ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને પ્રતિમાની ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ થયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશનું ગૌરવ કંગના રાણાવત
રાજપીપલા, તા.17
પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવતે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. પ્રતિમાના પ્રદર્શની વિસ્તારની મુલાકાત લઈને સરદાર સાહેબે કરેલા સ્વતંત્રતા ચળવળ અને ભારતના એકત્રિકરણ માટેના પ્રયાસો વિશે પણ માહિતી મેળવી અને ઈતિહાસને પણ નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મિત્ર ઝુબીન ગમીર દ્વારા એકતાનગરના સતત થઈ રહેલા વિકાસની માહિતી પણ આપવામાં આવી હતી.
નોંધપોથીમાં પોતાના પ્રતિભાવો નોંધતા કંગના રાણાવતે નોંધી પોતાની મુલાકાતનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ અભિનેત્રી કંગના રાણાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે લોખંડી પુરૂષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ છે અને મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને સેલ્યુટ કરવાનો મને મોકો મળ્યો.
અભિનેત્રી કંગના રાણાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણી, સ્વચ્છતા અને સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળને અભિનંદન પાઠવ્યા હતા.
આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લાના કલેક્ટર શ્વેતા તેવટિયાએ કંગના રાણાવતને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતીક અને સોવેનિયર પુસ્તિકા સંપૂટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.
સમગ્ર મુલાકાત દરમ્યાન નાયબ કલેક્ટર અભિષેક સિન્હા સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા