શું છે જાદુઈ ટ્રીટમેન્ટ? જેના વિરુદ્ધ આસામ સરકારે કાયદો બનાવતા આખો સમુદાય નારાજ થયો. આસામ સરકાર દ્વારા જાદુઈ ઉપચારને રોકવા માટે હીલિંગ પ્રેક્ટિસ બિલ પસાર કરવામાં આવ્યું.

દિસપૂર(આસામ), 4 માર્ચ: પૂર્વોત્તર રાજ્ય આસામમાં એક પછી એક ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા ત્યાંની કેબિનેટે સ્વદેશી મુસ્લિમ વસ્તીના સામાજિક-આર્થિક સર્વેને મંજૂરી આપી હતી. આનાથી આસામના વતની એવા મુસ્લિમોને વધુ સુવિધાઓ મળશે, જ્યારે બંગાળી ભાષી સમુદાય અલગ થઈ જશે. જેને લઈને વિરોધ અટકે તે પહેલાં જ હિમંતા સરકારે બીજું બિલ પસાર કર્યું છે. આસામ સરકારે તાજેતરમાં એક બિલને મંજૂરી આપી છે જે જાદુઈ ઉપચાર(Magical Treatment/Healing) પર પ્રતિબંધ મૂકે છે.
આસામ હીલિંગ પ્રેક્ટિસ બિલ 2024ના નામે પસાર થયેલું આ બિલ જાદુઈ સારવાર કરવા અથવા કરાવવું ગેરકાયદેસર બનાવશે. રાજ્યના આ નિર્ણય બાદ એક ચોક્કસ સમુદાય નારાજ છે. આસામ હીલિંગ (પ્રિવેન્શન ઓફ એવિલ) પ્રેક્ટિસ બિલ “મેલીવિદ્યા અને વળગાડ મુક્તિ દ્વારા સારવાર” પર પ્રતિબંધ મૂકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આને કારણે કોઈ સમુદાયને એવું કેમ લાગી રહ્યું છે કે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ધર્માંતરણ વિરુધ્ધ ઝુંબેશ
રાજ્યમાં ધર્મ પરિવર્તનની ફરિયાદોની સાથે તેનો વિરોધ કરી રહેલા જૂથોમાં પણ વધારો થયો છે. ગયા મહિને, એક હિન્દુ જૂથ એવા કુટુંબ સુરક્ષા પરિષદે સ્થાનિક મિશનરી શાળાઓને તેમના કેમ્પસમાંથી ખ્રિસ્તી પ્રતીકો દૂર કરવા જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ અન્ય જૂથે ઘણા શહેરોમાં એવી ઝુંબેશ ચલાવી હતી, જેમાં શાળાઓમાંથી ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. સંસ્થાઓનું કહેવું છે કે, શાળાઓનો ઉપયોગ ધાર્મિક હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે. આ અરાજકતા વચ્ચે, 26 ફેબ્રુઆરી એટલે કે સોમવારે આસામની વિધાનસભામાં એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. કથિત રીતે આ બિલ ખ્રિસ્તી સમુદાય પર નિશાન સાધી રહ્યું છે.
આસામ સરકારનું આ બિલ શું કહે છે?
હીલિંગ પ્રેક્ટિસ બિલ જણાવે છે કે, તે નિર્દોષ લોકોનું શોષણ કરવા માટે રચાયેલા બિન-વૈજ્ઞાનિક ઉપચાર પદ્ધતિઓને ગુનાહિત બનાવે છે. આ બિલ વિજ્ઞાન આધારિત સારવારને પ્રોત્સાહન આપવાની વાત કરે છે જેથી લોકો તેમના સ્વાસ્થ્ય અને પૈસા સાથે રમત ન કરે. જેમાં એવી જાહેરાતો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેમાં ધાર્મિક પદ્ધતિઓ દ્વારા સારવારની વાત કરવામાં આવી હોય. આવી કોઈપણ જાહેરાત જે વળગાડ મુક્તિ અથવા પૂજા દ્વારા રોગના ઉપચારની વાત કરે છે તે હવે આસામમાં ગેરકાયદેસર છે.
કેવા પ્રકારની સજા કરવામાં આવશે?
જાદુઈ ઉપચાર હવે રાજ્યમાં બિનજામીનપાત્ર ગુનો બનશે.
જો પ્રથમ વખત ગુનો સાબિત થાય છે, તો ગુનેગારને 1થી 3 વર્ષની જેલ અને 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
જો બીજી વખત ગુનો સાબિત થશે તો ગુનેગારને 5 વર્ષની જેલ અને બમણો દંડ ભોગવવો પડશે.
પોલીસ અધિકારીઓ આવી પ્રથાઓ પર નજર રાખશે અને દરમિયાનગીરી કરી શકશે.
ધર્માતરણ માટે ઇવેન્જેલિઝમની પ્રક્રિયા
બિલ પર ચર્ચા દરમિયાન ધર્મપ્રચાર પર પ્રતિબંધ મૂકવાની વાત પણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઇવેન્જેલિઝમ(Evangelism) એક શબ્દ છે, જેનો અર્થ છે લોકોને અથવા સમગ્ર સમુદાયને ખ્રિસ્તી બનવા માટે પ્રેરિત કરવું. આ શબ્દનો ઉપયોગ મિશનરીઓ માટે થતો રહ્યો, જેઓ લોકોને તેમના ધર્મ વિશે જણાવવા અને તેને અપનાવવા માટે પ્રેરિત કરવા દૂર-દૂર સુધી પ્રવાસ કરતા હતા.
ખ્રિસ્તી સમુદાય આના પર શું વાંધો ઉઠાવી રહ્યો છે?
વિધેયક પર કેબિનેટની મંજૂરી લેતી વખતે, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, “બિલ બનાવવાનો એક ઉદ્દેશ્ય ધાર્મિક પ્રચારને રોકવાનો છે.” તેમણે દાવો કર્યો હતો કે, “આદિવાસીઓને ધર્માંતરણ કરવા માટે જાદુઈ ઉપચારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી પણ વિરોધ શરૂ થયો.
ફેથ હીલિંગનો હવાલો આપવામાં આવ્યો

ખ્રિસ્તી ધર્મમાં સમૂહ પ્રાર્થના
આસામ ક્રિશ્ચિયન ફોરમ નામની સંસ્થાએ કહ્યું કે, ખ્રિસ્તીઓમાં જાદુઈ ઉપચાર જેવો કોઈ શબ્દ નથી. અન્ય ધર્મોની જેમ અહીં પણ પ્રાર્થના દ્વારા ઉપચાર કરવામાં આવે છે. જો કોઈ બીમાર વ્યક્તિ અમારી પાસે આવે છે, તો તેના માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવે છે. આ જાદુ નથી, પરંતુ તે સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. માત્ર ખ્રિસ્તીઓ જ નહીં, ઘણા ધર્મો પ્રાર્થના દ્વારા ઉપચાર વિશે વાત કરે છે. આને ફેથ હીલિંગ પણ કહેવાય છે. આમાં, કોઈપણ રોગને દૂર કરવા માટે વ્યક્તિગત રીતે અથવા સમૂહમાં પ્રાર્થના કરવામાં આવે છે.
હીલિંગ મીટિંગ્સ પણ શંકા હેઠળ
ઘણી વખત, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયમાં તેના દ્વારા ગંભીર રોગોના ઉપચારના દાવા પણ કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, તેમની સભાઓ સમયાંતરે યોજાઇ છે, જેમાં શારીરિક વિકલાંગતાથી લઈને કેન્સર સુધીના તમામ ઉપચારના દાવા કરવામાં આવે છે. ધાર્મિક નેતા પણ અસરગ્રસ્ત વિસ્તાર પર હાથ મૂકીને અથવા થોડું તેલ અથવા પાણી છાંટીને રોગને દૂર કરવાનો પ્રયાસ કરે છે. જેઓ ફેથ હીલિંગનો અભ્યાસ કરે છે તેઓ માને છે કે, ભગવાન પોતે આમાં તેમને મદદ કરે છે.
ફેથ હીલિંગને મેલીવિદ્યા સાથે જોડવું એ ખ્રિસ્તી ધર્મનું અપમાન: ટી.આર.ઝેલિયાંગ
જાદુઈ હીલિંગ પ્રિવેન્શન બિલનો માત્ર આસામમાં જ નહીં પરંતુ નાગાલેન્ડમાં પણ વિરોધ થઈ રહ્યો છે. નાગાલેંડના નાયબ મુખ્ય પ્રધાન ટી.આર.ઝેલિયાંગે કહ્યું કે, “ફેથ હીલિંગ એ એક પદ્ધતિ છે જેમાં રોગથી પીડિત વ્યક્તિને થોડી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેને મેલીવિદ્યા સાથે જોડવું એ ખ્રિસ્તી ધર્મનું અપમાન છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *