*આજે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ‘સુરત’ના પ્રતીકનો અનાવરણ સમારંભ સીએમની ઉપસ્થિતિમાં યોજાશે*
ગાંધીનગર, સુરત શહેર ખાતે આજે 06 નવેમ્બર 2023ના રોજ યોજાનારા એક સમારંભમાં ભારતીય નૌકાદળના અત્યાધુનિક, નિર્માણાધીન, ગાઇડેડ મિસાઇલ વિધ્વંસક યુદ્ધ જહાજ ‘સુરત’ના પ્રતીકનું અનાવરણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારની હાજરીમાં કરવામાં આવશે. વાઇસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને રીઅર એડમિરલ અનિલ જગ્ગી, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. માનનીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અગાઉ 17 માર્ચ 2022ના રોજ મુંબઇ ખાતે સ્વદેશી રીતે નિર્મિત આ જહાજને લોન્ચ કર્યું હતું.
નિર્માણાધીન નવીનતમ અગ્ર હરોળના ‘યુદ્ધ જહાજ પરિયોજનાઓ’ પૈકી, ‘પ્રોજેક્ટ 15B’ કાર્યક્રમમાં ચાર નેક્સ્ટ જનરેશન સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ વિધ્વંસકનું નિર્માણ કરવાનું સામેલ છે, જેમાંથી ‘સુરત’ ચોથું અને છેલ્લું જહાજ છે. તે હાલમાં મુંબઇ ખાતે આવેલા મઝગાંવ ડોક્સ લિમિટેડમાં નિર્માણાધીન છે. આ યુદ્ધ જહાજનું નિર્માણ સ્વદેશી અત્યાધુનિક યુદ્ધ જહાજ નિર્માણ ટેકનોલોજી પ્રત્યે દેશના સમર્પણ અને વ્યૂહાત્મક સૈન્ય પ્રગતિ પ્રત્યે પ્રતિબદ્ધતાની સાક્ષી આપે છે. આઝાદી સમયે ભારતીય નૌકાદળ નાના નૌકાદળથી શરૂઆત કરીને, આજે અત્યંત સક્ષમ, યુદ્ધ માટે તૈયાર, સંયોજક, ભરોસાપાત્ર અને ભવિષ્યલક્ષી દળ બની ગયું છે. ભારતીય નૌકાદળમાં 130થી વધુ સરફેસ યુદ્ધ જહાજોનો સમાવેશ થાય છે. વધુમાં, 67 યુદ્ધ જહાજો હાલમાં નિર્માણાધીન છે. ભારતીય નૌકાદળના વિકાસમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભરતા’ મુખ્ય પરિબળ રહ્યા છે અને નિર્માણાધીન 67 યુદ્ધ જહાજોમાંથી 65 જહાજોનું ભારતીય શિપયાર્ડ્સમાં નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
એક જાણીતું તથ્ય એ છે કે, સુરત શહેર 16મીથી 18મી સદી સુધી ભારત અને અન્ય ઘણા દેશો વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપારનું જોડાણ રહ્યું હતું. આ શહેર જહાજ નિર્માણ પ્રવૃત્તિઓ માટેનું એક વિકસતું કેન્દ્ર પણ હતું અને આ સમયગાળા દરમિયાન સુરતમાં બાંધવામાં આવેલા જહાજો ખાસ કરીને તેની લાંબી આવરદા માટે જાણીતા હતા કારણ કે કેટલાક જહાજો 100 વર્ષથી વધુ સમય સુધી સેવામાં કાર્યરત રહેતા હતા. એક સમુદ્રી પરંપરા અને નૌકાદળના રિવાજ મુજબ ભારતીય નૌકાદળના ઘણા જહાજોનું નામ આપણા દેશના અગ્રણી શહેરોના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેથી ભારતીય નૌકાદળને સુરત શહેરના નામ પરથી નવીનતમ અને ટેકનોલોજીની રીતે સૌથી અદ્યતન ‘સુરત’ નામનું યુદ્ધ જહાજ મળ્યું હોવાનું ખૂબ જ ગૌરવ છે. ગુજરાતના કોઇ શહેરના નામ પરથી આ પ્રથમ યુદ્ધ જહાજ બનાવવામાં આવ્યું છે અને પ્રથમ વખત જ એવું બન્યું છે કે યુદ્ધ જહાજનું નામ જે શહેર પરથી રાખવામાં આવ્યું હોય તે શહેરમાં જ તેના પ્રતીકના અનાવરણનો સમારંભ યોજવામાં આવી રહ્યો છે.
પ્રતીક અનાવરણ સમારંભનું આયોજન વેસ્ટર્ન નેવલ કમાન્ડના નેવલ એરિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આજે 06 નવેમ્બર 23ના રોજ સાંજે સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે આ કાર્યક્રમ યોજાશે.