ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના ટેક્સ પેટે બે વર્ષમાં 39 હજાર કરોડ રૂપિયા આવક થઈ
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજેરોજ અંશતઃ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાંથી થયેલી આવકનો મુદ્દો ઉછળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર લેવામાં આવતા ટેક્સનો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો. સરકારે ગૃહમાં કબૂલ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સરકારને પેટ્રોલના વેરામાંથી 12.050 કરોડ અને ડીઝલના વેરામાંથી 27,559.46 કરોડ રૂપિયાની આવક થઈ છે.
કોંગ્રેસના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી ગેસના વેરામાંથી રાજ્ય સરકારને છેલ્લા બે વર્ષમાં કેટલી આવક થઈ અને આ કોમોડીટી પાછળ સરકાર દ્વારા કેટલા ટકા વેરો વસૂલવામાં આવે છે તેવો સવાલ પુછ્યો હતો. જેના જવાબમાં સરકાર તરફથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ લેખિતમાં જવાબ આપ્યો હતો.
સરકાર પેટ્રોલ ડિઝલ પર આટલો ટેક્સ વસૂલે છે
સરકારના મંત્રી દ્વારા લેખિતમાં અપાયેલા જવાબ પ્રમાણે ગુજરાતમાં પેટ્રોલ પર મૂલ્ય વર્ધિત વેરાનો દર 13.7 ટકા છે. જ્યારે ચાર ટકા સેસ લેવામાં આવે છે. એવી જ રીતે ડીઝલ પર મૂલ્ય વર્ધિત વેરાનો દર 14.09 ટકા અને ચાર ટકા સેસ લેવામાં આવે છે. સી.એન.જી. (હોલસેલર) 15%, સી.એન.જી. (રીટેલર) 5%, પી.એન.જી. (કોમર્શિયલ) 15% અને પી.એન.જી. (હાઉસહોલ્ડ) પર 5% મૂલ્ય વર્ધિત વેરો વસૂલવામાં આવે છે.
સરકારને બે વર્ષમાં આટલા કરોડ રૂપિયા આવક થઈ
સરકારના મંત્રી દ્વારા લેખિતમાં અપાયેલા જવાબ પ્રમાણે રાજ્ય સરકારને પેટ્રોલ પર વસૂલવામાં આવેલ મૂલ્ય વર્ધિત વેરો અને સેસમાંથી 2022માં 6005.38 કરોડ અને 2023માં 6044.95 કરોડ રૂપિયા આવક થઈ હતી. ડીઝલની વાત કરીએ તો 2022માં 13832.65 અને 2023માં 13726.81 કરોડ રૂપિયાની આવક થઈ હતી. સી.એન.જી.ની વાત કરીએ તો 2022માં 199.99 અને 2023માં 124.77 કરોડ રૂપિયા આવક થઈ હતી. પીએનજીમાં સરકારને 2022માં માત્ર 59 કરોડ અને 2023માં 30 કરોડ રૂપિયા આવક થઈ હતી.