નવરાત્રિની કથા બરસાનામાં અને ૩૦ ડીસેમ્બરથી લોકભારતી(સણોસરા)ખાતે ચોપાઇઓ ગૂંજશે
છઠ્ઠા દિવસની કથા પ્રારંભે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે પોતાનો ભાવ રાખ્યો.
બાપુએ બે પ્રસન્નતાઓને વ્યાસપીઠ ઉપરથી મુખર કરી:આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતે જગતગુરુ આદિશંકરાચાર્યજીની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થઈ રહ્યું છે.પરમાત્માનંદજીનો આગ્રહ હતો પરંતુ કથાના કારણે ત્યાં ન જઈ શકાયું બાપુએ કહ્યું કે મારી પ્રસન્નતા સાથે સનાતન ધર્મની જે આત્મા છે,માત્ર પ્રતિમા નહીં પણ સનાતન ધર્મની અખંડ પ્રતિભા છે એવા શંકરાચાર્યજીની પ્રતિમા પર ખૂબ જ પ્રભુ પ્રાર્થના સાથે વધાઈ
સાથે-સાથે આજે સનાતન ધર્મની જાગૃતિ અને સેવા માટે ગિરનાર તળેટી ખાતે શેરનાથ બાપુ સાથે અનેક સંતો,સાધુ મહંતોનું એક મોટું સંમેલન થઈ રહ્યું છે એ બધાના ચરણોમાં પ્રણામ સાથે ખૂબ-ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી.
બાપુએ કહ્યું કે મહાકવિ માઘ,ભવભૂતિ,બાણ કે કાલિદાસ કોણે કહ્યું એ યાદ નથી પણ ભારતની વ્યાખ્યા કરતા કહ્યું છે:ભારત ભાસ્કર છે.આ ગેલેક્સીનો ભારત સૂર્ય છે.ઓશો પણ કહે છે કે પચાસ હજાર કરતાં વધારે પૃથ્વી છે. ભારત પોતાની રીતે જ સૂર્યનો પરિચય આપે છે.ભા-શબ્દનો એક અર્થ ભાનું અને ભાસ્કર પણ થઈ શકે.
ભા-ભાનુ ભાસ્કર ર-રવિ ત-તરિણી-આ રીતે ભારત શબ્દનો અર્થ એ ભાસ્કર એટલે કે સૂર્ય છે. મહાભારત સનાતન શબ્દકોશ છે,જ્ઞાનકોશ છે,ભાવકોષ છે,વૈરાગ્યકોષ છે અને મહાભારત ત્યાગકોષ છે.આપણે ત્યાં ત્રણ ભરત-જેના નામ પરથી ભારત દેશ છે-મહાભારતમાં શકુંતલાનો ભરત માનસનો ભરત અને ભાગવતનો ભરત. શકુંતલાના ભરતે સિંહનાં દાંત ગણેલા જેથી એને હું શૌર્ય ભરત અને એ ઉપરથી આપણો દેશ શૌર્ય ભારત છે.એ અદભુત ભરત છે.માનસનો ભરત અનુભૂત ભરત છે જે પ્રેમમૂર્તિ છે બાપુએ કહ્યું કે ભારતના રક્ષામંત્રી રાજનાથજીએ વાત કરેલી કે આપણી મોટામાં મોટી સબમરીન-વિક્રાંતમાં આપણા સૈનિકોને સાથે આપ ક્યારેક કથા કરો.બાપુએ કહ્યું કે કથા થાય ન થાય પણ આ ભાવનું પણ હું સન્માન કરું છું. રામચરિતમાનસમાં તુલસીદાસજી બડભાગી શબ્દ સાથે વિશેષણો જોડે છે. લક્ષ્મણ બડભાગી છે કારણ કે રામના ચરણારવિંદના અનુરાગી છે. અહીં બડભાગી,અતિબડભાગી,અતિશય બડભાગી,પરમ બડભાગી તેવા શબ્દ મળે છે પરંતુ ભરતને આમાંથી એક પણ વિશેષણ મળતું નથી.કદાચ તુલસીજી કહે છે કે ભરત માટે મારી પાસે કોઈ શબ્દ નથી. મહાભારતનો ભરત અદભુત છે,માનસનો ભરત અનુભૂત છે,ભાગવતનો ભરત અવધૂત છે. ભારત પ્રભાવમાં સૂર્ય સ્વભાવમાં ચંદ્ર છે. ભારત પીડિતો અને આશ્રિતોની છાયા છે.
જબ હક્કકે સાથ ખડે હી નહીં હુએ;
હુજરે(કુટિયા)મેં હો કે મુજરે મેં હો ક્યા ફરક પડતા હૈ!
-નવાજ દેવબંદી
સત્યની સાથે આપ ઉભા જ ન થયા તો આપ તમારી ઝૂંપડીમાં હોવ કે મુજરામાં કોઈ ફરક પડતો નથી. બાપુએ સાથે-સાથે એ પણ બતાવ્યું કે આ નવરાત્રીમાં કદાચ બરસાનામાં કથાનું ગાન કરીશું કારણ કે કોઈને કોઈ માતૃશક્તિના સ્થાનમાં નવરાત્રીની કથા થતી હોય છે.અને એ જ રીતે ૩૦ ડિસેમ્બરથી લોકભારતી(સણોસરા)ખાતે હર્ષાબા ગોહિલ જેના મનોરથી છે એવી કથા પણ નક્કી કરવામાં આવી છે.
શિવ વિવાહ પછી રામજનમના વિવિધ હેતુઓની સંવાદી ચર્ચા કરી અને રામજન્મનું ગાયન તથા સમગ્ર બ્રહ્માંડ અને વિશ્વને રામજન્મની વધાઈ સાથે આજની કથા અને વિરામ અપાયો.
Box*
અમૃત સત્ય:
હનુમાનજી કેમ સુગ્રીવની સેવા કરતા દેખાય છે? બાપુએ જણાવ્યું કે ગેરસમજ ફેલાવાઇ રહી છે કે હનુમાનજી તો સુગ્રીવની સેનામાં હતા તો એની સેવા કેમ કરે છે?જેણે ક્યારેય રામાયણનો સ્પર્શ કર્યો નથી અનેક રામાયણમાંથી એક પણ રામાયણ જોયું નથી, પૂર્વગ્રહને કારણે મોરારીબાપુની નિંદા જ કરી છે અને જેના નસીબમાં મોરારીબાપુની ટીકા અને પૂર્વગ્રહ જ આવ્યો છે એને શું ખબર કે સુગ્રીવ કોણ છે? અધિકારી વક્તા પાસે રામાયણ સાંભળ્યું હોય તો સમજ પડે.સુગ્રીવ સૂર્યસુવન,સૂર્યનો પુત્ર,સૂર્ય સુત છે. જ્યારે હનુમાનજી વિદ્યા પ્રાપ્ત કરવા માટે સૂર્યને ગુરુ બનાવવાની વાત કરે છે ત્યારે સૂર્ય કહે છે કે હું કર્મવાદી છું નિરંતર ચાલતો રહું છું.હનુમાનજી કહે હું પણ આપની ગતિથી ચાલીશ.પરંતુ જ્ઞાન માટે સન્મુખ થવું પડે.હનુમાનજીએ કહ્યું કે હું આપની સન્મુખ રહી અને પાછલા પગે આપની ગતિ કરતા પણ બમણી ગતિથી સતત ચાલીશ.અને નિર્ણય થયો હનુમાનજીને જ્ઞાન સૂર્ય પોતાના કાર્યની સાથે-સાથે આપતા ગયા.એ પછી ગુરુદક્ષિણાની વાત આવી ત્યારે કહેવામાં આવ્યું કે મારો પુત્ર સુગ્રીવ તેની મદદ કરવા માટે,રક્ષા કરવા માટે નિરંતર એની સાથે રહેજો એ જ મારી ગુરુદક્ષિણા.આપણે ત્યાં ગુરુપુત્ર,ગુરુ પત્નીને પણ ગુરુની સમાન સમજવામાં આવે છે. અને ગુરુદક્ષિણાના રૂપમાં હનુમાનજી સુગ્રીવની સાથે રહે છે,સુગ્રીવની મદદ કરે છે અને કહે છે કે એક વખત સૂર્યોના પણ સૂર્ય,રામ સાથે પણ એનું મિલન કરાવીશ- રામ મિલાય રાજ પદ દિન્હા-
બાપુએ કહ્યું કે પારણામાં સુતેલા બાળકની નિંદા ન કરવી જોઈએ એને ખબર નથી કે સુગ્રીવ કોણ છે. વાલી ઇન્દ્રાંશ છે.રામાવતારમાં સૂર્યાંશની મદદ કરી અને ઇન્દ્રાંશને ભગવાન દંડ આપે છે.એ જ રામ કૃષ્ણાવતારમાં સુર્યાંશ કર્ણને મહાભારતના યુદ્ધમાં મરાવી નાખે છે અને ઇન્દ્રાંશની સહાય કરે છે આ ઈશ્વરની લીલા છે.