પાંચીકા રમતી’તી, દોરડાઓ કુદતી’તી
ઝુલતી’તી આંબાની ડાળે
ગામને પાદરે જાન એક આવી
ને મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે
મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને
લખતી’તી દાદાને ચીઠ્ઠી
લખવાનું લિખિતંગ બાકી હતું ને
મારે અંગે ચોળાઇ ગઇ પીઠી
આંગણામા ઓકળિયું પાડતા બે હાથ…..
લાલ છાપાઓ ભીંત ઉપર પાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે
પાનેતર પહેરીને પંખી ઉદાસ,
છતાં મલકાતા મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનુ,
મને કહેવાનું હતુ બાકી,
પાણીડા ભરતી એ ગામની નદી,
જઇ બાપુના ચશ્મા પલાળે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે
ઢોલ અને શરણાઇ શેરીમાં વાગીયા
અને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી
કુંપણ તોડાઇ એક તાજી
ગોરમાને પાંચ પાંચ વર્ષોથી પૂજ્યા
ને ગોરમા જ નાવને ડુબાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે…
મારુ બચપણ ખોવાયું – મુકેશ જોષી