એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે ૧૫ માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ
નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પના પરિણામે પૂર્વોત્તર રાજ્યોમાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓના કારણે આ સાત રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે.
રાજપીપલા,તા 17
એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ થયો હતો .
અધિવેશનમાં સહભાગી થયેલા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પના પરિણામે પૂર્વોત્તર રાજ્યોમાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓના કારણે આ સાત રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે અને તેના કારણે સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક સંપદા ધરાવતા પ્રદેશોમાં સુવિધાઓ વધતા સહુલિયતમાં વૃધ્ધિ થઈ છે. પ્રવાસીઓ માટે સુવિધાઓ જેવી કે, માર્ગો, રેલવે, એર કનેકટિવિટી, પુલોના નિર્માણથી પ્રવાસીઓના આવાગમન વધ્યા છે. આસામમાં ભૂપેન્દ્ર હઝારિકા પૂલ બનવાથી પૂર્વોત્તરના રાજ્યોને મહત્તમ ફાયદો થયો છે,
નર્મદા ડેમ અને સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાનાં કારણે અહી દેશ વિદેશમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો તે જોઈ શકાય છે. તેમણે કેન્દ્ર સરકારની દેખો અપના દેશ અભિયાનની પણ પ્રશંસા કરી હતી.સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે અરુણાચલ પ્રદેશમાં રહેલી તકો પ્રસ્તુત કરતા પેમા ખાંડુએ કહ્યું કે, અહી પર્વતો ઉપર શૂન્ય ડિગ્રી તાપમાન તો તળેટીમાં ગરમી હોય છે. પ્રાકૃતિક સુંદરતા અને ભુખંડની વિવિધતા સાહસિક પ્રવાસીઓને આકર્ષે એવી છે. ત્રણ દેશ સાથે સરહદો જોડાયેલી છે. તેમણે ટૂર ઓપરેટર એસોસિએશનને અરુણાચલ પ્રદેશમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા