સ્વરાનું સમર્પણ – ભાવિની નાયક.

‌નિખીલ અને સુહાનીના લગ્નને પાંચ વર્ષ થઇ ગયા હતા. પણ હજી ઘરમાં પારણું બંધાયું નતુ. તેઓએ હવે મેડિકલ હેલ્પ લેવાનું વિચાર્યું. કેટલાય દવાખાના ફરી વળ્યા પણ પરિણામ શુન્ય જ હતું. બે વર્ષ બાદ બન્નેએ ભગવાનની મરજી માની બાળક દત્તક લેવાનું નક્કી કર્યુ. વડીલોએ દીકરો દત્તક લેવા માટે કહ્યું પણ નિખીલ અને સુહાનીને તો દીકરી જ ગમતી હતી, આથી બંનેએ દીકરી જ દત્તક લેવાનું નક્કી કર્યું. શહેરના એક અનાથાશ્રમમાં તેઓ મુલાકાતે ગયા. ત્યાં તેમણે ઘણી બાળકીઓ જોઈ પણ તેમને અગિયાર મહિનાની એક બાળકી ખુબ જ ગમી ગઈ. બન્ને એ કાયદાકિય કાર્યવાહી પુરી કરીને બાળકીને દત્તક લીધી. ઘરે આવીને સુહાનીએ બાળકીના કંકુપગલા ઘરમાં કરાવ્યા. ઘરના લોકોને બોલાવી પૂજા કરાવી બાળકીનું નામકરણ થયું. નામ રખાયું સ્વરા. સુહાની તો જાણે સ્વરા ના આગમનથી ઘેલી જ બની ગઈ હોય એમ પળવાર માટે પણ સ્વરાને એકલી ન મુકતી. સ્વરા માટે થઈને એણે જોબ પણ છોડી દીધી. ઘરમાં સ્વરાના પગલાં પડતાજ નિખીલનું પ્રમોશન થયું. સ્વરાના આગમનથી જાણે નિર્જીવ ઘરમાં પ્રાણ પુરાઈ ગયા હોય તેમ લાગતું હતું. સ્વરાની બીજી બર્થડે ધામધૂમથી ઉજવાઈ. શહેરના સારામાં સારા પ્લેગ્રૂપમાં સ્વરાનું એડમિશન થયું. સ્વરાનું મગજ કોમ્પ્યુટર જેવું હતું. પ્લેગ્રૂપમાં સ્વરા સૌ ટીચર્સ ને ખૂબ વ્હાલી લાગતી. ત્રણ વર્ષ પ્લેગ્રૂપમાં વિતાવ્યા પછી સુહાનીએ શહેરની સારામાં સારી સ્કૂલમાં તેનું એડમિશન કરાવ્યું. સ્વરાને લગતા કોઈપણ નિર્ણય સુહાની જ કરતી. નિખીલ એમાં ખાલી સહમતી આપતો. સુહાનીએ સ્વરામાં ખૂબ જ સારા સંસ્કારોનું સિંચન કર્યું હતું. સ્વરા પણ સુહાની વગર રહી શકતી નહીં. વર્ષો વીતતા ક્યાં વાર લાગે છે? સ્વરા બારમા ધોરણમાં ખૂબ સારા માર્ક્સે પાસ થઇ. સુહાનીનું એક સપનું હતું કે સ્વરા ડોક્ટર બને. સ્વરાએ નક્કી કર્યું હતું કે તે તેની માતાનું સપનું પૂરું કરશે. તેને ગવર્મેન્ટ કોલેજમાં જ એડમિશન મળી ગયું. તેના સારા સ્વભાવ ને લીધે ત્યાં બધા પ્રોફેસરોની એ ખૂબ જ લાડકી બની ગઈ હતી. એક સાંજે એ ઘરે આવી ત્યારે નિખીલની તબિયત બહુ જ ખરાબ થઇ હતી. સ્વરા સુહાની સાથે એના પપ્પાને હોસ્પિટલ લઇ ગઈ. નિખીલને એડમિટ કરવો પડ્યો. ત્રણ દિવસના નિદાનને અંતે એવું જાણવા મળ્યું કે નિખીલને એક જ કિડની છે, અને એ પણ હવે ખરાબ થઇ ગઈ છે. જો બે મહિનાની અંદર કિડની ટ્રાન્સપ્લાન્ટ નહીં કરવામાં આવે તો કંઈપણ થઇ શકે છે. આ સાંભળી સુહાની સાવ ભાંગી પડી. રૂપિયાની તો ખોટ નતી પણ રૂપિયા ખર્ચતા પણ કિડની કોણ આપે એ પ્રશ્ન હતો. બીજે દિવસથી સ્વરાએ ડોનરની શોધ શરુ કરી દીધી.બે ડોનર મળ્યા પણ તેની કિડની નિખીલ સાથે મેચ થતી નતી.એક મહિનાની મહેનત બાદ આખરે સ્વરાએ એ નિર્ણય લીધો કે તે પોતે ડોનર બનશે.તેણે આ વાત ડૉ.ભંડારી ને કરી.પહેલા તો એમણે ના પાડી પણ સ્વરાની જીદ આગળ તેમણે માથું નમાવી દીધું.એના કેટલાક ટેસ્ટ થયા.ટેસ્ટનું નિદાન આવ્યું કે તે ડોનર બની શકે છે. બીજા દિવસે સવારે સ્વરા સુહાની પાસે આવીને કહેવા લાગી કે કિડનીની વ્યવસ્થા થઇ ગઈ છે. અને એને કોઈ કામથી અઠવાડિયા માટે મુંબઈ જવાનું છે. આ સાંભળી સુહાનીએ સ્વરાને કહ્યું કે તારા પપ્પા હોસ્પિટલમાં છે ને તને કામની પડી છે?પણ સ્વરા એકની બે ન થઇ. સુહાની નિખીલ પાસે હતી. આજે એને પહેલી વાર દીકરી દત્તક લેવાનો અફસોસ થતો હતો. દીકરી હોવા છતાં પણ એ એકલી હતી. સુહાની આખરે માં પણ હતી એણે સ્વરાને ફોન કર્યો. પણ તેનો ફોન અનઅવેલેબલ બતાવતો હતો. બીજે દિવસે સવારે નિખીલનું ઓપરેશન હતું. સુહાની ને એમ હતું કે સ્વરા આવી જશે. પણ ન સ્વરા આવી ન એનો ફોન. સુહાની અને તેનો ભાઈ હોસ્પિટલ હતાં. સુહાની સ્વરા પર ખૂબ ગુસ્સે હતી. ક્યારેય નહીં ને આવે વખતે જ સ્વરાએ મારો સાથ કેમ ન આપ્યો? એ મુંબઈ કેમ ગઈ હશે? એવું તો શું કામ હશે કે જે એના પપ્પા કરતા વધારે અગત્યનું હશે ?આ વિચારો સતત તેના મગજમાં ચાલતા હતા. થોડા કલાકો બાદ ડોક્ટર ઓપરેશન થિયેટરની બહાર આવ્યા. સુહાનીએ તરત જ નિખીલ વિશે પૂછ્યું. ઓપરેશન સફળ થયું હતું. સુહાનીએ નિખીલ ને મળવાનો આગ્રહ કર્યો. નિખીલ હજી ભાનમાં આવ્યો નતો. સ્વરા વિશે નહીં પૂછો ? ડૉ. ભંડારીએ પૂછ્યું. એ તો મુંબઈ ગઈ છે. સુહાનીએ થોડા ગુસ્સા સાથે કહ્યું. હવે ડૉ. ભંડારીથી રહેવાયું નહીં ને એમણે સુહાનીને સાચી હકીકત જણાવી. આ સાંભળી સુહાની એકદમ સ્તબ્ધ થઇ ગઇ. એ તરત જ સ્વરા પાસે ગઈ.એ હજી ભાનમાં આવી નતી.જ્યાં સુધી સ્વરા ભાનમાં ન આવી ત્યાં સુધી સુહાની સ્વરા આગળથી હટી નહીં.ભાનમાં આવતાની સાથે જ સ્વરાએ નિખીલ વિશે પૂછ્યુ.ડૉક્ટરે કહ્યું કે તેઓનું ઓપરેશન સફળ રહ્યું છે. સુહાની સ્વરાને કહ્યું કે મને તો કહેવું હતું. સ્વરા એ જવાબમાં કહ્યું કે તમને કહ્યું હોત તો તમે આ વાત માટે ક્યારેય ન માનત. કારણકે પપ્પા કરતા કરોડ ઘણી હું તમને વ્હાલી છું.આ સાંભળી સુહાનીએ કહ્યું કે તે તો દીકરા કરતા વિશેષ ફરજ નિભાવી છે. બન્ને એકબીજાને ભેટી ખૂબ રડ્યા. આ આંસુ શેના હતા એ કહેવું મુશ્કેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *