જ્યાં સુધી લોકો તન અને મનથી સ્વસ્થ અને મજબૂત નહિ હોય ત્યાં સુધી સ્વરાજ એક સ્વપ્ન બની રહેશે… આવા ઉમદા વિચાર સાથે ચિકિત્સા શિક્ષણના સંગઠનમાં યોગદાન આપનાર તેમજ જાદવપુર ટી.બી. હૉસ્પિટલ, ચિતરંજન સેવાસદન, કમલા નહેરુ મેમોરિયલ હૉસ્પિટલ, વિક્ટોરિયા કોલેજ અને ચિતરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર…
ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન “ભારત રત્ન” થી સન્માનિત ડૉક્ટર શ્રી બિધાનચંદ્ર રોય પ્રખ્યાત ભારતીય ચિકિત્સક, શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક, સ્વાતંત્ર્યસેનાની અને રાજનેતા અને પશ્ચિમ બંગાળના દ્વિતીય મુખ્યમંત્રી હતા. પ્રતિષ્ઠિત શહેરો દુર્ગાપુર, કલ્યાણી, બિધાનનગર, અશોકનગર અને હાબરા ઉપરાંત કેટલીક અતિમહત્ત્વની સંસ્થાઓની સ્થાપનામાં તેમની ભૂમિકાને કારણે તેઓ આધુનિક બંગાળના નિર્માતા તરીકે ઓળખાય છે.
અને,
ભારતમાં દર વર્ષે ૧ જુલાઈને તેમની સ્મૃતિમાં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે મનાવવામાં આવે છે.
ડૉક્ટર… એક એવી વ્યક્તિ કે જેને દવાની તાલીમ આપવામાં આવી છે અને જે બીમાર લોકોની સારવાર કરે છે.
મનુષ્ય-સંવેદનાનો કોઈ સાચો મિત્ર હોય તો તે ડોક્ટર છે. ગરીબ કે સાધન સંપન્ન.. બંને નો એ “દેવદૂત” છે, એને મત કોઈ ન્યાત કે જાતનો ભેદભાવ નથી એને મત બધા જ દર્દીઓ વહાલા છે એનો ધર્મ માત્ર માનવ સેવા ધર્મ છે. દર્દીની સારવારમાં એનું સાચું નિદાન એને મન મહત્તમ છે, વિધાતાની સામે તે હંમેશાં ઝઝૂમતો રહે છે. કોઈક વાર નાસીપાસ થઈ જાય તો તે પહેલા એના જ્ઞાન તેમજ સારવારનું પૃથ્થકરણ કરતો રહે છે.
પ્રસવમાં શિશુનો સફળ જન્મ એના આનંદનું એક આહલાદક પાસું છે દર્દીનું મૃત્યુ એને મન એની હાર છે. વિજયના આનંદ કરતા હારનો આક્રંદ એને હંમેશા સતાવતો રહે છે. આમ ડોક્ટર એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ જીવનને વધુ સારી રીતે જીવી શકાય એવી શીખ આપવાની એક પદ્ધતિ છે.
તમે જ્યારે આ મદમસ્ત તરબતર વરસાદી સાંજે તમારી પ્રિય વ્યક્તિ સાથે મકાઈ ની જ્યાફત લેતા હોવ છો ત્યારે…
તમે જ્યારે મિત્રો સાથે હાસ્ય ની છોળો વચ્ચે ચા ની ચૂસકી સાથે જિંદગી ની લિજ્જત લેતા હોવ છો ત્યારે…
તમે જ્યારે ભારત પાકિસ્તાન ની ક્રિકેટ મેચ ની ઉત્તેજના ભરી ક્ષણો માં ગળાડૂબ હોવ છો ત્યારે…
તમે જ્યારે મલ્ટિપ્લેક્સ માં ફેમિલી સાથે પોપકોર્ન મમળાવતા મૂવી નો આનંદ લેતા હોવ છો ત્યારે…
તમે તમારા ઘર માં સોફા ઉપર આરામ થી લંબાવી OTT ઉપર વેબ સિરીઝ જોતા હોવ છો ત્યારે…
તમે જયારે દિવાળી ના ઝગમગાટ અને મીઠાઈઓ ના મઘમઘાટ માં કિલ્લોલ કરતા હોવ છો ત્યારે..
તમે જ્યારે ધુળેટી ના તહેવાર માં સપ્તરંગી સપનાઓ માં લથબથ હોવ છો ત્યારે…
તમે જયારે ઉત્તરાયણ ના દિવસે ચટાકેદાર ઉંધીયું માણતા હોવ છો ત્યારે…
… ત્યારે… દૂર એક ક્લીનિક માં કે કોઈ નર્સિંગ હોમ માં કે કોઈ સુસજ્જ આઇસીયુ/ઓપરેશન થિયેટર માં કે પછી દૂર અંતરિયાળ ગામ માં ટાંચા સાધનો સાથે કોઈ ડૉક્ટર પોતાની ટીમ સાથે આ બધી જ ખુશી ની પળો થી અલિપ્ત થઈ, સગવડ અગવડ નો વિચાર કર્યા વગર, પોતાનાં સ્નેહી સ્વજનો થી દૂર અજાણ્યાં વ્યક્તિ ની બિમારી/શારીરિક તકલીફ દૂર કરવા કટોકટી ની ક્ષણો માં ઝઝૂમતો હોય છે કે જેથી તમારા પરિજન નું જીવન ધબકતું રહે.. તમારા ચહેરા ઉપર સ્મિત બની રહે.
Covid 19 ના સમય ચક્ર માં દર્દીઓ નું જીવન બચાવવા અવિરત સંઘર્ષ કરતા અને ફરજ ને નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરવામાં 1400 થી વધુ ડોક્ટર્સ દુનિયા ને અલવિદા કહી ચાલ્યા ગયાં છે.
આજે.. ડોક્ટર્સ ડે નિમિત્તે તમે તમારી સુખાકારી અને તમારાં સારા સ્વાસ્થ્ય માટે વિધાતા સામે બાથ ભીડતા
તમારાં એ ડૉક્ટર ને યાદ કરી એક સરસ સ્માઇલ સાથે thank you કહેવાનું ન ચૂકશો… તમારી આ એક શુભેચ્છા સાથે ફરી તમારા ડૉક્ટર તમારાં સ્વાસ્થ્ય ની સંભાળ રાખવા હર પળ હર ક્ષણ હાજર હશે.
*તા. ક.* : 8/8/1988 … મેડિકલ એડમિશન દિવસ થી આજ દિન સુધી સ્નેહતંતુ થી જોડાયેલ મારાં બે તબીબ મિત્રો, ડૉક્ટર વિમલ મહેતા કે જે ત્રણ દાયકા થી મોટેરા વિસ્તાર માં પોતાના સેવાભાવી હૃદય સાથે ક્લિનિક માં અનેક દર્દીઓ ને ટ્રીટમેન્ટ આપી રહ્યાં છે અને ડૉક્ટર મિતેષ શાહ, જેઓ પણ ત્રણ દાયકા થી ઈસનપુર માં પોતાના ક્લિનિક માં સ્મિત સભર ચહેરા સાથે અનેક દર્દીઓ ને સેવા આપી રહ્યાં છે…. આ બંને જીગરજાન ડૉક્ટર મિત્રો ને આજે ડૉક્ટર ડે ઉપર શુભેચ્છાઓ પાઠવું છું.
અસ્તુ.
ડૉ. કાનન ત્રિવેદી.
6 thoughts on “1 જુલાઈ… ડોક્ટર્સ ડે. (ડૉક્ટર બિધાનચંદ્ર રોય સ્મૃતિ દિન) – ડૉ. કાનન ત્રિવેદી.”