એક જ તત્વ રાધા-ધાત્રિ,શિવા,સાવિત્રિ અને લક્ષ્મીરૂપે છે.
બરસાનાથી પ્રવાહિત રામકથાના બીજા દિવસે શારદીય નવરાત્રીનાં પ્રથમ નોરતે શક્તિ આરાધનાનાં દિવસોમાં બધાને વધાઈ અને શુભકામના સાથે બાપુએ બ્રહ્મવૈવત્સ્યપુરાણમાંથી એક શ્લોક જે રાધા તત્વ વિશે કહે છે:
ત્વં ચ લક્ષમી શિવા ધાત્રિ સાવિત્રિ ચ
પૃથક-પૃથક ગોકુલે ચ સ્વયંરાધા રાસે તું રાસેશ્વરી
નૈમિષારણ્યમાં ભગવાન મનુ-શરૂપાને દર્શન આપે એ વખતે વામ ભાગમાં સીતારૂપમાં અનુકૂળરૂપથી આદિ શક્તિ બેઠી છે.રામ કહે છે:હે રાજ દંપત્તિ!જ્યારે હું પ્રગટ થઈશ ત્યારે આદ્યશક્તિ મારી માયાનાં રૂપમાં પ્રગટ થશે,જે સીતાના રૂપમાં છે.અહીં આ રાધા છે, આજે નવરાત્રી શરૂ થઈ રહી છે,ત્યારે આ બધાને એક સાથે કેમ જોડીશું?અવઢવમાં હતો.પરંતુ મને આ મંત્ર મળ્યો છે.આ શાસ્ત્ર પ્રમાણ છે.એક જ તત્વ બધા જ રૂપમાં છે.એક જ પરાશક્તિ ક્યારેક લક્ષ્મી, એ જ શિવા(પાર્વતી)એ જ દુર્ગા,એ જ ધાત્રી(બ્રહ્માણી-વિધાત્રી)છે. તું જ સાવિત્રી.અલગ અલગ રૂપમાં,અલગ-અલગ ભૂમિ-રંગભૂમિમાં છે. રાષ્ટ્રસંત ટુકડોજી મહારાજ કહે છે:
હર દેશ મેં તું હર બેશ મેં તું,તેરે રૂપ અનેક તું એક હી હૈ;
તેરે રંગભૂમિ યે વિશ્વ ભરા,હર ખેલ મેં તું હર મેલ મેં તું;
સાગર સે ઉઠા બાદલ બનકર,બાદલ સે તૂટા બરસા બનકર;
કભી નહર કભી નદીયાં ગહેરી.
ક્યારેક બ્રહ્મલોક,ક્યારેક ક્ષિરસિંધુ,ક્યારેક બરસાના, તો ક્યારેક કૈલાશમાં એ જ તત્વ.ટુકડોજી કહે છે ગુરુ કૃપાથી રાજ ખૂલ્યું તો એ પણ ખબર પડી કે તું અને હું એક જ છીએ! એ જ શિવા,એ જ જાનકી,એ જ રાધે તત્વ છે.
વ્યાસપીઠથી શાસ્ત્ર સહમત વાત થવી જોઈએ અને ક્યારેક એ ન મળે તો એક બીજું શાસ્ત્ર છે:સાધુનું શાસ્ત્ર.શાસ્ત્ર કહે છે કે પાંચ તત્વ પર ક્યારેય શંકા ન કરવી:એક-ગંગા ગાયત્રી અને ગીતા:આ મંત્ર,ગ્રંથ અને પ્રવાહની પવિત્રતા ઉપર શંકા ન કરવી.
બે-રામ,કૃષ્ણ,શિવ જેવા પરમતત્વના સામર્થ્ય પર શંકા ન કરવી.
ત્રણ-વહુ,બેટી અને મા ના રૂપમાં અનસુયાના દાયિત્વ પર ક્યારે શંકા ન કરવી.
ચાર-મિત્રની મિત્રતા પર-મૈત્રી પર શંકા ન કરવી.
પાંચ-સાધુના ચારિત્ર્ય પર ક્યારેય શંકા ન કરવી.
જેને ફળ જોઈએ છે એ ફળાહારી છે અને જેને બ્રહ્મ જોઈએ છે એ અન્નાહારી છે,કારણ કે અન્ન જ બ્રહ્મ છે.
ભગવાન શ્રીકૃષ્ણ રાધારાણીના પ્રેમની કસોટી કરવા માટે એક વાર સખીનું રૂપ લઈ બરસાનામાં આવી અને રાધાને મળે છે કહે છે કે તું જેને માની બેઠી છે કે કૃષ્ણ ખૂબ જ પ્રેમ કરે છે એ તારો ભ્રમ છે.જેમ તારી સાથે બોલે છે એમ બીજા ગોપ-ગોપીઓ સાથે પણ એ બોલે છે.તારી સાથે ગાય છે અને નૃત્ય કરે છે એમ અનેક સાથે એ ગાય છે અને નૃત્ય કરે છે.એ બધાની સાથે હસે છે-મુસ્કુરાય છે.ત્યારે રાધા જવાબ આપે છે કે આજે પાકું થઈ ગયું કે એ મને જેટલો પ્રેમ કરે છે એટલો કોઈને નથી કરતો કારણ કે મારો અને એનો પ્રેમ પ્રગટ ન થઈ જાય એ માટે એ બધાની સામે મુસ્કુરાય છે.
મહાપ્રભુજીએ લખ્યું છે કે સ્વભાવ પર વિજય મેળવવો હોય તો યમુનાષ્ટકનો પાઠ કરો.કદાચ સ્વભાવ નહીં પણ સુધરે તો તમારા સ્વભાવને સહન કરનાર અને સ્વિકાર કરનાર મળી જશે.કૃષ્ણના ચરણારવિંદમાં રસવૃદ્ધિ માટે યમુનાજી યમુનાષ્ટકનું કહે છે.અહીં રંગભૂમિ અલગ-અલગ છે રાધાના રસની ધારામાં કોઈ એકાદ ટીપુ મળી જાય,અહીં બરસાનાની અંદર ત્રણ વસ્તુ સ્પર્શે છે:એક-રાધાનું ગર્ભકુલ:જે પવિત્ર છે.મા કીર્તિ,પિતાજી વૃષભાન, ભાઈ શ્રીદામ.બીજું-ગૃહકૂલ:પારિવારિક કૂળ. ક્યારેક સારી ચેતના સારા કૂળમાં પ્રગટે પણ પરિવાર સારો ન મળે,જેમ કે પ્રહલાદ અનેક કઠોર દાંતની વચ્ચે માસુમિયત એણે જીવંત રાખી હતી.ત્રીજુ-ગુરુકુળ- આચાર્યકૂળ:રાધાની આસપાસનું પરિસર અને એ છે ગોકુળ.યશોદામાતા ગોકુળમાં કહેતી કે આટલી ગાયો છે દૂધ દહીં બધું જ લેવા આવો પણ પાત્ર લેતા આવજો.ત્યારે બરસાનામાં રાધા પાત્ર પ્રદાન કરે છે. જાણે કે આપણને પાત્રતા આપે છે.રાધાનું ગુરુકુળ ગોકુળ છે.ગો-નો અર્થ છે ઈન્દ્રિયો.આંખો કૃષ્ણને તરસે,જીભ કૃષ્ણનામ લેવા માટે,એમ દરેક ઇન્દ્રિયનું સમજવું.ઉદ્ધવજી આવે છે.કૃષ્ણને,નંદબાબાને, યશોદાને,ગોપ બાળકો,વ્રજાંગનાઓને મળે છે, બુજુર્ગોને બધાને મળે છે અને કહે છે કે રાધાને મળવું છે.રાધાને મેળવી દો.
વો ઇતને દૂર પૈદલ આયા થા;
એક શખ્સ કે પાંવ દબાને કે લિયે.
પણ કૃષ્ણના ગયા પછી રાધા ઘરમાં નથી રહેતી. યમુનાનાં તટ પર ક્યારેક અહીં ક્યારેક ત્યાં અને કદંબની છાયામાં એ પડી ગઈ છે.લલિતા,વિશાખા આદિ સખીઓ એને પંખો નાખે છે,પાછળ રહી ગયેલી એક સખીને સહારે ઉદ્ધવ પાછળ પાછળ આવે છે,રાધાની પાસે પહોંચે છે.શીત ઋતુમાં રાધાનું શરીર એકદમ તપી ગયું છે,આ અવસ્થા આ સ્થિતિમાં જેમ બકવાસ ઉપડે એમ રાધાની અવસ્થા છે.રાધા એની સખીઓને કહે છે કે મારું અને ગોવિંદનું મળવું અશક્ય છે.પણ સાંભળ્યું છે કે આ સ્થિતિમાં જો પ્રાણ નીકળી જાય તો આપણો પ્રીતમ જેને યાદ કરીને પ્રાણ ત્યાગ થાય એ આવતા જન્મે ફરી મળે છે!આ જન્મથી તો આ સંભવ નથી પણ એક વસ્તુ મને રોકી રહી છે.શરીરરૂપી મકાનમાંથી મારો પ્રાણ નીકળતો નથી અને એ છે:એક વચન, એ કહીને ગયેલો કે:હું આવીશ.
ઉદ્ધવ ને જોઈને કહે છે અલી આ કોણ છે? આના અવાજમાં કૃષ્ણનો અવાજ દેખાય છે.બુદ્ધિમાન ઉદ્ધવનો છેલ્લો અહંકાર પણ અહીં ખતમ થઈ જાય છે.રાધા ઉપનીષદમાં કહે છે કે આ સંવાદ એણે ન સાંભળવો જેની આંખો સિવાય પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ ન હોય.જેમ યોગની પ્રક્રિયામાં માણસનો વર્ણ બદલે એમ પ્રેમમાર્ગમાં પણ વર્ણ બદલાય છે.