લીલા ગાઉં છું,ધામમાં જાઉં છું,રૂપ પીઉં છું પણ નિષ્ઠા માત્ર નામમાં છે:મોરારિબાપુ.

 

વર્ષોથી એક નિષ્ઠા બાંધી છે એ કોઈની વાણીથી સ્ખલિત ન થઈ જાય એનું ધ્યાન રાખજો.

 

રામકથાના પાંચમા દિવસે કાશીના એક પંડિત પાંડેજીએ જિજ્ઞાસા કરી હતી કે બાપુ આપને નિષ્ઠા શેમાં છે?

એ પહેલા બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે ભારત દેશ નવી સંસદમાં પ્રવેશ કરી રહ્યો એની વધાઈ અને સ્વાગત.સાથે સાથે નવસદનમાં માતૃશક્તિની વંદનાથી શરૂઆત થઈ અને નિર્ણય થયો એનું પણ ખૂબ જ સ્વાગત છે.એક સાધુના નાતે,વ્યાસપીઠનાં નાતે વધાઈ અને શુભકામના આપી રહ્યો છું એવું બાપુએ જણાવ્યું.

બાપુને પૂછવામાં આવ્યું કે આપને નિષ્ઠા શેમાં છે? બાપુએ કહ્યું કે નિષ્ઠા તો વ્યક્તિગત છે.શુકદેવજી કહે છે મારી નિષ્ઠા નિર્ગુણમાં છે.કૃષ્ણની છબીમાં ડૂબી ગયો છતાં પણ નિર્ગુણ બ્રહ્મમાં મારી નિષ્ઠા છે આમ છતાં વ્યક્તિગત વાત હું સાર્વજનિક કરું તો મારી નિષ્ઠા માત્ર હરિનામમાં,રામનામમાં, કેવળ નામમાં છે. રૂપનો સ્વાદ લઈ શકું છું.રૂપ માધુરી આનંદ આપે છે,સ્વાદ આપે છે.નેત્રદોષ આપણી બાધા પણ બને છે. કોઈ બુદ્ધત્વ પ્રાપ્ત સદગુરુનું રૂપ કોને પ્રિય ન હોય! પરંતુ આ છબી પણ ક્યારેક અને ક્યારેક આંખથી ઓઝલ થઈ જશે.રૂપામૃત ન પીવે એ અભાગિયો કહેવાય છતાં પણ લીલા ગાઉં છું ગાતો રહીશ.જ્યારે પણ અવસર મળે વારાણસી, અયોધ્યા,વૃંદાવન જાઉં છું. કૈલાશ તો મારું અવિનાશી ધામ છે છતાં પણ નિષ્ઠા નામમાં છે.લીલા ગાઉં છું,ધામમાં જાઉં છું,રૂપ પીઉં છું પણ નિષ્ઠા માત્ર નામમાં છે. આકૃતિ સોનાની હોય પણ વૃત્તિ પણ સોનાની હોવી જોઈએ.લંકા સોનાની છે એના પીલોર આકૃતિ સોનાની છે પણ એની નિષ્ઠા કથિરની છે. વિકારને બધી જ અનુકૂળતાઓ મળે,તમામ વ્યવસ્થા હોવા છતાં પણ વૃત્તિમાં સ્ખલન ન થાય તે જ ધીરપુરુષ એવું કુમારસંભવ માં લખાયું છે. આચાર્ય ચરણ જ્યારે મહાપ્રભુજી સાથે ચૈતન્ય ચરિત્રામૃત ગ્રંથમાં સંવાદ કરે છે એ વખતે કહે છે કે કૃષ્ણ નામના ઘણા જ અર્થ કાઢીને મહા પ્રભુજીની સામે કહ્યું ત્યારે મહાપ્રભુજી કહે છે કે નહીં,મને તો યશોદાનંદનમાં નામનિષ્ઠા છે.કૃષ્ણના અનંત નામ છે. પણ મારા માટે નંદનંદન,યશોદાનંદન,વ્રજનંદન જ એકનિષ્ઠ છે.મારી બુદ્ધિમાં અન્યાશ્રય ન થઈ જાય. મારે માત્ર ગોવિંદ અને ગોપાલ જોઈએ.

હું પણ કહું છું કે બધાને સાંભળો,વાડાબંધીનો હું માણસ નથી છતાં પણ મારી વ્યાસપીઠે આટલા વર્ષથી આપને જે નિષ્ઠા આપી છે તે હલી ન જાય તેનું ધ્યાન રાખજો.હંસવૃત્તિ હોય તો કોઈ વાંધો નથી સાર સાર ગ્રહણ કરી શકાય પરંતુ વાગ્ ભટ્ટ-વાણીનો પ્રભાવ જે દ્વગ ભટ્ટ-આંસુના પ્રભાવને પણ ઓળંગી જાય.વર્ષોથી એક નિષ્ઠા બાંધી છે એ કોઈની વાણીથી સ્ખલિત ન થઈ જાય એનું ધ્યાન રાખજો.

બંદઉ નામ રામ રઘુ વરકો

હેતુ કૃષાનુ ભાનુ હિમ કર કો.

ક્યાંક એકનિષ્ઠ થઈ જાઓ,ખૂબ જ ભટક્યા છો. તમારા ખેતરમાં ચોપાઈઓ અને બધું ગાઇને હળ ચલાવું છું અને પછી અવસર આવે એમાં રામ નામના બીજ વાવું છું.બુદ્ધપુરૂષ કિસાની કરતો હોય છે.નામ વગર રૂપ નથી આવી શકતું.નામથી જ લીલાના પ્રસંગ જીવંત બને છે.નામ એકોતેર પેઢીને તારે છે. અને નામથી જ આપણે ધામમાં પહોંચી જતા હોઈએ છીએ.સનાતન ધર્મ સ્વયં અમૃત છે.ભગવત ગીતામાં અર્જુન કૃષ્ણને કહે છે ત્યારે એક સનાતન શબ્દનો પ્રયોગ કરે છે અને કહે છે અક્ષર આપ એવાં છો,પરમાત્મા જે ક્યારેક ક્ષર નથી થતા.બાપુએ કહ્યું કે અમુક શબ્દ બોલવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. કારણ કે પૂર્ણાવતાર કૃષ્ણ સિવાય અન્ય લોકો એનો ખોટી જગ્યાએ ઉપયોગ કરે છે.અર્જુન કૃષ્ણને કહે છે કે તમે જ પરમ ધારક,તમે જ નિધાન છો, પરમાત્માના પૂર્ણાવતાર માટે જ આ શબ્દ છે,બીજા કોઈ માટે નથી.કોઈ ખોટો અર્થ ન લગાવે.મૂળ રૂપમાં અહીં કોઈ નથી આવ્યું,કોઈ મેસેન્જર બનીને,કોઈ પયગામ લઈ પેગંબર બનીને,કોઈ દીકરો બનીને આવ્યું છે.સનાતન ધર્મની એ વિશેષતા છે કે સ્વયં પરમાત્મા સનાતન ધર્મ લઈને આવ્યા છે. વિભૂતિ- અર્જુન,વિભુ-કૃષ્ણને ઓળખી ગયો છે.ગીતાનો આટલો ટુકડો સનાતનના પરિચયમાં પૂરતો છે.

 

અમૃત સનાતન

શું છે સનાતન?

બાપુએ કહ્યું કે જ્યારે સનાતન ધર્મ ઉપર કેવા-કેવા વિચારો,કેવા વક્તવ્યો અને કેવી-કેવી ક્રિયાઓ ચાલી રહી છે ત્યારે આચાર્યચરણનું આ એક વક્તવ્ય પ્રાસંગિક લાગે છે.શું છે સનાતન? સનાતન પરમાત્માએ,સનાતન જીવોના,સનાતન દુઃખોની,સનાતન નિવૃત્તિ માટે,સનાતન વેદોમાં, જે સનાતન ઉપાયોનું,સનાતન સંકલન કરીને જે સનાતન સંહિતા આપી એનું નામ જ સનાતન ધર્મ છે.

અહીં નવ વખત સનાતન શબ્દ આવ્યો છે.સંસ્કૃતનાં શ્લોકમાં ઉતરે તો ખૂબ સારું લાગે.

સત્ય સનાતન છે.

પ્રેમ સનાતન છે.

કરુણા સનાતન છે.

જે શાશ્વત છે એ જ સનાતન છે.

રામ,કૃષ્ણ,શિવ,દુર્ગા,હનુમાન,

ગણેશ સનાતન છે.

એટલે જ સનાતન અમૃત છે,જે જીવાડે છે મારતું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *