‘પ્રેમની જીત’ – નિખિલ કિનારીવાળા, અમદાવાદ

‘સાહિત્ય પરિવાર એક મંચ’ સાહિત્ય ગ્રુપમાં સન્માનિત એક પરિપક્વ પ્રેમની સ્વરચિત લઘુવાર્તા સાનંદ પ્રસ્તુત..
શબ્દ :- ઈચ્છા
પ્રકાર:- લધુવાર્તા
શીર્ષક :- ‘પ્રેમની જીત’

🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾

સંદીપ અને રાધિકાના લગ્નને ત્રણ વર્ષ વિતી ગયા. જ્યારે સંદીપના માતા-પિતાએ તેમની જ જ્ઞાતિની અને તેમના જ ગામની રાધિકા સાથે સંદીપના લગ્ન નક્કી કર્યા, ત્યારે સંદીપે માત્ર અને માત્ર માતા-પિતાની ખુશીને કારણે આ લગ્ન માટે હા કહી હતી. સંદીપ છેલ્લા થોડા વર્ષોથી શહેરમાં રહેલો અને આધુનિક વિચારસરણીવાળો યુવાન અને રાધિકા દેખાવે સામાન્ય અને ગામની રહેણીકરણી ધરાવતી યુવતી કહી શકાય. પરંતુ રાધિકાની સમજદારી અને સંસ્કારીતાને લઈને સંદીપના માતા-પિતાને તે ખૂબ પસંદ હતી. વળી સંદીપે જો શહેરમાં જઈ એન્જિનિયરિંગ અને એમબીએનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો તો રાધિકાએ પણ ગામની નજીક આવેલી કોલેજમાં અભ્યાસ કરી એમ.કોમ અને એકાઉન્ટન્સીની ડીગ્રી મેળવી હતી.

શહેરમાં સારી નોકરી હોવાને કારણે સંદીપ શહેરમાં રહેતો હતો. લગ્ન બાદ રાધિકા પણ સંદીપ સાથે શહેરમાં રહેવા માટે ગઈ. સંદીપના માતા-પિતા ગામમાં પોતાની દુકાન અને વેપાર હોવાથી સંદીપ અને રાધિકાના આગ્રહ છતાં સાથે રહેવા માટે શહેરમાં જવા તૈયાર નહોતા. પરંતુ તેમને રાધિકા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો કે તે સંદીપનું પૂરું ધ્યાન રાખશે અને કાળજી લેશે. સંદીપ માટે રાધિકા તેની પત્ની જરૂર હતી પરંતુ તેની પસંદ નહોતી તેથી તે ક્યારેય રાધિકાને પ્રેમથી કે માનથી જોતો નહીં. રાધિકા પ્રત્યેના તેના વર્તનમાં જાણે અજાણે છૂપો અણગમો વ્યક્ત થઇ જતો. પરંતુ રાધિકા ખૂબ સમજદારી અને ધીરજથી કામ લેતી. રાધિકાના મનમાં એક જ ઈચ્છા હતી કે તે સાચા અર્થમાં સંદીપની પત્ની હોવાનું માન,સન્માન અને પ્રેમ મેળવે. સંદીપના હૃદયમાં તે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે.

સંદીપે પોતાની આવડત અને હોશિયારીને લઈને નોકરી છોડીને પોતાનો સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કર્યો. રાધિકાને પણ સંદીપના બુદ્ધિચાતુર્ય અને આત્મવિશ્વાસ પર પૂરો ભરોસો હતો. સંદીપે બે જ વર્ષમાં પોતાની મહેનતથી બિઝનેસને એક ઊંચાઈ પર પહોંચાડી દીધો. રાધિકા સંદીપની ઓફિસના કામકાજમાં મદદરૂપ થતી અને નાણાકીય હિસાબનું ધ્યાન રાખતી. પરંતુ સંદીપને મન રાધિકાની આ બાબતે પણ હોવી જોઈએ એવી કદર નહોતી. રાધિકાને મન સંદીપ અને પોતાનું ઘર હંમેશા પ્રાથમિકતા ઉપર રહેતા.

એક દિવસ બીજા શહેરની બિઝનેસ ટ્રીપ પરથી પાછા આવતાં હાઈવે ઉપર સંદીપની કારને ગંભીર માર્ગ અકસ્માત નડ્યો. સંદીપ આબાદ બચી ગયો પરંતુ તેના શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર્સ થયા. તાત્કાલિક ઓપરેશન થયા પછી ડોક્ટર્સ દ્વારા સંદીપને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી સંપૂર્ણ આરામ સૂચવવામાં આવ્યો. ત્યાર પછી પણ બીજા એક બે મહિના સુધી ઓફિસ જઈ કામ કરી શકે તેવી કોઈ શક્યતાઓ નહોતી.

રાધિકા એક મજબૂત મનોબળવાળી સ્ત્રી હતી. સંપૂર્ણ સ્વસ્થતા સાથે પરિસ્થિતિ સ્વીકારી તેનો દ્રઢતાપૂર્વક સામનો કરવાનું નક્કી કર્યું. સંદીપની તબીબી કાળજી, સારવાર અને સુશ્રુષા રાધિકાની પ્રાથમિકતા બની ગઈ. ઉપરાંત સંદીપની સાથે ચર્ચા કરીને તેના બિઝનેસ અને ઓફિસનું સંચાલન તેણે પોતાના હસ્તગત કરી લીધું. રાધિકાની હોંશિયારી અને કૌશલ્યને કારણે સંદીપના બિઝનેસમાં ઓફિસમાં સંદીપની ગેરહાજરી ગૌણ બની ગઈ. ઘણી બધી બિઝનેસ મીટીંગો સંદીપ ફોનથી પતાવી લેતો અને રાધિકા સાથે ચર્ચા કરીને તેનો અમલ પણ કરાવી લેતો. રાધિકાનો આત્મવિશ્વાસ અને વિકટ પરિસ્થિતિને સંભાળી લેવાની કુશળતા જોઈને સંદીપને રાધિકા ઉપર ગર્વ થવા લાગ્યો. ઉંડે ઉંડે મનમાં એવો ભાવ પણ ઉત્પન્ન થવા લાગ્યો કે આજ સુધી તે રાધિકાને ઓળખવામાં અને તેને મહત્વ આપવામાં થાપ ખાઈ ગયો છે.

ચાર મહિના પસાર થઈ ગયા. સંદીપ,ઘર અને ઓફિસ એ રાધિકા માટે રોજિંદો ક્રમ બની ગયો હતો. હવે સંદીપ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. આવતીકાલથી તે ઓફિસ જોઈન કરવાનો છે. આજે રાધિકાને પાસે બેસાડી તેનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો ‘રાધિકા, મને માફ કરી દે, હું તને ઓળખી ન શક્યો. આટલા વર્ષો મેં તને અવગણી. તારી સમજદારીભરી આવડત અને ક્ષમતાઓ વિશે મેં ક્યારેય વિચાર્યું જ નહીં. મેં તને જીવનસંગીની તો બનાવી પરંતુ ક્યારેય હું તારી સાથે ચાલ્યો જ નહીં. હવે આગળ ઉપર જીવનના દરેક પથ ઉપર મને તારો સાથ જોઈએ છે. મારા દુઃખમાં તેં હર પળ મારી સાથે રહી નિષ્ઠાથી લગ્નજીવનની ફરજ બજાવી છે. હવે સુખમાં તને ભાગીદાર બનાવવાનો વારો મારો છે. આજથી તું આપણી કંપનીમાં એક ડાયરેક્ટર તરીકે કામ કરીશ. દરેક જાહેર જગ્યાઓએ તું મારી સાથે રહીને મારું માન વધારીશ.’

રાધિકા તો સંદીપનો હાથ પકડી રાખી તેની આંખોમાં આંખો પરોવી તેને જોઈ જ રહી. તેની આંખમાંથી અશ્રુબિંદુઓ ટપકીને સંદીપના હાથ ઉપર પડતા હતાં. તેની ઉષ્મા સંદીપ મહેસુસ કરી રહ્યો હતો. રાધિકા પાસે સંદીપ માટે પ્રેમ વ્યક્ત કરવા શબ્દો નહોતા. તેના મનમાં એક જ લાગણી જન્મી રહી હતી કે આજે તેને દુનિયાનું સઘળું સુખ પ્રાપ્ત થઈ ગયું. ખરા અર્થમાં સંદીપની પત્ની બનવાની તેની ઈચ્છા આજે સાકાર થઈ. સંદીપના પ્રેમ, માન અને સન્માનની સાચી હકદાર આજે તે બની હતી. સંદીપે પ્રેમથી રાધિકાને પોતાની તરફ ખેંચીને તેના કાનમાં કહ્યું, ‘આપણા જીવનમાં એક કિલકિલાટ કરતાં બાળકની જરૂર છે જે આપણું જીવન સંપૂર્ણ બનાવશે. જો તારી ઈચ્છા હોય તો…’ અને રાધિકા શરમાઈ ગઈ.

– નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૩૦ ઓગસ્ટ ૨૦૨૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *