ગઈકાલે મારી સાથે સાવ જ નજીવી કહી શકાય એવી ઘટના બની પણ જેમજેમ આગળ વાંચતા જશો એમએમ ખ્યાલ આવશે કે હું આ ઘટનાને કાગળ પર ઉતાર્યા વગર કેમ ન રહી શકી. એક એવી ઘટના જે કદાચ દરેક ગૃહિણી સાથે અવારનવાર બનતી જ રહેતી હોય છે ખાસ કરીને ત્યારે, જયારે એ રસોડામાં રસોઈ બનાવાવમાં પરોવાયેલી હોય. આ એક સાવ જ સહજ કહી શકાય એવી ઘટનાએ મારી આંખોનાં ખૂણા ભીનાં કરી દીધા.
આપણા ગુજરાતીઓનાં ઘરમાં ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું હોય જેમાં આપણે થેપલાં ન બનાવતાં હોઈએ. એમાંય અમારે અહીંયા વિકેન્ડમાં પૂરતો સમય હોય એટલે આવું જ કઈંક ભાવતું બનાવવાનું મન થાય જ વળી. એટલે મેં આજે સાંજ પડે થેપલાં બનાવવાની તૈયારીઓ શરૂ કરી. મોટાં ભાગની ગૃહિણીઓ થેપલાં સરસ મજાનાં પોચાં થાય એટલે એનો લોટ દહીંથી બાંધે. મારાં ઘરમાં મોટાં ભાગે ખાંડની જગ્યાએ દેશી ગોળનો વપરાશ એટલે ગોળને હંમેશા દહીંમાં ઓગાળી હું એ જ મિશ્રણથી લોટ બાંધુ.
મૂળ વાત હવે બની કે હું લસણની કળીઓ ફોલી એને લોટમાં સાથે ભેળવવા માટે છીણી વડે એને છીણતી જતી હતી. એકાદ-બે કળી સુધી તો વાંધો ન આવ્યો પણ સવારે કે ખબર નહિ ક્યારે અને કેવી રીતે પણ મારી પહેલી આંગળીમાં જરાક નાનો અમથો ચીરો પડ્યો હશે. મને તો આ યાદ જ નહિ કે કેવી રીતે થયું અને ક્યારે થયું. કદાચ કઈંક કામ કરતાં કે સફાઈ કરતાં કઈંક વાગી ગયું હશે પણ જેવી બીજી-ત્રીજી કળી છીણતી ગઈ કે એકદમ જ મોઢામાંથી સહેજ ઉંહકારો નીકળી ગયો.
આ વાત પર હમણાં પાછી આવું પણ એ પહેલાં થોડીક પૂર્વભૂમિકા બાંધવાનું મન એટલાં માટે થાય છે કે કદાચ દરેક છોકરીઓની કે ગૃહિણીઓની આ ઘરઘરની કહાની હશે. હું નાની હતી ત્યારથી મને રસોડામાં રશ્મિબહેનની આગળ-પાછળ ફરવું ગમે. એમને કોઈક ને કોઈક રીતે મદદ કરવી ગમે. મને યાદ છે કે હજી તો હું પાંચમા ધોરણમાં માંડ ભણતી હોઈશ પણ મને રોટલી કરાવવાનો ખૂબ શોખ. રશ્મિબહેન રોટલી વણે અને હું ફુલાવી આપતી. એમાં વળી હુંય ફૂલીને ફાળકો થતી કે જોયું મારી રોટલી કેવી ફૂલે છે જો કે એ મોડાંમોડાં સમજાયેલું કે એ રશ્મિબહેનની વણવાની આવડતનો કમાલ હતો.
અમારાં ઘરમાં એમ પણ કયારેય ખોટાં લાડ લડાવવાનો તો શિરસ્તો જ નહિ. અમારાં ઘરમાં છોકરો હોય કે છોકરી કામેકાજે પછી એ રસોઈ હોય કે ઘરનાં અન્ય કોઈ પણ નાનાં મોટાં કામો માટે પણ બહુ જ પદ્ધતિસરની તાલીમ આપી અમારો ઉછેર કરવામાં આવેલો. એટલે આમ ભલે રસોડામાં મદદ કરવા માટે મારી ઉંમર કદાચ નાની લાગે પણ મારી હોંશ જોઈ રશ્મિબહેન મને કરવા દેતાં કે એ બહાને ભલે આવડતું. શીખેલું ક્યારેય નકામું તો નથી જ જતું એવું એ દ્રઢપણે માનતાં અને અમને પણ શીખવેલું.
અમારી વખતે એક કહેવત ખૂબ પ્રચલિત હતી કે પડતાં સાઈકલ આવડે અને દાઝતાં રસોઈ આવડે. એટલે અમારી વખતે રસોડામાં હોઈએ ત્યારે આંગળીયે આવા નાનાં મોટાં ચીરાં પડવા કે સહેજ છોલાવું કે વરાળથી જરાં અમથું દાઝવું એને સામાન્ય ગણતાં. એ વાતને બહુ મોટું સ્વરૂપ આપી કારણ વગર બહુ છાવરતાં નહિ કે આવું તો થયાં કરે, ચાલ્યાં કરે એમ પકડીને બેસી ન રહેવાય. આ વાત કદાચ અમારી પેઢી બહુ સારી રીતે સમજશે કેમ કે અમે આજની પેઢીની જેમ નખરાં સાથે મોટાં નથી થયાં.
આજકાલની છોકરીઓને કામ કરતાં જુવો અને સહેજ કઈંક થાય એટલે તરત પરીનાં પપ્પા એની મમ્મી ઉપર ઉકળી ઉઠે કે, અરેરે ! મારી ફૂલ જેવી કોમળ દીકરી પાસે તું કામ કરાવે છે. જો એને કેટલું બધું વાગી ગયું. લગ્ન પછી તો કામ કરવાનું જ છે ને અત્યારે તો એને મજા કરવા દે વગેરે વગેરે…અહીંયા કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ પણ આવી કંઈ કેટલીય ઘટનાઓ મેં નજર સામે જોયેલી છે.
મમ્મીને એક જ ચિંતા હોય કે એની દીકરી બધી જ રીતે તૈયાર થઈને સાસરે જાય જેથી એનું લગ્નજીવન સરળતાથી ચાલ્યાં કરે એમાં કંઈ મા નો પ્રેમ પિતા કરતાં ઓછો નથી થઈ જતો. બસ ફરક માત્ર એટલો જ કે અમારી પેઢીમાં પપ્પાઓનાં આવા વલણ ભાગ્યે જ જોવા મળતાં. પપ્પાઓ મોટાં ભાગે રસોડામાં કે ઘરના કામકાજ કરવા બાબતે દખલગીરી કરતાં નહિ. એટલે અમારી પેઢી મા નાં હાથ નીચે એની કડક ટ્રેનિંગ સાથે પણ સરસ રીતે તૈયાર થઈ.
હવે મૂળ વાત પર પાછી આવું જયારે લસણ છીણતી વખતે ઉંહકારો નીકળી ગયો. એ વખતે ઘરમાં મારી દીકરી શાન્વી અને એના પપ્પા બંને ઉપરનાં રૂમમાં બેસી પોતપોતાનું કામ કરતાં હતાં. ખબર નહિ કેમ પણ ઘરમાં એ વખતે એકદમ શાંતિ હતી એટલે મારો જરાં સરખો ઉંહકારો છેક ઉપર બંને સુધી પહોંચ્યો. બંને જણા અધીરા થઈ એકદમ ઉતાવળે નીચે આવવા દોડ્યા. અને નીચે આવે એ પહેલાં તો બંને જણાએ શું થયું, શું થયું કરી મૂક્યું.
એમાંય મારી દીકરી શાન્વી તો મને સહેજ કઈંક થાય એટલે અધીરી જ બને અને એણે તરત જ એના પપ્પાને કહ્યું કે મમ્મીને કઈંક થયું. એટલે બંને બધું જ પડતું મૂકી નીચે દોડી આવ્યા. મને સહેજ નવાઈ લાગી કે મેં કોઈ એવી મોટી બૂમ તો પાડી નહોતી. આંગળી પર સાવ સામાન્ય એક ચીરો હતો અને જરાં અમથી લાય બળી એટલે સહેજ અમથો ઉંહકારો નીકળેલો. મેં આ વાત કરી એટલે એના પપ્પા એકદમ અકળાયા કે આવું હતું તો મને કહેવું જોઈએ ને હું કરી આપત ને.
હવે મારાં માટે તો આ કોઈ એવડી મોટી વાત જ નહોતી એટલે મને તો એવો વિચાર જ ન આવે. એમણે તરત જ મારાં હાથમાંથી લઈને બાકીની લસણની કળીઓ છીણી આપી અને મેં કહેલું કે હું લોટ બાંધી પછી શાંતિથી બેન્ડેડ લગાડી દઈશ પણ એટલામાં તો શાન્વી પાછી ઉપર દોડી ગઈ અને બેન્ડેડ લઈને નીચે આવી મારી સામે મૂકી દીધી. કહેવા માટે આ બધું સાવ જ સરળ ને સહજ હતું પણ આટલી નાની અમથી વાતમાં લેવાયેલી કાળજીએ મારી આંખોનાં ખૂણા ચોક્કસ ભીનાં કરી દીધા અને મને વિચારતી કરી મૂકી.
જે ઘરમાં ગૃહિણી કે માતાની આટલી નાની અમથી પણ કાળજી રાખવામાં આવતી હોય એ પરિવારનાં મૂલ્યો સાચે જ મને સાર્થક લાગે છે. આજે હું દરેકને કહું છું કે ભરઉનાળે ૪૦-૪૫ ડિગ્રીમાં રસોડામાં તો એથીય વધારે તાપમાનમાં રસોઈ કરતી તમારી માતા, બહેન, દીકરી કે પત્નીની કદર કરજો, એની કાળજી રાખજો. એ તમને ગરમગરમ જમાડી શકે માટે તે પોતે હંમેશા શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું એ તો બારેમાસ ઠંડુ જ જમે છે અને એ પણ મોટાં ભાગે સહુથી છેલ્લે. ઘણી વાર એના શાક ન ભાવવાનાં કારણ છેલ્લે ખૂટી ગયેલું શાક હોય છે જેને એ અથાણાંથી પૂરું કરે છે.
પરિવારનાં સભ્યો તરફથી લેવાયેલી નાની અમથી કાળજી પણ એના ઓલવાઈ જતાં તેજમાં જાણે સૂરજનાં પ્રકાશનું કામ કરશે. એનામાં નવી ઉર્જાનો સંચાર થશે. પરિવારનાં તમામ સભ્યોની કાળજી એ બમણી હોંશથી લેવા માટે પ્રેરાશે. બસ ઘરમાં એને સમજી શકાય એટલું અનુકૂળ વાતાવરણ રાખજો અને એ હૂંફ આપજો. દીકરી, બહેન, માતા, પત્ની..આવા જાતજાતનાં લેબલ છતાંય ચારેય ખૂણે લડતી આ સ્ત્રી છેવટે તો હાડમાંસથી બનેલી એક માણસ જ છે.
એને પણ પીડા થાય જ છે, એની પણ પસંદ કે નાપસંદ છે, ગમા-અણગમા છે. ક્યારેક એનું પણ ભાવતું ઘરમાં બની જ શકે ને ? જયારે-જયારે શક્ય હોય ત્યારે બાળકો, પતિ કે ઘરનાં અન્ય સભ્યો એને રસોઈમાં આરામ આપી જ શકે ને કે મદદરૂપ તો થઈ જ શકે ને ? ક્યારેક બહાર હોટેલમાં જમવા ગયા હોઈએ તો મેનુ કાર્ડ કાં તો બાળકોનાં હાથમાં હોય કાં તો પતિનાં. ક્યારેક એના હાથમાં હોટેલનું મેનુ કાર્ડ પકડાવી એને પણ કહી જુવો કે ચાલ આજે તને જે પસંદ હોય એ જ અમે બધા પણ ખાઈશું. આજે તારો મનગમતો ઓર્ડર આપીએ.
@followers: પરિવારનાં સભ્યો દ્વારા લેવાયેલી આવી નાની અમથી કાળજી પણ એના હૃદયમાં એનું પોતાનું જ સ્થાન મજબૂત કરતું હોય છે. આશા રાખું કે તમે પણ તમારા ઘરની ગૃહિણીની કાળજી રાખતાં જ હશો અને ન રાખતા હો તો હવેથી રાખવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. એની ખુશી બમણી થઈ તમારી જ પાસે વહેંચાતી ન આવે તો મને કહેજો..!!
– વૈભવી જોશી