આજે છે વીર કવિ નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતિ

વીર કવિ નર્મદ

 

તા.૨૪મી ઓગસ્ટ એટલે વીર કવિ નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતિ. જેમણે વિચારોની આંધીથી ઈતિહાસ સર્જ્યો, જેમણે ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોષ આપ્યો, કવિતાઓ, નિબંધ અને લેખોમાં સત્ય, સંઘર્ષ, ટેક અને નેમથી સાહિત્ય અને સમાજમાં આમૂલ પરિવર્તન આણ્યું એવા વીર કવિ નર્મદને યાદ કરીએ ત્યારે ગુજરાતી સાહિત્યની અસ્મિતાના પ્રતિક અને પ્રખર સુધારાવાદી કવિ, સાહિત્યકારની છબી આપણી સામે તરવરી રહે છે. તેઓ કહેતા કે ‘મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે..’ ‘જય જય ગરવી ગુજરાત’ની આગવી રચનામાં ગુજરાતનો અમૂલ્ય વારસો અને એની ભવ્યતાને સમાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું, આ અમર રચના આજે ગુજરાતના આબાલવૃદ્ધ સૌની જીભે સાંભળવા મળે છે.

સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને શહેરનું સૌથી મોટું મધ્યસ્થ વાંચનાલય એમને નામે છે. નર્મદ જે ઘરમાં રહેતા એ ગોપીપુરા, આમલીરાન સ્થિત બે માળના ઘરને સુરત મહાનગરપાલિકાએ ખરીદી લઈને તેને ‘નર્મદ સરસ્વતી મંદિર’ નામ આપી મ્યુઝિયમ બનાવ્યું છે. આ ઘરને રિનોવેટ કરાવીને ગ્રાઉન્ડ ફ્લોર પર લાઈબ્રેરી પણ ઉભી કરવામાં આવી છે.

તા.૨૪ ઓગસ્ટ, ૧૮૩૩ના રોજ તેમનો જન્મ સુરતમાં થયો હતો. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ કરી મુંબઈમાં સરકારી ગુજરાતી નિશાળમાં ભણ્યા. પછી સુરતના  નાણાવટના નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે ભણ્યા. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ થયાં. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઈન્સ્ટિટયુટમાં પ્રવેશ મેળવ્યો, પણ કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક તરીકે જોડાયા. આ સમયગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ જન્મ્યું. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થના કાવ્યના વર્ણનથી કવિતા અને તેના નિરૂપણનો મોટો પ્રભાવ તેમના પર પડ્યો. ૧૮૫૮માં ઈષ્ટદેવતા ‘કલમ’ને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે છુટા થયા. ૨૩મી વર્ષગાંઠથી નર્મદે કાવ્યલેખનનો પ્રારંભ કર્યો, અને ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે ૩૧ વર્ષની વયે ‘દાંડિયો’ પાક્ષિકનો આરંભ કર્યો. ડાંડિયો એટલે પ્રહરી. તેના પહેલા અંકના પહેલા પાને ‘ડાંડિયો એટલે શું?’ તે સમજાવતી પંક્તિઓ મૂકી હતી: ‘અમાસ નિશ ઘનઘોરમાં ચોરિધાડનો ભોય, ઘરમાં વસ્તી દીપની ને બહાર ડાંડિયો હોય; ડાંડિની મહેનતથી ધજાડાંડિ સોહાય, દેશતણો ડંકો વળી બધે ગાજતો થાય…’ 

 

અનમોલ પ્રદાન સાહિત્યસર્જનમાં :-

ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગનો આરંભ નર્મદથી થયો છે. તેમના ગુજરાતી સાહિત્ય જગતને આપેલી અમૂલ્ય કૃતિઓ માટે હંમેશા યાદ રખાશે. નર્મદના ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’, ‘પિંગળપ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨, ‘વર્ણવિચાર’, ‘નાયિકા વિષયપ્રવેશ’ જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’, ‘હિંદુઓની પડતી’, ‘કવિચરિત’, ‘સુરતની મુખ્તેસર હકીકત’, ‘ઈલિયડનો સાર’, ‘મહિપતરામ રૂપરામ મહેતા’, ‘મહાપુરુષોના ચરિત્ર’, ‘મહાભારતનો સાર’, ‘રામાયણનો સાર’, ‘સાર શાકુંતલ’, ‘ભગવદગીતાનું ભાષાંતર’ ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં તેમના લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ના બે ભાગમાં થયાં છે. 

એમના જન્મના ૧૦૧ વર્ષ પછી પ્રકાશિત થયેલી નર્મદની આત્મકથા ‘મારી હકીકત’માં સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરેલી જીવનશૈલી નિરૂપી છે. ‘ઉત્તર નર્મદચરિત્ર’, ચાર ભાગમાં ‘નર્મકોશ’, ‘નર્મકથાકોશ’, ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’, નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’, પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ અને ‘નર્મકોશ’ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. 

નર્મદ નાટક-સંવાદ લેખકરૂપે ‘તુલસી વૈધવ્યચિત્ર’ સંવાદરૂપે, ‘રામજાનકી દર્શન’, ‘દ્રૌપદીદર્શન’, ‘બાળકૃષ્ણવિજય’, ‘કૃષ્ણકુમારી’એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. તેમનો ‘સીતાહરણ’ સંવાદ અપ્રસિદ્ધ છે. જગતનો પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ ‘રાજ્યરંગ’ બે ભાગમાં આલેખાયો છે. ‘ધર્મવિચાર’, ‘ગુજરાત સર્વસંગ્રહ’ તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે. તેમની કવિતા ‘નર્મકવિતા’ રૂપે દસેક ભાગમાં સંગ્રહિત થઈ છે. તેમની પ્રખ્યાત રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે.

માત્ર ૫૨ વર્ષની વયે આઠ મહિનાની સંધિવાની માંદગી બાદ તા.૨૬ ફેબ્રુઆરી, ૧૮૮૬ના રોજ મુંબઈમાં નર્મદે છેલ્લાં શ્વાસ લીધાં હતાં. ‘યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી …’ પોતાના વીરત્વ, સત્ય, રસિકતા, સર્જન અને ટેક વિશે કેટલો સાચો આત્મવિશ્વાસ..! એથી જ તો નર્મદનો જન્મદિવસ ‘વિશ્વ ગુજરાતી દિવસ’ તરીકે ઉજવાય છે. 

વીર નર્મદની નિખાલસતા અને પારદર્શિતાપણાને અનુભવવા તેમની આત્મકથા ‘મારી હકીકત’ સૌએ વાચવી જ રહી. સમાજ સુધારક, લોકશિક્ષણ, અંધશ્રદ્ધા સામે અડગ રહીને પ્રથમ પગલું ભરનાર નર્મદ સદા સ્મરણીય રહેશે.

 

વીર કવિ નર્મદની જીવની :- 

-તા.૨૪મી ઓગષ્ટ ૧૮૩૩માં સુરતમાં જન્મ

-વડનગરી બ્રાહ્મણ

-પિતા લાલશંકર દવે છાપખાનામાં લહિયા હતા, અને થોડા સમય મુંબઈ સદર અદાલતમાં કારકૂન હતા.

-૧૮૩૮માં ભૂલેશ્વર (મુંબઈ)ની શાળામાં અભ્યાસ શરૂ કર્યો.

-૧૮૪૧માં જનોઈ, સંધ્યા અને રુદ્રિનો અભ્યાસ. ૧૮૪૩માં વૈદ અભ્યાસ કર્યો હતો.

-૧૮૪૪માં વૈશાખ સુદ ૧૨ સંવત ૧૯૪૦માં ગુલાબકુંવર (સૂરજરામ શાસ્ત્રીની પુત્રી) સાથે લગ્ન.

-૧૮૫૦માં માતાનું મૃત્યું થયું.

-૧૮૫૨માં મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજનો અભ્યાસ છોડી સુરત પિતાજી પાસે આવ્યા. અંગ્રેજી પ્રાધ્યાપક આર.ટી. રીડ દ્વારા પ્રશંસાપત્ર મેળવ્યો.

-૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક તરીકે જોડાયા.

-૧૮૫૩માં પત્નીનું મૃત્યું થયું.

-૧૮૫૪માં ફરી સુરતથી મુંબઈ ગયા. અંગ્રેજીના ટ્યુશન કર્યા અને કૉલેજ અભ્યાસ પુનઃ શરૂ કર્યાં.

-૧૮૫૫માં ધીરાભગતના પદ વાંચી કાવ્યપંક્તિઓ લખવાની શરૂઆત કરી. ૧૮૫૬માં ‘બુધ્ધિવર્ધક સમાજ’ ની સ્થાપના કરી, કૉલેજ અભ્યાસને તિલાંજલી આપી.

-૧૮૫૬માં સુરતના શાસ્ત્રી ત્રિપુરાનંદની પુત્રી ડાહીગૌરી સાથે લગ્ન કર્યાં. ૧૮મી જુન ૧૮૫૯ના રોજ કવિ શ્રી દલપતરામ સાથે કાવ્યચર્ચા અને કાવ્યપઠન

-વૈષ્ણવ સમાજના ગાદીપતિ જદુનાથ મહારાજ સામે ‘લાયબલ કેસ’ કર્યો અને ધર્મના કુરિવાજો તથા હિન્દુશાસ્ત્રો પર જાહેરમાં વિવાદ, 

-૧૮૬૦માં ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ લખવાની શરૂઆત કરી.

-૧૮૬૪ના પોષ સુદ ૧૦ના રોજ પ્રેરણાસ્ત્રોત પિતાનું અવસાન થયું અને તેઓ આર્યસમાજી બન્યા.

-૧૮૬૪નાં સપ્ટેમ્બરમાં ‘ડાંડિયો’ વર્તમાનપત્ર શરૂ કર્યું.

-૧૮૬૫માં મુંબઈ છોડી સુરત આવીને વસ્યા.

-૧૮૬૬માં સુરત આમલીરાનમાં ‘સરસ્વતી મંદિર’ નામે નવું મકાન બનાવ્યું. જેનો ઉપયોગ કાર્યક્રમ અને સાહિત્યવિષયક ગોષ્ઠિ માટે થતો રહ્યો.

-૧૮૬૮માં સ્ત્રીકેળવણી વિશે લખ્યું.

-૧૮૭૦માં બાળવિધવા નર્મદાગૌરી સાથે પુન:લગ્ન કર્યા. જયશંકરનો જન્મ. પુનઃલગ્નને કારણે ન્યાતબહાર મુકાયા.

-૧૮૭૫માં આર્થિક સ્થિતિ વિકટ બનતા દૂધ-પૌઆ દ્વારા ગુજરાન ચલાવ્યુ હતું. 

-૧૮૮૨માં મુંબઈ ગોપાળદાસ ધર્માદાખાતામાં મંત્રી તરીકે જોડાયા. ૧૮૮૫માં મુક્તિમંત્ર અને બાળવિજય નાટક લખ્યા. 

-૧૮૮૬માં ૨૫મી ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં સ્વર્ગવાસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *