવશે તો જરૂર જઈશું તેમ પણ ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું.
રાજકોટ બાદ અમદાવાદમાં પડકાર.
રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંકાયો છે. અમદાવાદના ડૉ.વસંત પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચેલેન્જ આપી છે. ડૉ.વસંત પટેલે જણાવ્યું હતું કે, તેમનામાં કોઈ શક્તિ કામ કરતી હોય તો કેન્સર અને કિડની હોસ્પિટલમાં દર્દીઓના દુઃખ દૂર કરે.