શિવાજીનું હાલરડું ઝવેરચંદ મેઘાણી આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઇને આવ્યાં બાળ,

શ્રી ઝવેચંદ મેઘાણીની ખૂબ જ સુંદર રચના.

શિવાજીનું હાલરડું
ઝવેરચંદ મેઘાણી

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઇને આવ્યાં બાળ –

⁠બાળુડાને માત હિંચોળે:
⁠ધણણણ ડુંગરા બોલે.
⁠શિવાજીને નીંદરું ના’વે:
⁠માતા જીજીબાઈ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે
⁠રામ – લખમણની વાત
⁠માતાજીને મુખ જે દીથી,
⁠ઊડી એની ઊંઘ તે દીથી.- શિવાજીને૦

પોઢજો રે, મારા બાળ !
⁠પોઢી લેજો પેટ ભરીને આજ –
⁠કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
⁠સૂવાટાણું ક્યાંય ન રે’શે.-શિવાજીને૦

ધાવજો રે, મારાં પેટ !
⁠ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
⁠રે’શે નહીં, રણઘેલુડા !
⁠ખાવા મૂઠી ધાનની વેળા.-શિવાજીને૦

પે’રી – ઓઢી લેજો પાતળાં રે !
⁠પીળાં-લાલ-પીરોજી ચીર –
⁠કાયા તારી લોહીમાં ના’શે :
⁠ઢાંકણ તે દી ઢાલનું થાશે.-શિવાજીને૦

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી
⁠ફેરવી લેજો આજ –
⁠તે દી તારે હાથ રે’વાની
⁠રાતી બંબોળ ભવાની.-શિવાજીને૦

લાલ કંકુ કેરા ચાંદલા ને
⁠ભાલે તાણજો કેસરઆડ્ય –
⁠તે દી તો સિંદોરિયા થાપા
⁠છાતી માથે ઝીલવા, બાપા !-શિવાજીને૦

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા !
⁠ઝીલજો બેવડ ગાલ –

⁠તે દી તારાં મોઢડાં માથે
⁠ધુંવાધાર તોપ મંડાશે.-શિવાજીને૦

આજ માતાજીની ગોદમાં રે
⁠તુંને હૂંફ આવે આઠ પો’ર –
⁠તે દી કાળી મેઘલી રાતે
⁠વાયુ ટાઢા મોતના વાશે.-શિવાજીને૦

આજ માતા દેતી પાથરી રે
⁠કૂણાં ફૂલડાં કેરી સેજ –
⁠તે દી તારી વીરપથારી
⁠પાથરશે વીશભુજાળી.-શિવાજીને૦

આજ માતાજીને ખોળલે રે
⁠તારાં માથડાં ઝોલે જાય –
⁠તે દી તારે શિર ઓશીકાં
⁠મેલાશે તીર-બંધૂકા.-શિવાજીને૦

સૂઈ લેજે, મારા કેસરી રે !
⁠તારી હિંદવાણ્યું જોવે વાટ –
⁠જાગી વે’લો આવ, બાળુડા !
⁠માને હાથ ભેટ બંધાવા.-શિવાજીને૦
⁠જાગી વે’લો આવજે, વીરા !
⁠ટીલું માના લોહીનું લેવા !
⁠શિવાજીને નીંદરું ના’વે:
[૧૯૨૭]
#છત્રપતિ_શિવાજી.

અલકેશ પટેલના સોશિયલ મીડિયા ઉપર શૅર કરેલી રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *