કૃષ્ણપ્રિયા રાધાજીની પ્રાકટ્યભૂમિ બરસાનાથી ૯૨૫મી રામકથાનો શુભારંભ

 

કૃષ્ણ રસરૂપ છે,રાધા ધારા છે.

રાધા રસરૂપી કૃષ્ણની પરમધારા છે.

 

બામ ભાગ સોભતિ અનુકૂલા,

આદિ સક્તિ છબિનિધિ જગમૂલા.

આદિસક્તિ જેહિ જગ ઉપજાયા;

સોઉં અવતરિહિ મોરિ યહ માયા

-બાલકાંડ

ભગવાન કૃષ્ણની પ્રાણપ્રિયા,દિવ્યતત્વ રાધાની દિવ્ય પ્રાગટ્યભૂમિ બરસાનાની રાધાવિહારી ઈસ્ટર કોલેજમાંથી રામકથાના પ્રથમ દિવસે આ બીજ પંક્તિઓથી આરંભ કર્યો.આ કથાનાં મુખ્ય મનોરથી સલુજા પરિવાર છે.

પ્રારંભે શ્રી રાધા રાણીની પ્રકાશમયી,પ્રેરણાદાઈ, પરિણામ અને પ્રમાણદાયી પવિત્ર ભૂમિમાં ૨૪ વર્ષ પછી કથાનો અવસર મળ્યો એની પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ સમસ્ત વ્રજમંડળ-તીર્થભૂમિના તમામ પરમ તત્વો,કે જે રસસિદ્ધ,સ્વરસિદ્ધ,સ્નેહસિદ્ધ મહાપુરુષોથી ભરેલા છે,જેને ક્યારેક મળવાનું સદભાગ્ય મળ્યું છે એને પ્રણામ કર્યા.રામકથા, ભાગવત,દેવીભાગવત,શિવપુરાણ કે અન્ય કથાગાન કૃષ્ણલીલા-આ બધા કથા કરનારા કથાકુળને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે આ બધી જ કથા પછી રાધા સમજાય છે.

નિંમ્બાર્કાચાર્યની પરંપરા કે જે આદિનારાયણ ભગવાન વિષ્ણુના વિગ્રહો-શંખ,ચક્ર,ગદા,પદ્મમાંથી સુદર્શનચક્ર નો અવતાર ગણાય છે તેણે એક સ્તોત્ર રાધાષ્ટક લખ્યું.એના એક૦એક શ્લોકને લઇને સંવાદ કરીશું.રાધા તત્વ અકથનીય છે,નિતાંત અવર્ણનીય છે.રાધા તત્વ અશબ્દ હોવા છતાં માત્ર આંખોથી રોવાનું તત્વ છે.આદિ,અનાદિ,પરાશક્તિ,પરમતત્વ રાધા છે.જેના જીવનમાં યોગ પણ છે,વિયોગ પણ છે હું એટલું જ સમજું છું કે ભગવાન શ્રીકૃષ્ણ રસ છે અને આપણે બધા જ જાણીએ છીએ કે અહીં આ ભૂમિ ઉપર જેણે જેણે જ્ઞાનની વાતો કરી એ બધા પસ્તાયા છે.આને તર્ક ના સમજતા.અહીં તર્ક કામમાં આવતો નથી.વિષ્ણુના ચરણ કમળને બ્રહ્માએ પ્રક્ષાલન કર્યું એ ગંગાજી ચરણમાં,કમંડળમાં,શિવના મસ્તક ઉપર રહી હોત તો ત્રિલોકને પાવન ન કરી શકત.પણ ધારા રૂપે વહી એટલે ત્રિલોક પાવન થયું છે.રાધા એ ધારા છે.કૃષ્ણ રસરૂપ છે.રાધા ધારા છે રાધા રસરૂપી કૃષ્ણની પરમધારા છે.અહીં આવતા આવતા રાધાનો આ રસ વરસી ગયો છે.એને માત્ર મહેસુસ કરી શકાય છે પણ અંદરથી બિલકુલ ખાલી હોય તો.આપણું કાળજુ સાવ કોરું હોય તો સદગુરુ એમાં સહી કરે છે.શુકદેવજી પણ રાધા શબ્દ આવતા જ સમાધિસ્થ થઈ જાય છે.વર્ષો પહેલા સેંજળમાં રાધા ઉપર કથા કરેલી છે.અહીંયા બંને પંક્તિ બાલકાંડમાં શિવ અવતારના કારણની કથા કહે છે એ વખતે મનુ-શતરૂપાના કઠિન તપ પછી આદિ શક્તિ પ્રગટ થાય છે અને એ વામ ભાગમાં બિરાજમાન થાય છે. વામભાગ નો મતલબ છે ઉલ્ટા બેસવું.પણ અહીં એ પ્રતિકૂળ બનવાને બદલે રાધા તત્વ અનુકૂળ છે એવું તુલસીદાસજી આ પંક્તિઓમાં લખે છે.

 

 

 

 

 

 

 

કથા વિશેષ:

નિમ્બાર્કાચાર્ય રચિત રાધાષ્ટક સ્તોત્રનો પહેલો મંત્ર:

નમસ્તે શ્રિયૈ રાધિકાયૈ પરાયૈ નમસ્તે નમસ્તે મુકુન્દપ્રિયાયૈ;

સદાનંદરુપે પ્રસીદત્વમન્ત: પ્રકાશે સ્ફુરન્તિ મકુન્દેન સાર્ધમ

બરસાના-રાધા-કૃષ્ણનો પ્રેમત્રિકોણ

રાધા,કૃષ્ણ,મથુરા અને બરસાના હિંદુ પૌરાણિક કથાઓમાં ગૂંથણીઓમાં વણાયેલા છે.મુખ્યત્વે ભગવાન કૃષ્ણના જીવન અને સમયની આસપાસની વાર્તાઓ અહીં વિકસી છે:

કૃષ્ણ: ભગવાન કૃષ્ણ એ હિંદુ ધર્મમાં એક કેન્દ્રિય વ્યક્તિત્વ છે,જેને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. તેને અહીં ઘણીવાર વાંસળી વગાડતા દર્શાવવામાં આવે છે અને તે પ્રેમ, દિવ્યતા અને રમતિયાળતા સાથે સંકળાયેલ છે.

મથુરા: મથુરા એ ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ છે. તે હિન્દુઓ માટેનું મુખ્ય તીર્થસ્થાન છે અને કૃષ્ણને સમર્પિત મંદિરોથી ભરેલું છે.કૃષ્ણના પ્રારંભિક જીવનની ઘણી વાર્તાઓમાં આ શહેર મુખ્ય ભૂમિકા ભજવે છે.

રાધા: રાધાને સર્વોચ્ચ દેવી અને ભગવાન કૃષ્ણની શાશ્વત સંગિની તરીકે દર્શાવવામાં આવી છે. ભાગવત પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ ન હોવા છતાં,રાધાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ,આત્માની તીવ્ર ઝંખના અને પરમાત્મા સાથે બંધન કરવાની ઈચ્છાનું પ્રતીક છે.તેમની પ્રેમકથા હિંદુ ધર્મમાં સૌથી વધુ ઉજવાતી એક છે,જે વ્યક્તિગત આત્મા અને પરમાત્મા વચ્ચેના અંતિમ બંધનનું પ્રતિનિધિત્વ કરે છે.

બરસાના: બરસાના એ રાધાનું જન્મસ્થળ છે. તે મથુરાની નજીક આવેલું છે.બરસાના તેની લઠમાર હોળીની ઉજવણી માટે પ્રખ્યાત છે,જે રાધા,કૃષ્ણ અને ગોપીઓ (દૂધની દાસી) વચ્ચેના રમતિયાળ ક્રિયાપ્રતિક્રિયાની યાદમાં બનાવે છે.આ તહેવાર દરમિયાન, બરસાનાની સ્ત્રીઓ રમતિયાળ રીતે પડોશી શહેર નંદગાંવ (જ્યાં કૃષ્ણ મોટા થયા)નાં પુરુષોને લાકડીઓથી ફટકારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *