शुक्रिया मोदी भाईजान’ अभियान 15 જાન્યુઆરીથી શરૂ, જાણો શું હશે ખાસ.
ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશના લખનઉમાં 15 જાન્યુઆરીથી ‘शुक्रिया मोदी भाईजान’ અભિયાન શરુ કરશે, આ અભિયાનનું નેતૃત્વ કુંવર બાસિત અલી કરશે, જે તમામ લોકસભા મતવિસ્તારોમાં જશે
લખનઉ, 12 જાન્યુઆરી: લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મતોને પોતાની તરફેણમાં આકર્ષવા માટે એક મોટું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. પાર્ટી 15 જાન્યુઆરીના રોજ લખનઉથી ‘शुक्रिया मोदी भाईजान’ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનું સૂત્ર આપવામાં આવ્યું છે – “ના દુરી હૈ, ના ખાઈ હૈ – મોદી હમારા ભાઈ હૈ!”
પ્રોગ્રામનું સંપૂર્ણ શેડ્યૂલ જાણો
ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા ‘शुक्रिया मोदी भाईजान’નું લોન્ચિંગ 15 જાન્યુઆરીએ લખનઉની ક્રાઈસ્ટ ચર્ચ કૉલેજથી બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન, લઘુમતી મોરચાના અધ્યક્ષ કુંવર બાસિત અલી, રાજ્ય મંત્રી દાનિશ આઝાદ અંસારી સહિત અનેક લોકો હાજર રહેશે. આ કાર્યક્રમમાં હજારો લાભાર્થી મહિલાઓ પણ ઉપસ્થિત રહેશે. કુંવર બાસિત અલી અભિયાનનું નેતૃત્વ કરશે જે તમામ લોકસભા મતવિસ્તારોમાં જશે.
આ અભિયાનમાં શું ખાસ છે?
‘शुक्रिया मोदी भाईजान’ અભિયાનમાં દરેક જિલ્લામાંથી મુસ્લિમ મહિલાઓ ‘શુક્રિયા મોદી ભાઈજાન’ કહેશે. પીએમ મોદીનો આભાર માનનાર આ મુસ્લિમ મહિલાઓ મોદી સરકારની યોજનાઓના લાભાર્થી હશે. રાજ્યની લગભગ 1.5 કરોડ મુસ્લિમ મહિલાઓને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લગભગ બે હજાર કૉન્ફરન્સ થશે જેમાં મોદી સરકારની યોજનાઓથી લાભ મેળવનાર મુસ્લિમ મહિલાઓ પીએમ મોદીને ‘शुक्रिया मोदी भाईजान’ કહેશે.
શ્રી એમ. તરીકે ઓળખાતા મુસ્લિમ આધ્યાત્મિક ગુરુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુષ્ઠાન અંગે શું કહ્યું? જૂઓ સંપૂર્ણ વિગત.
આ રીતે થશે પ્રચાર
કૉન્ફરન્સમાં મુસ્લિમ મહિલાઓને કેન્દ્રની મોદી સરકારની યોજનાઓ વિશે જણાવવામાં આવશે. કુંવર બાસિત અલીના જણાવ્યા અનુસાર, મુસ્લિમ મહિલાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન યોજના, ઉજ્જવલા યોજના, મુસ્લિમ બાળકો માટે શિષ્યવૃત્તિ યોજના જેવી યોજનાઓની માહિતી આપવામાં આવશે. લગભગ ત્રણ કરોડ મુસ્લિમોને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે. ત્રણ કરોડ મુસ્લિમોમાંથી લગભગ 1.5 કરોડ મુસ્લિમ મહિલાઓ લાભાર્થી છે. ભાજપનો પ્રયાસ આ મુસ્લિમ મહિલા લાભાર્થીઓ દ્વારા અન્ય મુસ્લિમ મહિલાઓના મત મેળવવાનો છે.