સ્ટેચ્યુ ઓફ યુનિટીની એ રાતનો લેસર શો પૂરો થતાં પહેલાં છેલ્લા બે વાક્યમાં કહેવાયું કે નેશનલ એન્થમની ધૂન વાગશે માટે દરેક દર્શકોને પોતપોતાની જગ્યાએ ઊભા થવા વિનંતી છે. બરાબર સાત વાગ્યે શરૂ થયેલો લેસર શો અદ્ભુત હતો ! સરદાર પટેલની પ્રતિમા ઉપર ઝીલાતા લેસરના શેરડાથી ગુલામ ભારતને આઝાદ કરવા મથામણ કરનાર લોકોના તરફડાટથી લઇ આઝાદ ભારતની અત્યાર સુધીની હરણફાળ નો અદભુત ચિતાર હતો. ચિલઝડપે સરકતા દ્રશ્યો અને અવાજની બુલંદી દર્શકને પોતાનું અસ્તિત્વ ભુલાવી દે તેવો માહોલ હતો. દૂર દૂર સુધી થંભી ગયેલું નર્મદાનું નીર અને સરદારની વિરાટ પ્રતિમા તેની સામે હજારો દર્શકો અવાક્ થઈને લેસર શો માં ઓતપ્રોત થઈ ગયા હતા ત્યાં નેશનલ એન્થમની જાહેરાત થઈ.
સહુ દર્શકો નેશનલ એન્થમ આદર સાથે ગાતા હતા. જ્યારે નેશનલ એન્થમનું સમાપન થયું. ત્યારે, એક સાથે 71 અવાજ હવામાં ગુંજ્યો… ભારત માતાકી … ભારત માતાકી … ભારત માતાકી.. જવાબમાં હાજર હજારો દર્શકો એ સતત ત્રણ વખત જયઘોષ કર્યો.
દરેક દર્શકોનું આ 71 દીકરીઓ તરફ ધ્યાન ખેંચાયું. 11 વરસની આસપાસની આ દીકરીઓ ઉપર ત્યાં સહુને વહાલ ઉભરાયું. સહુ પૂછતા હતા કે તમે ક્યાંથી આવો છો! દીકરીઓ પણ સહજતાથી વાતો કરતી હતી.
કચ્છના નાના રણનો એ પ્રદેશ જે વાગડ, ઝાલાવાડ , વઢિયાર અને ખારાપાટ પરગણાઓથી વીંટળાયેલો છે.આમ જુઓ તો ઝીંઝુવાડા , હળવદ ,ધાંગધ્રા અને પાટડી , રાધનપુર સહિતની વિરાસતો એ અહીંની પ્રજાનું પાલન કર્યું છે. પ્રજાને પ્રજા વાત્સલ્ય રાજાઓ મળ્યાં છે અને તેમનો સદીઓનો ઇતિહાસ છે.
દોઢસો વરસ પહેલાંઆ રણમાં મીઠાના વેપારના સપના જોઈને બ્રિટિશરો આવ્યા હતા. ખારાઘોડાને તેમની મરજીનો આકાર આપ્યો હતો. અને ખારાઘોડામાં મીઠાનો વેપાર કરી અને ઢગલા મોઢે રૂપિયા કમાવવાનું તેમનું સપનું ફળ્યું હતું.
1947માં આઝાદી મળી અને બ્રિટિશરો પોતાના દેશમાં પહોંચી ગયા. પરંતુ, અહીંયા ખારાઘોડા અને તેના મીઠાના ઢગલા સહિત બધું હવે લોકોનું હતું અને લોકો વડે રાજ ચાલવાનું હતું. વખારની તાળાબંધીમાં રહેતું મીઠું હવે ખુલ્લા મેદાનમાં ઢગલા સ્વરૂપે આવ્યું હતું. ખિસ્સામાં મીઠા ના ગાંગડા ઘરે લઈ જતા નથી ને ! તે તપાસવા વાળા બ્રિટિશ સિપાહીઓ હવે નહોતા!
એ ખારાઘોડા ને ખુલ્લું આકાશ અને ખુલ્લું સ્વાતંત્ર્ય હતું. જે મેદાનમાં બ્રિટિશરો ક્રિકેટ રમતા હતા . અને એ ગામમાં વસનાર દૂર ઊભા રહીને ક્રિકેટ જોતા હતા. ત્યાં, હવે એ ગામનો જણ હાથમાં બેટ લઈ ચો – તરફ ફટકા મારવાનો હતો. બ્રિટિશરો જે કલબમાં બેસીને રમતો રમતા ત્યાં હવે સઘળું ભારતવાસીનું હતું.
આઝાદી પહેલાં રણમાં ચાલતી નિશાળોમાં વેકેશન ની તારીખ જાહેર કરવાથી લઇ શિક્ષકોના પગાર વધારાની સત્તા અગરિયાઓને આપવામાં આવી હતી. રણમાં લાંબી પરસાળ વાળી પાકી બંગલા જેવી નિશાળમાં ગોરા હાકેમ ને મેડમની સતત આવન જાવન રહેતી. અગરિયા બાળકો સાથે બેસી ને એ ક્યારેક ભોજન પણ કરતા હતા. આઝાદી પછી કદાચ ઘડિયાળના કાંટા ઊંધા ફરવાના હતા ! આઝાદી પછી સાંઇઠં ના દસકામાં સ્વ ઉત્પાદક દશ એકરો થી લઇ સહકારી મંડળીઓની શરૂઆત થઈ. હવે કોઈ અંગ્રેજોના ગુલામ નહોતા. આ દેશનું સર્વસ્વ પોતાનું હતું ને પોતાનું સર્વસ્વ દેશનું હતું. શ્રી ભવાનસિંહ નાગભા ઝાલા , શ્રી પ્રતાપસિંહ બારોટ , થી લઇ અનેક હામી આ ગામ અને વ્યવસાય ને મળ્યા.
પણ, ધીમે ધીમે ખારાઘોડાનું ઓજસ ઓસરતું ગયું. મીઠાની ખેતી ક્યારે મીઠાની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ એ ખબર ન રહી. એ મીઠામાં કામ કરતા લોકો મેળવ્યા કરતા ગુમાવતા વધારે હતા. પરોઢિયે વાગતી માલગાડીની તીખી વ્હિસલના અવાજથી ખારાઘોડા જાગીને એ માલગાડીમાં મીઠું ભરવા દોડતું હતું. પરોઢિયે પેલો ચા ની કીટલી વાળો કાળા કોલસાથી સગડી પેટાવી ઊંઘરેટી આંખ સાથે ચા નું તપેલું ચડાવતો હતો. કામે જવા દોડતા અને ત્યાંથી પસાર થતાં સહુ કોઈ અડધી ચા પીને તાજગી મેળવી કામ તરફ દોડતા હતા. આઠ મહિના સુધી રણમાં મીઠું બનતું હતું. અને એ તૈયાર થયેલા મીઠાના પાકનાં ખારાઘોડામાં લાવીને કરેલા ઢગલામાંથી એ મીઠું વેચાતું હતું. સમસ્યાઓ તો અનેક હતી .પરંતુ, એ સમસ્યાઓ વચ્ચે પણ હસતા રહીને ઝઝૂમવું એ ખારાઘોડાની તાસીર હતી. ખારાઘોડાએ અનેક ચડાવ ઉતાર જોયા છે. જ્યારે પણ ખારાઘોડાની તવારીખ લખાશે. ત્યારે , ડો. કુરિયને મીઠામાં શ્વેત ક્રાંતિ નું સ્વપ્ન જોઈને ખારાઘોડામાં શરૂ કરેલી સાબરમતી સાલ્ટ ફાર્મર સોસાયટી , સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ અને સબરસ એજ્યુકેશન ક્લાસના પ્રદાનને ક્યારેય અવગણી નહીં શકાય.
છેલ્લા પાંચ વરસથી પ્રાથમિક શિક્ષણ મેળવતી ખારાઘોડાની દીકરીઓને સબરસ યોગ્ય દિશાની કેળવણી આપવા મહેનત કરે છે. આજે સબરસ માં અંદાજે દોઢસો જેટલી નાની દીકરીઓ કેળવાઈ રહી છે. તેને શિક્ષણ તો મલે જ છે. પરંતુ, શિક્ષણ સિવાયનું પણ એક બીજું જીવન શિક્ષણ તે મેળવે છે. રમત, ક્રાફટ, ટેકનોલોજી થી લઇ ગીત સંગીત અને નૃત્ય સુધી તેને જેમાં રુચિ હોય તે વિકસે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આજે ખારાઘોડામાં સબરસની એ દીકરીઓ ની આંખમાં ચમક દેખાય છે .
એ સબરસની 71 દીકરીઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનીટીના પ્રવાસે જવાની તક મળી. સબરસના પૂર્ણિમા બેન, બ્રીજલ બેન અને મનીષભાઈ સહિત ની સંવેદનશીલ ટીમ આ દીકરીઓને કેળવે છે. દર વરસે ઓછામાં ઓછો એક પ્રવાસ આ દીકરીઓ કરે અને બહારની દુનિયા તેમને જોવા અને સમજવા મલે તેવા આશય સાથે પ્રવાસોનું આયોજન થાય છે.
આ પ્રવાસ દરમિયાન દીકરીઓની આંખમાં જે કુતૂહલ અને રાજીપો જોયો તે અમે જીવનભર નહી ભૂલીએ. ખારાઘોડામાં ત્રણ પ્રાથમિક શાળા સહિત એક હાઇસ્કુલ પણ છે. આ તમામ શિક્ષકો પણ નિસબત ધરાવતા અને મહેનતુ મળ્યા છે.
સાંજે સ્ટેચ્યુ ઓફ યુનીટીમાં લિફ્ટ પાસે ઊભા હતા . ત્યારે એક દીકરીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈની પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. નિખાલસતાથી કહુ તો મનેય આ વાતની ખબર નહોતી. પરંતુ, પાંચમું ભણતી એ સબરસ ની દીકરીને ખબર હતી! સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને ગ્રુપ ફોટો પાડતી વખતે ફરીથી એ છોકરીએ કહ્યું કે આ ઊંચાઈએ પહોંચવાનું સહુનું સપનું ફળે !!!… હા, ખારાઘોડાના સપના ફળી રહ્યા છે. એક નવી પેઢી બહેતર જીવનનો નકશો સજાવવા મક્કમ છે… ધન્યવાદ સબરસ ધન્યવાદ સેતુ.
——————————————–
# આલેખન : અંબુ પટેલ (ખારાઘોડા)
—————————–+-++——–
### સબરસની પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિ કરનારની પીઠ થાબડવા માટે નીચે મેઈલ આઇ.ડી. મુકું છું. આપ મેઈલ કરીને વિશેષ વિગતો જાણી શકો છો તેમજ પ્રોત્સાહિત પણ કરી શકો છો.
foundation.sabras@gmail.com
——————————————–
Web 版Skype 是享受您在傳統型應用程式中熟悉的Skype 功能最簡單的方法,而不需要下載。 您可以登入Web 版Skype 然後立即開始聊天。https://www.skypeie.com