ડભોડા હનુમાનજી મંદિરને સરકારી કરવાની તૈયારી !!
ગાંધીનગરમાં આવેલા સુપ્રસિદ્ધ ડભોડા હનુમાનજી મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. મંદિરના વહીવટને લઈને સંયુક્ત ચેરીટી કમિશનર દ્વારા કરવામાં આવેલાં ઓર્ડરને લઈને વિવાદ સર્જાયો છે અને રાજકીય દબાણને વશ થઈને આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાનો કથિત આક્ષેપ પણ થઈ રહ્યો છે. તો બીજી તરફ કરવામાં આવેલ નવા ઓર્ડરને જોતા ટ્રસ્ટનો વહીવટ હવે આગામી દીવસોમાં સરકાર હસ્તક થશે તેવી ચર્ચાઓ થઇ રહી છે. મંદિરનાં વહીવટને લઇ જુના અને નવા ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલ વિવાદ હજુ શાંત પાડવાનું નામ નથી લેતા. હવે નવા ઓડર્ર બાદ નવા ટ્રસ્ટીઓ આગામી દિવસોમાં હાઇકોર્ટમાં લઇ જશે તેમ લાગી રહ્યું છે.
ડભોડા હનુમાનજી મંદિરમાં સંયુક્ત ચેરિટી કમિશનરે આપેલા ઓર્ડરને લઈને ચકચાર મચી છે. આ મંદિરને શ્રી સરકાર કરવાની તજવીજ હોય તે રીતે સંપૂર્ણ વહીવટ સરકારી અધિકારીઓ અને તેમના જ ચૂંટેલા સભ્ય દ્વારા કરવામાં આવશે તેવો ઓર્ડર સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. ડભોડા હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓનો વિવાદ છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે. સંયુક્ત ચેરીટી કમિશનર દ્વારા કરવામાં આવેલા હુકમ પ્રમાણે ટ્રસ્ટના વહીવટ, સંચાલન, વ્યવસ્થા, કામગીરી મામલતદારના માર્ગદર્શન નિરીક્ષણ અને દોરવણી હેઠળ કરવાની રહેશે. જે તે સમયે નિમાયેલા ટ્રસ્ટીઓ હીરાભાઈ જીવાભાઇ પટેલ, દિલીપભાઈ વિષ્ણુભાઈ પટેલ, બળદેવજી માસંગજી પરમાર તથા રાજુભાઈ રમણલાલ ગજ્જર દ્વારા હવે વહીવટ કરવાનો રહેશે. તેમ જ મેનેજર કર્મચારીની નિમણૂંકની જોગવાઈ પણ કરવાની રહેશે. આ ઉપરાંત નાણાંકીય કામગીરીઓ, હિસાબી સાહિત્ય જાળવવાની સાથે સાથે તેના આધારો, રસીદો, બિલ, પાવતી, પહોંચ, સહિતની તમામ વસ્તુઓને સાચવીને રાખવી પડશે. દર ૧૫ દિવસે ટ્રસ્ટ કાર્યાલયના નોટિસ બોર્ડ ઉપર વહીવટ કામગીરીની સમરી એટલે કે ટૂંક નોંધ વિગતો સાથે જાહેર જનતા તથા ટ્રસ્ટના લાભાર્થીઓને જાણ થાય તે મુજબ પ્રસિદ્ધ કરવાની રહેશે. આ ઉપરાંત તમામ બેંક અને નાણાંકીય વ્યવહારો એકાઉન્ટ પેઈ પદ્ધતિથી નિભાવવાના રહેશે. દર 15 દિવસે કામગીરીનો અહેવાલ આધારપ્રતોની સાથે ટ્રસ્ટની નોંધણી કચેરીના નિરીક્ષક હિસાબની સમક્ષ તથા ડભોડા તલાટી કમ મંત્રી સમક્ષ રજૂ કરવાના રહેશે.
સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા કરવામાં આવેલા આ ઓર્ડર બાદ મંદિર સરકાર હસ્તક કરવાની તજવીજ કરવામાં આવી રહી હોવાની ચર્ચા પણ એરણે છે, ત્યારે આ મામલે હવે ટ્રસ્ટીઓ હાઇકોર્ટના દ્વાર ખટખટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
ડભોડા હનુમાન મંદિર જે ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યું છે તે ટ્રસ્ટને લઈને છેલ્લા ઘણા વખતથી વિવાદ છેડાયેલો છે. સમિતિના સભ્યોની મુદત બાકી હોવા છતાં નવી સમિતિ દ્વારા ટ્રસ્ટનો વહીવટ કરવામાં આવતો હતો જેને લઈને વારંવાર ચેરેટી કમિશનરમાં ફરિયાદો થતી હતી. સ્થિતિ વચ્ચે તાજેતરમાં સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા જૂની સમિતિ અને તેના સભ્યોને ટ્રસ્ટમાં યથાવત રાખીને વહીવટ કરવા હુકમ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ચેરિટી કમિશનર દ્વારા જૂની સમિતિ દ્વારા હવે જે ટ્રસ્ટ કાર્યરત થવાનું છે તેના વહીવટ ઉપર દેખરેખ રાખવા માટે અને હિસાબોનું મોનિટરિંગ કરવા માટે સ્થાનિક તલાટી, ચેરિટી કમિશનરના હિસાબનીશ તથા ગાંધીનગર મામલતદારને સુચના આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા ખર્ચા અને નિભાવવામાં આવતા આવક જાવક ના સરવૈયા પણ સમયાંતરે મામલતદારને બતાવવા પડશે.
– TEJ GUJARATI EXCLUSIVE | ગુજરાતી