આવી હાસ્યાસ્પદ જરૂર શા માટે પડતી હશે?! – જીજ્ઞા વ્યાસ.

નાટક ‘વેલકમ જીંદગી’, જે આપણી ગુજરાતી ભાષામાં સતત બાર વર્ષ થી પ્રેક્ષકોનો પ્રેમ પામી રહ્યું છે અને જેને અમે હિન્દી ભાષા થકી હવે આખા હિન્દુસ્તાનમાં ભજવી રહ્યાં છીએ અને અઢળક પ્રેમ મેળવી રહ્યા છીએ. ‘વેલકમ જીંદગી’ જોવા ખૂબ બધાં નામી વ્યક્તિઓ આવી રહ્યા છે એ વાત બધાં જાણે છે. પણ આજે એક ખાસ વાત કરવી છે. એક શો માં મરાઠી નાટ્ય, ટેલિવિઝન અને ફિલ્મ જગતના ખૂબ લોકપ્રિય કલાકાર શ્રી સુબોધ ભાવે ખૂબ પ્રેમ થી આવ્યા અને નાટક વિષે ભાવથી બોલ્યા. આ ખાસ તમારી સાથે એટલા માટે શેર કરુ છું કારણકે જ્યારે પત્રકારોએ એમને નાટક અંગેનો પોતાનો અભિપ્રાય આપવાનો કહ્યો ત્યારે એ એમની માતૃભાષામાં અભિપ્રાય આપવા લાગ્યા ત્યારે પત્રકારોએ એમને અટકાવીને કહ્યું કે નાટક હિન્દી માં છે તો તમારો અભિપ્રાય પણ હિન્દી માંજ આપો. એ વખતે એમણે ખૂબ સુંદર વાત કહી કે “હા નાટક તો હિન્દી માંછે પણ હું આ નાટક વિષે મારા ઓડિયન્સ સાથે વાત કરવા માંગુ છું એટલે હું મારી માતૃભાષામાં જ કરીશ. આ વાત અઇંયા ખાસ એટલે કરી કારણકે અત્યારે આપણે ગુજરાતીઓ આ મામલે ઉંધી દિશા માં હરખપદૂડા છીએ. તમે આજથી ઓબ્ઝર્વ કરવાનુ ચાલુ કરજો અને પછી અઈંયા કમેન્ટ પણ કરજો. રેસ્ટોરન્ટ, કપડાની દુકાનો એટલે કે ‘બુટીક્સ’, વાળ કાપવાની દુકાનો એટલે કે ‘સલોન્સ’, સ્વીગી, ઓલા, ઉબર, એરપોર્ટ, કાર ના શો રૂમ્સ, અન્ય શો રૂમ્સ, મોલ્સ, વગેરે વગેરે વગેરે કેટલીયે જગ્યાઓએ વેચનાર ગુજરાતી, ખરીદનાર ગુજરાતી અને તોય બન્ને જણા વાત કરે હિન્દીમાં…!!અને એ પણ ગંદી એક્સેન્ટ વાળી હિન્દીમાં…

આવી હાસ્યાસ્પદ જરૂર શા માટે પડતી હશે?! કોઈ માણસ ને ગુજરાતી ન સમજાય તો આપણે હિન્દીમાં બોલીએ એ સમજી શકાય પણ આ બધાં અંદર અંદર હિન્દીમાં બોલવાવાળા ગુજરાતીઓ શેની પ્રેક્ટિસ કરતાં હશે?! કદાચ એમને એવું હશે કે આપણે ગુજરાતીને બદલે હિન્દીમાં બોલીએ અથવાતો એમ બતાવીએ કે મને ગુજરાતી નથી આવડતું તો અંગ્રેજી જાતેજ આવડી જશે..?! પણ આવો ચમત્કાર આજ સુધી તો ક્યાંય નોંધાયો નથી… તમને કોઈને આવું કંઈક ધ્યાનમાં હોય તો કે’જો. આ એક અંધશ્રધ્ધા છે. બીજી એક અંધશ્રધ્ધા એ છે કે જેનુ અંગ્રેજી ઓલરેડી સરસ છે, જે લોકો સુંદર રીતે અંગ્રેજી લખી,બોલી,વાંચી શકે છે એમને એવું છે કે ગુજરાતીમાં બોલવાથી આપણે આવડતું અંગ્રેજી ભૂલી જઈશું અથવા ભૂંડા લાગીશું!!!

એટલે એમ માની શકાય કે આ બે પ્રકાર ની અંધશ્રધ્ધાઓ થી પીડાઈને લોકો ગુજરાતી બોલવાનુ ટાળતાં હશે.

હિન્દી, અંગ્રેજી,ફ્રેન્ચ, જર્મન, સ્પેનીશ અને એવી જગતની હજ્જારો ભાષાઓ ખૂબ સુંદર છે, અને વધુ ને વધુ ભાષાઓ જાણવી,બોલવી, વાંચવી બઉ મઝાની વાત છે, અને સાથે એટલીજ મઝાની વાત છે આપણી ભાષા બોલવી. પોતાની ભાષા, આપણી મા જે બોલતી હોય એ ભાષા, આપણે કીટલી પર દોસ્તારો જોડે બોલતા હોય એ ભાષા, દીવાળી,હોળી, ઉત્તરાયણ માં ભાઈ, બે’નો, કાકા,કાકી, મામા-મામી, દાદા-દાદી, નાના-નાની સાથે જે ભાષા માં બોલતા હોય એ આપણી ભાષા. કારણકે આ આપણી ભાષા, માણસની માતૃભાષા, એ ગુજરાતી હોય, અંગ્રેજી હોય, હિન્દી, મરાઠી, બંગાળી…કોઈ પણ હોય, એ આપણને એક બઉ આગવી વસ્તુ આપે છે, જે માતૃભાષા સીવાય બીજી કોઈ ભાષા ન આપી શકે, અને એ છે ‘હૂંફ’. અને આપણે બધાં જાણીએ છીએ કે આપણને જીંદગીમાં સૌથી વધુ જો કોઈ ચીજ માટે વલખતાં હોઈએ તો એ છે ‘હૂંફ’.

ચાલો આજથી બધાં એવો પ્રયત્ન ચાલુ કરીએ, પ્રયત્ન શું ઝુંબેશ જ ચાલુ કરીએ કે બુટીક, સલોન,મોલ,એરપોર્ટ, રેસ્ટોરન્ટ, હોટેલ, ઓલા,ઉબર,બેન્ક વગેરે વગેરે વગેરે જેવી બધીજ જગ્યાઓએ ગુજરાતી જાણનાર સાથે આપણીજ ભાષામાં વાત કરીશું. જેમ મરાઠીઓ, બંગાળીઓ, દક્ષિણ ભારત ના રહેવાસીઓ અને બીજાં અનેક હિન્દુસ્તાનીઓ કરે છે એમ. આનો એક નુસખો એવો પણ અજમાવી શકાય કે આપણી ભાષામાં બોલવાને ‘ઈન થીંગ’ બનાવીએ, ફેશન બનાવીએ તો કદાચ, ‘ ગુજરાતી ને બદલે હિન્દી માં વાત કરીએ તો અંગ્રેજી આવડી જાય’!!!! અથવા ‘આવડતું અંગ્રેજી ભુલાઈ જાય’ અથવા તો ‘આપણે ભૂંડા ન લાગીએ’!!!,’ જેવી અંધશ્રધ્ધાઓનું નિર્મૂલન થાય એટલે આ વાંચનારા માંથી જેટલાં આવી અંધશ્રધ્ધાઓ માં ન માનતા હોય હોય એ આજથીજ આ અંધશ્રધ્ધા નિર્મૂલન કાર્યક્રમમાં લાગી જઈએ.
*આપણા લગ્નો ની ‘પીઠી’ ‘હલ્દી રસમ’ ક્યારે અને કેમ બની ગઈ અને એની પ્રાપ્તિ શું, એ તો વળી સમજણ પાર ની જ વાત છે.
* ‘બેટા તારે પોમેગ્રેનેટ ખાવું છે?’ આવું વાક્ય સંભળાય ત્યારે આપણી ઉપર કોઈ ગ્રેનેડ નાખતું હોય એમ લાગે છે.
*વળી જે ગુજરાતી મિત્રો અંદર અંદર, પોતાના બાળકો સાથે, પરિવારમાં અંદર અંદર હિન્દી માં વાત કરે છે એમનો કેસ તો વળી અંધશ્રધ્ધા પાર કરીને રોગ સુધીજ પહોંચી ગયેલો કે’વાય એટલે એમને તો psychiatric treatment ની તાતી જ જરૂરિયાત છે એમ કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *