મસ્ત મજાનો શિયાળો હવે અંતિમ તબક્કામાં છે. દેશમાં ચૂંટણીઓ માથે ગાજી રહી છે. અમુક રાજ્યોમાં હિંસા અને રમખાણોનો માહોલ છે તો અમુક પ્રદેશોમાં રાજકીય ઉથલપાથલો ચાલી રહી છે. આવી ગરમાંગરમી વચ્ચે મનને ખુશ કરી દે એવી ઘટના એટલે પ્રોજેકટ વનતારા!
પ્રોજેકટ વનતારા, અનંત અંબાણીનો નોનપ્રોફેશનલ ડ્રિમ પ્રોજેકટ છે, જ્યાં સંકટગ્રસ્ત વિવિધ વન્ય પ્રજાતિઓનું સંરક્ષણ અને પુનર્વસન કરવામાં આવશે.
દેશના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લવ સ્ટોરી કોઈ પરીકથાથી ઓછી રોમાંચક નથી. બાળપણના આ બેઉ મિત્રો ટૂંક સમયમાં જીવનસાથી બનવાના છે. આ લગ્ન જુલાઈ મહિનામાં યોજાશે અને તેનું ત્રણ દિવસનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન 1 માર્ચથી જામનગરમાં શરૂ થશે.
પ્રી વેડિંગની તૈયારીઓ સાથે સાથે અનંત અંબાણીએ એક મીડિયા હાઉસ સાથે વાતો પોતાના પરિવાર વિશે, પ્રાણીઓના સંરક્ષણ/ પુનર્વસન કેન્દ્ર ‘વનતારા’ના વિઝન અને રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નની, ઘણી રસપ્રદ વાતો કરી છે. જેમાં, આપણે પ્રોજેકટ વનતારા વિશે જાણીએ.
એમ કહી શકાય કે અનંત અંબાણીના લગ્ન પહેલા, તેનું નવું જ રુપ લોકોને જોવા મળ્યું છે. પ્રિ વેડિંગ સેલિબ્રેશન વચ્ચે અનંત અંબાણીએ પ્રાણીઓના પુનર્વસનને સમર્પિત પ્રોજેક્ટ ‘વનતારા’ લોન્ચ કર્યો છે. રિલાયન્સના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટમાં વનતારા માટે 3,000 એકર જગ્યા આપવામાં આવી છે. આ વિસ્તારને લીલાછમ જંગલ જેવો વિકસાવવામાં આવ્યો છે. વનતારા એ પ્રાણીઓને સમર્પિત દેશમાં આ પ્રકારનો પ્રથમ અને વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ છે.
આ પ્રોજેકટની પ્રેરણા વિશે વાત કરતાં અનંત કહે છે કે, હું નાનો હતો ત્યારથી ઘરમાં ઘણા કૂતરા હતા. મારા દાદા-દાદી અને માતા નીતા અંબાણી નાનપણથી જ મને પ્રાણીઓની સેવા કરવાનું શીખવ્યું છે. મુખ્યત્વે મારી માતા નીતા અંબાણી પાસેથી મને આ પ્રેરણા મળી છે. મારા જન્મદિવસ પર માતાએ મને બે એમ્બ્યુલન્સ ભેટમાં આપી હતી. વનતારા વાઇલ્ડલાઇફ રિહેબિલિટેશન સેન્ટર મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને હૃદયની ખૂબ નજીક છે. વનતારા, નાનપણથી આ મારું સપનું હતું પરંતુ અને હવે મારા જીવનનું મિશન બની ગયું છે. કોવિડ સમયગાળા દરમિયાન કે જ્યારે કોરોના ચરમસીમા પર હતો એ સમયે જંગલી પ્રાણીઓ માટે આ બચાવ કેન્દ્ર શરૂ કર્યું હતું આ સંદર્ભે એ સમયે 600 એકરમાં જંગલ બનાવવામાં આવ્યું હતું. જીવ સેવા એ ઈશ્વરની સેવા છે અને માનવતાની પણ માંગ છે. ‘કરુણા’ની ભાવના સદીઓથી આપણી સંસ્કૃતિનો એક અંશ બની રહી છે, આ ભાવના સાથે અમે આધુનિક વિજ્ઞાન, ટેક્નોલોજી અને વ્યાવસાયિક અભિગમને જોડી રહ્યા છીએ. ‘વનતારા’ પ્રાણીઓ માટેનું વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર છે. વન્યજીવોનું સંરક્ષણ મારી લગન છે. મુકપ્રાણીઓની સેવા એ સૌથી મોટી સેવા છે. દેશ-વિદેશના પ્રાણીશાસ્ત્ર અને તેની ચિકિત્સા બાબતોના ઘણા નિષ્ણાતો અમારા મિશનમાં સામેલ છે. અને દેશની સૌથી વધુ સંકટગ્રસ્ત પ્રજાતિઓને બચાવવા પર અમારું ફોકસ રહેશે.
વનતારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારીમાં કામ કરશે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 200 હાથીઓ સહિત હજારો પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેમાં અનેક પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપોનો સમાવેશ થાય છે. ગેંડા, ચિત્તા અને મગર સહિતની ઘણી પ્રજાતિઓનું પણ તેમાં પુનર્વસન કરવામાં આવ્યું છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઉપેક્ષિત પ્રાણીઓને અહીં લાવવામાં આવ્યા છે અને તેમની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.
વનતારામાં પ્રાણીઓ માટે ફાઇવસ્ટાર સુવિધા ઉભી કરવામાં આવી છે. હાથીઓ માટે ખાસ આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. હાથીઓને સ્નાન કરવા માટે વિવિધ સ્થળોએ જળાશયો તેમજ જાકુઝી અને મસાજ જેવી સુવિધાઓ પણ છે. 200 હાથીઓની સંભાળ રાખવા માટે 500 થી વધુ પ્રશિક્ષિત સ્ટાફ અને મહાવત છે. સાથોસાથ એક્સ-રે મશીન, લેસર મશીન, હાઇડ્રોલિક પુલી અને ક્રેન, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર અને હાથીઓની સારવાર માટેની તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ પણ ખોલવામાં આવી છે જે 25 હજાર સ્કવેરફૂટમાં ફેલાયેલી છે. અન્ય પ્રાણીઓ માટે અહીં 650 એકરમાં પુનર્વસન કેન્દ્ર અને 1 લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ બનાવવામાં આવી છે.
આ પ્રોજેકટ વિશે અનંતે વધુમાં જણાવ્યું હતું કે, આ કોઈ મનોરંજનનું સાધન નથી, મારા માટે સેવાલય છે. અત્યારે અહીં માત્ર 20 ટકા કામ થયું છે. વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ અને સેન્ટર અહીં વિકસાવવાનું છે. લોકોને આ સેન્ટર જોવા મળશે કે કેમ એ વિશે તેઓ જણાવે છે કે અગાઉ પણ હું કહી ચુક્યો છું કે આ ન તો વ્યવસાયિક એકમ છે કે ન તો મનોરંજનનું સાધન. હા, અમે ટૂંક સમયમાં બાળકોના શૈક્ષણિક હેતુ માટે યોગ્ય વ્યવસ્થા અંગે વિચારણા કરીશું. પરંતુ પ્રાણી સંગ્રહાલય જેવો કોઈ વિચાર નથી.
‘વનતારા’ ઉપરાંત અનંતે તેના લગ્ન, કુટુંબ જામનગર વગેરે વિશે ઘણી વાતો કરી.
અનંત અંબાણીને કહેવામાં આવ્યું કે ઘણા લોકો માને છે કે તેઓ તેમના દાદા જેવા છે. અંબાણી પરિવારના વારસાના સૌથી નાના વારસદાર અનંત આનાથી ખૂબ જ અભિભૂત થઈને કહ્યું કે મારા માટે આ બહુ કિંમતી કોમ્પ્લીમેન્ટ છે પણ મને નથી લાગતું કે હું હજુ એ ઊંચાઈએ પહોંચ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે તે ફક્ત તેમના દાદાના પગલે ચાલી રહ્યા છે અને તેમના વિશાળ વારસાને સંભાળવા તેમજ દેશની સેવાને જવાબદારી માને છે.
અનંત કહે છે કે અંબાણી સામ્રાજ્યનો હિસ્સો હોવાનું પ્રેશર મેં કયારેય નથી અનુભવ્યું. હું જે પણ કરીશ, મારા હૃદયથી કરીશ અને આખરે ભગવાન જે ઈચ્છશે તે થશે. તમે તમારા સામ્રાજ્યની યોજના કરી શકતા નથી. હું ફક્ત મારા પિતાના વિઝનને અનુસરું છું કારણ કે તે જ મને આગળ વધવામાં મદદ કરશે.‘બિઝનેસ લીડર’ પિતા બાળકો માટે મિત્ર સમાન છે. તે બીલકુલ કડક નથી. કોઈપણ પરંપરાગત ગુજરાતી પરિવારની જેમ, અમે તેમને ખૂબ માન આપીએ છીએ. તેમના સમર્થનને કારણે જ હું આ બધું પ્રાપ્ત કરી શક્યો છું.
ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી સાથે ખૂબ ઘનિષ્ટતા છે. તે બંને મારા કરતા મોટા હોવાથી તેઓની કોલેજલાઈફ મારા કરતાં પહેલા શરુ થઇ તેથી તેને તેના માતા-પિતા સાથે વધુમાં વધુ સમય વિતાવવાની તક મળી. મુકેશ અને અનિલ અંબાણીના અલગાવના સંદર્ભે પૂછતા અનંતે કહ્યું કે તે આવું કંઇક બને તેનાથી ચિંતિત નથી, કારણ કે તેની અને તેના ભાઈ-બહેન વચ્ચે ઘણો પ્રેમ છે. તેણે આગળ કહ્યું, ‘અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી, તે મારા સલાહકાર જેવા છે. હું મારી જાતને તેમનો હનુમાન કહું છું, કારણ કે હું જીવનભર તેમની સલાહને અનુસરવા માંગુ છું. મારા માટે મારો ભાઈ રામ અને મારી બહેન માતા સમાન છે. બંનેએ હંમેશા મારી રક્ષા કરી છે. અમે ફેવીક્વિકથી જોડાયેલા છીએ.
રાજનીતિ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે મને એ ક્ષેત્રમાં કોઈ રસ નથી. મારા દાદા અને પપ્પાએ રિલાયન્સને વર્લ્ડ કલાસ બીઝનેસ હાઉસ તરીકેની ગણના અપાવી છે અને હવે અમે બે ભાઈ બહેનની એ ફરજ છે કે એ દિશામાં વધુ કામ કરીએ.
મુંબઈ છોડીને જામનગર સેલિબ્રેશન કેમ, આ પ્રશ્ન પર અનંત અંબાણી કહે છે કે હું જેટલો મુંબઈનો છું તેટલો જ જામનગરનો છું. મારા દાદા (ધીરુભાઈ અંબાણી)એ જામનગરમાં રિફાઈનરીનું સપનું જોયું હતું. પિતા (મુકેશ અંબાણીએ) દાદાનું સપનું પૂરું કર્યું. આજે જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે.મારી દાદીની ઈચ્છા હતી કે મારા લગ્નની ઉજવણી જામનગરમાં થાય. જ્યારે મેં દાદીને પૂછ્યું કે આ સેલિબ્રેશન કયાં રાખવું જોઈએ? તો તેણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના કહ્યું – જામનગર. જામનગર મારા દાદીમાનું જન્મસ્થળ છે! વળી, રાધિકાને આ સ્થળ તેના કરતા પણ વધુ પસંદ છે. રાધિકા જામનગરમાં સૌથી વધુ ખુશ રહે છે. તેણીને આ જગ્યા મારા કરતાં વધુ ગમે છે.અનંતે રાધિકા વિશે વધુમાં કહ્યું કે તેણીએ મારી હેલ્થ કન્ડિશનમાં ઘણો સાથ આપ્યો છે. મેં વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો છે. મારા મુશ્કેલ સમયમાં રાધિકા હંમેશા સ્તંભની જેમ મારી પડખે ઉભી રહી છે તો માતા-પિતાએ પણ તેને ક્યારેય એવું અનુભવવા નથી દીધું કે તે બીમાર છે.
ત્રણ દિવસના આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ, સ્પોર્ટ્સ પર્સનાલિટી અને બિઝનેસ લીડર્સ ભાગ લેવાના છે. અનંત અને રાધિકાને તેમના નવજીવનની શરૂઆત પર અભિનંદન આપવા ભારત અને વિદેશના મહેમાનો જામનગર પહોંચશે. આ પ્રી-વેડિંગ બેશ અને કપલના લગ્ન 2024ની સૌથી મોટી ઈવેન્ટ બનવા જઈ રહી છે. આ સેલિબ્રેશનમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, મોર્ગન સ્ટેનલીના સીઈઓ ટેડ પિક, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, ડિઝનીના સીઈઓ બોબ ઈગર, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ, બ્લેકરોકના સીઈઓ લેરી ફિંક, એડનોકના સીઈઓ, સુલતાન અહેમદ અલ જાબેર સામેલ થશે એવું ચર્ચાઇ રહ્યું છે.