મસ્કની ચકલી હવે તમને ‘પોપટ’ ન બનાવી જાય જો, જો..!

આજે સવાર સવારમાં પીએમ મોદીથી લઈને અમિતાભ બચ્ચન સુધીના લોકો હજુ તો આંખ ખોલે ત્યાં બધાની ટવીટર પરની બ્લ્યુ ટીક ગાયબ થઈ ગઈ હતી! ટવીટરના સીઈઓ એલોન મસ્કએ 11 એપ્રિલે જાહેરાત કરી હતી કે 20 એપ્રિલ પછી લોકોના ટવીટર એકાઉન્ટમાંથી બ્લ્યુ ટીક ગાયબ થઈ જશે જેને બ્લ્યુ ટીક જાળવવી હોય તેણે પૈસા ભરવા પડશે. ઘણા લોકોએ મફતમાં મળેલી આ બ્લ્યુ ટીકના પૈસા ચૂકવ્યા ન હતા એટલે ગાયબ થઈ ગઈ હતી! ટવીટર સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નકલી ખાતાઓને રોકવા માટે આવું કર્યું હોવાનો દાવો કર્યો છે, પરંતુ તેમની અસરકારકતા જોવાની હજુ બાકી છે. ખરેખર તો મસ્ક હવે લોકોના ખિસ્સા ખંખેરવાના મૂડમાં છે, પણ અસલી – નકલીની ઓળખને લઈને ટવીટર પર ધીંગાણું થશે તો ટવીટરનો આ નિર્ણય આગામી સમયમાં બાઉન્સ બેક થશે. ભારત જેવા દેશમાં એલોન મસ્કના પૈસા કમાવાના આ નિર્ણયને કારણે ધાંધલી સર્જાશે તો આગામી દિવસોમાં મોટો વિવાદ થવાની શક્યતા છે, કારણ કે, પૈસા અને ફોન નંબર આપીને કોઈપણ ગમે તેના નામે નકલી અકાઉન્ટ બનાવી લેશે તો? અસલી – નકલીનો ભેદ પારખવો મુશ્કેલ બની જશે! ચિંતા ખાસ સેલિબ્રિટીઝને છે, પૈસા ભરીને સેલિબ્રિટીઝના નામનું નકલી અકાઉન્ટ ખોલી સ્કૅમસેટર અનેક લોકોને ‘પોપટ’ બનાવી જશે તો?
—————————————————————-
આજે સવાર સવારમાં મોદીથી લઈને અમિતાભ બચ્ચન સુધીના લોકો હજુ તો આંખ ખોલે ત્યાં બધાની સાથે એક ઘટના બની! અને એ હતી બ્લ્યુ ટીક ગાયબ થવાની! ટવીટરના સીઈઓ એલોન મસ્કએ 11 એપ્રિલે જાહેરાત કરી હતી કે 20 એપ્રિલ પછી લોકોના ટવીટર એકાઉન્ટમાંથી બ્લ્યુ ટીક ગાયબ થઈ જશે જેને બ્લ્યુ ટીક જાળવવી હોય તેણે પૈસા ભરવા પડશે. ઘણા લોકોએ મફતમાં મળેલી આ બ્લ્યુ ટીકના પૈસા ચૂકવ્યા ન હતા. આજે સવારે ઘણા લોકોની બ્લ્યુ ટીક પણ ગાયબ થઈ ગઈ હતી. અલબત્ત, ટવીટરે આવું માત્ર અમુક લોકો સાથે નથી કર્યું, ઓલમોસ્ટ બધી સેલિબ્રિટીઝના અકાઉન્ટ પણ હવે અનવેરિફાઈડ અકાઉન્ટ જેવા દેખાઈ રહ્યા છે.
ભારતમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, વિરાટ કોહલી, રોહિત શર્મા, સલમાન ખાન, શાહરૂખ ખાન જેવી ઘણી હસ્તીઓ અને નેતાઓનાં ટવીટર અકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક પણ હટાવી દેવામાં આવી છે. ટવીટર પર ઘણી સેલિબ્રિટી બ્લ્યુ ટીક હટાવવા પર કંઈને કંઈ લખી રહી છે.
અમિતાભ બચ્ચનની બ્લ્યુ ટીક ગાયબ થઈ જતાં તેમની અંદર રહેલો અલ્હાબાદી જાગી ઊઠ્યો હતા! અમિતાભે ટવીટ કરીને જ લખ્યું – એ ટવીટર ભઈયા! સન રહે હૈ? અબ તો પૈસા ભાર દિયે હૈ હમ… તો ઉ જો નીલકમલ હોત હૈ ના, હમાર નામ કે આગે , ઉ તો વાપસ લગાય દે ભૈયા, તાકી લોગ જાન જાયેં કી હમ હી હૈં – અમિતાભ બચ્ચન… હાથ તો જોડ લિયે રહે હમ. અબ કા ગોડવા (પગ) જોડે પડી કા..?
અમિતાભે એવું પણ લખ્યું હતું કે – તેમણે બ્લ્યુ ટીક માટે પૈસા ભરી દીધાં છે. તેમ છતાં તેનાં અકાઉન્ટમાંથી બ્લ્યુ ટીક ગાયબ થઈ ગઈ છે. અમિતાભ ઉપરાંત, શાહરૂખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, અજય દેવગન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા જેવી સેલિબ્રિટીઝની બ્લ્યુ ટીક પણ ગાયબ થઈ ગઈ છે. અલબત્ત, આ મામલે એસએસ રાજામૌલી અને કમલ હાસન પીઢ સેલિબ્રિટી બધાથી આગળ નીકળ્યા અને તેમની બ્લ્યુ ટીક હટી ન હતી!
લાંબા સમયથી મસ્ક એવું કહેતા હતા કે જો તમે પૈસા નહીં આપો તો બ્લ્યુ ટીક છીનવી લેશે. ગત 24મી માર્ચે વહેલી સવારે ટવીટર દ્વારા આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
બ્લ્યુ ટીક જે આપે છે એ ટવીટર વેરિફાઇડ દ્વારા ટવીટ કરવામાં આવ્યું હતું કે – 1 એપ્રિલના રોજ અમે અમારો લેગસી વેરિફાઈડ પ્રોગ્રામ બંધ કરી રહ્યા છીએ અને લેગસી વેરિફાઈડ ચેકમાર્કને દૂર કરીશું. ટવીટર પર તેમની બ્લ્યુ ટીક યથાવત રાખવા માટે લોકોએ ટવીટરમાં સાઈનઅપ કરવું પડશે, એટલે કે પૈસા ચૂકવવા પડશે.
આવી જાહેરાત કરીને બે લિંક પોસ્ટ કરી દીધી હતી, જેમાં લોકો ક્યાં અરજી કરી શકે છે, સંસ્થાઓ ક્યાં અરજી કરી શકે છે, એ સમજાવવામાં આવ્યું હતું. અલબત્ત, લેગસી વેરિફાઈડ પ્રોગ્રામ શું છે એ જાણી લઈએ. ટવીટરની બ્લ્યુ ટીક હવે બ્લ્યુ નથી રહી, તેને પણ વહેંચી દેવામાં આવી છે. જેમ કે, બ્લ્યુ, લેગસી બ્લ્યુ અને ટવીટર બ્લ્યુ. એટલું જ નથી. આ ત્રણ સિવાય બે વધુ ટીક છે. જોકે, આપણાં કામના અહીં બે જ અકાઉન્ટ્સ છે – લેગસી અકાઉન્ટ્સ અને ટવીટર બ્લ્યુ અકાઉન્ટ્સ.
લેગસી બ્લ્યુ ટીક, જે મસ્કના ટેકઓવર પહેલા વેરિફાય થઈ ગઈ હતી એ અને ટવીટર બ્લ્યુ ટીક, એટલે કે હવે દરેક વેરિફાય બ્લ્યુ ટીક પર મસ્કની પૈસા કમાવવાની ટેકનિક.
અત્યાર સુધી બ્લ્યુ ટીક માત્ર પ્રખ્યાત લોકો, રાજકારણીઓ, પત્રકારો, પ્રખ્યાત સંસ્થાઓ માટે જ હતી, પરંતુ હવે કોઈપણ વ્યક્તિ પૈસા ખર્ચીને બ્લ્યુ ટીક મેળવી શકશે, જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. સાયબર એક્સપર્ટસનું માનીએ તો હવે પછી બ્લ્યુ ટીકની વૅલ્યુ રહેશે નહીં. ખાસ કરીને સેલિબ્રિટીઝના કેસમાં વેરિફાયડ અકાઉન્ટ્સ ક્યુ છે એ તફાવત સમજવો મુશ્કેલ થઈ જશે. બની શકે સેલિબ્રિટીઝના નામે ફ્રોડના કિસ્સા પ્રકાશમાં આવે!
હવે બ્લ્યુ ટીક મેળવવા માટે તમારે પૈસા તો ચૂકવવા પડશે, પરંતુ તેની સાથે છેતરપિંડીનો ખતરો પણ વધી ગયો છે. હવે કોઈપણ તમારા નામે એકાઉન્ટ રજીસ્ટર કરીને બ્લ્યુ ટીક મેળવી શકે છે. એક અહેવાલમાં એવું જણાવાયું છે કે ગુરુવારે મસ્ક દ્વારા વેરિફિકેશન સિસ્ટમનો અંત આવે તે પહેલા લગભગ 300,000 યુઝર્સના ખાતા પર બ્લ્યુ ટીક હતી. બ્લ્યુ ટીક ગુમાવનારી વિદેશની મહત્વની સેલિબ્રિટીઝમાં પોપ આઇકોન્સ બેયોન્સ અને શકીરા, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (જેઓ હાલમાં ટવીટર પર સક્રિય નથી)નો સમાવેશ થાય છે.
અલબત્ત, અહીં પણ ત્રણ પ્રખ્યાત હસ્તીઓ, બાસ્કેટબોલના લેબ્રોન જેમ્સ, લેખક સ્ટીફન કિંગ અને સ્ટાર ટ્રેક ટીવી શ્રેણીમાં કેપ્ટન જેમ્સ કિર્કની ભૂમિકા ભજવનાર અભિનેતા વિલિયમ શેટનરે સબ્સ્ક્રાઇબ ન હોવા છતાં મસ્કે તેમની બ્લ્યુ ટીક રાખી છે.
ભારતમાં તો સેલિબ્રિટીઝ તો સમજ્યા, ઘણા સરકારી મંત્રાલયો જેમ કે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી (MeitY) – જે દેશમાં Twitter જેવા પ્લેટફોર્મનું નિયમન કરે છે – તેમની બ્લ્યુ ટીક આંચકી લેવાઈ હતી! ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સત્તાવાર હેન્ડલ્સ પણ આ શ્રેણીમાં આવી ગયા હતા!
એક્સપર્ટસ કહે છે સૌથી મોટી ચેલેન્જ એ જ છે કે, અસલી-નકલીનો ભેદ પારખવો મુશ્કેલ બનશે! બ્લ્યુ ટીક હવે માત્ર એ જ દર્શાવે છે કે યુઝર્સ ટવીટરની આ સર્વિસ માટે ચૂકવણી કરી છે અને તેમનો ફોન નંબર આપ્યો છે. તેથી, જો બ્લ્યુ ટીક સબ્સ્ક્રાઇબર નકલી હશે તો ઓળખવો ખુબ જ મુશ્કેલ બની જશે. અલબત્ત, આ ખરેખર વાસ્તવિક વ્યક્તિ છે કે કેમ, તેની ખાતરી કરવા માટે અન્ય સ્રોતો અને વેબસાઇટ્સને ક્રોસ-રેફરન્સ કરવી પડશે, પરંતુ આમાં સમય અને પ્રયત્ન લાગશે. ઘણા લોકો અસલી અકાઉન્ટને નકલી સમજી બેસવાની ભૂલ કરે તેવી શક્યતા છે.
ટવીટર સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નકલી ખાતાઓને રોકવા માટે કેટલાક પગલાં જાહેર કર્યા છે, પરંતુ તેમની અસરકારકતા જોવાની હજુ બાકી છે. ટવીટરે કહ્યું છે કે તે ફક્ત ડિસ્પ્લે નેમ અને પ્રોફાઇલ ફોટોવાળા અકાઉન્ટ્સ પર બેજ લગાવશે, જે છેલ્લા 30 દિવસમાં સક્રિય છે અને 30 દિવસથી જૂના હોવા જોઈએ. કંપની એ પણ કહે છે કે તે એવા અકાઉન્ટ્સ પર બ્લ્યુ ટીક મૂકશે નહીં, જેણે તાજેતરમાં પ્રોફાઇલ ફોટા, અથવા વપરાશકર્તા નામ બદલ્યા છે.
છેલ્લે એ પણ જાણી લો કે ટવીટર કોને ક્યા કલરની ટીક આપી રહ્યું છે? સરકાર-સંબંધિત એકાઉન્ટ્સને ગ્રે ટીક આપી રહ્યું છે — ઉદાહરણ તરીકે, ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વગેરેના ખાતામાં ગ્રે ટીક છે. ઘણા મંત્રાલયો અને સરકારી વિભાગોમાં ગ્રે ટીક છે — જેમ કે કેન્દ્રીય નાણા, સંરક્ષણ, ગૃહ અને શિક્ષણ મંત્રાલયો; અને દિલ્હી પોલીસ અથવા મુંબઈ પોલીસ જેવી સંસ્થાઓ. જોકે, તમામ સરકારી સંસ્થાઓ પાસે ગ્રે ટીક નથી — MeitY પાસે ન તો વાદળી ટીક છે કે ન તો ગ્રે ટીક છે!
ટવીટર અનુસાર ગોલ્ડ ટીક “સૂચવે છે કે અકાઉન્ટ ટવીટર વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા એક સત્તાવાર બિઝનેસ અકાઉન્ટ છે.” પેપ્સી, મેકડોનાલ્ડ્સ અને બર્ગર કિંગ જેવી કંપનીઓના ખાતામાં ગોલ્ડ ટીક છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ, એનડીટીવી અને ઈન્ડિયા ટુડે જેવી કેટલીક અગ્રણી મીડિયા સંસ્થાઓને પણ આ ટીક્સ સાથે ટેગ કરવામાં આવ્યા છે.
હવે જોવાનું એ છે કે, ટવીટરનો આ નિર્ણય આગામી સમયમાં બાઉન્સ બેક તો નથી થતોને? ભારત જેવા દેશમાં એલોન મસ્કના પૈસા કમાવાના આ નિર્ણયને કારણે ધાંધલી સર્જાશે તો આગામી દિવસોમાં મોટો વિવાદ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *