માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે.

ભજનના ભોગે કોઈ પ્રવૃત્તિ ન થવી જોઈએ.
સાધુ,શ્રદ્ધા અને પ્રેમ ગુણાતિત હોવા જોઈએ.
કબીર આશ્રમ મોરબીથી પ્રવાહિત રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા રાષ્ટ્રપ્રીતિ,રાષ્ટ્રનીતિ માટે એક મહત્વનો કાર્યક્રમ જાહેર થયેલો.આજે સવારે સ્વચ્છતા અભિયાન હતું અને એ કાર્યક્રમ અંતર્ગત તલગાજરડી વ્યાસપીઠ હંમેશ પહેલ કરતી આવી છે.આજે બાપુએ કથાના સમયને સહેજ આડા-અવળો કરીને હાથમાં સાવરણો લઈ અને સંતો,મહંતો અને રાજનેતાઓને સાથે રાખીને દિલથી મનથી કબીર આશ્રમમાં પોણો કલાક સુધી સફાઈ અભિયાન અને શ્રમદાન કર્યું.
એ પછી કથા આરંભ કરતા બાપુએ જણાવ્યું કે અહીં બીજપંક્તિ રૂપે બે દોહા લીધેલા છે.એક દોહામાં ત્રણ વસ્તુ કહી છે:એક માનસ એટલે હિમાલયનું માનસરોવર,બીજું આપણા ઘરમાં,ઘટમાં રહેલી માનસપોથી અને ત્રીજું માનસ એટલે હૃદય આ ત્રણેયને સમજવામાં આપણને અગમતા પડે છે. તેને સમજવા માટે શ્રદ્ધા,સાધુનો સંગ અને પરમાત્મા તરફનો પ્રેમ જરૂરી છે.માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે.
રાજસિ શ્રદ્ધા એને કહેવાય જેમાં શ્રદ્ધા તો હોય,પણ ડોલી જતી હોય,ક્યારેક અહીં,ક્યારેક ત્યાં.રજોગુણ સ્થિર ન થવા દે.સાત્વિક શ્રદ્ધાને તુલસીજીએ ગાયનું રૂપ આપ્યું છે.ગામડામાં ઘણી ગાય એવી હોય છે પ્લાસ્ટિક ખાય,ન ખાવા જેવી વસ્તુમાં પણ માથું મારે.માણસના જીવનમાં આટલી વસ્તુ એક હોવી જોઈએ:પંથ એક હોવો જોઈએ.ઘણા લોકો કબીર પંથે ચાલે છે.એ માર્ગ પકડ્યા પછી કોઈ બીજાના માર્ગની નિંદા નથી કરતા.ઘણી શ્રદ્ધા તમોગુણી હોય છે.આવી શ્રદ્ધાને કારણે લોકો લડતા હોય છે.અમુક ગાયો દીવાલમાં શિંગડુ ઠોક્યા જ કરે છે.દિવાલ એની સુરક્ષા માટે છે.છતાં અકારણ શીંગડા મારે છે.  કબીર સાહેબે એવા જ એક કાળે નિદાન કરેલું અને ખુલ્લીને સમાજમાં આવેલા.તંત્રની સાધના કરનારા પણ ક્યારેક તામસી ઉપાસક દેખાય છે.સાત્વિક શ્રદ્ધા એ રૂપાળી ગાય છે.આપણને ગમે છતાંય અંતે આપણે ત્રણેય ગુણોની શ્રદ્ધાથી બહાર નીકળવું રહ્યું.જેને ગુણાતિત શ્રદ્ધા કહે છે.એ શ્રદ્ધા જેનામાં નથી એના માટે માનસ અગમ છે.જેમ યાત્રા કરીએ તો ભાથું જોઈએ.સારો સંગાથ જોઈએ. સાધુનો સંગ જરૂરી.સાધુની અનેક વ્યાખ્યાઓ થઈ છે.રામ પણ વ્યાખ્યા કરતા થાકી ગયા.અરણ્યકાંડની સમાપ્તિમાં એક છંદ વખતે રામ કહે છે કે સાધુના જેટલા લક્ષણો છે એને સરસ્વતી અને શેષનારાયણ પણ વર્ણન ન કરી શકે.સાધુમાં પણ રજોગુણ હોય છે,આ આલોચના નથી.ભજન ચૂકી જાય એટલી પ્રવૃત્તિ કરે.ભજનના ભોગે કોઈ પ્રવૃત્તિ ન થવી જોઈએ.આજે આ સ્વચ્છતા કાર્યક્રમ કર્યો પણ મારો મૂળ કાર્યક્રમ તો માનસનું ગાન છે હું સમાજની આંતર બાહ્ય સ્વચ્છતા જન્મોથી કરતો આવ્યો છું.સાધુ ભજન કરે એ જ સમાજની મોટી સેવા છે.  ઘણા સાધુ અત્યંત સાત્વિક,સૌમ્ય,શાંત હોય છે.જે માણસ શાંત હોય એના વર્ણમાં ફેર પડે છે એમ યોગશાસ્ત્ર કહે છે. ઘણા સાધુ તમોગુણી હોય છે,વાંધાઓમાં જિંદગી કાઢી નાખે છે.પણ ગુણાતિત સાધુ જરૂરી છે.ગુણનો એક અર્થ થાય છે દોરડું-.રાશ.આપણને ગુણાતિત સાધુનો સંગ જરૂરી છે.તો માનસ સુગમ પડે છે.
તુલસીજી કહે છે પ્રભુ તરફનો પ્રેમ પણ ગુણાતિત હોવો જોઈએ આથી સાધુ શ્રદ્ધા અને પ્રેમ ગુણાતીત હોવા જોઈએ.જેનું ચિત્ સમાન છે.ચિત્તના બે લક્ષણો કહ્ય છે:સરળ ચિત્ અને સમાન ચિત્ત.બધા જ એને છેતરી જાય પણ એમાં સાધુને કંઈ ગુમાવવાનું ન હોય.એટલી નિર્દોષતા કે સ્વાભાવિક નિર્દોષ બ્રહ્મને પણ ઈર્ષા થાય.રામાયણમાં લખ્યું છે જે વિરોધ કરે એની ઘરે જાવું નહીં.પણ સમાન ચિત્ત સાધુ વિરોધીના ઘરે પણ ઉભો રહે છે,એ સમય આવ્યે જ સમજાશે.
કથા પ્રવાહમાં હનુમંત વંદનામાં શરીરમાં પંચપ્રાણ:વ્યાન,ઉદાન,અપાન,સમાન વગેરે હોય છે જે સમ હોવા જોઈએ.રામચરિત માનસમાં સીતા, લક્ષ્મણ,રીંછ-વાંદરાઓ,સુગ્રીવ અને ભરત-આ પાંચેયના પ્રાણની રક્ષા હનુમાનજીએ કરેલી છે. રામચરિત માનસના પંચપ્રાણના રક્ષક હનુમાનજી છે લોક સાહિત્યકાર કહે છે:
દિ’ વાળે કાં દીકરા,કાં ધોરી કાં ધરા;
કાં તો વણનાં જીંડવાં,નકર ઝાકળિયાં ખરાં
એટલે તલ અથવા તો જે ઝાકળમાં જ પાકી જાય એ ચણા-એવું લોકસાહિત્યકાર દ્વારા કહેવામાં આવે છે.કથા દરમિયાન આવતીકાલે રાષ્ટ્ર જેના જન્મ ઉત્સવ ઉજવે છે એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને આપણા પૂર્વ લોકપ્રિય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસની આગોતરી વધાઈ સૌને બાપુએ વ્યાસપીઠ પરથી આપી.
આજે વ્યાસવંદના કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કથામાં વિશેષ ઉપસ્થિત રહી અને કથા શ્રવણ કર્યું હતું.કથાના અંતે સરલચિત મુખ્યમંત્રીએ પોતાનો ભાવ વ્યક્ત કરી દિવંગતોને શ્રધ્ધાસુમન વ્યક્ત કરી બાપુ પાસે આશીર્વચન લીધા
ભાણદેવજીએ લખેલા ‘મહાભારત’પુસ્તકનું બાપુ અને મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે લોકાર્પણ થયું.
અમૃતબિંદુઓ:
સાધુ શ્રદ્ધા અને પ્રેમ ગુણાતીત હોવા જોઈએ.
શ્રદ્ધા ત્રણ પ્રકારની હોય છે:સાત્વિક,રાજસિ અને તમોગુણી.
વારંવાર ઊઠબેસ કરે એ માણસ રજોગુણી છે.
રજોગુણી શ્રદ્ધા વારંવાર બીજાના પ્રભાવમાં આવે છે
અમુક લોકો,સંગઠનો ગ્રુપો એકબીજા સાથે લડે ત્યાં તામસી શ્રદ્ધા દેખાય છે.
પ્રપંચ,પાખંડ,અંધશ્રદ્ધા સામે,ખોટી વિચારધારા જ્યારે પ્રભાવક બની છે એવા સમયે નિદાન જરૂરી છે.
મહાપ્રભુજીએ કહ્યું કે સેવાના ફળને રોકે એમાં બાધક બને એવી ત્રણ વસ્તુ છે:ચિંતા,જીવપણું ઈશ્વરપણું અને ભોગની ઈચ્છા.

3 thoughts on “માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે.

  1. Hmm is anyone else having problems with the pictures on this blog loading?
    I’m trying to determine if its a problem on my
    end or if it’s the blog. Any feedback would
    be greatly appreciated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *