તમારામાં રહેલ મહાન શક્તિઓ અને શક્તિજાગૃતિના કેન્દ્ર વિષે શું તમે માહિતગાર છો? શિલ્પા શાહ એસો.પ્રો. HKBBA કોલેજ.

દુનિયાની દરેક વ્યક્તિ પોતાનો વિકાસ ઈચ્છે છે, એક સારી વ્યક્તિ બનવા ઈચ્છે છે, પોતાના વ્યક્તિત્વને નિખારવા ઈચ્છે છે જેના માટે જરૂરી શરત છે શક્તિ. સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી વિકસિત અને શક્તિશાળી પ્રાણી મનુષ્ય છે. એની પાસે એટલી બધી શક્તિ છે કે એ ધારે તો ઈશ્વર બનવાની તાકાત પણ ધરાવે છે. પરંતુ આપણે આપણી અનેક મહાન શક્તિઓ વિષે માહિતગાર નથી જેથી તેનો ઉપયોગ કરી શકતા નથી. જુદી જુદી ત્રીસ પ્રકારની શક્તિ મનુષ્યને જન્મથી જ પ્રાપ્ય છે. આ તમામ શક્તિની જાગૃતિ માટે આપણા શરીરમાં વિશેષ કેન્દ્રો આવેલા છે જેના દ્વારા શક્તિજાગૃતિ, વ્યક્તિત્વ વિકાસ તેમજ રૂપાંતરણ અર્થાત મનુષ્યની વૃત્તિ આદતો સ્વભાવમાં ફેરફાર થઈ શકે છે. પરંતુ તેના માટે પ્રથમ આપણા ગ્રંથિતંત્રને સમજવું પડે. વૃત્તિ, ભાવના, ઇચ્છા વગેરેનું ઉદભવ સ્થાન વાસ્તવમાં મસ્તિષ્ક નહી પરંતુ નાડીતંત્ર કે ગ્રંથિતંત્ર છે. આપણા શરીરમાં એવા કેટલાક વિશેષ સ્થાન છે જ્યાં ચેતના, ઉર્જા કે શક્તિ અન્ય બીજા સ્થાનો કરતાં વધારે સઘન હોય છે, જેને ચેતનાકેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સ્થાનો આપણી અન્તઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્થાનો છે, (હોર્મોનલ ગ્લેન્ડના સ્થાન છે) જે દ્વારા આપણા આચાર-વિચાર, ભાવના, વૃત્તિઓ, સ્વભાવ, આદતો, ઇચ્છાઓ, દ્રષ્ટિકોણ, નૈતિકતા, મૂલ્યો વગેરે નક્કી થાય છે. આ તમામની પ્રાપ્તિ માટે વિશેષ શક્તિની જરૂરિયાત રહે છે. ઉત્તમ હકારાત્મક અને કલ્યાણકારી શક્તિ દ્વારા સ્વભાવ, આદતો, આચાર-વિચાર, દ્રષ્ટિકોણ શ્રેષ્ઠ અને સાત્વિક બને છે. એ દૃષ્ટિએ આપણા ચેતનાકેન્દ્રો અને નાડીતંત્રને સમજવા, તેમને ઉત્તમ બનાવવા તેમ જ તેને નિયંત્રિત કરતા શીખવું આવશ્યક છે. જે દ્વારા મનુષ્ય પોતાનામાં રહેલી ત્રીસ પ્રકારની શક્તિનો પ્રાદુર્ભાવ કરવા સક્ષમ બને છે. આવી મુખ્ય ત્રીસ પ્રકારની શક્તિઓમાં સમાવિષ્ટ છે ૧) આધ્યાત્મિક કે આત્મિક શક્તિ ૨) શારીરિક શક્તિ ૩) માનસિક શક્તિ ૪) સંકલ્પશક્તિ ૫) ચિત્તની શક્તિ (બૌધિક-તાર્કિક શક્તિ) ૬) આશાની શક્તિ ૭) વાણીની શક્તિ ૮) ઈચ્છાશક્તિ ૯) સમતાની શક્તિ ૧૦) ભાવના કે લાગણીની શક્તિ ૧૧) સમન્વય કે સહઅસ્તિત્વની શક્તિ ૧૨) અકર્મની શક્તિ ૧૩) એકાગ્રતાની શક્તિ ૧૪) સમાધિની શક્તિ ૧૫) સહિષ્ણુતાની શક્તિ ૧૬) નૈતિકતાની શક્તિ ૧૭) ધ્યાનની શક્તિ ૧૮) નમસ્કારની શક્તિ ૧૯) મંત્રશક્તિ ૨૦) વ્રતની શક્તિ ૨૧) આહાર કે ઉપવાસની શક્તિ ૨૨) મહાનતાની શક્તિ ૨૩) બ્રહ્મચર્યની શક્તિ ૨૪) એકલાપણાની શક્તિ ૨૫) મૌનની શક્તિ ૨૬) પ્રેમ-દયા-કરુણાની શક્તિ ૨૭) ક્ષમાપનાની શક્તિ ૨૮) સ્વીકારની શક્તિ ૨૯) સહનશક્તિ (પ્રતિકારશૂન્યતા-અહિંસાની શક્તિ) ૩૦) સમસ્યાનિવારણની શક્તિ. આ તમામ શક્તિઓની જાગૃતિ અને વિકાસ પ્રયત્ન-સાપેક્ષ છે એટલે કે એના માટે નિયમિત પ્રમાણિક પ્રયત્નોની આવશ્યકતા છે.
સુષુપ્ત ચેતના જાગે અથવા ગુપ્ત શક્તિઓનો વિકાસ થાય ત્યારે સામાન્ય વ્યક્તિ અવતાર બની જાય અર્થાત વ્યક્તિ વિશેષ કે મહાન બની જાય. દરેક મનુષ્યમાં આવી અકલ્પનીય શક્તિનો ભંડાર ભરેલો છે પરંતુ તે તમામ મોટેભાગે સુષુપ્ત અવસ્થામાં રહે છે. જેથી મનુષ્ય નિષ્ક્રિય જીવન જીવે છે પરંતુ શક્તિની જાગૃતિ સાથે જ તે ક્રિયાશીલ બની જાય છે. પરંતુ તે માટે શક્તિને ઓળખવી પડે, સાંભળવી પડે, સમજવી પડે, સક્રિય કરવી પડે તેમ જ તેને નિયંત્રિત પણ કરવી પડે. જેના માટે આપણા શરીરમાં આવેલા ચેતનાકેન્દ્રો અને નાડીતંત્રનો અભ્યાસ આવશ્યક બને છે. જેના દ્વારા આ તમામ શક્તિઓનો જરૂરી ઉપયોગ કરી મનુષ્ય જીવનને સાર્થક અને અર્થપૂર્ણ બનાવી શકે. વૈજ્ઞાનિક શોધોએ સિદ્ધ કર્યું છે કે હાયપોથેલેમસ (કે જે મસ્તિષ્કનો એક ભાગ છે) અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા મનુષ્યની દરેક ક્રિયા, વૃત્તિઓ, ઈચ્છાઓ, ભાવના, આચાર-વિચાર સર્વેનું નિયંત્રણ થાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નાડીતંત્રની શુદ્ધિ દ્વારા અનેક રોગોનું નિવારણ પણ શક્ય બને છે. પ્રશ્ન માત્ર આ નાડીતંત્રને સક્રિય અને શુદ્ધ કરવાનો છે. જેના માટે નિયમિત ધ્યાન ખુબ ઉપકારક સાબિત થાય છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે નાડીતંત્રની વિદ્યુત પ્રવૃત્તિઓમાં આપણે જરૂરી ફેરફાર કરી આપણે આપણા સંપૂર્ણ વ્યક્તિત્વમાં પરિવર્તન લાવી શકીએ છીએ.
નાડીતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર શરીરના મુખ્ય નિયંત્રક અને સંયોજક તંત્ર છે. વ્યવહાર અનુભવ અને અભિવ્યક્તિ નાડીતંત્રના કાર્યો છે જ્યારે ટેવો ગ્રંથિતંત્રમાં ઉદ્ભભવે છે. ગ્રંથિઓ મુખ્યત્વે ૬ છે પીનિયલ, પિચ્યુટરી, થાઇરોઇડ-પેરાથાઇરોઇડ, થાયમસ, એડ્રીનલ અને ગોનાડ્રસ (કામગ્રંથિ). આપણું સમગ્ર અસ્તિત્વ જડ (શરીર) અને ચેતનતત્વ (આત્મા) નું મિશ્રણ કે સંયોજન છે. ચેતનતત્વમાંથી નીકળતા સ્પંદનો સ્થૂળશરીરના કાર્યોને નિયંત્રિત કરે છે. આપણા મૌલિક મનોવેગો, પાશવી આવેગો તથા કામુકતા પર નિયંત્રણ પ્રાપ્ત કરવા માટે આપણામાં વિવેક અને પ્રજ્ઞા જાગૃત કરે છે. તે આપણો ચૈતન્યશીલ આત્મા જ છે. ડોક્ટર એમ ડબલ્યુ કારનું સંશોધન જણાવે છે કે આપણી અંદર જે ગ્રંથિઓ છે તે ક્રોધ કલહ ઈર્ષા ભય વગેરેથી વિકૃત બને છે, જેના લીધે ગ્રંથિઓની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને અનેક રોગો જીવનમાં પ્રવેશે છે. જેને અટકાવવા માટે આપણા આવેગો વૃત્તિઓ અને ભાવનાઓને નિયંત્રિત કરવા જરૂરી છે. જે ચૈતન્ય કેન્દ્રોની આરાધના દ્વારા શક્ય બને છે. એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર જેવી ચિકિત્સાપદ્ધતિમાં વાસ્તવમાં ચેતનકેન્દ્રો પર જ કાર્ય કરવામાં આવે છે. આવા ચેતનાના કેન્દ્રો મસ્તિષ્ક ઇન્દ્રિયો અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં આવેલા છે. આયુર્વેદ અનુસાર આવા વિશેષ સ્થાન કે જેને મર્મસ્થાન કે ચૈતન્યકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે તે કુલ ૧૦૭ છે. જ્યાં પ્રાણનું કેન્દ્રીયકરણ થયેલું હોય છે. જેવા ચૈતન્યકેન્દ્ર મસ્તિષ્કમાં છે તેવા જ આપણા અંગૂઠામાં પણ છે. આમ બંને જોડાયેલા છે એટલે તેના દ્વારા પણ ધાર્યું પરિણામ લાવી શકાય છે.
આધ્યાત્મિક શાસ્ત્રો અનુસાર મુખ્ય બે ચેતનકેન્દ્રો છે ૧) જ્ઞાનકેન્દ્ર અને ૨) કામકેન્દ્ર. નાભિની ઉપર મસ્તિષ્ક સુધીનો ભાગ જ્ઞાનકેન્દ્ર તરીકે ઓળખાય છે, જ્યારે નાભિથી નીચેનું સ્થાન કામકેન્દ્ર છે. આપણી સમગ્ર ચેતના આજીવન આ બે કેન્દ્રો વચ્ચે જ ઘૂમતી રહે છે. સામાન્ય મનુષ્યની ચેતના મોટે ભાગે કામકેન્દ્રની આસપાસ જ ઘૂમે છે, જ્ઞાનકેન્દ્રમાં નહીવત રહે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના કેન્દ્રો પણ કામકેન્દ્ર જ છે. જ્યારે ધર્મધ્યાન અને શુકલધ્યાનનું કેન્દ્ર જ્ઞાનકેન્દ્ર છે. જે વ્યક્તિની ઉર્જાશક્તિ નાભિથી ઉપર ફરે તેના જ્ઞાનકેન્દ્ર આપોઆપ જાગૃત થાય છે અને તે વ્યક્તિ સદગુણી અને મહાન બની જાય છે. પરંતુ કમનસીબે આપણી સમગ્ર ઉર્જા ભૌતિક સુખસાહીબી અને કામવૃત્તિ પાછળ સક્રિય બનતી હોવાથી તે કામકેન્દ્ર પાસે એકત્રિત થયેલ જોવા મળે છે. વાસ્તવમાં મન ચેતનાનું આંતરિક સ્તર નથી, ચેતનાનું આંતરિક સ્તર છે આવેગો ક્રોધ માન ઇર્ષા અને લોભ-લાલચ, જ્યાંથી બીમારી જન્મ લે છે અને ચરિત્ર પણ ત્યાંથી જ આવે છે. અચેતન મન કે અર્ધજાગૃત મન મનુષ્યની એ ચેતના છે જેની અંદર સૌથી વધુ તાકાત છે અને તેના દ્વારા ગ્રંથિઓ પણ શુદ્ધ અને સક્રિય બને છે. બૌદ્ધિક અને તાર્કિક શક્તિઓ પર વૃત્તિઓ આવેગો એટલા હાવિ થઈ જાય છે કે ગ્રંથિઓ નાડીઓ ચેતનાતંત્રમાં ખલેલ પહોંચે છે. એટલા માટે આ તમામ વૃત્તિઓ પર વિવેકચેતનાનું નિયંત્રણ આવશ્યક છે. અન્યથા મનુષ્યને દુઃખી કે રોગી થતાં કોઇ અટકાવી ન શકે. એટલા માટે સત્કર્મો, ધ્યાન, પરોપકાર, પવિત્રતા, મંત્રોચાર, દાનધર્મ વગેરે જરૂરી બને છે જેના દ્વારા વિવેકચેતના જાગૃત થાય છે. હવે તો વિજ્ઞાને સાબિત કર્યું છે કે આપણા મસ્તિષ્કમાં રહેલા RNA રસાયણ દ્વારા (કે જે ચેતનાના સ્તરમાં ફેલાયેલું રહે છે) મનુષ્યનું રૂપાંતરણ કરી શકાય છે.
ટૂંકમાં ચેતનાકેન્દ્રને ઓળખી સમજી તેને સક્રિય કરવાથી દરેક સમસ્યાનું સમાધાન શક્ય બને છે. આપણા શરીરમાં જેટલી ગ્રંથિઓ છે તે તમામ અર્ધજાગૃત મન સાથે સંકળાયેલ છે, જે મસ્તિષ્કને પ્રભાવિત કરે છે અને આપણા દરેક કાર્યો મસ્તિષ્કના આદેશ અનુસાર થાય છે એ આપણે સૌ જાણીએ છીએ, જેને પ્રભાવિત કરનાર તો આખરે ગ્રંથિઓ જ છે. જેથી મન-બુદ્ધિ-મસ્તિષ્ક તમામ કરતાં વધુ મહત્વની ગ્રંથિઓને ગણી શકાય. જે મસ્તિષ્કને પ્રભાવિત કે સક્રિય કરતી હોવાથી પ્રથમ ગ્રંથિઓને સક્રિય, જાગૃત અને શુદ્ધ કરવાની અનિવાર્યતા રહે છે. વિજ્ઞાન પાસે ગ્રંથિઓને જાગૃત અને શુદ્ધ કરવાના કોઈ સાધનો નથી પરંતુ આધ્યાત્મ પાસે છે અને તે છે ચેતનાકેન્દ્ર પર ધ્યાન. જે વાત આપણા સ્થૂળ મન સુધી પહોંચે તે સફળ થઈ શકતી નથી પરંતુ જે વાત આપણા અંતરમન સુધી પહોંચે તે અવશ્ય સફળ થાય છે. જે સંકલ્પ અંતરમન સુધી પહોંચે તે અવશ્ય પરિવર્તન લાવી શકે છે અને તમામ પ્રકારની સફળતા બક્ષે છે. આપણું ચિત્ત જે ગ્રંથિ કે જે કેન્દ્રનો સ્પર્શ કરે, જેમાં તલ્લીન થાય તે સમયે તે જ ચેતના કે સ્મૃતિ જાગૃત થતી હોય છે. એટલા માટે જે વ્યક્તિ બદલાવા માંગે છે, વ્યક્તિત્વનો વિકાસ ઈચ્છે છે તેણે ચૈતન્યકેન્દ્રો પર વધારે ધ્યાન આપવું જોઈએ. જેનાથી આપણો સ્વભાવ, વૃત્તિઓ, આવેગો સર્વ કંઈ બદલાય છે. વિશુદ્ધિકેન્દ્ર, જ્યોતિકેન્દ્ર, દર્શનકેન્દ્ર, શાંતિકેન્દ્ર અને જ્ઞાનકેન્દ્ર આપણા વ્યવહારને પવિત્ર બનાવે છે. આ જ વાત મહર્ષિ પતંજલિએ સાત ચક્રો દ્વારા યોગશાસ્ત્રમાં સમજાવી છે. જીવનમાં પરિસ્થિતિઓ અને નિમિત્તો આપણા ભાવતંત્રને પ્રભાવિત ચોક્કસ કરે છે પરંતુ તે એટલા શક્તિશાળી નથી. સૌથી વધુ શક્તિશાળી આપણું અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર છે જેના પર ધ્યાન આપી, જીવનની દરેક મુશ્કેલી, દુઃખ, પીડાને દૂર કરી શ્રેષ્ઠ જીવન અવશ્ય જીવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *